પાકિસ્તાન : નવાઝ શરીફના માતાના મૃત્યુ પર નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠીમાં શું લખ્યું?

પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ અનુસાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફનાં માતાનાં નિધન પર શોક જાહેર કરીને તેમને એક પત્ર લખ્યો છે.

અહેવાલ અનુસાર નવેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને એક પત્ર લખ્યો હતો, જેમાં 22 નવેમ્બરના રોજ તેમના માતાનાં મૃત્યુ પર "ઊંડી સહાનુભૂતિ" વ્યક્ત કરવામાં કરવામાં આવી હતી.

ગુરુવારે ડૉન અખબારે જે અહેવાલ છાપ્યો છે તે અનુસાર ઇસ્લામાબાદમાં આવેલ ભારતીય ઉચ્ચ આયોગે આ પત્ર નવાઝ શરીફના દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (પીએમએલ -એન)નાં ઉપપ્રમુખ મરિયમ નવાઝને મોકલી આપ્યો છે અને તેમને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ આ પત્ર વિશે તેમના પિતાને જાણાવે.

આ પત્ર 27 નવેમ્બરના રોજ લખવામાં આવ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરીફના માતાનાં નિધન પર "ઊંડી સહાનુભૂતિ" વ્યક્ત કરી હતી.

મોદીએ નવાઝની માતા સાથેની મુલાકાતને યાદ કરી

પીએમએમ-એન દ્વારા ગુરુવારે આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મોદીએ લખ્યું છે, "પ્રિય મિંયા સાહેબ, 22 નવેમ્બરના રોજ લંડનમાં તમારા માતા બેગમ શમીમ અખ્તરનાં નિધન વિશે સાંભળીને મને ઘણું દુઃખ થયું છે. આ દુઃખના સમયમાં મારી સહાનુભૂતિ તમારી સાથે છે."

2015માં પોતાની લાહોર યાત્રા દરમિયાન નવાઝ શરીફની માતા સાથે થયેલ મુલાકાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કરી અને જણાવ્યું, "તેમની સાદગી અને હૂંફ ખરેખર હૃદયસ્પર્શી હતી."

સાથે તેમણે લખ્યું, "આ દુઃખના સમયમાં, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને અને તમારા પરિવારને આ ન ભરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે."

ડૉન અખબારના અહેવાલ અનુસાર 11 ડિસેમ્બરના રોજ મરિયમને લાહોરસ્થિત તેમનાં ઘરે મોકલવામાં આવેલ એક બીજા પત્રમાં ભારતીય અધિકારી ગૌરવ અહલૂવાલિયાએ વિનંતી કરી છે કે તેઓ લંડનમાં રહેતા નવાઝ શરીફ સુધી આ શોકસંદેશ પહોંચાડે.

ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના ઘણાં કેસ ચાલી રહ્યા છે. હૃદય અને ઇમ્યુન સિસ્ટમ સાથે સંકળાયેલ બીમારીઓની સારવાર માટે લાહોર હાઈકોર્ટ દ્વારા તેમને 4 અઠવાડિયા માટે વિદેશ જવાની પરવાનગી આપવામાં આવી હતી, જે બાદ તેઓ ત્રણ નવેમ્બરથી લંડનમાં છે.

નવાઝ શરીફના માતા બેગમ શમીમ અખ્તર 22 નવેમ્બરનાં રોજ લંડનમાં મૃત્યુ પામ્યાં હતાં. તેમનાં મૃતહેદને પાકિસ્તાન લાવવામાં આવ્યો હતો અને લાહોરના જાતિ ઉમરામાં આવેલ તેમનાં પૈતૃક ગામમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

ડિસેમ્બર 2015માં અફઘાનિસ્તાનથી આવતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓચિંતા પાકિસ્તાન જઈને બધાને ચોંકાવી દીધા હતા. નવાઝ શરીફ તેમને લેવા માટે ગયા હતા અને બંને નેતા લાહોર ઍરપોર્ટથી એક હેલિકૉપ્ટરમાં બેસીને રાયવિંડ પહોંચ્યા હતા.

જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શરીફની પૌત્રીનાં લગ્નમાં હાજરી આપી હતી. અહીં થોડાં સમય સુધી રોકાયા બાદ દિલ્હી જતા પહેલાં તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન સાથે એક મિટિંગ કરી હતી.

એક દાયકા કરતાં વધુ સમયની અંદર કોઈ પણ ભારતીય વડા પ્રધાનનો આ પ્રથમ પાકિસ્તાન પ્રવાસ હતો.

ફરી સંબંધો બગડી ગયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ત્યારે બગડી ગયા જ્યારે 2016માં પઠાણકોટ વાયુસેના મથકમાં આતંકવાદી હુમલો થયો.

આ હુમલા માટે ભારતે પાકિસ્તાનસ્થિત એક સંગઠનને જવાબદાર ઠેરવ્યું.

જે બાદ ઉરીમાં ભારતીય સૈન્યના કેમ્પ પર હુમલો અને બાદમાં બીજાં હુમલાઓના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસી ગયા.

5 ઑગસ્ટ 2019ના રોજ ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું, જે બાદ બંને દેશોના સંબંધો વધારે બગડી ગયા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો