BBC 100 Women 2020 : અનાથાલયમાં મોટા થઈને વડાં પ્રધાન બનનાર મહિલા સના મરિનની કહાણી

બીબીસીએ 2020 માટે સમગ્ર વિશ્વનાં 100 પ્રેરક અને પ્રતિભાશાળી મહિલાઓની યાદી તૈયાર કરી છે.

આ વર્ષે પસંદ કરાયેલાં આ 100 મહિલાઓની સૂચી વિશેષપણે એ લોકોને દર્શાવે છે જેમણે અશાંત સમય દરમિયાન નેતૃત્વ કરવાની સાથે પરિવર્તન લાવી રહ્યાં છે. લિસ્ટમાં ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મરીનનું પણ નામ સામેલ છે.

બધાની નજર ફિનલૅન્ડનાં વડાં પ્રધાન અને મહિલાઓનું નેતૃત્વવાળા ગઠબંધનના પ્રથમ કાર્યકાળ પર છે. કોરોના વાઇરસ દરમિયાન શાંત અને નિર્ણાયક નેતૃત્વ દર્શાવવા માટે આ સરકારની પ્રશંસા કરાઈ છે.

પરંતુ, લૈંગિક લઘુમતિ સમૂહોનું કહેવું છે આ સરકારની અપરંપરાગત પૃષ્ઠભૂમિથી શું ખરેખર 'પછાત' કાયદાઓમાં ફેરફાર કરવામાં મદદ મળશે ખરી.

વડા પ્રધાન કાર્યાલયથી 200 મીટરના અંતરે સ્થિત હાઉસ એસ્ટેટ્સમાં વડાં પ્રધાન સના મરીન સરકારની ખાસી મહત્ત્વપૂર્ણ સમાનતા યોજના અંગે એક બેઠકની અધ્યક્ષતા કરવાનાં છે.

તેઓ પોતાના હનીમૂનથી પાછાં ફર્યાના એક અઠવાડિયામાં જ કામે લાગી ગયાં છે. આ વર્ષે જ ઑગસ્ટ માસમાં મહામારી દરમિયાન તેમણે લગ્ન કર્યાં.

તેમનાં લગ્ન વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હતી. તેમ છતાં તેમણે એક નાનકડો બ્રેક લીધો અને એક ગુપ્ત જગ્યાએ હનીમૂન માટે ગયાં. તેમને બે વર્ષની એક દીકરી પણ છે.

તેમના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના લગ્નના ફોટો જોવા મળ્યા. જે ઘણા માટે આશ્ચર્યચકિત કરી દેનારી બાબત હતી. તેમની સાથે તેમના પતિ માર્કસ રેકોનેન પણ તે ફોટોમાં હતા. માર્કસ એક પૂર્વ ફૂટબૉલ ખેલાડી છે અને 16 વર્ષથી બંને એકસાથે છે.

આ તસવીર મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર ઘણી શૅર કરાઈ હતી. આ પહેલાં સના મરીને દીકરીને સ્તનપાન કરાવતી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.

યુવા પેઢીનું નેતૃત્વ

ડઝનો રિપોર્ટરો ફિનલૅન્ડના હાઉસ ઑફ એસ્ટેટ્સ બહાર તેમની રાહ જોઈ રહ્યા છે, જ્યાં ગઠબંધન સરકારની બેઠકો થાય છે.

સના મરીન જણાવે છે કે, “તેમને મારે શું કહેવું છે તે હું પહેલાંથી વિચારીને નથી આવી. તેઓ મને કંઈ પણ પૂછી શકે છે અને હું પ્રામાણિકતાથી તેના જવાબ આપીશ.”

બની શકે કે આ અઠવાડિયે તેમના અંગત જીવન વિશે ઘણા પ્રશ્નો કરવામાં આવે.

તેઓ દૃઢતાપૂર્વક જવાબ આપે છે, “ના, તેઓ મુદ્દાઓ વિશે જાણવા માગે છે. અહીં ઘણું બધું ચાલી રહ્યું છે. બની શકે કે તેઓ અંતે આને લગતા કેટલાક પ્રશ્નો કરે.”

કેટલાક રિપોર્ટરોએ માસ્ક પહેર્યા છે અને કેટલાકના હાથમાં લાંબાં માઇક છે. સના મરીન તેમની સામે આવે છે ત્યારે તે બધા સાવધાન થઈ જાય છે.

તેઓ બેઠકમાં પહોંચનારાં પ્રથમ નેતાં હતાં. તેઓ એ બાબતે સાચાં હતાં કે ફિનલૅંડનાં મીડિયા તેમની સાથે મુદ્દા પર વાત કરશે.

ચાર કલાક પછી બેઠક ખતમ થઈ ત્યારે તેઓ ફરીથી મીડિયા સમક્ષ આવ્યાં. તેઓ બેઠકમાંથી બહાર આવનાર અંતિમ નેતા હતાં.

સના મરીનની પ્રથમ વાઇરલ તસવીર લગભગ 200 દિવસ પહેલાં લેવાઈ હતી. જ્યારે ડિસેમ્બર 2019માં તેમના કાર્યકાળનો પ્રથમ દિવસ હતો.

એ તસવીરમાં ફિનલૅન્ડનાં નવાં અને સૌથી યુવાન વડાં પ્રધાન 34 વર્ષીય સના મરીન સસ્મિત જોઈ શકાય છે. તેમની સાથે તેમની સરકારના અન્ય નેતા પણ હાજર હતા.

તેઓ તમામ મહિલા હતાં. જ્યારે આ તસવીર જારી કરવામાં આવી ત્યારે પાંચ પાર્ટીઓનાં માત્ર એક નેતા 34 વર્ષ કરતાં વધુ વયનાં હતાં.

પોતાના કૅબિનટે સાથે પોડિયમ પર ઊભા રહીને તેમણે ફોટોગ્રાફરોના સમૂહોને કહ્યું કે તેઓ યુવાન પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ સ્વાગત કરે છે. આ વિશ્વને એ દેખાડવાની તક છે કે “અમે ફિનલૅન્ડવાસી કોણ છીએ.”

આ સંદેશો એ તમામ સુધી પહોંચ્યો જેઓ પારંપરિક રાજકારણથી બહાર છે.

ગિટારિસ્ટ ટૉમ મોરેલોએ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર સના મરીન પોતાના અને તેમની ગઠબંધન સરકારનાં સાથી મહિલાઓની એક તસવીર શૅર કરીને તેમને પોતાના રૉક બૅંડ ‘રેજ અગેંસ્ટ ધ મશીન’ના ફૅન ગણાવ્યાં હતાં. તેમણે આ પોસ્ટને લાઇક કરીને તેની ઘણા અર્થમાં પુષ્ટિ કરી હતી.

ત્યારે કંઈક આ પ્રકારના શીર્ષક લખાયાં હતાં.

“ફિનલૅન્ડમાં મહિલાવાદ વયસ્ક થઈ ચૂક્યો છે.”

“ફિનલૅન્ડની સંસદ: લૈંગિક સમાનતા માટે અગ્રણી”

“મહિલાઓનું શાસન: જેની આપણે રાહ જોઈ રહ્યા હતા.”

ફિનલૅન્ડ અને લૈંગિક સમાનતા

વર્ષ 1906માં ફિનલૅન્ડ વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો જ્યાં મહિલાઓને પૂર્ણ મતદાન અને સંસદીય અધિકાર અપાયા. આ એક એવી ઉપલબ્ધિ હતી જે ઘણા પશ્ચિમી દેશોએ દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ પણ હાંસલ નહોતી કરી.

તેના બીજા જ વર્ષે 19 મહિલાઓ સંસદમાં ચૂંટાઈ આવી. વર્ષ 2000 ફિનલૅન્ડમાં ટારયા હલોનેન પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ચૂંટાયાં. ત્યાર બાદ વર્ષ 2003માં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે અનેલી યટેનમકીને ચૂંટવામાં આવ્યાં.

ત્યાર બાદ 2019માં સના મરીનને તેમની સેંટર-લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટીએ વધુ એક મહિલા વડાં પ્રધાન બનાવ્યાં. તેમણે પૂર્વ વડાં પ્રધાન અંટી રિનેની જગ્યા લીધી, જેમને પોસ્ટલ સ્ટ્રાઇક સામે બાથ ભીડવાને લઈને ટીકાને કારણે પદ પરથી હઠવું પડ્યું હતું.

સના મરીન બીબીસીના 2020નાં સૌથી પ્રેરણાદાયક અને પ્રભાવશાળી મહિલાઓ પૈકી એક છે.

કોવિડ-19 સામે લડત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રણ મહિના બાદ 11 માર્ચના રોજ કોવિડ-19ની મહામારી અંગે જાહેરાત કરી હતી. પરંતુ સના મરીનની કૅબિનેટ વાઇરસના આગમન સાથે જ તૈયાર થઈ ગઈ હતી.

16 માર્ચ સુધી ફિનલૅન્ડ ન માત્ર લૉકડાઉન હતુ પરંતુ ત્યાં ઇમરજન્સી પાવર્સ ઍક્ટને લઈન પણ હંગામો થવા લાગ્યો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન છેલ્લી વખત ઉપયોગમાં લેવાયેલ આ કાયદો સરકારને મજૂરીને વિનયમિત કરવાની તાકાત આપે છે.

આ પગલાની મીડિયામાં ઘણી ટીકા થઈ પરંતુ પોલ્સમાં લોકોએ તેનું સમર્થન કર્યું.

ફિનલૅન્ડના લોકોને સ્પષ્ટપણે સૂચિત કરાયા હતા કે સંભવ હોય ત્યાં સુધી તેઓ ઘરમાં જ રહે. હળવાં લક્ષણવાળી વ્યક્તિને પણ ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહિત કરાયા.

લૅબોરેટરી, ડૉક્ટરો અને ક્લિનિકો વચ્ચે સંતુલન જાળવવા માટે નિયમિતપણે ઑનલાઇન બેઠકો શરૂ થઈ.

સના મરીન અને તેમની ટોચની ચાર કૅબિનેટ સહયોગી દર અઠવાડિયે કોરોના વાઇરસને લઈને મીડિયા અને સામાન્ય જનતાને જાણકારી આપતાં અને તેમના પ્રશ્નોના જવાબ આપતાં. જે પૈકી એક પર બાળકોના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી હતી.

તાઇવાન, જર્મની અને ન્યૂઝીલૅન્ડના પ્રમુખો સમકક્ષ તેમની પ્રશંસા કરાઈ. કેટલાક લોકોએ એ પણ પ્રશ્ન કર્યા કે શું મહિલા નેતાઓ સંકટની સ્થિતિ સારી રીતે સંભાળે છે.

‘આપણે શીખવા પર ધ્યાન આપવાનું છે’

સના મરીન બીબીસીને જણાવે છે, “ઘણા દેશોમાં પુરુષોના નેતૃત્વમાં સારી કામગીરી થઈ છે. તેથી મને નથી લાગતું કે આ બાબત લૈંગિક છે. મને લાગે છે કે આપણે સારું પ્રદર્શન કરનાર દેશો પાસેથી શીખવાની વાત પર ધ્યાન આપવું જોઈએ.”

55 લાખની વસતીવાળ ફિનલૅન્ડમાં માત્ર 370 મૃત્યુ થયાં છે. જેનો દર પ્રતિ દસ લાખની વસતીએ 60 મૃત્યુનો છે.

બ્રિટનમાં આના કરતાં 10 ગણાં મૃત્યુ થયાં છે.

સના મરીન જણાવે છે કે, “મને લાગે છે કે ફિનલૅન્ડમાં જે આપણે શીખ્યું, તે એ છે કે સંપૂર્ણ જાણકારીના ઉપયોગ માટે વૈજ્ઞાનિકોની વાત સાંભળવી અને અનિશ્ચિતતાની સ્થિતિમાં કઠોર નિર્ણય લેવાનું કામ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.”

“આપણે ત્યાં વિશ્વાસ પર આધારિત સમાજ છે. લોકો સરકાર પર ભરોસો કરે છે, તેઓ લોકતાંત્રિક આદેશ પર ભરોસો કરે છે.”

ઇમરજન્સી ઍક્ટના પ્રતિબંધો જૂનમાં નક્કી કરેલ મર્યાદા પહેલાં જ હઠાવી લેવાયા. પરંતુ ગઠબંધન સરકારને વધુ એક ફટકો ત્યારે પડ્યો જ્યારે ઉપ વડાં પ્રધાન અને સેન્ટર પાર્ટી લીડર કટ્રી કૂલમૂનીને એક ગોટાળાના આરોપસર રાજીનામું આપવું પડ્યું. તેઓ સના મરીની કૅબિનેટમાં 33 વર્ષનાં સૌથી યુવાન નેતા હતાં. સપ્ટેમ્બરમાં તેમના સ્થાને અન્ય મહિલાને લઈ લેવાયાં.

ગઠબંધનમાં અસહમતી

બહારથી આ ગઠબંધનમાં એકતા ભલે દેખાતી હોય પરંતુ તેમાં પણ કેટલીક અંગત અસહમતીઓ છે.

શિક્ષણમં6 અને લેફ્ટ ગઠબંધનાં નેતા 33 વર્ષનાં લી એન્ડરસન જણાવે છે કે, “કોઈ પણ પાર્ટી આને પોતાની મનગમતી રીતે નહીં ચલાવી શકે.”

“ઘણી વખત એવા તણાવ હોય છે જેના કારણે બંધબારણે સમજૂતીઓ કરવી પડે છે. મને લાગે છે કે ઘણા લોકોને એવું કહેવાની ટેવ હોય છે કે તમે મહિલા હોવાના કારણે અમુક ખાસ પ્રકારની નીતીઓ બનાવશો કે એ મુદ્દે સહમત થવું તમારા માટે સરળ હશે કારણ કે તમે બધાં મહિલાઓ છો. પરંતુ આ વાત સત્ય નથી.”

રાજનેતા બન્યાં એ પહેલાંની દુ:ખભરી કહાણી

સના મરીને પહેલાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેઓ કૅસેરાંટા (ફિનલૅન્ડમાં વડા પ્રધાન આવાસ)માં પોતાનાં પતિ અને દીકરી સાથે રહેશે.

તેઓ કહે છે કે, “રાજકારણ અને રાજનેતા મને ઘણા દૂર દેખાતા હતા. હું જ્યાં રહેતી હતી તે આ દુનિયાથી ઘણી અલગ દુનિયા હતી.”

તેમણે વર્ષ 2016માં એક ખાનગી બ્લૉગમાં લખ્યું હતું, “ફિનલૅન્ડના અન્ય લોકોની જેમ મારા પરિવારની પણ કહાણી દુ:ખભરી છે.”

સના મરીન ફિનલૅન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત એક નાના શહેર પિરકાલામાં ભણ્યાં અને મોટાં થયાં છે. તેમનો ઉછેર તેમનાં માતા અને તેમના પ્રેમીએ કર્યો. તેમનાં માતા પોતાના દારૂડીયા પતિથી અલગ થઈ ગયાં હતાં. તેઓ પોતાના પરિવારને ‘રેનબો ફૅમિલી’ કહે છે. પરંતુ, તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી.

પોતાનાં માતા બાદ સના મરીન એક અનાથાલયમાં રહ્યાં. ઘણી નાની ઉંમરથી તેઓ રિટેલની નોકરી કરવા લાગ્યાં હતાં જેથી પોતાના પરિવારની મદદ કરી શકે.

એવું નહોતું કે સના મરીનમાં બાળપણથી જ નેતૃત્વક્ષમતા દેખાવા લાગી હતી. પિરકાલા હાઈસ્કૂલમાં તેમની શિક્ષિકા પાસી કર્વિનેન તેમને એક “સરેરાશ વિદ્યાર્થિની” ગણાવે છે. તેમને 15 વર્ષની વયે પોતાના ગ્રેડ્સમાં સુધારો કરવાની સલાહ અપાઈ હતી.

સના મરીનના રાજકારણમાં રૂચિ 20 વર્ષની ઉંમર બાદ પેદા થઈ જ્યારે તેમણે વિચાર્યું કે તેનાથી ન માત્ર પોતાની પરંતુ ઘણા અન્યના જીવનમાં સુધારો લાવવો શક્ય છે.

સના મરીન કહે છે, “મરીન સરકારની સમાનતા યોજના પાછળ આ જ પ્રેરણા છે જેમાં માતા-પિતાની સારસંભાળની જવાબદારી સમાનપણે સંભાળવા માટે પ્રોત્સાહન, ઘરેલુ હિંસા પર કાબૂ મેળવવો, વેતનમાં લૈંગિક અસમાનતા ખતમ કરવી અને ગરીબ અને પ્રવાસી પરિવારોમાંથી આવનારાં બાળકોની શિક્ષણ સુધી પહોંચ માટે સુધારા સંબંધી નીતિઓ સામેલ છે.”

સમલૈંગિક અધિકારો પર મત

સમલૈંગિકો સાથે જોડાયેલા કયાદમાં પણ ફેરફાર કરવાની યોજના છે. વર્તમાનમાં આ કાયદા અનુસાર કાયદેસર લૈંગિક ઓળખ માટે ઘણા વર્ષોની મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગમાંથી પસાર થવાનું હોય છે. જો આવી વ્યક્તિ વંધ્યત્વવાળી ન હોય તો તેમણે નસબંધી કરાવવાની હોય છે.

સના મરીન કહે છે, “બધાને પોતાની ઓળખની પસંદગીનો અધિકાર છે અને આ યોજના આમાં મદદરૂપ થશે.”

શું તેઓ સમલૈંગિક મહિલાઓને મહિલા માને છે?

તેઓ દૃઢપણ કહે છે, “લોકોને ઓળખ આપવાનું કામ મારું નથી. પોતાની જાતને ઓળખ આપવાનું કામ લોકોનું છે. હું તેમના વિશે બોલનાર કોણ હોઈ શકું.”

સંભવ છે કે તેઓ કોઈ સરકારનાં એવાં પ્રથમ પ્રમુખ ચે જેઓ લૈંગિક ઓળખ અંગે સ્પષ્ટપણે પોતાના વિચારો સામે મૂકે છે.

સમલૈંગિક અધિકાર કાર્યકર્તા લાંબા સમયથી આ કાયદામાં ફેરફારની માગ કરી રહ્યા છે. જોકે, હજુ પણ કેટલાક લોકોને એ વાત પર શંકા છે કે સરકાર આ કાયદામાં ફેરફાર કરી શકશે કે કેમ?

ઍક્ટિવિસ્ટ કૅસ્પર કિવિસ્તો જણાવે છે, “પાછલી જે પણ સરકારોએ તેને બદલવાની કોશશ કરી છે તેમને કટ્ટરપંથી તાકાતોના દબાણમાં પીછેહઠ કરવી પડી છે.” કૅસપરે આ મામલે સલાહ આપવા માટે ગઠબંધના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

તેઓ કહે છે કે, “આપણે ત્યાં દેશની સૌથી મહિલા યુવાન પ્રમુખ છે, પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી. કોઈ મોટા ફેરફાર માટે તેમને સમગ્ર સિસ્ટમનું સમર્થન હોવું જરૂરી છે.”

પરંતુ આ વખતે ગઠબંધનની પાંચેય પાર્ટીઓ સુધારાના પક્ષમાં છે અને આ ખરડો આવતા વર્ષે સંસદમાં રજૂ કરાશે.

સના મરીન કહે છે, “ફિનલૅન્ડમાં હંમેશાંથી ગઠબંધનની સરકાર રહી છે. તેથી અમે અલગ-અલગ પક્ષો અને વિચારો વચ્ચે સહમતિ સાધવા માટે સમજૂતી કરવા માટે ટેવાયેલા છીએ. હું આ વાતને મજબૂતી માનું છું પરંતુ આ પરિસ્થિતિને કારણે હંમેશાં ઝડપથી કામ નથી થતું.”

રંગભેદને લઈને ટીકા

બ્લૅક લાઇવ્સ મૅટર્સ અભિયાન દરમિયાન તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ફિનલૅન્ડમાં રહેનારા કેટલાક અશ્વેત લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું કે સરકારની સમાનતા યોજનામાં ઘણી પ્રકારની અસમાનતાઓ વિશે વાત કરાઈ છે પરંતુ રંગભેદના શિકાર લોકોની સમસ્યાઓને તેમાં સ્થાન નથી મળ્યું.

યુરોપિયન પરિષદના 2019ના રિપોર્ટ અનુસાર ફિનલૅન્ડમાં આફ્રિકા મૂળના 63 ટકા લોકોએ સતત રંગભેદી પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. આ દર યુરોપમાં સૌથી વધુ છે.

ફિનલૅન્ડની સંસદમાં હાલ માત્ર એક અશ્વેત મહિલા સાંસદ છે.

ફિનલૅન્ડની ગ્રીન લીગનાં જૂનાં નેતા મરિયા ઓહિસાલો જણાવે છે કે સરકારને સાર્વજનિક જીવનમાં વિવિધતા માટે વધુ કામ કરવું પડશે.

તેઓ કહે છે, “પાંચ શિક્ષિત શ્વેત મહિલાઓ હજુ પણ સંપૂર્ણપણે પ્રતિનિધિત્વ નથી કરતાં. જો આપણે તેમાં ખરા અર્થમાં સમાનતાની વાત કરીઓ તો તે નથી જોવા મળતી.”

સના મરીન કહે છે કે, “ખરેખર આપણી પૃષ્ઠભૂમિ હજુ પણ એ સંભાવનાઓને પ્રભાવિત કરે છે જે આપણા જીવનમાં હાજર છે અને આવું ન થવું જોઈએ.”

તેઓ કહે છે કે આ અસમાનતા દૂર કરવાનું કામ માત્ર તેમનું નથી પરંતુ ફિનલૅન્ડની જનતાનું પણ છે.

તેઓ ભારપૂર્વક કહે છે કે સમાનતા કાર્યક્રમ જ્ઞાતીય લઘુમતિઓની સ્થિતિમાં સુધારો કરવામાં મદદ કરશે.

સના મરીન કહે છે કે, “આપણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે આ કાર્યક્રમને હકીકત કેવી રીતે બનાવી શકાય. વડા પ્રધાન તરીકે આ મારો ધ્યેય છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો