અઝરબૈજાન અને આર્મેનિયા સંઘર્ષનો 29મો દિવસ, ફરી ભીષણ લડાઈ શરૂ

નાગોર્નો-કારાબાખને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે રવિવારે વધુ એક વખત ભીષણ લડાઈ થઈ હતી.

આ પહેલાં બંને દેશોએ એકબીજા પર વિવાદના શાંતિપૂર્ણ સમાધાનમાં રુકાવટ ઊભી કરવાના આરોપો લગાવ્યા હતા.

આર્મેનિયાએ અઝેરી સેના પર નાગરિક વિસ્તારોમાં બૉમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે.

જ્યારે અઝરબૈજાને સામાન્ય લોકોને મારવાના આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે તેઓ સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર છે. આ માટે પહેલાં આર્મેનિયાની સેનાઓએ યુદ્ધસ્થળ છોડીને જવું પડશે.

નાગોર્નો-કારાબાખને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે 27 સપ્ટેમ્બરથી યુદ્ધ ચાલી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિસ્તાર પર અઝરબૈજાનનો કબજો હોવાનું મનાય છે, જોકે અહીં મોટી સંખ્યામાં આર્મેનિયા મૂળના લોકો રહે છે.

અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ બંને દેશોના વિદેશમંત્રી સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત કરી હતી.

એ પછી અઠવાડિયાના અંતે લડાઈ શરૂ થઈ હતી.

આ યુદ્ધમાં બે વખત રશિયાએ મધ્યસ્થી થકી સંઘર્ષવિરામના પ્રયાસો કર્યા છે, જોકે બંને વખત સંઘર્ષવિરામ ટકી શક્યો ન હતો અને ફરી લડાઈ શરૂ થઈ હતી.

નાગોર્નો-કારાબાખના સ્થાનિક અધિકારીઓએ અઝેરી સેના પર આસ્કેરન અને માર્ટુનીના વિસ્તારોમાં વસાહતો પર આર્ટિલરી ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો છે.

જ્યારે અઝરબૈજાનનો આરોપ છે કે તેમની પૉઝિશન્સ પર નાનાં હથિયાર, મોર્ટાર, ટૅન્ક અને હોવિટ્ઝર્સથી હુમલા કરવામાં આવ્યા છે.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે કહ્યું છે, "શાંતિવાર્તાનો પ્રભાવ પડશે એવો મને વિશ્વાસ છે, પણ આ વાત આર્મેનિયાના પક્ષે પણ નિર્ભર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો