પેરિસમાં શિક્ષકનું માથું કાપી હત્યા, રાષ્ટ્રપતિએ કહ્યું 'ઇસ્લામિક આતંકી હુમલો'

ફ્રાંસમાં હુમલો

ઇમેજ સ્રોત, ABDULMONAM EASSA

ફ્રાંસની રાજધાની પેરિસમાં શુક્રવારે એક હુમલાખોરે એક શિક્ષક પર ચાકુથી હુમલો કરીને માથું કાપી નાખવામાં આવ્યું હતું.

પોલીસે હુમલાખોરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો પણ પછી પોલીસે હુમલોખરને ગોળી મારવી પડી હતી.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ એમૅન્યુએલ મૅક્રોએ આ ઘટનાને 'ઇસ્લામિક આતંકી હુમલો' ગણાવી છે.

કહેવાય છે કે આ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂન બતાવ્યાં હતાં, જે ફ્રેંચ પત્રિકા શાર્લી ઍબ્દોએ છાપ્યાં હતાં.

આ હુમલો સ્થાનિક સમય પ્રમાણે સાંજે અંદાજે પાંચ વાગ્યે થયો હતો. આ હુમલાની તપાસ આતંકવિરોધી ટીમના વકીલ કરી રહ્યા છે.

ફ્રાંસના શિક્ષણમંત્રી જ્યાં માઇકલ બ્લૅન્કરે ટ્વીટ કરતાં કહ્યું કે એક શિક્ષકને મારી નાખવા એ સીધેસીધો ફ્રાંસ પર હુમલો છે.

તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતક શિક્ષક અને તેમના પરિવાર સાથે છે. શિક્ષણમંત્રીએ ટ્વીટ કર્યું, "ઇસ્લામિક આતંકવાદને એકતા અને દૃઢતાથી જ જવાબ આપી શકાય."

ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૅન્યુએલ મૅક્રોએ ઘટનાસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને આ મામલે એક 'ક્રાઇસિસ સેન્ટર' પણ બનાવાયું છે.

ફ્રાંસની સંસદમાં મૃત શિક્ષકને પ્રતીકાત્મક શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ફ્રાંસની સંસદે આને 'ક્રૂર આતંકી હુમલો' ગણાવ્યો છે.

કેવી રીતે થયો હુમલો?

પેરીસમાં હુમલો

ઇમેજ સ્રોત, ABDULMONAM EASSA

જાણવા મળે છે એ પ્રમાણે મોટું ચાકુ લઈને એક વ્યક્તિએ શિક્ષક પર હુમલો કર્યો અને તેમનું માથું કાપી દીધું.

આ પછી હુમલાખોર ભાગ્યો પણ સ્થાનિક પોલીસે ઍલર્ટ જાહેર કરી દીધી હતી.

પોલીસ અધિકારીઓએ હુમલાખોરોનો પીછો કર્યો અને એને સરન્ડર કરવા માટે કહ્યું.

જોકે હુમલાખોરે સરન્ડર કરવાને બદલે પોલીસને ધમકી આપી, એ પછી પોલીસે એને ગોળી મારી દીધી અને થોડી જ વારમાં એનું મૃત્યુ થઈ ગયું.

હુમલો થયો હતો એ જગ્યાને હવે સીલ કરી દેવામાં આવી છે અને મામલાની તપાસ કરાઈ રહી છે. પોલીસે એક ટ્વીટ કરીને લોકોને એ વિસ્તારમાં ન જવાની અપીલ કરી હતી.

મૃતક શિક્ષક કોણ હતા

પેરીસ કલાકૃતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેરિસમાં એક જગ્યાએ દિવાલ પર બનાવાયેલી આ કલાકૃતિ શાર્લી ઍબ્દોના માર્યા ગયેલા કર્મચારીઓને સમર્પિત કરાઈ છે.

ફ્રેંચ અખબાર લે મોંદે પ્રમાણે મૃતક શિક્ષક ઇતિહાસ અને ભૂગોળ ભણાવતા હતા. તેમણે વર્ગમાં અભિવ્યક્તિનિ સ્વતંત્રતા અંગે ચર્ચા કરતાં શાર્લી એબ્દોમાં પ્રકાશિત પયંગર મોહમ્મદનાં કાર્ટૂન દેખાડ્યાં હતાં.

ફ્રેંચ મીડિયા પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં જ કેટલાક મુસલમાન વાલીઓએ આ મામલે શિક્ષકની ફરિયાદ કરી હતી.

શિક્ષક પર થયેલા હુમલા બાદ શાર્લી એબ્દોએ ટ્વીટ કર્યું, "અસહિષ્ણુતા નવી હદે પહોંચી ગઈ છે અને એવું લાગે છે કે આપણા દેશમાં આતંક ફેલાવવાથી આને કઈ રોકી નથઈ રહ્યું."

પેરીસમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતાનું કહેવું છે કે જો શિક્ષક પર હુમલા પાછળ કાર્ટૂન દેખાડવાની ઘટનાની પુષ્ટિ થઈ જાય તો ફ્રાંસના લોકો માટે આ આઘાત હશે. તેઓ આને ક્રૂર હુમલો માનશે એટલું જ નહીં, એવું કહેવાશે કે શિક્ષકને વર્ગમાં ભણાવવા બદલ મારી નાખવામાં આવ્યા.મૃતક શિક્ષક કોણ હતા?

શાર્લી ઍબ્દોનાં કાર્ટૂનનો સમગ્ર વિવાદ

ફ્રાંસના સામયિક શાર્લી ઍબ્દોએ પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂનો ફરીથી સપ્ટેમ્બરમાં પ્રકાશિત કર્યાં હતાં, જેને લીધે વર્ષ 2015માં તેમની પર ખતરનાક ઉગ્રવાદી હુમલો કરાયો હતો.

આ કાર્ટૂનોને ત્યારે પુનર્પ્રકાશિત કરાયાં હતાં, જ્યારે એક દિવસ બાદ જ 14 લોકો પર સાત જાન્યુઆરી, 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર હુમલો કરનારાઓને મદદ કરવાના આરોપનો ખટલો શરૂ થવાનો હતો.

એ હુમલામાં સામયિકના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ બાદ પેરિસમાં આ જ સંબંધે કરાયેલા અન્ય એક હુમલામાં પાંચ લોકોનો જીવ લેવાયો હતો.

આ હુમલાઓ બાદ ફ્રાંસમાં ઉગ્રવાદી હુમલાઓનો ક્રમ શરૂ થઈ ગયો હતો.

સામયિકના તાજેતરના જ સંસ્કરણના કવરપેજ પર પયગંબર મોહમ્મદનાં એ 12 કાર્ટૂન છપાયાં હતાં, જે શાર્લી ઍબ્દોમાં પ્રકાશિત થયાં એ પહેલાં ડૅનમાર્કના એક અખબારે છાપ્યાં હતાં.

આમાંથી એક કાર્ટૂનમાં પયગંબરના માથા પર બૉમ્બ બાંધવામાં આવ્યો હતો. એ સાથે જ ફ્રેંચ ભાષામાં લખાયેલી હેડલાઇનનો અર્થ કંઈક આવો હતો - 'એ બધુ આના માટે જ હતું.'શાર્લી ઍબ્દોનાં કાર્ટૂનનો સમગ્ર વિવાદ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો