નવ લાખ કોરોના કેસ વચ્ચે આખા દેશમાં લોકો રસ્તા પર કેમ ઊતર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં સોમવારથી હજારો લોકો સરકારવિરોધી પ્રદર્શનો કરી રહ્યાં છે અને આ પ્રદર્શનો કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે સરકાર સામે કરાઈ રહ્યાં છે.
આ પ્રદર્શનો થયાં ત્યારે એટલે કે સોમવારે કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા આર્જેન્ટિનામાં નવા લાખને આંબી ગઈ હતી.
આર્જેન્ટિનાની સરકાર દ્વારા કોરોના સંક્રમણની સ્થિતિમાં જે રીતે કામગીરી કરાઈ રહી છે, એની સામે લોકોમાં રોષ છે.
બીજી તરફ કોરોનાના કારણે લદાયેલા લૉકડાઉનનું અર્થતંત્ર પર અસરો અને ભ્રષ્ટાચાર અંગે પણ લોકો સરકારથી નારાજ છે.

ઇમેજ સ્રોત, EPA
અહીં જ્યારે કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કોસોમાં વૃદ્ધિ ધીમી ગતિએ થઈ રહી હતી.
જોકે પ્રતિબંધોને હળવા કરી દેવાયા બાદ અહીં કેસોની સંખ્યા ઝડપથી વધી હતી.
અહીં 24 હજાર લોકોનાં કોરોનાના કારણે મૃત્યુ થયાં છે.
સાતમી ઑક્ટોબરે અહીં એક દિવસમાં 16,447 કેસ નોંધાયા હતા, જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ હોવાનું મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ 12 ઑક્ટોબર, સોમવારે અહીં 9,254 કેસ નોંધાયા છે.
સરકારના સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે દેશનાં મોટા શહેરોમાં કેસ વધી રહ્યા છે.

આર્જેન્ટિનામાં વધતા સંક્રમણ વચ્ચે વિરોધ કેમ?

ઇમેજ સ્રોત, Reuters
સોમવારે આર્જેન્ટિનાની રાજધાની સહિત અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પ્રદર્શનો યોજ્યાં હતાં.
જોવા મળ્યું છે કે પ્રદર્શનો યોજવા પાછળ જુદાં-જુદાં કારણો છે. ક્યાંક લોકો ન્યાય પ્રણાલીમાં સુધારાની માગ કરી રહ્યા છે અને ક્યાંક ભ્રષ્ટાચારના કેસોમાં તપાસની માગ ઊઠી રહી છે.
જોકે એક મોટા વર્ગનું કહેવું છે કે તેઓ મહામારીની સ્થિતિમાં સરકારે કરેલી કામગીરીથી સંતુષ્ટ નથી અને વિશેષ કરીને લૉકડાઉનના નિર્ણયના કારણે નારાજ છે.
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન લાદી દેવાના નિર્ણયના કારણે આર્જેન્ટિનાના અર્થતંત્રને માઠી અસર થઈ છે.
દેશની રાજધાની પ્રદર્શનમાં જોડાયેલા કેટલાય વાલીઓએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે શાળાઓને ખોલી દેવામાં આવે.
બીજી તરફ સેવાકીય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મહિનાઓ સુધી ચાલેલા લૉકડાઉને તેમના માટે આર્થિક મુશ્કેલીઓ સર્જી દીધી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














