ફ્રેન્ચ સામયિક શાર્લી ઍબ્દોએ ફરીથી છાપ્યાં પયગંબર મહમદ પર વિવાદિત કાર્ટૂનો

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના સામયિક શાર્લી ઍબ્દોએ પયગંબર મહમદનાં એ કાર્ટૂનો ફરીથી પ્રકાશિત કર્યાં છે, જેને લીધે વર્ષ 2015માં તેના પર ખતરનાક ઉગ્રવાદી હુમલો કરાયો હતો.
આ કાર્ટૂનોને ત્યારે પુનર્પ્રકાશિત કરાયાં છે, જ્યારે એક દિવસ બાદ જ 14 લોકો પર સાત જાન્યુઆરી, 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર હુમલો કરનારાઓને મદદ કરવાના આરોપનો ખટલો શરૂ થવાનો છે.
એ હુમલામાં સામયિકના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ બાદ પેરિસમાં આ જ સંબંધે કરાયેલા અન્ય એક હુમલામાં પાંચ લોકોનો જીવ લેવાયો હતો.
આ હુમલાઓ બાદ ફ્રાન્સમાં ઉગ્રવાદી હુમલાઓનો ક્રમ શરૂ થઈ ગયો હતો.
સામયિકના હાલના જ સંસ્કરણના કવરપેજ પર પયગંબર મહમદનાં એ 12 કાર્ટૂન છપાયાં છે, જેને શાર્લી ઍબ્દોમાં પ્રકાશિત થતાં પહેલાં ડૅનમાર્કના એક અખબારે છાપ્યાં હતાં.
આમાંથી એક કાર્ટૂનમાં પયગંબરના માથા પર બૉમ્બ બાંધવામાં આવ્યો હતો. એ સાથે જ ફ્રેન્ચભાષામાં જે હેડલાઇન લખાયેલી હતી, એનો અર્થ કંઈક આવો હતો - 'એ બધુ જ આના માટે જ હતું. '

સામયિકનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના તંત્રીલેખમાં સામયિકે લખ્યું છે કે વર્ષ 2015ના હુમલા બાદથી જ એને કહેવાતું રહ્યું છે કે તે પયગંબર પર વ્યંગચિત્રો છાપવાનું ચાલુ રાખે.
તંત્રીલેખમાં લખાયું છે, "અમે આવું કરવાથી હંમેશાં ઇન્કાર કર્યો. એવા માટે નહીં કે આના પર પ્રતિબંધ હતો. કાયદો અમને આવું કરવાની પરવાનગી આપે છે. પણ આવું કરવાનું કોઈ સારું કારણ હોવું જોઈતું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એવું કારણ જેનો કોઈ અર્થ સરે અને જેના થકી અમે એક ચર્ચા જન્માવી શકીએ."
"આ કાર્ટૂનોને જાન્યુઆરી 2015ના હુમલાની સુનાવણી શરૂ થતાં પહેલાં છાપવાં અમને યોગ્ય લાગ્યાં."

મુકદ્દમો શું છે?

ઇમેજ સ્રોત, EPA
14 લોકો પર શાર્લી ઍબ્દોના પેરિસ ખાતેના કાર્યાલય પર હુમલો કરનારા લોકો માટે હથિયાર એકઠાં કરવામાં મદદ કરવા ઉપરાંત યહૂદી સુપરમાર્કેટ અને અન્ય એક પોલીસકર્મી પર હુમલો કરવામાં મદદ કરવાનો આરોપ છે.
ત્રણ લોકો પર તેમની ગેરહાજરીતમાં મુકદ્દમો ચલાવાઈ રહ્યો છે. તેઓ સીરિયા કે ઇરાક ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે.
ફ્રાન્સના પ્રસારક આરએફઆઈના મતે 200 અરજકર્તા અને હુમલામાં બચી ગયેલા લોકો આ કેસ દરમિયાન શાહેદી આપી શકી છે.
ખટલો માર્ચમાં શરૂ થવાનો હતો પણ કોરોના વાઇરસની મહામારીને પગલે તેને ટાળી દેવાયો હતો.
એવું પણ મનાઈ રહ્યું છે કે નવેમ્બર સુધી સુનાવણી ચાલશે.

2015માં શું થયું હતું?

ઇમેજ સ્રોત, EPA
સાત જાન્યુઆરીએ સૅડ અને ચેરીફ કોચી નામના ભાઈઓએ શાલી ઍબ્દોના કાર્યાલયમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો અને એડિટર સ્ટીફન ચાર્બોનિયર, ચાર કાર્ટૂનિસ્ટો અને બે કટારલેખકો ઉપરાંત એક કૉપી એટિડર, એક કૅરટેકર અને એક મહેમાનની હત્યા કરી નાખી હતી.
આ હુમલામાં એડિટરના અંગરક્ષકો અને એક પોલીકર્મી પણ માર્યા ગયા હતા.
પોલીસે આ ભાઈઓની શોધખોળ આરંભી અને બંધકસકંટ સર્જાયું. તેમના એક સહયોગીએ એક મહિલા પોલીસકર્મીની હત્યા કરી નાખી અને એક યહૂદી સુપરમાર્કેટમાં કેટલાય લોકોને બંધક બનાવી લીધા.
આ શખ્સે નવમી જાન્યુઆરીએ ચાર ચહૂદીઓની હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસના ગોળીબારમાં તેનું પણ મૃત્યુ થયું હતું.
મરતાં પહેલાં રૅકૉર્ડ કરાયેલા એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના નામે આ હુમલાને અંજામ અપાયો હતો.
શાર્લી ઍબ્દોના કાર્યાલય પર હુમલો કરનારા ભાઈઓ પણ પોલીસના ગોળીબારમાં માર્યા ગયા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












