સિસ્કો કંપની કેસ: અમેરિકન ભારતીયોમાં જ્ઞાતિઆધારિત ભેદભાવની ચર્ચા કેમ છેડાઈ છે?

ઇમેજ સ્રોત, YASHICA
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
"જ્યારે હું મારી પુત્રીને સંગીતના વર્ગ માટે લઈ ગયો, તો શિક્ષકે જણાવ્યું કે માત્ર અમુક જ સમુદાયના લોકોમાં જ સંગીત શીખવાની મહારથ હોય છે અને ત્યાર પછી તેમણે અમારી જ્ઞાતિ વિશે પૂછ્યું."
"દલિત શા માટે ધર્મગુરુ ન બની શકે? જ્યારે મેં આ સવાલ મારા એક ઉચ્ચવર્ણમાંથી આવતા મિત્રને પૂછ્યો અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મંદિરમાં જવાથી અટકાવવી યોગ્ય નથી, ત્યારે મારા મિત્રએ મને કહ્યું કે બ્રાહ્મણો બુદ્ધિશાળી અને સ્વચ્છ હોય છે. તેના મત પ્રમાણે દલિતો સ્વચ્છ હોતા નથી અને નિયમિત રીતે નહાતા નથી, આથી તેઓ ફક્ત શૌચાલય સાફ કરવા માટે જ યોગ્ય છે."
આ કેટલાંક ઉદાહરણ છે, એ 60 સાક્ષીઓના જે અમેરિકામાં રહેનારા ભારતીયોએ આપ્યાં છે. અમેરિકાસ્થિત 'આંબેડકર કિંગ સ્ટડી સર્કલ' (AKSC) દ્વારા બેથી ત્રણ અઠવાડિયાં દરમિયાન અમેરિકામાં રહેતા ભારતીયોના લગભગ 60 પુરાવાઓ એકઠા કરાયેલા છે.
એક દલિત કર્મચારીની ફરિયાદને આધારે 30 જૂને 'કૅલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઑફ ફૅર ઍમ્પ્લૉયમેન્ટ ઍન્ડ હાઉસિંગ' તરફથી અગ્રણી ટેકનૉલૉજી કંપની 'સિસ્કો' સામે કેસ દાખલ કરાયો છે. તેના એક દિવસ પછી 60 લોકોના અનુભવને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
એકેએસસીએ પોતાના દસ્તાવેજમાં આરોપ લગાવ્યો છે કે સિસ્કો કોઈ પણ પગલું લેવામાં નાકામ રહી, જે જાતિ, સ્ટેટ્સ, રીતિ-રિવાજ સંબંધિત પવિત્રતા અને સામાજિક બહિષ્કાર સાથે સંકળાયેલી અસમાનતાઓને દૂર કરવામાં સફળ થઈ શકી હોત.
આ કાયદાકીય નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે કંપની બે સવર્ણોને પીડિતોનું શોષણ કરવાની છૂટ આપી રહી છે.
સિસ્કોએ કહ્યું કે તે "આ ફરિયાદમાં તેમના પર કરાયેલા આક્ષેપોનો નક્કર રીતે બચાવ કરશે."
જ્યારે સામાજિક કાર્યકર્તાઓ મુજબ આ એક મહત્ત્વપૂર્ણ કેસ છે કારણ કે એવું પહેલીવાર થયું છે કે કોઈ એક સરકારીતંત્રે જ્ઞાતિગત ભેદભાવ માટે એક અમેરિકન કંપની સામે કેસ દાખલ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂયૉર્કસ્થિત લેખિકા યશિકા દત્તે કહ્યું, "આના કારણે એવું માળખું તૈયાર થયું છે જેના કારણે જ્ઞાતિગત ભેદભાવનો કેસ વંશવાદ, જૅન્ડરની અસમાનતા, જાતીય વલણને લઈને ભેદભાવ અથવા વિકલાંગતાને લઈને જોવા મળતા ભેદભાવના સ્તર સુધી પહોંચો ગયો છે."
કોલંબિયા યુનિવર્સિટીનાં સ્નાતક યશિકા દત્તે 2016 સુધી પોતાની સાચી ઓળખને દુનિયા સામે છુપાવી હતી, પરંતુ જ્યારે તેમણે પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલાનો છેલ્લો પત્ર વાંચ્યો ત્યારે તેમણે લોકોને કહ્યું કે તેઓ દલિત છે.
26 વર્ષના રોહિતે 2016માં હૈદરાબાદ સૅન્ટ્રલ યુનિવર્સિટીના પરિસરમાં આત્મહત્યા કરી લીધી હતી.
યશિકાને પોતાની પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ મળી હતી, જેમાં તેઓ દલિત જેવા દેખાતા નથી અથવા દલિત યુવતી કોલંબિયા કેવી રીતે પહોંચી ગઈ વગેરે જેવી પ્રતિક્રિયાઓ સામેલ હતી.

ભારત પર પણ દબાણ

ઇમેજ સ્રોત, Getty Images
યશિકા કહે છે, "હું એટલી શોષિત નથી દેખાતી, જેવા દલિત દેખાય છે, હું તે ધારણામાં ફિટ બેસતી નથી."
યશિકાનું માનવું છે કે આ કેસ જ્ઞાતિવિષયક બાબતો પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે ભારત સરકાર પર દબાણ વધારશે.
તેઓએ વધુમાં કહ્યું, "સિસ્કો કેસના કારણે અમેરિકામાં કાયદામાં પરિવર્તન પણ આવી શકે. જ્ઞાતિગત બાબતોને વધુ લોકો સમજી રહ્યા છે. જે રીતે અહીં લોકો રંગભેદ પર ધ્યાન આપે છે એ રીતે અંતરરાષ્ટ્રીય સમુદાય જ્ઞાતિપ્રથા પર ધ્યાન આપતો નથી. આ અંતરને દૂર કરવા માટે ભારત સરકારે ઘણું ધ્યાન રાખવું પડશે."
હિંદુત્વવાદી જૂથ 'હિંદુ અમેરિકન ફાઉન્ડેશન'(HAF)ના સુહાગ શુક્લાએ કહ્યું કે તેઓને પણ આ આરોપોથી "આંચકો" લાગ્યો હતો પરંતુ "જે રીતે ફરિયાદ કરાઈ છે, તે ચિંતાનો વિષય છે."
"આ એ ખોટી અને ખતરનાક માન્યતાને ફેલાવે છે કે જ્ઞાતિ હિંદુઓમાં હોય છે અને તે હિંદુ શિક્ષણનો ભાગ છે"
"આપણને ખ્યાલ છે કે દક્ષિણ એશિયન મુસ્લિમ, બાંગ્લાદેશી, નેપાળી અને શ્રીલંકન સમુદાયોમાં જ્ઞાતિ આધારિત ઓળખ હોય છે"
ટીકાકારો આરોપ છે કે એચએએફ જેવાં જૂથો નથી ઇચ્છતાં કે જ્ઞાતિવ્યવસ્થાને માત્ર હિંદુ ધર્મ સાથે જોડીને જ જોવામાં આવે અને હિંદુત્વ અને ભારતીય જ્ઞાતિપ્રથાને ખાસ મહત્ત્વ આપવામાં ન આવે.

અમેરિકામાં ઓછી જાણકારી

ઇમેજ સ્રોત, EQUALITY LABS
અમેરિકામાં હિંદુ જ્ઞાતિવ્યવસ્થા વિશેની સમજણ ઓછી છે. કાર્યકર્તાઓ કહે છે કે આના કારણે જ્ઞાતિઆધારિત ભેદભાવ અમેરિકન કંપનીઓની એચઆર પૉલિસીમાં સ્થાન નથી ધરાવતો.
દાખલ કરાયેલો કાયદાકીય કેસમાં કહેવામાં આવ્યું છે, "ખરાબ બાબત તો એ છે કે સિસ્કોએ આ પ્રકારના ગેરકાયદે વ્યવહારને માનવાનો ઇનકાર કરી દીધો છે."
આ સ્થિતિ ત્યારે છે જ્યારે સિસ્કોમાં મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓ કામ કરે છે.
હાર્વર્ડના વિદ્વાન સુરજ યેંગડે આ કેસને અમેરિકાના વ્યવહારની જ્ઞાતિપ્રથાની સમૃદ્ધિ સાથે જોડીને જુએ છે.
તેમણે કહ્યું, "આ અમેરિકાના લોકતંત્રની નિષ્ફળતા છે,"
'આંબેડકર કિંગ સ્ટડી સર્કલ'ના સહ-સંસ્થાપક કાર્તિકેયન શન્મુગમ કહે છે કે આ સાક્ષીઓને પ્રકાશિત કરીને તેમનો સમૂહ અમેરિકામાં જ્ઞાતિગત ભેદભાવના મુદ્દાની નોંધ લેવામાં આવે એમ ઇચ્છતો હતો.
એ તો સંયોગની વાત છે કે કાર્તિકેયન 2014માં મિસિસિપીની જૅકસન સ્ટેટ યુનિવર્સિટીના એક વિભાગમાં પહોંચ્યા જ્યાં ગુલામો અને ગુલામોની લે-વેચ કરનારનો ઇતિહાસ નોંધાયો હતો.
તેમણે કહ્યું કે તેમને અહેસાસ થયો કે દલિતોના શોષણનો ઇતિહાસ બિલકુલ જ અદૃશ્ય છે, જ્યારે તે અમેરિકામાં પણ થયું છે.
2016માં કૅલિફોર્નિયા પાઠ્યપુસ્તક વિવાદ બાદ તેમના વિચારો પણ મજબૂત બનતા ગયા. આ વિવાદમાં જ્ઞાતિપ્રથાને રેખાંકિત કરવાનો અભિગમ પણ સામેલ હતો.
આ ઘટનાઓએ 'હિંદુત્વવાદી લોકો'ની વિચારધારાને પડકારવા માટે AKSCના વિચારને આકાર આપ્યો એમ તેમણે કહ્યું.
તેમનું કહેવું છે કે આ ઘટનાઓના કારણે આંબેડકર સ્ટડી સર્કલે હિંદુવાદી લોકોને વૈચારિક સ્તરે પડકાર આપવાનું નક્કી કર્યું.

અમેરિકામાં ઉચ્ચ જ્ઞાતિના લોકોની મોટી સંખ્યા

ઇમેજ સ્રોત, SUHAG SHUKLA
અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 45 લાખ લોકો વસે છે.
સિસ્કો મામલે દાખલ કરાયેલી કાયદાકીય નોટિસ કહે છે. "અમેરિકામાં સ્થળાંતરિત થયેલા ભારતીય સમુદાયમાંથી મોટા ભાગના ઉચ્ચ જ્ઞાતિના છે,"
તેમાં લખવામાં આવ્યું છે, "ઉદાહરણ તરીકે 2003માં અમેરિકામાં ભારતીય સમુદાયના 1.5 ટકા લોકો જ દલિત હતા અથવા તો નીચી જ્ઞાતિના હતા. 90 ટકાથી વધુ ઉચ્ચ અથવા વર્ચસ્વ ધરાવતા વર્ગના હતા"
સામાજિક કાર્યકર્તાઓ કહે છે કે જ્ઞાતિપ્રથાનું વર્ચસ્વ આજે ખૂબ સારી રીતે જોઈ શકાય છે - પછી એ નોકરી હોય અથવા વેપાર હોય કે પછી રાજનીતિમાં સ્થાન હોય.
2016માં ઈક્વિટી લૅપ્સ નામના દલિત ઍડવોકસી ગ્રૂપે લગભગ પંદરસો લોકોના ઇન્ટરવ્યૂ લઈને અહેવાલમાં કહ્યું, "20 થી 50 વર્ષ પહેલાં સ્થળાંતરિત થયેલાઓમાંથી 50 ટકા બ્રાહ્મણ અથવા ઉચ્ચ જ્ઞાતિના હતા,"
અહેવાલમાં કહેવાયું છે, "સ્થળાંતરિત થયેલા આ લોકો દલિત અને શોષિત વર્ગની સરખામણીમાં વધુ સંખ્યામાં હતા. જેમાંના મોટા ભાગના હાલમાં જ સ્થળાંતરિત થયા હતા અને અમેરિકામાં 20 વર્ષ પહેલાં જ આવ્યા હતા"
યુએસમાં આવનારા ઘણા લોકો તેમના સામાન સાથે તેમની જ્ઞાતિ પણ ભરીને લાવ્યા.

સૂક્ષ્મ ભેદભાવ

ઇમેજ સ્રોત, KARTHIKEYAN
ભારતમાં ભેદભાવ સામે કડક કાયદા હોવા છતાં દલિતોને મંદિરોમાં પ્રવેશની મંજૂરી ન હોવાના, તેમનું અપમાન કરવાના અથવા તેમની હત્યા કરાયાના પણ અનેક કેસ સામે આવ્યા છે.
સૂરજ કહે છે, "અમેરિકામાં સૂક્ષ્મ ભેદભાવ થાય છે. જેમકે તહેવારોમાં, તમે કયા પ્રકારનું ભોજન લો છો, તમે બહાર કઈ રીતે જાવ છો"
એક વ્યક્તિએ કહ્યું, "લોકો જ્ઞાતિ જાણવા માટે, પવિત્ર બ્રાહ્મણ કુળની નિકટતાના અનુભવ માટે પ્રયત્ન કરશે અને ટપારીને પૂછશે પણ ખરા."
2014માં અમેરિકામાંઆવનાર કાર્તિકેયન કહે છે "ઘણી સંખ્યામાં દલિતો ગાયનું માંસ નથી ખાતા તેમ છતાં ગાયના માંસને દલિતો સાથે જોડવામાં આવે છે. દલિતોનો સમાવેશ ન કરવો, સમાજ બહાર કાઢવા, કારકિર્દીમાં ભેદભાવ અને હેરાનગતિ વગરેની ફરિયાદ થાય છે."

ઇમેજ સ્રોત, MEREDITH NIERMAN
એક વ્યક્તિએ કહ્યું કે ઘણા દલિતો ભારતમાં રહેલા જ્ઞાતિના ભેદભાવથી મુક્તિ મેળવવા અમેરિકા આવ્યા પરંતુ હવે તેમને ડર લાગી રહ્યો છે કે તેમના બાળકોને પણ એ જ ભેદભાવનો સામનો કરવો પડશે જે તેમણે અથવા તેમના પૂર્વજોએ કર્યો હતો.
દાખલ કરાયેલા આ કેસમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે 2016 ઇક્વિટી લૅપ્સ અહેવાલ કહે છે કે પ્રતિક્રિયા આપનાર દલિતોમાંથી 25 ટકાએ કહ્યું કે તેમણે તેમની જ્ઞાતિને કારણે મૌખિક અને શારીરિક હુમલાનો સામનો કર્યો હતો.
દર ત્રણમાંથી એક દલિત વિધાર્થી તેમની સાથે શિક્ષણ દરમિયાન ભેદભાવ કરાયો હોવાનું કહે છે.
સર્વે કરાયેલા દર ત્રણમાંથી બે દલિતોએ કાર્યસ્થળે તેમની સાથે યોગ્ય રીતે વ્યવહાર ન કરાતો હોવાનું કહ્યું.
60 ટકા દલિતોએ જ્ઞાતિઆધારિત અપમાનજનક ટુચકા કે ટિપ્પણી સહન કરી હોવાનું કહે છે.
સુહાગ શુક્લાએ કહ્યું, "તેઓ ભારતથી તેમની જ્ઞાતિઆધારિત મજબૂત ઓળખ તેમની સાથે લાવ્યા તે પ્રશંસાને પાત્ર છે અને તેને વાતચીત દરમિયાન દર્શાવતા પણ હોય, પરંતુ એક બીજી પેઢીના ભારતીય અમેરિકન તરીકે હું સિત્તેરના દાયકામાં બંધાયેલાં મંદિરોમાં અથવા ભાષાકીય કે સાંસ્કૃતિક સંસ્થાઓમાં જ્ઞાતિપ્રથા જોવા મળતી હોય એમ નથી માનતો."
ટીકાકારો કહે છે કે જ્યારે પણ જ્ઞાતિની વાત થાય છે ત્યારે કેટલીક હિંદુ સંસ્થાઓ તેને જાણે 'હિંદુત્વ પરનો હુમલો છે' એવું બતાવવાનો પ્રયાસ કરે છે.

જ્ઞાતિ આધારિત જૂથવાદ

ઇમેજ સ્રોત, Getty Images
દલિતો કહે છે કે જ્ઞાતિ ઘણીવાર કારકિર્દીમાં ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે અને આઈઆઈટી, બીઆઈટીએસ પિલ્લાની જેવી ટોચની ભારતીય ઇજનેરી સંસ્થાઓમાંથી પાસ થયેલા ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓને માટે તેને સરળ બનાવે છે.
તમિલનાડુથી આવેલા એક દલિત સૉફ્ટવેર ઇજનેર અશોક (નામ બદલ્યું છે) કહે છે, "સમર્થન મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ કરાતો મેં જોયો છે."
તેઓ કહે છે કે જ્ઞાતિ નોકરી માટેની ભલામણમાં મદદ કરે છે
અમેરિકન અને રશિયન કર્મચારીઓ ભરેલી એક કંપનીમાં કામ કરતાં અશોક કહે છે, "સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા મળવી એ ઘણી સામાન્ય વાત છે, એક ભૂલ તમારી કારકિર્દી ખતમ કરી શકે છે. પરંતુ જ્ઞાતિ આધારિત જૂથો લોકોને નોકરીમાંથી કાઢી મૂકાતા બચાવે છે. પરફોર્મન્સ રિવ્યુમાં નિષ્ફળતાઓનો ઉલ્લેખ થવાથી જ્ઞાતિ બચાવે છે,"
તેઓ કહે છે તે ઘણા દલિતો કારકિર્દી વિશેના ભયને લઈને ભેદભાવના મામલાઓની રજૂઆત નથી કરતા.
સૉફ્ટવેર ઇજનેર અશોક કહે છે, "જો તમે ઉચ્ચ જ્ઞાતિના ભારતીયો વચ્ચે જ્ઞાતિની વાત કરો છો તો એને લોકોને ઉશ્કેરતા સાધન તરીકે જોવામાં આવે છેય"
"મને એક વાર પૂછવામાં આવ્યું કે શું તમે દિવાળી નથી ઉજવતા? શું તમે હિંદુ નથી? તેઓ માને છે કે ઉચ્ચ વર્ગની હિંદુ સંસ્કૃતિ જ ફક્ત સંસ્કૃતિ છે. તેઓ તેમની સંસ્કૃતિ અમારી ઉપર થોપે છે."
એકેએસસીના સહસ્થાપક કાર્તિકેયન સિસ્કો કેસની પૃષ્ઠભૂમિમાં ટોચની 50 આઈટી કંપનીઓના સીઇઓને એક 'સદ્દભાવના નિવેદન' મોકલવાની તૈયારી કરી રહ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













