અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : 'ડૉક્ટરને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મારી પત્નીનું મૃત્યુ થયું છે'

ઇમેજ સ્રોત, Sohel Timizi
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદની શ્રેય હૉસ્પટલમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે બીબીસી ગુજરાતીએ મૃતકોના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમુકે વાત કરવાનો ઇન્કાર કરી દીધો તો અમુક લોકોએ પોતાનું દુઃખ રજૂ કર્યું.
'મમ્મી તમારે પૉઝિટિવ ઍપ્રોચ રાખવાનો છે, આપણે ફરીથી ઝૂમવાનું છે.'
આ શબ્દો 27 વર્ષના વકીલ અઝીમ તીરમીઝીના હતા, જેમણે તેમનાં માતા આયેશા તીરમીઝી સાથે અનેક વખત વીડિયો-કૉલ મારફતે વાત કરી હતી.
આયેશા તીરમીઝીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો અને તેમની શ્રૅય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અઝીમ આવા હકારાત્મક અભિગમ થકી તેમનાં માતાને હિંમત આપતા હતા.
ગુરુવારે લાગેલી આગની ઘટના ન ઘટી હોત તો કોરોના નૅગેટિવ થઈ ચૂકેલાં આયેશા તે જ દિવસે જનરલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવાયાં હોત અને કદાચ અઠવાડિયામાં પોતાના દીકરાને પાછા મળી પણ ચૂક્યાં હોત.
હાલમાં તેમનો પરિવાર શોકમગ્ન છે. તબિયત સુધરી ગયા બાદ પણ પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ તેમને સતાવી રહ્યું છે.
આયેશા તીરમીઝીના કોવિડના છેલ્લા બે રિપોર્ટ નૅગેટિવ આવ્યા હતા પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ICUમાં રાખવામાં આવ્યાં હતાં.
અહીં પણ તેમની તબિયત સુધારા પર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડા દિવસો પહેલાં પરિવારના સભ્યોએ નક્કી પણ કર્યું હતું કે તેમને કોઈ બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. પરંતુ શ્વાસ લેવા માટે મશીનની જરૂરિયાત હોવાથી તેમને શ્રેય હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં.
તેમના મૃત્યુના બીજા દિવસે બીબીસી ગુજરાતીએ તેમના પતિ સુહેલ તીરમીઝી સાથે વાત કરી.
સુહેલ ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે.
તેમણે કહ્યું, "આ આખી ઘટનાથી હું એક જ વાત સમજી રહ્યો છું કે દરેક ભારતીયે આ પ્રકારની હૉસ્પિટલોમાં મળતી સગવડો ઉપરાંત ફાયર-સેફ્ટી છે કે નહીં, તે જોવાની જરૂર છે."
"હું માનું છું કે દરેક હૉસ્પિટલે બહાર બોર્ડ પર લખવું જોઈએ કે તેણે ફાયર-સેફ્ટીનાં કેવાં પગલાં લીધાં છે અને એન.ઓ.સીને પણ ફ્રેમ કરીને બહાર જ મૂકવું જોઈએ."
સુહેલ તીરમીઝીએ તેમનાં પત્નીને ઘટનાનાં એક દિવસ અગાઉ વીડિયોકૉલ પર જોયાં હતાં અને આખા પરિવારને આશા બંધાઈ ગઈ હતી કે તેઓ હવે જલદી ઘરે પાછાં ફરશે.
પરંતુ આ કૉલના બીજે દિવસે સવારે શ્રેય હૉસ્પિટલનાં એક ડૉકટરનો સંપર્ક કરતાં સુહેલને જાણવા મળ્યું કે ICUમાં લાગેલી આગમાં આયેશાનું મૃત્યુ થયું છે.
વકીલ તીરમીઝી હવે સરકારના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
તેઓ જણાવે છે, "અમે કાનુની કાર્યવાહી કરીશું પરંતુ તેના માટે અમે પ્રથમ તો આ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ."

ઇમેજ સ્રોત, Rajubhai Shah
લીલાવતી શાહના પતિ ચંદ્રકાંત શાહને હજી સુધી ખબર નથી કે તેમનાં પત્ની હવે નથી રહ્યાં.
આ ઘટનાને 35 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ લીલાવતી શાહના પરિવારજનોએ હજી સુધી તેમના મૃત્યુના સમાચાર તેમના પતિ ચંદ્રકાંત શાહને આપ્યા નથી.
80 વર્ષના ચંદ્રકાંત શાહ કોરોનાની બીમારીમાંથી હજુ ઊભા જ થયા છે.
તેઓ પોતે પણ શ્રેય હૉસ્પિટલમાં દાખલ હતા અને થોડા દિવસો પહેલાં જ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
લગભગ 15 દિવસ પહેલાં પરિવારજનોને ખબર પડી હતી કે ચન્દ્રકાંત શાહને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
તેમને પહેલાં સિવિલ હૉસ્પિટલમાં અને બાદમાં શ્રેય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
"શ્રેય હૉસ્પિટલમાં તેમની સારવાર માટે અમે 5.25 લાખનું બિલ ભર્યું હતું." તેમના જમાઈ જીજ્ઞેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું.
જોકે ચન્દ્રકાંત શાહનાં પત્ની લીલાવતી શાહને પણ થોડા દિવસો પછી કોરોનાનાં લક્ષણો દેખાતાં, અસારવાની સિવિલ હૉસ્પિટલ ખાતે પરીક્ષણ કરાયું હતું અને ત્યારબાદ તેમને ચાંદખેડાની એસ.એમ.એસ. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
"મારા સસરા શ્રેય હૉસ્પિટલમાં જ દાખલ હતા અને પરિવારનો આગ્રહ હતો કે તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે, તે જ દવાખાનામાં મારી સાસુને પણ શિફ્ટ કરવામાં આવે."
"ત્યારબાદ અમે ખૂબ મહેનત કરી, સરકારી પરવાનગીઓ મેળવીને લીલાવતીબહેનને એમ.એસ.એસથી શ્રેય હૉસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં."
આ હૉસ્પિટલમાં લીલાવતી શાહ છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહ્યાં હતા અને તેમને એકાદ દિવસમાં જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવવાના હતા, પંરતુ તે પહેલાં જ આ ગોઝારી દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.

24 સભ્યના સંયુક્ત કુટુંબમાં વર્ષો બાદ મૃત્યુ

ઇમેજ સ્રોત, Vishnu Sindhi
સ્થાનિક મીડિયાના કેટલાક અહેવાલો અનુસાર આ આગની ઝપેટમાં સૌથી પહેલાં જે દરદી આવ્યાં તેમનું નામ જ્યોતિ સિંધી હતું.
તેમના વાળે આગ પકડી લીધી હતી.
52 વર્ષનાં જ્યોતિ સિંધી પોતાના પરિવાર સાથે મહેસાણાના ખેરાલુમાં રહેતાં હતાં અને ગુરુવારે સવારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવાની શક્યતા હતી.
ખેરાલુમાં તેમનો 24 માણસોનો ભર્યો ભાદર્યો પરિવાર રહે છે અને ખેરાલુમાં જ કાપડની બે દુકાનો ચલાવે છે.
પાંચ ભાઈઓના આ પરિવારમાં જ્યાં સુધી કોરોના ન આવ્યો હતો, ત્યાં સુધી બધા જ સુખેથી રહેતા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પરિવારના વડા કિશોર સિંધી કહે છે કે "જ્યોતિબહેનની સારવાર માટે છેલ્લા પાંચ દિવસોથી હૉસ્પિટલની બહાર એક કારમાં જ પોતાના દિવસો કાઢી રહ્યા હતા."
ડૉક્ટરોએ તેમને આશ્વાસન આપ્યું હતું કે ગુરુવારે જ્યોતિ સિંધીને રજા આપી દેવામાં આવશે. પરંતુ ગુરુવારે સવારે તો આ ઘટના ઘટી.
કિશોર સિંધીનો આરોપ છે, "હૉસ્પિટલમાંથી કોઈ પણ વ્યક્તિએ જો આ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હોત તો આઠમાંથી એકાદ વ્યકિત તો બચી જ શકી હોત."
"હૉસ્પિટલમાંથી કોઈ સ્ટાફ મેમ્બરે આઈસીયુના દર્દીઓને બચાવવનો પ્રયાસ કર્યો નથી, તેઓ પોતાનો જીવ બચાવીને ભાગી ગયા હતા."
24 સભ્યોના આ પાંચ ભાઈના આ સંયુક્ત પરિવારમાં ઘણાં વર્ષો બાદ આ પ્રથમ મૃત્યુ થયું છે.

પિતા અને પુત્રનાં એકસાથે મૃત્યુ

ઇમેજ સ્રોત, Arwind shah
પિતા અને દાદાના મૃત્યુ બાદ, સંકેત ઑસ્ટ્રેલિયાથી ભારત આવશે.
પોતાના દાદા નવનીત શાહ અને પિતા નરેન્દ્ર શાહનાં મૃત્યુ બાદ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા સંકેત શાહ અમદાવાદ પહોંચવા માટે નીકળી ચૂક્યા છે.
શનિવારે અમદાવાદ પહોંચી રહેલા સંકેત પિતા તેમજ દાદાની બાકી રહી ગયેલી અંતિમક્રિયામાં ભાગ લેશે.
તેમના પરિવારના જ એક સભ્ય અરવિંદ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે હાલમાં તો પરિવારમાં એક સાથે બે મોતને કારણે દરેક વ્યક્તિ ખૂબ જ આઘાતમાં આવી ગઈ છે.
આ પરિવાર ધોળકા વિસ્તારમાં રહે છે. પરિવારને સંકેતની ચિંતા સતાવી રહી છે. અરવિંદ શાહ જણાવે છે, "તેમને હૂંફ આપવા માટે હાજર છીએ. તેમને કોઈ તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખીશું."

'ઇશ્વરને ગમ્યું તે ખરું'
મનુ રામીનું પણ આ ગોઝારી ઘટનામાં મૃત્યુ થયું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમના દીકરા પ્રશાંત રામી કહે છે :
"આ આખી ઘટનામાં અમે કોઈ પર આરોપ લગાવવા માગતા નથી."
"ડૉક્ટરો પોતાનું કામ કરી રહ્યા હતા અને તેમના પ્રયાસો હતા કે મારા પપ્પા કોરોનાની બીમારીથી બહાર આવે. "
"હું માનું છું કે આ જે દુર્ઘટના થઈ છે કે તે અમારી કિસ્મત છે. બાકી હવે કોઈના પર કોઈ આરોપ મૂકવાથી કોઈ ફાયદો નથી."
જોકે તેમણે પરિવાર અને મનુ શાહ વિશે બીજું કંઈ પણ કહેવાથી ઇન્કાર કરી દીધો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












