You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રાંતિકારી ચે ગ્વેરાનું જન્મસ્થળ વેચવા કઢાયું
20મી સદીના પ્રખ્યાત ડાબેરી ક્રાંતિકારી નેતા અર્નેસ્ટો ચે ગ્વેરાનાં જન્મસ્થળને વેચાણ માટે કાઢવામાં આવ્યું છે.
લૅટિન અમેરિકાના ક્રાંતિકારી ચે ગ્વેરાનો જન્મ આર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં 14 જૂન 1928ના રોજ થયો હતો.
હાલ આ જગ્યાના માલિક ફ્રૅન્સિસ્કો ફૅરિગ્યાએ કહ્યું કે તેમણે 2,580 ચોરસ ફૂટનું આ ઍપાર્ટમેન્ટ 2002માં ખરીદ્યું હતું.
તેઓ નિયૉ-ક્લાસિકલ સ્ટાઇલની ઇમારતમાં આવેલું આ ઍપાર્ટમેન્ટ સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત કરવા માગતા હતા પરંતુ આ યોજના સફળ ન થઈ શકી.
ફ્રૅન્સિસિકો આર્જેન્ટિનાના વેપારી છે અને તેમણે આ ઍપાર્ટમેન્ટની કિંમતનો ખુલાસો નથી કર્યો.
કેટલાય વિશ્વપ્રખ્યાત લોકો આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે.
ઉરુગ્વેના રાષ્ટ્રપતિ હૉસે પૅપે મુજિકા અને ક્યૂબાના ક્રાંતિકારી નેતા ફિદેલ કાસ્ત્રોનાં સંતાનો પણ અહીંની મુલાકાત લઈ ચૂક્યાં છે. પરંતુ અહીંની મુલાકાત લેનાર સૌથી પ્રખ્યાત વ્યક્તિ હતી ઍલ્બર્ટો ગ્રૅનેડોસ. 1950ના દાયકામાં તેમણે મોટરસાઇકલ પર યુવાન ડૉક્ટર ગ્વેરાની સાથે દક્ષિણ અમેરિકાની યાત્રા કરી હતી.
ચે ગ્વેરાનો જન્મ 1928માં એક સમૃદ્ધ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો પરંતુ પછી દક્ષિણ અમેરિકામાં પ્રસરેલી ગરીબી અને ભૂખમરાને કારણે તેઓ અતિવાદ તરફ વળી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1952-59 વચ્ચે ક્યૂબાના તાનાશાહ ફુલગેન્સિયો બૅટિસ્ટાની સતાના પલટા માટે થયેલી ક્યૂબાની ક્રાંતિમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ત્યાર પછી ચે ગ્વેરાએ સમગ્ર દક્ષિણ અમેરિકા તથા અન્ય દેશોમાં ક્રાંતિ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
તેઓ ક્યૂબાથી બોલિવિયા પહોંચ્યા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ રૅને બારિએન્ટૉસ ઑરર્ટુનો વિરુદ્ધ એક થયેલાં દળોનું નેતૃત્વ કર્યું.
કોંગોમાં વિદ્રોહીઓને ગેરિલા લડાઈની તાલીમ ચેએ આપી હતી, ત્યારબાદ બોલિવિયામાં પણ વિદ્રોહીઓ માટે તાલીમની શરૂઆત કરી હતી.
બોલિવિયાની સેનાએ અમેરિકાની મદદ લઈને ચેને પકડવામાં સફળતા મેળવી. લા હિગ્વેરા નામના એક ગામમાં નવ ઑક્ટોબર 1967ના રોજ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના મૃતદેહને એક ગુપ્ત સ્થળે દફનાવવામાં આવ્યો હતો.
1997માં તેમના મૃતદેહના અવશેષો મળ્યા હતા, જેને ક્યૂબા મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ફરીથી દફનાવવામાં આવ્યા હતા.
તેમના સમર્થકો આજે પણ તેમને સમર્પણ અને બલિદાનનું પ્રતીક માને છે ત્યારે તેમના ટીકાકારો તેમને એક ક્રૂર વ્યક્તિ તરીકે જુએ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો