કોરોના વાઇરસની મહામારી વૈશ્વિક કટોકટી સર્જવા તરફ આગળ વધી રહી છે?

    • લેેખક, જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસ ચીનમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. એ જ્યાંથી જન્મ્યો તે વુહાન શહેર ચીનની ઔદ્યોગિક પ્રવૃત્તિઓના ધમધમતાં કેન્દ્રોમાંનું એક છે.

કોરોના વાઇરસે આ શહેરની દશા બગાડી નાખી છે. આજે વુહાનનું નામ આવે એટલે ફફડાટ થાય.

મેડિકલના વિદ્યાર્થીઓથી માંડી અન્ય વ્યાવસાયિકોને ભારત સરકારે બે જમ્બો જેટ પ્લેન ભરીને ચીનમાંથી ખાલી કર્યા.

હજુ તો ડાયમંડ પ્રિન્સેસ નામની એક ક્રૂઝ, જેમાં આ વાઇરસ ફેલાયો હોવાની જાણ થઈ છે તેને જાપાનના યોકોહામા બંદરે ક્વૉરેન્ટાઇનમાં નાખી દેવાઈ છે, તેમાં ઉપરથી ભારતીયો પણ છે, જેમાં સારી એવી સંખ્યામાં ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.

તેમને કોઈ પણ રીતે જાપાન સરકારની મદદ લઈને આ ક્રૂઝ પરથી ઉગારવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને અપીલ કરાઈ છે.

અત્યારે ચીન ઉપરાંત અંદાજે 25 દેશોમાં કોરોના વાઇરસ ફેલાયો હોવાના વાવડ છે.

અત્યાર સુધીમાં ચીનમાં કોરોના વાઇરસે 1350થી વધુ લોકોનો ભોગ લીધો છે.

બેકાળજી બદલ ચીનનું કડક વલણ

ખરાબ સમાચાર તો એ છે કે બુધવાર તારીખ 12 ફેબ્રુઆરીની મધરાત સુધીના ચોવીસ કલાકમાં નવા 14840 કેસ નોંધાયા છે.

આ રોગ સામે અસરકારક પગલાં ભરવામાં જરા પણ બેકાળજી બતાવનાર અધિકારીઓને સીધા ઘરભેગા કરી દેવામાં આવે છે.

એટલું જ નહીં પણ જે તે કૉમ્યુનિસ્ટ પાર્ટીના વડા પણ આ કામગીરી ઉપર અસરકારક રીતે સુપરવિઝન રાખવામાં નિષ્ફળ જાય તો એમને પણ પાણીચું આપી દેવામાં આવે છે.

મળતા સમાચાર મુજબ હુબેઇ પ્રૉવિએન્સના કૉમ્યુનિસ્ટ પાર્ટીના વડાને એમની જવાબદારીમાંથી દૂર કરી તેમનો હોદ્દો છીનવી લેવામાં આવ્યો છે.

એમાં કોઈ શંકા નથી કે આ રોગે ખૂબ ખરાબ રીતે ચીનને ભરડો લઈને એનાં જનજીવન તેમજ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનાં મૂળમાં ફટકો માર્યો છે. પણ માત્ર એટલું જ માનવું ભુલભરેલું ગણાય.

કોરોના વાઇરસને કારણે ચીનમાં ઊભી થયેલી કટોકટી આ રોગ 25 જેટલા દેશોમાં દેખા દેવાને કારણે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે.

પણ એ સિવાય પણ ચીનની બજારોમાં જે આર્થિક કટોકટી ઊભી થઈ છે તેને પહોંચી વળવા ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ત્યાંની નાણાવ્યવસ્થામાં 1.2 ટ્રિલિયન યુઆન (173.81 અબજ અમેરિકન ડૉલર)નો ડોઝ આપવાનો નક્કી કર્યું છે.

કોરોના વાઇરસની બૅન્કિંગ ક્ષેત્ર પર અસર

ચીનની બૅન્કિંગ વ્યવસ્થાની સ્થિરતા જળવાઈ રહે તેમજ તરલતા (liquidity)ને વાંધો ના આવે તે માટે ત્યાંની રિઝર્વ બૅન્ક - પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા 10 બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

ગોલ્ડમૅન સેશ દ્વારા કોરોના વાઇરસ મહામારીની આ કટોકટીને કારણે ચીનનો વિકાસદર 2020માં અગાઉના વરસના 6.1 ટકાથી ઘટીને 5.5 ટકાનો રહેશે તેવો પ્રાથમિક અંદાજ મુકાયો છે.

જોકે આ અંદાજ વધારે પડતો આશાવાદી છે અને મંદીને કારણે ચીનનો જીડીપી વિકાસદર ઘણો વધુ ઘટશે એવું નિષ્ણાતો માને છે.

આ તો થઈ ચીનની આંતરિક પરિસ્થિતિની વાત. ચીનની આ પરિસ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાને શું અસર કરશે?

અત્યારે ચીનમાં મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ છે. ચીન ક્રૂડઑઇલનું વિશ્વ બજારમાં સૌથી મોટું ખરીદદાર છે.

રોજના 1.4 કરોડ બેરલ ક્રૂડનો એ વપરાશ કરે છે. વુહાનમાં બે મોટી રિફાઇનરીઓ આવેલી છે જે અંદાજે રોજનું 20 લાખ બેરલ જેટલું ક્રૂડ ખાઈ જાય છે.

મળતા અહેવાલો મુજબ ચીનનો ક્રૂડઑઇલનો વપરાશ 20 ટકા અથવા તેથી વધારે ઘટ્યો છે. આને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડઑઇલના ભાવને અસર થઈ છે અને અત્યાર સુધીમાં વરસના નીચેમાં નીચેના ભાવે ક્રૂડઑઇલ વેચાય છે.

આ ક્રૂડઑઇલ સપ્લાય કરનાર દેશોમાં ઑપેક અને રશિયાની કાર્ટેલ મુખ્ય છે.

હાલની કટોકટીનો તાગ મેળવી આગળ જરૂરી પગલાં લેવા માટે તેમણે તેમની અગાઉની નિર્ધારિત બેઠક જે માર્ચમાં થવાની હતી તેના કરતાં વહેલી કરીને ક્રૂડઑઇલના ઉત્પાદનમાં કેટલો કાપ મૂકવો તેનો અંદાજ મૂકવાનું નક્કી કર્યું છે.

ભારત માટે સારા સમાચાર શું છે?

ભારત માટે આ સારા સમાચાર છે. હાલના તબક્કે ક્રૂડઑઇલના ભાવ નીચા છે અને સિવાય કે ઈરાન-અમેરિકા જિયૉપોલિટિકલ ટૅન્શન ઊભું થાય એ કૂદકો મારે એવી શક્યતા નથી.

અત્યારે જે રીતની જુદાજુદા દેશોમાંથી પ્રતિક્રિયા આવી રહી છે તેના પરથી પહેલો અંદાજ એવો મળે છે કે કોરોના વાઇરસને કારણે ચીનમાં ઊભી થયેલી કટોકટીમાંથી રાહત મળે અને સુધારા તરફી વલણ ઊભું થાય એ પહેલાં હજુ એક મોટો ઝટકો વાગવાનો બાકી છે.

ઘણા બધા દેશોએ તેમને ચીન સાથે હવાઈ માર્ગે જોડતી એમની ઉડાનો રદ કરી છે.

અમેરિકામાં માત્ર ગણ્યાંગાંઠ્યાં ઍરપૉર્ટ જ ચીનથી આવતી ફ્લાઇટને ઊતરવા દેવા માટે નક્કી થયા છે.

રશિયાની ચીન સાથે 4185 કિલોમીટરની સરહદ છે જે થકી અવરજવર કરતો બધો જ રેલવે ટ્રાન્સપૉર્ટ બંધ કરવામાં આવ્યો છે.

આમ કોરોના વાઇરસે ચીનમાં જે સુનામી સર્જી છે તેની અસરો માત્ર ચીન પૂરતી જ મર્યાદિત રહે એવી શક્યતા બે કારણસર નથી.

પહેલું, ચીનમાંથી બહાર નીકળીને આ રોગ 25 જેટલા દેશોમાં પહોંચ્યો છે. આ રોગને અટકાવવા માટે હજુ કોઈ રોગપ્રતિરોધક રસી શોધાઈ નથી અને આવનાર એકાદ વરસમાં શોધાય અને અસરકારક ઉપયોગમાં લઈ શકાય એવી કોઈ શક્યતા નથી એવું Johnson and Johnson કંપનીના રિસર્ચ ડિપાર્ટમેન્ટે કહ્યું છે.

સતત વધતો આંકડો

અગાઉ જણાવ્યું તેમ ચીનમાં તો આ રોગે હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધી 1350થી વધુ મૃત્યુ નોંધાયાં છે અને મૃત્યુનો આંકડો સતત વધતો જાય છે.

આ સંયોગોમાં ચીનમાં જે અસર થઈ એવી અન્ય દેશોમાં પણ થશે કે કેમ તે જોવાનું બાકી રહે છે.

એક ઊડતા સમાચાર એવા પણ આવ્યા છે કે માત્ર છીંક અને લાળ દ્વારા જ અથવા એના સંપર્કમાં આવેલ હાથથી મોં અથવા આંખ લૂછવાથી આ વાયરસ ફેલાય છે એવું નથી, હવે આ વાઇરસ હવા થકી પણ ફેલાતો હોવાના સમાચાર મળ્યા છે.

આ રોગ સામે અસરકારક ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ પણ હજુ બહુ સ્પષ્ટ નથી. રસી તો છે જ નહીં.

સૌથી વધારે ખતરો આ વાઇરસ મ્યુટેટ થાય એટલે કે પોતાનું સ્વરૂપ બદલે તે પરિસ્થિતિનો છે.

સામાન્ય રીતે જ્યારે વાઇરસ મ્યુટેટ થાય ત્યારે તે વધારે બળવત્તર બનતો હોય છે. જે કેટલીક દવાઓ અગાઉ અસર કરતી હોય તે આ જૈવિક સંક્રમણ કરેલા વાયરસને અસર કરતી નથી.

આમ, કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી કટોકટી માત્ર ચીન પૂરતી જ મર્યાદિત રહેશે એવું દેખાતું નથી.

ચીનની જે પદ્ધતિ છે તે પ્રમાણે ત્યાંથી હકીકતો પણ બહાર આવતાં વાર લાગે છે અથવા દબાવી દેવાય છે.

આ બધી બાબતોને લક્ષમાં લઈએ તો કોરોના વાઇરસ ચીનને થપાટ મારવામાં હજુ ચરમસીમાએ પહોંચ્યો નથી અને વિશ્વમાં ક્યાં કેટલો વકરશે એનું અનુમાન કરવું પણ શક્ય નથી.

આ થઈ રોગ અને એના કારણે ઊભી થનાર વૈશ્વિક કટોકટીની વાત.

ચીનના વેપારઉદ્યોગ અને અર્થવ્યવસ્થાને તો અસર થઈ જ છે, પણ ચીન જે રીતે એક મોટા આયાતકાર તરીકે તેમજ કાચા માલ અને સેમી-ફિનિશ્ડ પ્રોડક્ટના એક મોટા નિકાસકાર તરીકે વિશ્વના દેશો સાથે જોડાયેલું છે તે જોતાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વેપારવણજ તેમજ ઉદ્યોગો પણ ચીનની આ કટોકટીની અસરમાંથી બાકાત રહી શકે તેમ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો