કોરોના વાઇરસને લીધે એક દિવસમાં 242 મૃત્યુ કેવી રીતે થયાં?

કોરોના વાઇરસના કારણે ચીનના હુબેઈ પ્રાતમાં બુધવારે 242 લોકોનાં મૃત્યુ થયાં છે. એક દિવસમાં કોરોનાના કારણે સૌથી વધારે મૃત્યુ બુધવારે થયાં છે.

કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હુબેઈમાં 14,840 નવા લોકો આ વાઇરસની ઝપેટમાં આવ્યા છે.

હુબેઈમાં લોકોની તપાસ હવે નવી રીતે અને મોટા પ્રમાણમાં થઈ રહી છે અને આના કારણે આ સંખ્યા વધી રહી છે.

આ કારણે હવે ચીનમાં કોરોના વાઇરસથી મરનારની સંખ્યા 1350થી વધી ગઈ છે, જ્યારે કુલ 60 હજાર કેસ સામે આવ્યા છે.

તપાસની રીત કઈ છે?

આખા ચીનમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોના જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી 80 ટકા કેસ હુબેઈ પ્રાંતના છે. હુબેઈમાં હાલ તપાસની નવી પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

જે લોકોના સિટી-સ્કૅન રિપોર્ટ્સમાં ફેફસામાં ચેપ હોવાનું કે અન્ય કોરોના વાઇરસનાં લક્ષણો હોવાનું સામે આવ્યું હોય એ લોકોને પણ ભોગ બનનારની યાદીમાં સામેલા કરી દેવામાં આવ્યા છે.

પહેલાં માત્ર ન્યુક્લૅઇક ઍસિડ-ટેસ્ટ પર ભરોસો કરવામાં આવી રહ્યો હતો.

આ વચ્ચે 2000 લોકોને લઈને જઈ રહેલું એક વહાણ કંબોડિયા પહોંચ્યું. પાંચ દેશોએ આ વહાણને એ ડરથી પરત મોકલ્યું કે આમાં કોરોનાનો ભોગ બનેલા કેટલાક લોકો છે.

જાપાન, તાઇવાન, ગુઆમ, ફિલિપિન્સ અને થાઈલૅન્ડે આ વહાણને પરત મોકલી દીધું હતું.

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે કંબોડિયાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

આ વચ્ચે જાપાનના યોકોહામામાં અલગ રાખવામાં આવેલા વહાણ ડાયમંડ પ્રિન્સેસમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા 44 અન્ય લોકો હોવાનું સામે આવ્યું છે.

કોરોનાની રસી

આનો અર્થ એ છે કે વહાણ પર હાજર 3,700 લોકોમાંથી 218 લોકો કોરોના વાઇરસનો ભોગ બન્યા છે. જ્યારે હાલ તમામની તપાસ થઈ નથી.

વાઇરસનો ભોગ બનેલા લોકોને ઇલાજ માટે લાવવામાં આવ્યા છે.

આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યું કે આ મહામારીના ખાતમા અંગે હાલ તબક્કે કહેવું ઉતાવળું ગણાશે.

સંગઠને ચેતવણી આપી છે કે હાલ આ મહામારી ક્યાંય પણ થઈ શકે છે.

WHOના હેડ ઑફ ઇમર્જન્સીના માઇકલ રયાને કહ્યું કે સંગઠનને 441માંથી આઠ કેસમાં તે ચેપનો સ્રોત મળી ગયો છે. પરંતુ આ તમામ કેસ ચીનની બહાર છે.

WHOને આશા છે કે આની રસી તૈયાર કરવામાં આવશે, પરંતુ આમાં થોડો સમય લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો