TOP NEWS: ટ્રમ્પને ઝૂપડાં ન દેખાય એટલે અમદાવાદમાં 6થી 7 ફૂટ ઊંચી દીવાલ બનાવાશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી ઇંદિરા બ્રિજ વચ્ચેના રસ્તે આવતી ઝૂપડપટ્ટીને ઢાંકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રસ્તાની કિનારીએ છથી સાત ફૂટ ઊંચી દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.

અમદાવાદ ઍરપૉર્ટ અને મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારની સજાવટના ભાગરૂપે આ દિવાલ બનાવવામાં આવી રહી છે.

કૉર્પોરેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને કહ્યું, "ઝૂપડપટ્ટીના વિસ્તારને ઢાંકવા માટે 6-7 ફૂટ ઊંચી દિવાલ 600 મિટરના સ્ટ્રેચમાં બનાવવામાં આવે. આ ઉપરાંત આની સાથે 'પ્લાન્ટેશન ડ્રાઇવ' પણ યોજવામાં આવશે."

ગટરમાં તરેલા સફાઇકર્મીઓનાં મૃત્યુની બાબતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગટરમાં ઊતરીને સફાઈ કરતા કર્મીઓનાં મૃત્યુની બાબતમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.

જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યો અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં 21 અને મહારાષ્ટ્રમાં 17 કામદારોનાં મૃત્યુ થયાં છે.

સોશિયલ જસ્ટિસ ઍન્ડ ઍમ્પાવર્મૅન્ટ મિનિસ્ટરી દ્રારા જાહેર કરાયેલી માહિતી મુજબ દેશનાં 18 રાજ્યોમાં વર્ષ 2019 દરમિયાન 110 સફાઈકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાતમાં વર્ષ 2019માં 16 સફાઈકર્મીઓ ગટરમાં ઊતરવાથી મોતને ભેટ્યા હતા. 2018માં આવી રીતે મૃત્યુ પામેલા સફાઈકર્મચારીઓની સંખ્યા બે હતી.

ગુજરાતમાં 2015થી 2019ની વચ્ચે કુલ 39 સફાઇકર્મીઓના ગટરમાં ઊતરવાથી મૃત્યુ થયા છે.

બાળકી પર દુષ્કર્મ કરનાર શાળાના ટ્રસ્ટીની ધરપકડ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરેન્દ્રનગરમાં 15 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં આરોપી નિવાસી શાળાના ટ્રસ્ટીની બુધવારે ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે દસમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનાં માતાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું, "સગીર બાળકીનાં માતા-પિતાએ પોલીસ કહ્યું કે ચોટીલામાં આવેલી નિવાસી શાળાના ટ્રસ્ટીએ બાળકી સાથે શારીરિક હિંસા અને દુષ્કર્મ આચર્યુ છે. તેના સંદર્ભે તેમની ધરપકડ કરાઈ હતી."

પોલીસના કહેવા મુજબ વિરોધ કરી રહેલાં માતા-પિતા અને પરિવારના સભ્યોએ સ્કૂલની બહાર એકઠા થઈને સ્કૂલ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં શાળાની બસ અને ઇમારતને નુકશાન થયું હતું.

પોલીસને જાણ થતાં જ તરત ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લેવાઈ હતી.

પોલીસે ગુપ્તાંગો પર લાત મારી, કપડાં ફાડ્યાં - જામિયાનાંવિદ્યાર્થિનીઓ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓના એક સમૂહે પોલીસ આરોપ મૂક્યો હતો કે પોલીસે વિદ્યાર્થિનીઓનાં ગુપ્તાંગો પર લાત મારી, કપડાં અને હિજાબ ફાડ્યાં ઉપરાંત ગાળો પણ આપી હતી.

જોકે પોલીસે આ આરોપ પર હાલ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધનના કાયદાના વિરોધમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના અનેક વિદ્યાર્થીઓ સંસદ સુધી માર્ચ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ દિલ્હી પોલીસે તેમને રસ્તામાં રોક્યા હતા.

એ વખતે સુરક્ષાકર્મીઓ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો