મુંબઈ હુમલાના 'માસ્ટરમાઇન્ડ' હાફિઝ સઈદને સાડાં પાંચ વર્ષની કેદની સજા

પાકિસ્તાનની એક અદાલતે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતાં હાફિઝ સઈદને 'આતંકવાદ માટે ગેરકાયદેસર ફન્ડિંગના બે અલગઅલગ કેસ'માં સાડા પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે.

પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેમના સાથી ઝફર ઇકબાલ પર 'આતંકવાદ માટે આર્થિક મદદ કરવાનો' આરોપ હતો.

હાલમાં હાફિઝ મોહમ્મદ સઈદ ન્યાયિક રિમાન્ડ હેઠળ જેલમાં છે.

આ પહેલાં હાફિઝ સઈદને અનેક મહિનાઓ સુધી અલગ-અલગ સમયે નજરકેદ રાખવામાં આવ્યા હતા.

બે ડઝન કેસ

હાફિઝ સઈદને આતંકવાદ નિરોધક અદાલતમાં હાજર કરવામાં આવતા હતા.

ગયા વર્ષે 11 ડિસેમ્બરે અદાલતે તેમની પર આરોપો નક્કી કર્યા અને એ પછી નિયમિત સુનાવણી શરૂ કરી દેવાઈ હતી.

હાફિઝ સઈદ અને તેમના સાથીઓએ તેમના પરના આરોપોને ખોટા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે તેમની પર વૈશ્વિક દબાણને કારણે આવા આરોપો લગાડવામાં આવ્યા છે.

સ્પેશિયલ પ્રૉસિક્યૂટર જનરલ અબ્દુર રઉફ વટ્ટોએ બીબીસીને જણાવ્યું કે હાફિઝ મોહમ્મદ સઈદ અને તેમના સાથીઓ સામેના આરોપોને સાબિત કરવા માટે જરૂર પુરાવા રજૂ કર્યા છે.

આતંકવાદ નિરોધક અદાલતે હાફિઝ સઈદ વિરુદ્ધ અદાલતી કેસોમાં સાક્ષીઓનાં નિવેદનો રેકર્ડ કર્યાં અને કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો.

હાફિઝ મોહમ્મદ સઈદ અને તેમના પ્રતિબંધિત સંગઠનના નેતાઓ વિરુદ્ધ પંજાબમાં આશરે બે ડઝન કેસ દાખલ થયેલા છે.

હાફિઝ સઈદ અને તેમના પ્રતિબંધિત સંગઠનના પ્રોફેસર અબ્દુલ રહમાન મક્કી સહિત પાંચ મહત્ત્વના નેતાઓ વિરુદ્ધ અન્ય ચાર કેસ મામલે પણ આતંકવાદ નિરોધક અદાલતે કાર્યવાહી શરૂ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો