ઈરાન : કાસિમ સુલેમાનીનું મોત ઓસામા બિન લાદેનના મૃત્યુ કરતાં પણ મોટી ઘટના કેમ ગણાય છે?

સુલેમાની પોતાના દેશમાં રાજકીય અને લશ્કરી રીતે લોકપ્રિય હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુલેમાની પોતાના દેશમાં રાજકીય અને લશ્કરી રીતે લોકપ્રિય હતા.
    • લેેખક, નોબર્ટો પેરેડીઝ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા પછી ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતથી થયો તેવો વિવાદ જગતમાં ભાગ્યે જ બીજા કોઈના મોતથી થયો છે.

છેલ્લા ઘણા દાયકામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં કરેલો આ સૌથી મોટો હુમલો છે.

વિવાદાસ્પદ ઈરાની કમાન્ડરનો કાફલો જઈ રહ્યો હતો તે વાહનો પર બૉમ્બમારો કરવાનો હુકમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તેનાથી ઘણા ચોંક્યા છે.

આ હુમલાનું શું પરિણામ આવશે તે કોઈ જાણતું નથી, પણ આ વિસ્તારમાં લશ્કરી સંઘર્ષ વધી શકે છે.

સુલેમાની ઓસામા બિન લાદેનની જેમ માત્ર વિચારધારાની રીતે જ અગત્યના હતા, એટલું જ નહીં, પણ બિનસત્તાવાર રીતે ઈરાનની વિદેશ નીતિનો દોરીસંચાર પણ કરતા હતા.

અમેરિકાએ 2011માં પાકિસ્તાનમાં બિન લાદેનને ઠાર કર્યો હતો.

સુલેમાની પોતાના દેશમાં રાજકીય અને લશ્કરી રીતે લોકપ્રિય હતા અને મધ્ય-પૂર્વ તથા વિશ્વમાં ઈરાનના પ્રભુત્વની બાબતમાં મહત્ત્વનું વ્યક્તિત્વ હતા.

પણ શા માટે કાસિમ સુલેમાનીની હત્યા આટલી મહત્ત્વની છે અને શા માટે લાદેન કરતાં તેમના મોતના વધારે પડઘા પડી શકે છે.

line

વધુ શક્તિશાળી

ઓસામા બિન લાદેન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી પર્શિયનના વિશેષ સંવાદદાતા કાસરા નાજીના માનવા અનુસાર કાસિમ સુલેમાનીની હત્યાની ઘટના આ વિસ્તારમાં અદ્વિતીય છે. તેની સરખામણી તમે ઓસામા બિન લાદેનની હત્યા સાથે પણ કરી ન શકાય.

"આવી સરખામણી ના થઈ શકે. સુલેમાની લશ્કરી અને રાજકીય રીતે દેશના અગ્રણી નેતા હતા, જ્યારે બિન લાદેન ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા જૂથના હતા. સુલેમાનીની પાછળ સમગ્ર દેશ અને વિશાળ લશ્કર હતું, જે બિન લાદેન પાસે નહોતું."

જોકે નાજી કહે છે કે અમેરિકાની દૃષ્ટિએ બંને અમેરિકી નાગરિકો પર હુમલો કરનારા હતા, તેથી 'તેમના માટે બંને લગભગ સરખા જેવા ગણાય.'

ટ્રમ્પ વહીવટીતંત્ર એવું જ માનતું હતું કે લાદેનની જેમ સુલેમાનીના હાથ પણ અમેરિકી લોહીથી ખરડાયેલા હતા.

અમેરિકાના એક સિવિલ કૉન્ટ્રેક્ટરનો ભોગ લેનારા, ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પણ હુમલા પાછળ સુલેમાની જવાબદાર હોવાનો આક્ષેપ થતો રહ્યો છે.

ઇરાક તથા મધ્ય-પૂર્વમાં અમેરિકાના રાજદ્વારીઓ પણ હુમલાનાં કાવતરાં માટે પૅન્ટાગોન સુલેમાનીને જવાબદાર ગણે છે.

line

યુદ્ધ શરૂ કરાવે તેવી હત્યા

બીબીસી પર્શિયનના વિશેષ સંવાદદાતા કાસરા નાજીના માનવા અનુસાર કાસિમ સુલેમાનીની હત્યાની ઘટના આ વિસ્તારમાં અદ્વિતીય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીબીસી પર્શિયનના વિશેષ સંવાદદાતા કાસરા નાજીના માનવા અનુસાર કાસિમ સુલેમાનીની હત્યાની ઘટના આ વિસ્તારમાં અદ્વિતીય છે.

છેલ્લા કેટલાક દાયકામાં આ વિસ્તારમાં થયેલી હત્યામાં સુલેમાનીની હત્યા એવી છે, જેનાં સંભવિત પરિણામો બહુ ગંભીર આવી શકે છે.

"સુલેમાની પરના હુમલાના કારણે યુદ્ધ શરૂ થઈ શકે, તે શક્યતાને કોઈ નકારતું નથી. આખરે તેઓ એક સ્થાનિક મજબૂત સેનાના કમાન્ડર હતા," એમ નાજી કહે છે.

હાલમાં સૌની નજર અમેરિકા અને ઈરાનની ગતિવિધિઓ પર છે અને ઘણા લોકોને યુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે.

સુલેમાનીની હત્યા પછી 'ત્રીજું વિશ્વ યુદ્ધ' એવા શબ્દો ટ્રૅન્ડ થયા છે અને ઇન્ટરનેટ પર પણ આ શબ્દો સૌથી વધુ પ્રમાણમાં સર્ચ થવા લાગ્યા છે.

ઈરાન આનો આકરો પ્રતિસાદ આપશે એવી ઘણાને અપેક્ષા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખમેનેઈ તરફથી ધમકી અપાઈ છે કે "હત્યા પાછળ જેનો હાથ છે તેની સામે આકરો બદલો લેવામાં આવશે."

જોકે સીઆઈએના ભૂતપૂર્વ ડિરેક્ટર ડેવિટ પેટ્રોસ જેવા ઘણાને લાગે છે કે ઈરાન હાલમાં એવી નાજુક સ્થિતિમાં છે કે 'યુદ્ધ જેવી કાર્યવાહી' કરી શકે તેમ નથી.

પૅટ્રોસ ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકીદળોના કમાન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ પણ માને છે કે સુલેમાનીનું મોત બિન લાદેન કે આઈએસના અબુ બકર અલ બગદાદીના મોત કરતાં વધારે મહત્ત્વની ઘટના છે.

line

ઈરાન બહાર પણ લોકપ્રિય

ઇરાક તથા મધ્ય-પૂર્વમાં અમેરિકાના રાજદ્વારીઓ પણ હુમલાનાં કાવતરાં માટે પૅન્ટાગોન સુલેમાનીને જવાબદાર ગણે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇરાક તથા મધ્ય-પૂર્વમાં અમેરિકાના રાજદ્વારીઓ પણ હુમલાનાં કાવતરાં માટે પૅન્ટાગોન સુલેમાનીને જવાબદાર ગણે છે.

અખાતના વિસ્તારમાં ઈરાનની તાકાત માટે સુલેમાની અગત્યના કમાન્ડર હતા.

1998થી તેઓ ઈરાનના ક્રાંતિકારીદળ (સેના)ની ઉચ્ચ કક્ષાની અર્ધલશ્કરી પાંખ કુદ્સ ફોર્સના કમાન્ડર તરીકે કામ કરી રહ્યા હતા. કુદ્સની કામગીરી દુનિયાભરમાં ફેલાયેલી છે.

કુદ્સના સંપર્કો લેબનનના હિઝબુલ્લા અને ઇરાક તથા અફઘાનિસ્તાનનાં શિયા ઉદ્દામવાદી જૂથો સાથે પણ છે. તેના કારણે તેમની હત્યાના પડઘા ઈરાનની સરહદની પાર પર પડશે.

"બગદાદ પર ઇસ્લામિક સ્ટેટનો કબજો થવાની તૈયારીમાં હતો ત્યારે સુલેમાનીએ અગત્યની ભૂમિકા ભજવી હતી. એવું કહેવાય છે કે તેમણે જ શહેરને બચાવી લીધું હતું," એમ બીબીસી પર્શિયાના સંવાદદાતા નાજી કહે છે.

"આઈએસના ત્રાસવાદીઓ ઈરાનની બૉર્ડરની નજીક પહોંચી ગયા હતા, ત્યારે તેમણે સામનો કર્યો હતો અને તેમને પાછા ખદેડ્યા હતા. તેના કારણે તથા બીજાં કારણસર પણ તેઓ ઈરાનમાં અને આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા."

line

યુદ્ધની કાર્યવાહી?

હાલમાં સૌની નજર અમેરિકા અને ઈરાનની ગતિવિધિઓ પર છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલમાં સૌની નજર અમેરિકા અને ઈરાનની ગતિવિધિઓ પર છે.

2019ના પ્રારંભ સુધી ઇરાકમાં અમેરિકાના રાજદૂત તરીકે રહેલા ડગ્લાસ સિલિમેન માને છે કે ઈરાન અને અમેરિકા બંનેએ આ વખતે રેડલાઇન ક્રૉસ કરી લીધી છે.

હાલમાં વૉશિંગ્ટન ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ અરબ ગલ્ફ સ્ટેટ્સના પ્રૅસિડેન્ટ તરીકે રહેલા સિલિમેને બીબીસી મુન્ડોને જણાવ્યું હતું કે "આ કામગીરી યુદ્ધ પ્રકારની હતી કે કેમ તે જોનારાની દૃષ્ટિ પર નિર્ભર છે."

"મને લાગે છે કે ઈરાન અને અમેરિકા બંને પોતપોતાની રીતે કાર્યવાહી કરશે અને તેને યુદ્ધની કાર્યવાહી તરીકે ગણાવશે."

તેમણે આનું ઉદાહરણ આપતા કહ્યું કે હોર્મૂઝની સામુદ્રધાનીમાં ઈરાને હુમલા કર્યા હતા અને ગયા વર્ષે અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતું.

"આવા હુમલા પછી તેમની ધારણા પ્રમાણે અમેરિકાએ પ્રતિસાદ આપ્યો નહોતો."

જોકે ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં લીધેલા પગલાં અપેક્ષિતા હતા તેમ સિલિમેન માને છે.

"છેલ્લા ઘણા વખતથી ચેતવણી આપવામાં આવી રહી હતી કે ઈરાની હુમલાથી કોઈ અમેરિકી નાગરિકનું મોત થશે તે રેડલાઈન સમાન હશે." આવી ઘટના બની તે પછી સુલેમાનીના કારના કાફલા પર હુમલો થયો હતો.

line

સંભાળપૂર્વકનો પ્રતિસાદ

સુલેમાનીની અંતિમયાત્રામાં ભીડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુલેમાનીની અંતિમયાત્રામાં ભીડ

સિલિમેન માને છે કે આ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી ના થાય તે માટે આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરી જરૂરી બની છે.

"ઈરાન પર અત્યારે દબાણ લાવવાની જરૂર છે જેથી તે વધારે પડતો આકરો પ્રતિસાદ ના આપે. ટૂંકમાં આપણે શા માટે યુદ્ધ કરવું જોઈએ કે શા માટે ના થવું જોઈએ તેનાં કારણો પર વિચાર કરવો જોઈએ," એમ તેઓ કહે છે.

બીબીસી પર્શિયન સેવાના વિશેષ સંવાદદાતા કાસરા નાજી પણ માને છે, ઈરાન સુલેમાનીના મોતનો પ્રતિસાદ સંભાળપૂર્વક આપશે.

"અમેરિકાની સામે ઈરાન નાનો દેશ છે, તેથી મને લાગે છે કે ઈરાની નેતાઓ સંભાળપૂર્વક આગળ વધશે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમના માનવા પ્રમાણે ઈરાની સરકાર દુનિયાની મહાસત્તા સાથે સીધી લશ્કરી અથડામણમાં ઊતરવા નથી માગતી.

"જોકે ઍમ્બૅસી, જહાજો કે સૈનિકોની ટુકડી પર હુમલા કરીને પ્રતિસાદ આપવામાં આવી શકે છે," જે રીત છેલ્લાં થોડાં વર્ષોથી ઈરાને અપનાવેલી છે.

જોકે વાસ્તવિકતા એ છે કે સુલેમાનીની હત્યા મહત્ત્વની ઘટના છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં આ નવો વળાંક છે.

ડેવિડ પૅટ્રોસ જેવા જાણકારો પણ સુલેમાનીની હત્યાને મહત્ત્વની ઘટના માને છે. તેમણે ફૉરેન પૉલિસી મૅગેઝિનમાં લખ્યું છે તે પ્રમાણે સુલેમાની "શિયા વર્ચસ્વ માટે ઈરાનના પ્રયાસોના ઘડવૈયા અને કર્તાહતા કમાન્ડર હતા."

બીજી બાજુ ઈરાનની શેરીઓમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા ઊમટી પડેલા તેમના ચાહકોને અપેક્ષા છે કે દેશના સર્વોચ્ચ નેતાએ વચન આપ્યું છે તે પ્રમાણે "બરાબરનો બદલો" લેવામાં આવશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો