શાહીન બાગ : CAA-NRC મુદ્દે સરકારને હંફાવી રહેલા આ વિસ્તાર વિશે તમે શું જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચિન્કી સિંહા
- પદ, નવી દિલ્હી
"શાહીન આકાશમાં ઊંચે ઊડતા પક્ષીનું નામ છે, ઊડતાં ઊડતાં જ શિકાર કરીને ખાનારું પક્ષી છે," ગ્રે રંગનો હિજાબ પહેરેલાં મહિલા કહે છે.
તેની બાજુમાં ઊભેલા યુવાન કહે છે કે, આ જગ્યાનું નામ એક ડૉક્ટરની દીકરી પરથી પડ્યું છે.
શાહીન એ સફેદ રંગના શાહી ગરૂડનું ફારસી નામ છે. તે એક જગ્યાએ રહેનારું પક્ષી છે અને તેનો એક અર્થ મક્કમ મનોમળ એવો પણ થાય છે.
"અમારા માટે ઊડવાનો સમય આવ્યો છે. અમે શાહીન છીએ," 75 વર્ષનાં નૂરુનિસ્સા કહે છે.
દિલ્હીમાં આવેલા શાહીન બાગ વિશે તેઓ સમજાવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સરકારના નાગરિકતાના નવા કાયદા તથા એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓના કારણે દિલ્હીના શાહીન બાગ તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે.
નકશો દોરનારા માટે દિલ્હીના મૅપમાં આ વિસ્તારને એક નાનકડા ટપકા તરીકે જ દર્શાવી શકાય.
દિલ્હીના દક્ષિણ છેડે શાહીન બાગ વસેલો છે. યમુના નદીના કિનારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના નોઇડાની વચ્ચે વસેલો નાનકડો વિસ્તાર ભાગ્યે જ કોઈનું ધ્યાન ખેંચે તેવો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાં હાઇવે આવેલો છે, જેને અત્યારે બ્લૉક કરી દેવાયો છે. આ બધું નકશામાં બતાવી શકાય તેવું નથી.
પરંતુ નકશો માત્ર ભૌગોલિક સ્થાન દેખાડનાર નથી હોતો. નકશો ઘણી વાર કલ્પના, સપનાં અને યાદગીરીનો વિસ્તાર હોય છે.
કોઈએ એવું લખ્યું હતું કે આપણે જે વિસ્તારને નકશા વિશે જાણતા ના હોઈએ, સમજતા ના હોઈએ તેને નકશાકારની ભાષામાં 'સ્લિપિંગ બ્યૂટીઝ' કહેવાતી હોય છે.

શાહીન બાગની મહિલાઓની હિંમત
શાહીન બાગ એવો જ વિસ્તાર છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી તે વિરોધનું સ્થાન બની ગયું છે, વ્યાખ્યાથી પર અને સૌને આશ્ચર્ય પમાડી દેનારો વિસ્તાર.
"આ વિરોધ પ્રદર્શનો ક્યાં થઈ રહ્યાં છે?" એક મિત્રે પૂછ્યું હતું.
"શાહીન બાગ," મેં જવાબ લખ્યો હતો.
સામેથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં.
મૅપમાં તમે શાહીન બાગ ટાઇપ કરશો તો તમને જામિયા થઈને જતો રૂટ દેખાશે. બહુ ઓછા લોકો તે રસ્તે જવા માગે છે.
શાહીન બાગ ધમધમતો વિસ્તાર છે, અનંત ગલીઓ છે, ચારે બાજુ ગૂંચવાયેલા વાયરો માથે લટકે છે, શ્વાસ લેવો મુશ્કેલ બને તેટલા ખીચોખીચ મકાનો છે, ટૅમ્પટેશન નામનો કાફે છે, ચહેરો ચમકાવવા માગનારા માટે સલૂન છે, ચાની પુષ્કળ લારીઓ છે, કબાબની દુકાનો છે અને બહુ બધી હિંમત છે.
નકશામાં તે આખરે દેખાયો, કેમ કે અમારામાંથી કેટલાકને સંકોચ પણ થયો કે ખાલી જગ્યાઓ ભરી દેવા માટે, કડકડતી ઠંડીમાં મહિલા અને બાળકો શાંત વિરોધપ્રદર્શનો કરી રહ્યાં છે.
તેમને લાગે છે કે બંધારણનો ભંગ થઈ રહ્યો છે. તેમાં દિવસ રાત બેસી રહેતાં 90 વર્ષનાં વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે, અને 82 વર્ષનાં વૃદ્ધા પણ છે.
એક પુરુષ પ્રથમ દિવસથી ઉપવાસ પર ઊતર્યા છે અને હવે તેમને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે.
તેમની બાજુમાં બેઠેલાં સ્ત્રી એક અઠવાડિયા પછી તેમની સાથે ભૂખહડતાળ પર ઊતર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
મહાનગરમાં સૌ પોતપોતાનું કરવામાં પડ્યા હોય, ત્યાં અહીં નવી મિત્રતા સર્જાતી રહી છે.
પ્રદર્શનના પ્રારંભથી એક નવા પ્રકારનું જીવન શરૂ થયું છે.
તેને સામુદાયિક જીવન પણ કહી શકાય, જેના વિશે એક નીતિ તરીકે ઘણા દેશોમાં ચર્ચામાં પણ થતી રહી છે.
કોઈને એવી કલ્પના નહોતી કે અશક્ત નારીઓનું વિરોધપ્રદર્શન આવી કોઈ કલ્પનાનું પ્રતીક બનીને ઊપસશે.
તેઓ સામાન્ય નારીઓ છે, જેમને બહુ જ ભય છે કે તેમને જેલમાં પૂરી દેવાશે. આમ છતાં તેઓ અહીં બેસી રહી છે.
15 ડિસેમ્બરે ચાર મહિલા અને છ પુરુષો જામિયા નગર, બાટલા હાઉસ અને શાહીન બાગનાં પોતાનાં ઘરોમાંથી બહાર આવી ગયાં હતાં.
તેમણે જોયું અથવા સાંભળ્યું કે પોલીસ આક્રમક રીતે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી.

નવવર્ષની ઉજવણી વિરોધપ્રદર્શન સાથે

ઇમેજ સ્રોત, Getty Images
વિરોધપ્રદર્શનના પ્રવાસન તરીકે શાહિન બાગ બૌદ્ધિકોમાં જાણીતું થયું અને સૌએ અહીં નવા વર્ષની ઉજવણી વિરોધપ્રદર્શન કરીને કરી, તે પહેલાં તે ગીચ વસતિ તરીકે જાણીતું હતું.
સાંકડી ગલીમાં થોડું આકાશ દેખાતું હોય તેની આડે પણ આડેધડ ફેલાયેલા વાયરો આવી ગયા હોય.
એક એવી અજાણી જગ્યા જ્યાં ગરીબો વસતા હોય, બહારથી આવેલા લોકોને સસ્તામાં ભાડે મકાન મળતું હોય અને એવી કૉલોની જેને હાલમાં જ કાયદેસર કરવામાં આવી હોય.
ઘણા બધા લોકો માટે શાહીન બાગ તેમના નકશામાં ક્યારેય હતું જ નહીં.
25 વર્ષ પહેલાં અહીં જંગલ જેવું જ હતું.
તેની વચ્ચે કેટલાક લોકો પતરાંના ઝૂંપડાં બનાવીને રહેવા લાગ્યા.
લાંબા સમય સુધી ત્યાંના લોકોને વીજળીનું કનેક્શન મળ્યું નહોતું.
તે લોકો વીજળીના થાંભલામાં વાયર લગાવીને વીજળી ચોરી લેતા હતા અને તેનાથી રાતનો બલ્બ ચાલુ થતો હતો. પાણીની પાઇપલાઇન પણ નહોતી.
બિલ્કિસ નામનાં વૃદ્ધા આ વાંકીચૂકી ગલીઓમાં અનોખી અદાથી ટહેલતાં રહે છે.
રસ્તામાં કેટલાક લોકો તેમને સલામ કરતા રહ્યા.
તેઓ એક નવા ખૂલેલા સલોન તરફ આંગળી ચીંધીને જણાવે છે કે ત્યાં પહેલાં નાળું હતું.
તેઓ મુઝફ્ફરનગરથી શાહીન બાગ આવ્યા હતા.
નૂરુનિસ્સા અઢી દાયકા અહીં રહેવા આવ્યાં હતાં.
તે પછી તેઓ દિલ્હી રેલવે સ્ટેશન જવા સિવાય ક્યારેય શાહીન બાગની બહાર નીકળ્યાં નથી. એવી જરૂર જ પડતી નહોતી.
અગાઉ અહીં મંગળવારી બજાર ભરાતી હતી.
તેમાં ફેરિયાઓ વસ્તુઓ વેચવા આવતા હતા. દર અઠવાડિયે આ બજારમાંથી બધી વસ્તુની ખરીદી થઈ જતી હતી.
તે વખતે લાઇટ કે પાણીનું કનેક્શન હતું જ નહીં, પરંતુ અન્ય જગ્યા કરતાં અહીં સાવ સસ્તામાં જમીન મળતી હતી, એટલે ગરીબ ઇમિગ્રન્ટ્સ અહીં ભીડ કરતા હતા.
શરૂઆતમાં તેમણે પતરાં નાખીને ઝૂંપડાં તૈયાર કરી લીધાં અને વીજળીના થાંભલા પરથી વાયરો ખેંચીને વીજળી ચોરવાનું શરૂ કરી દીધું હતું.
તેમની સાથે મચ્છરોનો વસવાટ પણ ચાલતો રહેતો હતો. તેઓ કહે છે કે આખરે ગયા વર્ષે તેમની વસાહત કાયદેસર થઈ છે.
"અમે અહીં આવ્યા ત્યારે સાવ જંગલ જેવું જ હતું," એમ તેઓ કહે છે.

લેખિતમાં બાંહેધરી ન મળે ત્યાં સુધી પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
નુરુનિસ્સા મુઝફ્ફરનગરથી 10 વર્ષ પહેલાં તેઓ પોતાના દીકરાઓ સાથે અહીં રહેવાં આવ્યાં હતાં. 75 વર્ષના નૂરુનિસ્સા કહે છે જિંદગી દરમિયાન તેમણે બહુ રમખાણો જોયાં છે.
શેરીમાં લોહી વહેતું તેમણે જોયેલું છે. તેઓ કાયમ ઘરમાં પૂરાઈ રહેતાં હતાં, પણ ક્યારેક તો તમારે બહાર નીકળવું પડે, એમ તેઓ કહે છે.
અંધારી ગલીમાં તેઓ એક દાદરા પર ચડીને દરવાજો ખોલે છે. તેમનાં પૂત્રવધુ રેશ્મા ઘરે જ છે.
નૂરુનિસ્સા અને તેમના પતિ ભોંયતળિયે રહે છે. ઘરની બહાર ખુરશીમાં બેસીને શેરીમાં થતી ગતિવિધિ નિહાળતાં રહેતાં હોય છે.
લોકોને અને જિંદગીને જોતાં રહે. વિરોધપ્રદર્શનો શરૂ થયાં તે પહેલાં 15 ડિસેમ્બર સુધી શાહીન બાગ પણ બીજા કોઈ પણ વિસ્તાર જેવો જ વિસ્તાર હતો.
દિવાલો પર ડાર્ક પિન્ક અને ગ્રીન પેઇન્ટ કરેલો છે. નાનકડું ટીવી પણ છે.
દિવાલને અઢેલીને સોફા છે અને નીચે સાદડી પાથરેલી છે. શહેરના મધ્યમ વર્ગમાં સામેલ થાય એવા કુટુંબનું આ ઘર છે.
ઘર હજી પૂરું બન્યું નથી, પણ પૈસા આવતા જાય છે તેમ બાંધકામ આગળ વધતું જાય છે.
"અમારી જવાબદારી રસોઈની અને ઘર સંભાળવાની હતી," એમ તેઓ કહે છે.
"પણ અમે હવે બહાર નીકળ્યા છીએ. એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને સીએએ (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) લાગુ નહીં કરાય તેવું લેખિતમાં ના આપે ત્યાં સુધી અમે હઠવાના નથી."
તેઓ ક્યારેય શાળામાં ભણવા ગયાં નથી, પણ 'ક્રૉનૉલૉજી' સમજવા માટે તમારે ભણતરની જરૂર હોતી નથી.
"મારા હૈયામાં હવે હામ છે. તમારે મને ગોળી મારવી હોય તો મારો. હું ગભરાતી નથી," એમ તેઓ કહે છે.
તેમનું હૃદય આટલું કઠોર નહોતું. તેમણે 1980માં મોરાદાબાદમાં પોલીસના ગોળીબારની ક્રૂરતા જોયેલી છે.
13 ઑગસ્ટ 1980ના રોજ મુસ્લિમો ઈદ મનાવી રહ્યા હતા ત્યારે પોલીસ અને પ્રૉવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરીએ મોરાદાબાદ ઈદગાહ પર ગોળીબાર કર્યો હતો.
તે વખતે નમાજ પઢવા માટે 40,000 મુસ્લિમો એકઠા થયા હતા. તે દિવસે 300 મુસ્લિમોનાં મોત થયાં હતાં.
"હું આખી રાત રડ્યા કરતી હતી. મને કાયમ ચિંતા રહેતી કે મારાં બાળકો ઘરે પાછાં ફરશે કે નહીં," એમ તેઓ કહે છે.
15 ડિસેમ્બરે તેમણે સમાચાર જોયા કે જામિયામાં વિદ્યાર્થીઓ એકઠા થયા છે. તે જોઈને તેઓ ચિંતિત થઈ ગયાં હતાં.
"કોઈ સરકારો ક્યારેય મુસ્લિમોની થઈ નથી," એમ તેઓ કહે છે.
"આ ઉંમરે મેં હવે લડવાનું નક્કી કર્યું છે. મેં બહુ જોઈ લીધું. તેમણે આપણામાં ભાગલા પાડ્યા છે. અબ શાહીન મેં પરવાઝ કી હૈ."
તેમની પૌત્રીએ દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે તેમના બિન-મુસ્લિમ મિત્રોને ખ્યાલ આવે કે ક્યાં રહે છે, ત્યારે તેને 'છોટા પાકિસ્તાન'માં રહેનારાં ગણી લે છે.
"પણ અમારા માટે આ જ ઘર છે," એમ તેઓ કહે છે. "મારા માટે શાહીન બાગ જ સર્વસ્વ છે. હું અહીં જ મોટી થઈ છું. અહીંની ગલીઓને હું જાણું છું. અહીં સલામતી અનુભવું છું."
રોજ સાંજે તે પણ પ્રદર્શનના સ્થળે જાય છે અને સૌની સાથે બેસે છે. તેમનાં માતા પણ ત્યાં જાય છે.
"અમે બધા જઈએ છીએ," એમ તે કહે છે.

મહિલાઓ આંદોલન અને પુરુષો બાળકો સંભાળી રહ્યા છે!

ઇમેજ સ્રોત, Getty Images
તમને નથી દેખાતું તે પણ મહત્ત્વનું છે. મહિલાઓ શેરીમાં ઊતર્યાં છે, ત્યારે પુરુષો ઘરે રહીને બાળકોની સંભાળ લઈ રહ્યા છે.
શાહીન બાગમાં પૈતૃક સત્તા પણ પલટાઇ ગઈ છે અને પુરુષો ચોકની બહાર ઊભા રહે છે.
તેઓ મહિલાઓની કાળજી લઈ રહ્યા છે. રોજ અફવાઓ આવે છે કે પોલીસ આવીને તેમને હઠી જવાનું કહેવાની છે.
ત્રીજી જાન્યુઆરીએ આ વિરોધપ્રદર્શનના કહેવાતા આયોજક શાર્જિલ ઇમામે પ્રદર્શન પૂરા થયાની જાહેરાત પણ કરી હતી.
તેઓ આઈઆઈટીના ગ્રૅજ્યુએટ છે અને જેએનયુમાં આધુનિક ઇતિહાસ ભણી રહ્યા છે.
45 વર્ષનાં હીના અહમદ દેખાવના સ્થળે પહોંચ્યાં અને મહિલાઓ ધરણાં પર બેઠેલાં હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી હતી.
તેઓ કહે છે કે વિરોધપ્રદર્શનનો કોઈ રાજકીય પક્ષ કે કોઈ વ્યક્તિ કબજો ના કરી લે તે જોવું જરૂરી છે.
"હું પ્રથમ દિવસથી અહીં જ છું અને અમે આવી અફવાઓને ડામી દેવા માગીએ છીએ" એમ તેઓ કહે છે.
તેઓ નજીકના વિસ્તારમાં રહે છે. સાંજના સમયે આવી જાય છે અને રાત્રી દરમિયાન અહીં જ રહે છે.
તેમની દીકરી જામિયા મિલિયા ઇસ્લામિયામાં ભણે છે. પોલીસના લાઠીચાર્જમાં પોતાની દીકરી ઘાયલ થઈ હતી તે વાતનો હોવાનું તેઓ જણાવે છે.
અનામતની માગણી સાથે જાટ અને ગુજ્જરે જે રીતે દેખાવો કર્યા હતા તેમાંથી પ્રેરણા લઈને ઘરણાં થઈ રહ્યાં છે.
"અમે બીજા કોઈ વિસ્તારમાં દેખાવો કરતા હોત તો કોઈએ નોંધ ના લીધી હોત. આ હાઇવે છે. તમે હાઇવે બ્લૉક કરી અને શાંત થઈને બેસી રહો," એમ તેઓ કહે છે.
જામિયાની નજીક હોવાથી જ શાહીન બાગનો વિકાસ થયો હતો.
જામિયાના મોટા ભાગના વિદ્યાર્થીઓ શાહીન બાગ, બાટલા હાઉસ જેવા આસપાસના વિસ્તારના જ છે.

યુએસની ઑક્યુપાઇ ચળવળની યાદ અપાવે પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
સસ્તા કબાબ, પરાઠા અને સસ્તામાં મળતા ફોન અને વસ્ત્રો તથા કેટલીક ખરાબ છાપને કારણે જાણીતો બનેલો શાહીન બાગ ગયા મહિને સાંસ્કૃતિક કડી માટે, દોસ્તી માટે અને સૌથી વધુ તો એકતા માટેનું સ્થળ બની ગયું.
સાથે જ ભારતીય રાજકારણમાં જેની લાંબા સમયથી જરૂર છે તે મુસ્લિમ મહિલાના પ્રતિનિધિત્વનું પણ તે પ્રતીક બની ગયું છે.
વિરોધપ્રદર્શનને વિખેરી નાખવા માટે પ્રયાસો થતા રહ્યા છે.
પોલીસની હાજરી પણ થોડી ઘણી વર્તાતી રહે છે, પણ મહિલાઓ હઠ છોડવા તૈયાર નથી.
તેઓ મૌન પ્રદર્શન દ્વારા હાઇવેને અટકાવીને બેઠેલાં છે.
ભારતના આધુનિક ઇતિહાસમાં વિરોધપ્રદર્શન માટેની પરંપરા સ્વાતંત્ર્ય ચળવળમાંથી ઊભી થઈ હતી.
રાષ્ટ્ર વિશેની ભાવના સૌ પ્રથમવાર 1857માં પ્રગટ થઈ હતી અને તે પછી ગાંધીમાર્ગે સત્યાગ્રહ કરવાનો સમય આવ્યો, જે આજે અસહકાર માટેનું નવું મૉડલ બની રહ્યું છે.
ઘણી રીતે શાહીન બાગનો વિરોધપ્રદર્શન 2011માં યુએસ ઑક્યુપાઇ ચળવળ થઈ હતી તેની યાદ અપાવે છે.
વર્ગો વચ્ચેના ભેદભાવના મુદ્દે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. લોકોએ દેશભરમાં બગીચા તથા જાહેર ચોકમાં કબજો જમાવીને સ્વશાસનનો તથા સમાચારમાં ભેદભાવનો વિરોધ પ્રગટ કર્યો હતો.
તે બહુ લાંબા ચાલ્યા નહોતા, પણ ઘણા કહે છે કે તેની લાંબા ગાળે મહત્ત્વની અસર થશે.
ચારે બાજુ ફેલાયેલા સોશિયલ મીડિયામાં કવરેજના કારણે એક બળવો બીજી જગ્યાએ બળવા માટે પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે.

વિરોધપ્રદર્શનમાં એકતા

ઇમેજ સ્રોત, Getty Images
કાચી દીવાલના સહારે તૈયાર કરાયેલા સ્ટેજ પર 29 વર્ષના ઝૈનુલ આબેદિન સૂતા છે.
તેઓ ભૂખહડતાળ પર ઊતર્યા છે. કડકડતી ઠંડીમાં અહીં આવીને ઘરણાં શરૂ કરનારા પ્રથમ 10માં તેમનો સમાવેશ થતો હતો.
"અમે ઘરણાં કરી રહ્યા હતા, ત્યારે ઘણા અમારી સાથે જોડાઈ ગયા. તે માટે કોઈ આયોજન કર્યું નહોતું," એમ તેઓ કહે છે.
પ્રથમ રાત્રે તેઓ ખુલ્લામાં જ બેસી રહ્યા હતા.
બહુ ભારે ઠંડી પડી રહી હતી. બીજા બે દિવસ તેઓ ઠંડીની પરવા કર્યા વિના ખુલ્લામાં બેસી રહ્યા.
ત્રીજા દિવસે કોઈ મોટી પ્લાસ્ટિકની શીટ આપી ગયું, જેથી માથે ઢાંકી શકાય. બાદમાં થોડું દૂર ખસીને સ્ટેજ બનાવ્યું, જેથી વધુ લોકોને સમાવી શકાય. તેઓ સૌ કોઈનું સ્વાગત કરતા રહ્યા હતા.
શુક્રવારે રાત્રે કોઈએ સ્ટેજ પરથી ડૉ. આંબેડકર વિશે ભાષણ કર્યું હતું અને મહિલાઓની સમાનતાની પણ વાત કરી.
તેમણે દલિતોના શોષણની અને કઈ રીતે દલિત મુસ્લિમ ભાઈ-બહેનોની સાથે ઊભા છે તેવી વાત કરી હતી.
શીખ સમાજમાંથી આવેલી એક વ્યક્તિએ જલિયાંવાલા બાગ સાથે જામિયા પર હુમલાની સરખામણી કરી હતી.
એક નાની છોકરીએ માઇક સંભાળ્યું હતું અને ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
એક દિવસ અગાઉ ભીમ આર્મીના સભ્યો પણ આવ્યા હતા.
"કોઈને પણ સ્ટેજ પર આવવાની છૂટ છે, પણ કોઈની સાથે અમારું જોડાણ નથી," એમ અહમદ કહે છે.

"મૌન વિરોધ કોઈની માલિકી નથી."

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાને લાગતું હશે કે સરસ મજાનો મેળાવડો થયો છે.
કોઈક રીતે ચા નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે.
સાદડીઓ પાથરી દેવામાં આવે છે, ધાબળા વહેંચવામાં આવે છે અને સૌ કોઈ નેતા હોય તેવી રીતે વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.
1960 અને 70ના દાયકામાં મહિલામુક્તિ માટે આંદોલનો થયાં હતાં તેવી રીતે ધરણાં ચાલી રહ્યાં છે.
હવે મહિલાઓ અહીં તમને કહેશે કે વિભાજન કરનારા રાજકારણના મુદ્દાઓથી તેઓ અજ્ઞાત નથી.
બાબરી મસ્જિદ કે ટ્રિપલ તલાકના મુદ્દે આવેલા ચુકાદા વિશે તેમને જાણ છે.
પરંતુ જામિયાના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તે પછી તેઓ ઘર છોડીને રસ્તા પર આવ્યાં છે, જેથી તેમની હાજરીની નોંધ લેવી પડે.
"આ મૌન વિરોધ કોઈની માલિકીનો નથી," એમ અહમદ કહે છે અને ઉમેરે છે કે મોટા ભાગની મહિલાઓ ગૃહિણીઓ છે અને તેઓ એનઆરસી અને સીએએના મુદ્દે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે બહાર આવ્યાં છે.
ચોથા દિવસે વધુ લોકો જોડાયા અને મહિલાઓએ નવ સાદડીઓ આપી હતી.
વધુ તાડપત્રી આવી અને કોઈએ માઇક દાનમાં આપ્યું અને હેલોજન બલ્બ કોઈએ લગાવી દીધા.
નજીકના વિસ્તારમાં રહેતા મેરા ખાન નામના યુવાન અહીં સ્વંયસેવક તરીકે કામ કરે છે તેઓ કહે છે કે દેખાવો વિશે ચાલી રહેલી અફવાઓથી તેઓ પરેશાન છે.
"કોઈ પોતાની માલિકી કેવી રીતે જાહેર કરી શકે? આ બધી મહિલાઓ અહીં આવી ગઈ હતી અને અમે તેમને મદદ કરવા આવ્યા છીએ," એમ તેઓ કહે છે.
સ્ટેજ બેઠેલાં શાહીન કૌસર સંકલન કરવાનું કામ કરી રહ્યાં છે. ન્યૂ વિઝન પબ્લિક સ્કૂલના ડિરેક્ટર શાહીન કહે છે કે અહીં કોઈ નેતા નથી.
તેઓ અહીં સાથે મળીને અને સહકારની ભાવનાથી કામ કરી રહ્યા છે.
"પોલીસનો ભય તો છે જ. પણ અમે ડીસીપીના સંપર્કમાં છીએ," એમ કૌસર કહે છે. "અમે તૈયારી કરીને રાખી છે. પોલીસ આવશે તો અમે બધા બસમાં બેસી જઈશું અને જેલમાં જઈશું."

શાહીન બાગની શાનદાર મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images
અફસરી ખાતૂન રોજ ધરણાંના સ્થળે આવે છે. મહિલાઓએ પોતાની રીતે વારાફરતી આવવાનું નક્કી કરી લીધું છે.
સવારે તેઓ રસોઈ કરીને પછી ધરણાંના સ્થળે આવી જાય છે અને સાંજે ઘરે જાય છે. કેટલીક મહિલાઓ રાત્રે પણ રોકાય છે.
"વિરોધપ્રદર્શન માટે આ યોગ્ય જગ્યા છે," એમ અફસરી ખાતૂન કહે છે.
અહીંથી જુદી જુદી દિશામાં ગલીઓ જાય છે. તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે, તે માત્ર સ્થાનિક લોકોને જ ખબર છે.
આ સાંકડી ગલીઓનો કોઈ નકશો નથી અને તેના કારણે સ્ત્રી-પુરુષોને સલામતી લાગે છે.
ખાતૂન કહે છે કે વર્ષો પહેલાં અહીં રહેવા આવ્યા ત્યારે ગટર-લાઇનો પણ નહોતી, કચરાના નિકાલની વ્યવસ્થા નહોતી.
ચારે બાજુ મોટું ઘાસ ઊગેલું હતું અને ગોઠણ સુધી પાણી ભર્યું રહેતું હતું.
આમ છતાં તેઓ અહીં વસ્યા હતા અને ધીમે ધીમે બીજા લોકો આવતા ગયા.
તે વખતે માત્ર 7 રૂપિયામાં ખાતૂને 50 ગજનો પ્લોટ લીધો હતો. અહીંના મોટા ભાગના લોકોની જેમ તેમના પતિ ટિમ્બરનું કામકાજ કરે છે. કેટલાક લોકો ભંગારનો ધંધો કરે છે.
"અમે અમારું પોતાનું મકાન બનાવવા માગતાં હતાં," એમ તેઓ કહે છે.
ધીમેધીમે પૈસા થતા ગયા તેમ મકાન ચણતાં ગયાં હતાં.
તે વખતે મીઠું ખરીદવા માટે પણ બાજુના વિસ્તારમાં જવું પડું હતું.
બાદમાં રસ્તો બનાવવામાં આવ્યો અને કબ્રસ્તાન પણ બન્યું.
વિસ્તાર રૂઢિચૂસ્ત હતો અને મહિલાઓએ હિજાબ પહેરવો પડતો અને ભાગ્યે જ બહાર નીકળતી હતી, પણ હવે નવી અપેક્ષાએ માનસિકતા બદલાઈ છે.
એક ગલીમાં ઑલ્ટરનેટ પ્રેસ નામની પુસ્તકોની દુકાન પણ છે.

પ્રોટેસ્ટ ટૂરિઝમ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા બધા ટ્રાવેલ એજન્ટ પણ છે. છેલ્લી ફૅશનનાં વસ્ત્રોની ઘણી બધી દુકાનો પણ બની છે.
"હવે તો પ્રોટેસ્ટ ટૂરિઝમ શરૂ થયું છે. બધા આવે છે તે અમને ગમે છે. એવું લાગે છે કે અમે એકલા નથી. સવાલ એક જ છે કે મોદી કેમ સાંભળતા નથી," એમ તેઓ કહે છે.
રાત્રે તમે સાંકડી ગલીઓમાં ફરી શકો છો અને જોઈ શકો કે ચાના ગલ્લા ખુલ્લા હોય છે અને સ્ત્રી-પુરુષો હરતાંફરતાં હોય છે.
અહીં નાના ઍપાર્ટમૅન્ટ બન્યા છે, જે બીજા વિસ્તારોમાં હોય તેવા આધુનિક લાગે છે.
મસ્જિદનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સલૂન અને પાર્લર્સ પણ અહીં દેખાય છે.
સાંકડી ગલીમાંથી બારીમાંથી મકાનમાં નજર નાખો તો ખ્યાલ આવે કે ચમકદાર કલર કરાયેલા છે.
દીવાલો પર ટાઇલ્સ લાગેલી છે અને સોફા પડેલા છે. શાહીન બાગ બીજા કોઈ પણ મધ્યમ વર્ગીય વિસ્તાર જેવો જ વિસ્તાર લાગે છે.
પણ અહીં યાદ રહી જાય તેવી જગ્યા છે કાફે ટૅમ્પટેશન, જે આછી લાઇટમાં મોડી રાત સુધી ખુલ્લું રહે છે.
અમે ચાલતાં ચાલતાં નીકળ્યા હતા ત્યારે નૂરુનિસ્સાએ તે દેખાડ્યું હતું.
"આવી વસ્તુઓ પણ અહીં આવી ગઈ છે," એમ તેમણે કહ્યું હતું.
અને હવે શાહીન બાગ વિરોધપ્રદર્શન માટેની જગ્યા બનીને સમાચારોમાં ચમકી રહ્યો છે.
બહાદુર વસતિનો આ વિસ્તાર છે. મક્કમ નિર્ધારવાળી મહિલાઓ અને અપેક્ષાઓ અને વિરોધ કરનારાનો વિસ્તાર છે.
કડકડતી ઠંડીમાં પણ ધરણાં ચાલતાં રહ્યાં છે.
રવિવારે હીનાએ ટેક્સ્ટ મૅસેજ કર્યો હતો કે "અમે હજી અહીં જ છીએ. અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીં જ રહેવાના છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












