તાજમહેલ નહીં, સ્ટેચ્યૂ ઑફ યુનિટીને SCOની આઠ અજાયબીની યાદીમાં સ્થાન કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીનના શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) દ્વારા ટૂરિસ્ટ પ્રોજેક્ટ હેઠળ સભ્ય દેશોમાંથી આઠ અજાયબીની યાદી જાહેર કરવામાં આવી છે.
જેમાં ગુજરાતમાં આવેલી 182 મિટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પણ સામેલ કરાઈ છે.
નોંધનીય છે કે ચીનના શિયાન ખાતે ચાલી રહેલા યુરેશિયન ઇકૉનૉમિક ફોરમ દરમિયાન SCOના ટૂરિસ્ટ પ્રોજેક્ટનું પ્રદર્શન કરાયું હતું.
આ પ્રદર્શનમાં SCOના આઠ સભ્ય દેશોમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે સભ્ય દેશોની ઐતિહાસિક ઇમારતો અને જોવાલાયક સ્થળોમાંથી આઠ અજાયબીઓ પસંદ કરી તેની તૈયાર કરાયેલી યાદી જાહેર કરાઈ હતી.
આ યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીને સામેલ કરાયાની માહિતી વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટર મારફતે આપી હતી.
આઠ અજાયબીઓમાં સ્થાન મળ્યા બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનું અનુમાન છે.

આઠ અજાયબીઓની યાદી

ઇમેજ સ્રોત, Twitter/BJP4Gujarat
આઠ સભ્ય દેશોમાંથી બનાવેલી અજાયબીઓની યાદીમાં ભારતનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી સિવાય અન્ય સાત અજાયબીઓની પસંદગી કરાઈ છે.
જોકે, ભારતમાંથી તાજમહેલને સ્થાન નથી મળ્યું, તે અંગે કૌતુક સર્જાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય અજાયબીઓમાં કજાખસ્તાનના તમગાલી ગોર્જના પ્રાચીન લૅન્ડસ્કેપ, કિર્ગિસ્તાનનું ઇઝીક-કુલ તળાવ, તાજિકિસ્તાનનો નવરુઝ પૅલેસ, ઉઝબેકિસ્તાનનું પો-આઇ-કલાન કૉમ્પલેક્સ, પાકિસ્તાનના લાહોરમાં આવેલો મુઘલકાળનો વારસો તેમજ રશિયાની ગોલ્ડન રિંગ સામેલ છે.
પાકિસ્તાન, કજાખસ્તાન તથા ઉઝબેકિસ્તાન જેવા દેશોના પ્રાચીન વારસાને સ્થાન મળ્યું છે.
શું છે SCO?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)એ મૂળે કાયમી ઇન્ટરગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન છે.
જેની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી.
શરૂઆતમાં આ સંસ્થામાં ચીન, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સામેલ હતા.
પાછળથી વર્ષ 2017માં ભારત અને પાકિસ્તાન જોડાતા આ સંગઠનમાં દેશોની સંખ્યા આઠ થઈ ગઈ.
આ સંસ્થાનો હેતુ સભ્ય રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ અને પાડોશીધર્મની ભાવનાને વધુ દૃઢ બનાવવાનો, તેમજ સભ્ય રાષ્ટ્રો વચ્ચેના વેપાર, આર્થિક સંશોધન, ટેકનૉલૉજી અને સંસ્કૃતિના આદાન-પ્રદાન અને સહભાગીપણાને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.
આ સંગઠનનું મુખ્ય મથક બિજિંગ ખાતે આવેલું છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ખાસિયતો

ઇમેજ સ્રોત, Pmo india
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની દક્ષિણ દિશામાં સાધુ બેટ પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવી છે.
પ્રતિમાની ઊંચાઈ 182 મિટર છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામે ઓળખાતી આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા બનાવાઈ છે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના એન્જિનિયરિંગનાં પાસાંને સમજવું રસપ્રદ થઈ પડે તેમ છે.
શરૂઆત કરીએ પાયાથી. કોઈ પણ સ્ટ્રક્ચરની ઊંચાઈ તેના બૅઝ (પાયા)થી ગણાય.
જો બેઝથી ગણવામાં આવે તો આ પ્રતિમાની ઊંચાઈ 182 મિટર છે, જેમાં 157 પ્રતિમાની અને 25 મિટર ઊંચાઈ પૅડસ્ટલની છે.
અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતાં તે બમણી ઊંચાઈ ધરાવે છે. (સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીમાં પણ પૅડસ્ટલ છે).
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મુખ્ય કામની કૉન્ટ્રેક્ટ અમાઉન્ટ રૂ. 2,332 કરોડ હતી અને કુલ આશરે રૂ. 3,000 કરોડનો ખર્ચ થયો છે.
આ સિવાય મૂળ પ્રતિમાની આસપાસ મુસાફરો માટે ગાર્ડન અને મ્યુઝિયમ જેવાં ઘણાં આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












