ઈરાનનો મિસાઈલ હુમલો USના ચહેરા પર લપડાક : ખમેનેઈ, ભારત સતર્ક

ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

ઇરાને ઇરાકમાં ઇરબિલ તથા અલ-અસદસ્થિત અમેરિકી ઍરબેઝ પર બે ડઝન કરતાં વધારે બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે.

આયતોલ્લાહ અલી ખમેનેઈએ દેશને સંબોધનમાં અમેરિકાને ચેતવણી આપી હતી.

અમેરિકાના સંરક્ષણ વિભાગે હુમલાની પુષ્ટિ કરી છે. અમેરિકાના ઍરબેઝ પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ટ્રમ્પે 'સબ સલામત'ની આલબેલ પોકારી છે. બ્રિટને ઈરાનને આવું દુઃસાહસ નહીં કરવા ચેતવણી આપી છે.

ઈરાની મીડિયાનું કહેવું છે કે આ હુમલા દ્વારા દેશના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લીધો છે. કાસિમ સુલેમાનીનું બગદાદમાં થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું. આ ડ્રોન હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ થયો હતો.

line

'જુઠ્ઠું, બદમાશ અને અમાનવીય'

મેજર જનરલ મોહમ્મદ બાકરી

ઇમેજ સ્રોત, Irna.ir

ઇમેજ કૅપ્શન, મેજર જનરલ મોહમ્મદ બાકરી

ઈરાનની સરકારી ચેનલ ઉપર દેશવાસીઓને સંબોધિત કરતા આયતોલ્લાહ અલી ખમેનેઈએ અમેરિકાને 'જુઠ્ઠું, બદમાશ અને અમાનવીય' કહ્યું હતું, અને ઈરાનની વળતી કાર્યવાહીને 'અમેરિકાના મોં પર તમાચો' ગણાવ્યો હતો અને મધ્ય-પૂર્વમાંથી અમેરિકાને ખસી જવાની ચેતવણી આપી છે.

તેહરાનની દક્ષિણ-પશ્ચિમે આવેલા ક્રૂમ પ્રાંતમાં હજારો લોકોને સંબોધતાં કહ્યું હતું કે 'દુનિયાભરમાં ધાક જમાવનારાઓને પાઠ ભણાવવા સક્ષમ છે અને આ પ્રકારના હુમલા અપૂરતા છે.'

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAના જણાવ્યા પ્રમાણે, રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરના મેજર જનરલ મોહમ્મદ બાકરીએ કહ્યું:

"હજુ ઈરાને તેની સૈન્ય ક્ષમતાની ઝલક જ દેખાડી છે, જો અમેરિકાએ ફરી હુમલો કર્યો તો જડબાતોડ જવાબ આપવામાં આવશે."

ભારત સતર્ક

હુમલાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે ભારતીયોને જરૂર ન હોય તો ઈરાકનો પ્રવાસ નહીં ખેડવાની સૂચના આપી છે.

આ સિવાય ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશને ઍરલાઇન્સ કંપનીઓને ખાડી દેશોમાં ઉડાણ ભરતી વખતે સાવધ રહેવા તાકીદ કરી છે.

હુમલા બાદ બુધવારે સવારથી જ સેન્સેક્સમાં નરમાશ જોવા મળી હતી. બપોરે બાર વાગ્યે સેન્સેક્સ 250 પૉઇન્ટના ઘટાડા સાથે 40620 આજુબાજુ નોંધાયો હતો.

બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જનો સેન્સેક્સ આંક અલગઅલગ ક્ષેત્રની 30 મોટી કંપનીના ભાવોના આધારે નક્કી થાય છે.

કાસિમ સુલેમાનીની અંતિમયાત્રા

ઇમેજ સ્રોત, EPA

ઈરાન દ્વારા અમેરિકાના ઍરબેઝ ઉપર હુમલા બાદ એશિયાની બજારોમાં ક્રૂડઑઈલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે.

ક્રૂડ સાડા ચાર ટકા ઉછળીને બેરલદીઠ 65.65 ડૉલર પર પહોંચ્યું હતું. આ સિવાય સોનાના ભાવોમાં પણ ઉછાળો જોવાયો છે.

ભારતીય બજારોમાં મંગળવારે એક તબક્કે સોનું 42 હજારની (24 કૅરેટ પ્રતિ દસ ગ્રામ) સપાટી નજીક પહોંચી ગયું હતું.

સંકટના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે.

'બદલો લીધો'

સુલેમાનીની તથા ઇરાનના ખુમેનેઈ

ઇમેજ સ્રોત, EPA

આ તરફ ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA ન્યૂઝ પર જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે:"અમે અમેરિકાના દરેક મિત્રરાષ્ટ્રને ચેતવણી આપીએ છીએ કે ઈરાન વિરુદ્ધ ક્યાંય પણ કાર્યવાહી કરવામાં આવશે, તો તેનો જવાબ આપવામાં આવશે."

ઈરાનના વિદેશમંત્રીના કહેવા પ્રમાણે, યુએનની જોગવાઈઓ પ્રમાણે, 'દેશની સુરક્ષા માટે બિન-નાગરિક સ્થળને નિશાન બનાવ્યા છે.'

'અમે યુદ્ધ વકરાવવા નથી માગતા, પરંતુ અમારી ઉપરના દરેક હુમલા સામે સ્વરક્ષા કરીશું.'

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે, "અમને ઇરાકમાં અમેરિકી ઍરબેઝ પર હુમલાની માહિતી મળી છે. રાષ્ટ્રપતિને આ અંગે માહિતી અપાઈ છે અને તેમની આ ઘટના પર નજર છે. તેઓ આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સંપર્કમાં છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને 'સબ સલામત'ની આલબેલ પોકારી હતી અને બુધવારે સવારે પત્રકારપરિષદ સંબોધવાની વાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા પાસેથી વિશ્વની સૌથી શક્તિશાળી અને સંપન્ન સેના છે.

યુ.કે. નૅવી સતર્ક

યુ.કે.ના જહાજની તસવીર

ઇમેજ સ્રોત, UK MoD

ઇમેજ કૅપ્શન, યુ.કે.ના જહાજની તસવીર

મધ્ય-પૂર્વના સંકટને જોતા યુ.કે.એ તેના નૌકાદળ, સેના તથા હેલિકૉપ્ટરોને સાવધ રહેવા આદેશ આપ્યા છે.

યુ.કે.એ ઈરાનને ફરી આવું દુસાહસ નહીં કરવા ચેતવણી આપી છે.

સશસ્ત્ર બળોમાં 'જરૂરી ન હોય તેવા' કર્મચારીઓને પરત ફરવા જણાવાયું છે.

સંરક્ષણ પ્રધાન બૅન વેલ્સે સંસદના નીચલા ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે બંને પક્ષોને સ્થિતિ વણસે નહીં, તે માટે અપીલ કરી છે.

સાથે જ ઉમેર્યું હતું કે યુ.કે. અને અમેરિકા સાથી દળો છે, પરંતુ તે દરેક બાબતમાં અમેરિકાની સાથે નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો