નિર્ભયા ગૅંગરેપ કેસ : 22 જાન્યુઆરીએ ફાંસીનો કોર્ટનો આદેશ, નિર્ભયાનાં માતાપિતાએ શું કહ્યું?

નિર્ભયા કેસના ચાર આરોપી

ઇમેજ સ્રોત, DELHI POLICE

ઇમેજ કૅપ્શન, નિર્ભયા કેસના ચાર આરોપી

દિલ્હીના નિર્ભયા ગૅંગરેપના કેસના દોષિતોના ડેથ-વૉરંટ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં અદાલતે ચારેય દોષિતો સામે અદાલતે ડેથ-વૉરંટ જાહેર કર્યું છે.

ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જો કે આ અગાઉ દોષિતો પોતાના બચાવમાં ક્યુરેટિવ અરજી કરી શકશે.

નિર્ભયાનાં માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, "આજે બહુ મોટો દિવસ છે. હું આખા દેશનો આભાર માનું છું. આખરે આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે."

નિર્ભયાના પિતાએ કહ્યું, "હું બહુ ખુશ છું. નિર્ભયાને ન્યાય મળી રહ્યો છે માત્ર એટલા માટે જ ખુશ નથી, 22 જાન્યુઆરીએ સાત વાગ્યે તેમને ફાંસી થશે."

"બદલાવની વાત કરીએ તો નિર્ભયાકાંડ બન્યો ત્યારે જ કેટલાક કાયદા બન્યા, પરંતુ કાયદાનું પાલન થાય છે કે નહીં એ તો હું નથી જાણતો કારણ કે કેસની સંખ્યા તો વધતી જ રહી છે."

"જોકે આવી ઘટના કરવાવાળા લોકોના મનમાં ડર તો બેસી જ જશે. ચાર-ચાર લોકોને જ્યારે ફાંસી થશે ત્યારે આવનાર પેઢી પણ વિચારશે કે શું કરવું જોઈએ અને શું નહીં."

line

શું હતો આખો કેસ?

વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

16 ડિસેમ્બર, 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં 23 વર્ષની એક મેડિકલ વિદ્યાર્થિની પર છ પુરુષોએ એક ચાલુ બસમાં ગૅંગરેપ કર્યો હતો.

ચારેય દોષિતો સિવાયના એક મુખ્ય આરોપી રામસિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

એક બીજો આરોપી જે ઘટના સમયે સગીર હતો. તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તે સગીરને ઑગસ્ટ 2013માં ત્રણ વર્ષ સુધારગૃહમાં ગાળવાની કરવાની સજા કરાઈ હતી.

વર્ષ 2015માં તેને સુધારગૃહમાંથી છોડવામાં આવ્યો હતો. સગીર આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ગુના સમયે સગીર હતો તે અપરાધી હવે વયસ્ક થઈ ગયો છે, વયસ્ક પરંતુ નિયમો અનુસાર તેણે પોતાની સજા પૂર્ણ કરી લીધી છે.

તેની સુરક્ષાને લઈને જોખમ હોવાથી તે હવે એક કલ્યાણકારી સંસ્થાની સાથે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો