JNU હિંસા : શું આ વૉટ્સઍપ ગ્રૂપમાં થયું હતું હુમલાનું પ્લાનિંગ?

ઇમેજ સ્રોત, SM VIRAL IMAGE
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયામાં વૉટ્સઍપની ચેટના કેટલાક સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે મારપીટની આ ઘટના સુનિયોજિત હતી અને આ અંગેનું આયોજન વૉટ્સઍપ ગ્રૂપ થકી કરાયું હતું.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ સ્ક્રીનશૉટમાં કેટલાય પ્રકારના મૅસેજો જોવા મળે છે. જેમાં કયા રસ્તે જેએનયુમાં પ્રવેશવું, એ બાદ ક્યાં જવું, શું કરવું જેવી બાબતો પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક મૅસેજો આ પ્રકારે છે:
"કેવી રહી આજની મૅચ?"
"જેએનયુમાં અમે બહુ મજા કરી. મજા પડી, દેશદ્રોહીઓને મારીને."
"અત્યાર સુધી બહેતર. ગેટ પર કંઈક કરવું જોઈએ. જણાવો શું કરી શકાય?"
"શું કરવું છે?"
"લોકો જેએનયુના સમર્થનમાં મેઇન ગેટ પર પહોંચી રહ્યા છે. ત્યાં કંઈ કરવું છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લોકો જેએનયુના સમર્થનમાં મેઇન ગેટ પર આવી રહ્યા છે. ત્યાં કંઈક કરવું છે કે શું?"
"કરી શકીએ."
"પોલીસ તો નથી આવી ને?"
"ભાઈ ગ્રૂપમાં ડાબેરીઓ આવી ગયા છે."
"ના. વીસીએ ઍન્ટ્રીની ના પાડી છે. આપણો વીસી છે."
આવા કેટલાય મૅસેજ વાઇરલ વૉટ્સઍપ ચેટના સ્ક્રીનશૉટ પર જોવા મળે છે. બીબીસીએ જ્યારે True Caller ઍપ થકી સ્ક્રીનશૉટમાં દર્શાવાયેલા નંબરો ચેક કર્યા તો જાણવા મળ્યું કે એ નંબર એ જ નામો સાથે રજિસ્ટર્ડ છે.
સાત લોકોનાં નામ ચેક કરાતાં સાચા ઠર્યાં. જ્યારે એક વ્યક્તિના સ્ક્રીનશૉટ પર એબીવીપી લખ્યું હતું, એને ચેક કરતાં INC જોવા મળ્યું. આવું થવું શક્ય છે. જો કોઈ લોકો આપનો નંબર બદલીને સેવ કરે તો આવું થઈ શકે છે.
બીબીસીએ વૉટ્સઍપના આ સ્ક્રીનશૉટમાં જોવા મળી રહેલા મોબાઇલ નંબર પર ફોન કર્યો અને એ જાણવા પ્રયાસ કર્યો કે આખરે આ લોકો કોણ છે.

ચૅટમાં બે પ્રકારના નંબર

ઇમેજ સ્રોત, SM VIRAL IMAGE
આ ચૅટમાં બે પ્રકારના નંબર છે. એક એ જે લોકો ગ્રૂપમાં મૅસેજ કરી રહ્યા છે અને એમના મૅસેજ વાંચીને લાગી રહ્યું છે કે તેઓ સક્રિય છે અને યોજનાઓ બનાવી રહ્યા છે.
બીજા પ્રકારના નંબર એ છે કે જેમની આગળ એવું લખેલું જોવા મળે છે કે તેઓ 'ઇન્વાઇટ લિંક થકી ગ્રૂપ'માં સામેલ થયા છે.
કોઈ પણ વૉટ્સઍપ ગ્રૂપના ઍડમિન એક લિંક શૅર કરીને લોકોને ગ્રૂપમાં સામેલ થવા માટે આમંત્રિત કરી શકે છે. લિંક થકી આવનારા લોકોને મંજૂરી મેળવવાની જરૂર નથી પડતી.
વૉટ્સઍપ સ્ક્રીનશૉટમાં જોવા મળી રહેલા નંબર પર અમે એક બાદ એક ફોન કર્યો. પહેલા પ્રકારના નંબર કે જેના થકી મૅસેજ લખાઈ રહ્યા હતા, એમાંથી મોટા ભાગના બંધ હતા.

ઇમેજ સ્રોત, WHATSAPP FAQ
એમાંથી માત્ર ત્રણ નંબર પર અમારી વાતચીત થઈ શકી. એક નંબર હર્ષિત શર્માનો છે જે પોતાને જેએનયુના વિદ્યાર્થી ગણાવે છે. તેમનો દાવો છે કે મારપીટની ઘટના વખતે તેઓ કૅમ્પસમાં હાજર નહોતા.
તેઓ જણાવે છે, "કૅમ્પસના વૉટ્સઍપ ગ્રૂપમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ. ત્યાંથી એ પણ મૅસેજ આવ્યો કે આરએસએસ કે એબીવીપીનું એક ગ્રૂપ છે."
"જે માટેની ઇન્વાઇટ લિંક પણ અપાઈ હતી અને કહેવાયું હતું કે આ લોકો યોજના બનાવી રહ્યા છે. એ વખતે ગ્રૂપમાં 50-60 વિદ્યાર્થીઓ હતા. એ વખતે તેઓ હૉસ્ટેલમાં પ્રવેશ્યા હતા અને લોકોને મારી રહ્યા હતા."
"અમારામાંથી જેએનયુના કેટલાય વિદ્યાર્થીઓ આ ઇન્વાઇટ લિંક પર ક્લિક કરીને ગ્રૂપમાં સામેલ થઈ ગયા, જેથી એ જાણી શકીએ કે આગળનું આયોજન શું છે."
"અમે જોયું કે ગ્રૂપનું નામ 'યુનિટી અગૅન્સ્ટ લૅફ્ટિસ્ટ' હતું. એ વખતે રાતના સાડા નવ વાગ્યા હતા. એ લોકો એક-બીજાને મૅસેજ મોકલી રહ્યા હતા."
"એ જ વખતે અચાનક તેમના ગ્રૂપમાં મારી જેમ 100થી 150 અજાણ્યા લોકો સામેલ થઈ ગયા. ત્યારે તેમણે કહ્યું કે આ ગ્રૂપમાં ઘણા ડાબેરીઓ આવી ગયા છે. એ બાદ તેમણે ગ્રૂપમાં મૅસેજ કરવાનું બંધ કરી દીધું."
ગ્રૂપમાં સામેલ કેટલાય લોકોનું કહેવું છે કે આ દરમિયાન વારંવાર ગ્રૂપનું નામ બદલવામાં આવી રહ્યું હતું. ક્યારેક "યુનિટી અગૅન્સ્ટ લૅફ્ટ, એબીવીપી મુર્દાબાદ, એબીવીપી ઝિંદાબાદ, લૅફ્ટિસ્ટ ડૂબ મરો."
જ્યારે હર્ષિતને પૂછવામાં આવ્યું કે તેમણે પણ ગ્રૂપમાં એક મૅસેજ કર્યો હતો અને બાદમાં ડિલીટ કરી નાખ્યો હતો. એ મૅસેજ શો હતો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "જ્યારે ગ્રૂપમાં વાત થઈ રહી હતી કે એ લોકો ગેટ પર આવી રહ્યા છે ત્યારે મારા કેટલાય મિત્રો ગેટ પર હતા. એટલે મેં આ ચૅટનો સ્ક્રીનશૉટ લઈને મારા મિત્રોને મોકલ્યો."
"આ દરમિયાન મેં એ સ્ક્રીનશૉટ ભૂલથી એ જ ગ્રૂપમાં નાખી દીધો. એ જ સ્ક્રીનશૉટ મે ડિલીટ કર્યો હતો."
ગ્રૂપ ઇન્વાઇટ લિંક થકી આવેલા બીજા લોકોએ પણ એવો જ દાવો કર્યો કે તેમને પણ ઇન્વાઇટ લિંકનો સ્ક્રીનશૉટ કોઈ અન્ય વૉટ્સઍપ ગ્રૂપ કે સોશિયલ મીડિયામાંથી મળ્યો હતો. જે બાદ તેમણે એ જાણવા માટે ગ્રૂપ જૉઇન કર્યું કે ત્યાં શું આયોજન થઈ રહ્યું છે.
વિવાદિત વૉટ્સઍપ ગ્રૂપના સ્ક્રીનશૉટમાં કેટલાય એવા લોકો પણ છે, જેઓ પોતાને કેરળ, કર્ણાટક અને ગુજરાત જેવાં રાજ્યોના હોવાનું જણાવે છે. બિહારમાં રહેતા એક યુવકે તો કહ્યું કે તે ક્યારેય દિલ્હી આવ્યો પણ નથી અને જેએનયુમાં પણ કોઈને જાણતો નથી.
કેટલાક લોકોનું કહેવું હતું કે તેઓ ભૂલથી ગ્રૂપમાં સામેલ થઈ ગયા હતા. જ્યારે બીજાઓનું કહેવું હતું કે એક જાગૃત નાગરિક હોવાને લીધે તેમને આવું કરવાનું યોગ્ય લાગ્યું. જેથી જાણ થઈ શકે કે 'એ લોકો આગળ કરવા શું માગે છે?'
જોકે, આમાંથી જેએનયુમાં ભણનારા કેટલાય લોકોના નંબર પણ સામેલ છે, જેઓ હર્ષિત જેવી જ વાતો કરી રહ્યા છે કે તેઓ માત્ર પ્લાનિંગ જાણવા માટે ગ્રૂપમાં સામેલ થયા હતા.
જેએનયુમાં ફારસીમાં ભાષાનો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમના વિભાગના ગ્રૂપમાં પણ ઇન્વાઇટ લિંક આવી હતી. જેના પર તેમણે ક્લિક કરી હતી. જોકે, ચૅટ વાંચ્યા બાદ તેમને ગડબડ જણાઈ એટલે તેમણે ગ્રૂપ છોડી દીધું.
જેએનયુના આવા જ અન્ય એક વિદ્યાર્થીનું કહેવું છે કે તેમની પાસે પણ આવી જ એક લિંક આવી હતી, જેની નીચે લખવામાં આવ્યું હતું કે એબીવીપી શું આયોજન કરી રહી છે. આ આયોજન જાણવા માટે જ તેઓ ગ્રૂપમાં સામેલ થયા હતા. આ વિદ્યાર્થી એ જ હૉસ્ટેલમાં રહે છે, જ્યાં તોડફોડ કરાઈ હતી.
કેટલાક બહારના લોકો પણ આ ગ્રૂપમાં સામેલ હતા. એમાંથી કેટલાકે જેએનયુના કે વિદ્યાર્થી હોવાનો ઇન્કાર કર્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
એક મહિલાએ બીબીસીને જણાવ્યું કે તેઓ કેટલાંય પ્રોટેસ્ટ ગ્રૂપમાં સામેલ છે. તેમને પણ આ જ ઇન્વાઇટ લિંક મળી હતી. એ લોકોના આયોજનની જાણકારી મેળવવા માટે તેઓ ગ્રૂપમાં સામેલ થયાં હતાં.
ભવદીપ નામની એક વ્યક્તિનું કહેવું છે કે તેઓ એક પત્રકાર છે અને તેઓ પણ ગ્રૂપની ચૅટ જોવા માટે ઇન્વાઇટ લિંક થકી ગ્રૂપમાં સામેલ થયા હતા. તેમનું કહેવું છે કે હજુ પણ આ ગ્રૂપમાં લગભગ અઢીસો લોકો સામેલ છે.
તો આદિત્ય જણાવે છે કે તેમને કોઈએ આ ગ્રૂપમાં સામેલ કરી દીધા હતા. તેઓ ન તો જેએનયુના વિદ્યાર્થી છે કે ન તો કોઈ ખાસ રાજકીય વિચારધારા ધરાવે છે.
જોકે, તેમનું કહેવું છે કે તેઓ આ ઘટનામાં સામેલ કેટલાય લોકોને ઓળખે છે. તેમનો દાવો છે કે આ ઘટનામાં દક્ષિણપંક્ષી વિચારધારા ધરાવતા કેટલાક પ્રોફેસર પણ સામેલ છે.
કંઈક આવું જ આશિષનું પણ કહેવું છે, જેઓ જેએનયુમાં પી.એચડીના વિદ્યાર્થી છે, જોકે તેઓ આ વિવાદાસ્પદ વૉટ્સઍપ ગ્રૂપના ઍડમિન પણ છે. કેટલાય ઍડમિનોમાં તેમનું પણ નામ છે.

ઇમેજ સ્રોત, SM VIRAL IMAGE
જોકે, તેમનું કહેવું છે કે તેમને કોઈ અન્યે ગ્રૂપમાં સામેલ કરી દીધા હતા અને ઍડમિન બનાવી દીધા હતા. જોકે, તેઓ કૅમ્પસમાં હતા જ નહીં.
તેઓ કહે છે, "ઘટનાની રાતે હું ઘર પરત ફરી રહ્યો હતો. હું રાતે દસ વાગ્યે જેએનયુ પહોંચ્યો અને પાંચ કલાક બહાર ઊભો રહ્યો. આ ઘટના સાથે મને કંઈ લાગતું વળગતું નથી."
આ તમામ લોકોનું કહેવું છે કે આ ઘટનાની રાતથી જ તેમને સતત ફોન આવી રહ્યા છે. જેમાંથી કેટલાય લોકો તેમને ધમકી પણ આપી રહ્યા છે અને તેમના લૉકેશન અંગે પણ પૂછી રહ્યા છે. જેનાથી આ લોકો ડરેલા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















