You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્સ્ટાગ્રામ હજારો પૉર્નસ્ટાર્સનાં એકાઉન્ટ શા માટે ડિલીટ કરી રહ્યું છે?
- લેેખક, થોમસ ફેબ્રી
- પદ, બીબીસી ટ્રૅન્ડિંગ
હજારો પૉર્નસ્ટાર્સનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ આ વર્ષે ડિલીટ કરી નાખવામાં આવ્યાં હતાં. એ પૈકીના અનેક કહે છે કે મુખ્યધારાની સેલિબ્રિટીઝની સરખામણીએ તેમના માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યો છે.
એડલ્ટ પર્ફૉર્મર્સ ગ્રીડનાં પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ પર સમાન અધિકારની ઝુંબેશ ચલાવતા અગ્રણીઓ પૈકીનાં એક અલાના ઈવાન્સ કહે છે કે "મને શેરોન સ્ટોનના કે કોઈ અન્ય વેરિફાઈડ પ્રોફાઈલ મુજબ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનો હક્ક હોવો જોઈએ, પણ હકીકત એ છે કે એમ કરવાથી મારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે."
અલાના ઈવાન્સના જૂથે 1300થી વધારે પર્ફૉર્મર્સની યાદી બનાવી છે, જેમનાં એકાઉન્ટસ ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ મૉડરેટરોએ સાઈટના કૉમ્યુનિટી ધારાધોરણોના ઉલ્લંઘન બદલ ડિલીટ કરી નાખ્યાં છે.
એ એકાઉન્ટ્સ પર કોઈ નગ્નતા કે સેક્સ પ્રદર્શિત કરવામાં ન આવ્યું હોવા છતાં આ પગલું લેવામાં આવ્યું છે.
અલાના ઈવાન્સ કહે છે કે "ઈન્સ્ટાગ્રામ અમારા પ્રત્યે ભેદભાવ રાખે છે, કારણ કે અમે રોજગાર મેળવવા માટે જે કરીએ છીએ એ તેમને પસંદ નથી."
અલાના ઈવાન્સ જેવા લોકોની ઝુંબેશને કારણે જૂનમાં ઇન્સ્ટાગ્રામના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.
એ પછી ડિલીટ કરવામાં આવેલાં એકાઉન્ટ્સ માટે નવી અપીલ સિસ્ટમ રચવામાં આવી હતી.
જોકે ઉનાળા દરમિયાન મંત્રણા અટકી ગઈ હતી અને એડલ્ટ પર્ફૉર્મર્સનાં એકાઉન્ટ્સ ફરી ચાલુ કરાયાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લી યાદ
પૉર્નસ્ટાર જેસિકા જેમ્સનું સપ્ટેમ્બરમાં મૃત્યુ થયું એ પછી તેમનું એકાઉન્ટ ડિલીટ કરવામાં આવતાં અલાના ઈવાન્સ નારાજ થયાં હતાં.
અલાના કહે છે, "જેસિકાનું એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યું તેની ખબર પડી ત્યારે મને પારાવાર દુઃખ થયું હતું. એ યાદગીરીનું છેલ્લું તણખલું હતું."
એ એકાઉન્ટને નવ લાખથી વધારે લોકો ફૉલો કરતા હતા. અલબત્ત, બાદમાં એ એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.
એડલ્ટ પર્ફૉર્મર્સના જણાવ્યા મુજબ, 2018ના અંત ભાગમાં સંખ્યાબંધ લોકોએ ઇન્સ્ટાગ્રામ પરનાં એકાઉન્ટ ડિલીટ કરાવવાના હેતુસર સુસંકલિત ઝુંબેશ શરૂ કરી હતી.
એ બધું સતામણી અથવા ધાકધમકીના સ્વરૂપમાં ચાલ્યું હતું.
પૉર્નઉદ્યોગમાં ઓમિડ નામે ઓળખાતી એક અજાણી વ્યક્તિ હજ્જારો એકાઉન્ટ્સ ડિલીટ કરાવવામાં પોતે વ્યક્તિગત રીતે જવાબદાર હોવાની ડંફાસ મારતી હતી.
આ ઝુંબેશનું પ્રથમ નિશાન બનેલા લોકોમાં એડલ્ટ પર્ફૉર્મર અને સેક્સવર્કર્સના અધિકારોનાં કર્મશીલ જિંજર બેન્ક્સ હતાં.
જિંજર બેન્ક્સ કહે છે, "ઘણી મહેનત કરીને ત્રણ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતું જે એકાઉન્ટ આપણે સર્જ્યું હોય તેને અચાનક ડિલીટ કરી નાખવામાં આવે ત્યારે હારી ગયાની લાગણી થાય."
"તમામ નિયમનું પાલન કરવા છતાં એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવે ત્યારે પારાવાર નિરાશા થાય."
જિંજર બેન્ક્સના જણાવ્યા મુજબ, એડલ્ટ પર્ફૉર્મર્સ અને સેક્સવર્કર્સને સોશિયલ મીડિયા પરથી દૂર કરવા એ તો તેઓને તેમની મુખ્ય અને કેટલાક કિસ્સામાં એકમાત્ર માર્કેટિંગ ચૅનલ પરથી હઠાવીને તેમને હાંસિયામાં ધકેલી દેવા જેવું છે.
જિંજર બેન્ક્સ કહે છે, "અમારા જેવા લોકોનાં એકાઉન્ટસ સામે વાંધો લેતા લોકો એ નથી સમજતા કે તેનાથી અમારો રોજગાર છીનવાય છે. અથવા તો એ લોકોને તેની પરવા નથી."
"તેઓ માને છે કે અમારે અમારું કામ ન કરવું જોઈએ અથવા તો એ કામનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ."
ટૅક્નૉલૉજિકલ ક્રાંતિ
ટૅક્નૉલૉજિકલ ક્રાંતિએ પૉર્નોગ્રાફીઉદ્યોગ માટે નવી દિશા ઉઘાડી આપી છે.
અનેક પૉર્નસ્ટાર્સ અને સેક્સવર્કર્સ વેબકેમ સાઇટ્સ, સબસ્ક્રિપ્શન સર્વિસિસ અને વીડિયો પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે કામ કરતા થયા છે.
એ પૈકીના મોટા ભાગના ખુદને પ્રદર્શિત કરવા અથવા તો તેમની પર્સનલ બ્રાન્ડ્ઝને પ્રમોટ કરવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
એડલ્ટ પ્રોડક્શન હાઉસિસ કોઈ પર્ફૉર્મર સાથે કરાર કરતાં પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સની સંખ્યાને ધ્યાનમાં લે છે.
હવે જે પર્ફૉર્મરનાં એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવે છે એ લોકો તેમના પ્રશંસકો તથા બિઝનેસ કનેક્શન ગુમાવી દે છે અને તેની તેમની આવક તથા જીવન પર નોંધપાત્ર માઠી અસર થાય છે.
ઘણી પોસ્ટ્સમાં ભાગ્યે જ કશું છુપાવવામાં આવેલું હોય છે, પણ પર્ફૉર્મર્સ એવી દલીલ કરે છે કે એકાઉન્ટ માટે ગાઇડલાઇન્સનો અમલ પણ અસ્પષ્ટ અને સાતત્યવિહોણો હોય છે.
એડલ્ટ પર્ફૉર્મર્સ દાવો કરે છે કે વિખ્યાત સેલિબ્રિટીઝને તેમનાં એકાઉન્ટ પર, પૉર્નસ્ટાર્સ કે સેક્સવર્કર્સની સરખામણીએ વધારે ઉઘાડા દેખાવાની છૂટ છે અને તેમની સામે પગલાં પણ લેવાતાં નથી.
જિજર બેન્ક્સ કહે છે, "મેં ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટોગ્રાફ્સ ક્યારેય પોસ્ટ કર્યા નથી, પણ મેં લેગિગ્ઝ પહેર્યાં હોય તેવો ફોટોગ્રાફ કેટલાકને અત્યંત ઉશ્કેરણીજનક અને વાંધાજનક લાગે છે."
"કળા કોને કહેવાય અને પૉર્નોગ્રાફી કોને કહેવાય એ નક્કી કરવાની તથા એ પછી અમને દંડિત કરવાની છૂટ અમે ઇન્સ્ટાગ્રામને આપીએ છીએ."
ફેસબુકનો પ્રતિસાદ
ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી ફેસબુકના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું, "વૈશ્વિક સ્તરના આ વૈવિધ્યસભર સમુદાય માટે નગ્નતા તથા જાતીય સંબંધ વિશેના નિયમોનું પાલન કરાવવું અમારા માટે જરૂરી છે."
"જેથી અમારી સાઇટ પરની સામગ્રી તમામ લોકો અને ખાસ કરીને યુવાઓ માટે એકદમ યોગ્ય હોય તે સુનિશ્ચિત કરી શકાય."
ફેસબુકના પ્રવક્તાના જણાવ્યા મુજબ, "કોઈ સામગ્રી નિયમનું ઉલ્લંઘન કરતી હશે અને તે અમને જણાવવામાં આવશે ત્યારે અમે યોગ્ય પગલાં લઈશું."
"અમારા નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર અમે લોકોને આપીશું તેમજ અમે ભૂલથી કશું દૂર કર્યું હશે તો તેને પૂર્વવત્ કરીશું."
ફેસબુકની લૅટેસ્ટ કૉમ્યુનિટી ગાઇડલાઈન્સમાં તેના યૂઝર્સને જણાવવામાં આવ્યું છે કે વપરાશકારો નગ્ન ફોટોગ્રાફ્સ, સેક્સ સંબંધી સામગ્રી ઓફર કરી શકશે નહીં કે 'સર્વસામાન્ય સેક્સુઅલ ઇમોજીઝ'ના ઉપયોગ અથવા સેક્સપ્રચુર પ્રાદેશિક બોલી વડે સેક્સ ચેટ કરી શકશે નહીં તેમજ અન્ય સામગ્રી કે ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી શકશે નહીં.
જોકે મૉડરેટર્સ દ્વારા આ ગાઇડલાઈન્સના પાલન માટે જે તાલીમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એ જાહેર કરવામાં આવ્યું નથી.
સેક્સવર્કર્સને ભય છે કે ફેસબુક નિષ્પક્ષતા અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને બદલે દુનિયાભરના રૂઢિચુસ્તોમાં વધુ સ્વીકાર્ય બની રહી છે.
એડલ્ટ ઍન્ટરટેઇન્મેન્ટ પત્રકાર અને પૉર્નઉદ્યોગના પ્રકાશન એક્સબીઝના સમાચાર સંપાદક ગુસ્તાવો ટર્નર આ સ્થિતિને "સૌથી ઓછી નૈતિક જવાબદારી" ગણાવે છે.
ગુસ્તાવો ટર્નર કહે છે, "દર્શકવર્ગને, વપરાશકર્તાવર્ગને અણસમજુ ગણવાનું કલ્ચર સિલિકોન વેલીમાં પણ પ્રવર્તે છે."
"ફેસબુક એક તરફ પુખ્ત વયના બે લોકો વચ્ચે, બિન-ધંધાદારી સેક્સુઅલ ચેટ સંબંધે આકરા નિયમો લાદી રહી છે અને બીજી તરફ ક્રશિસ નામની ડેટિંગ સર્વિસ શરૂ કરી રહી છે."
કળા પણ સપડાઈ નિયમોના જાળામાં
આ નિયમોની માત્ર એડલ્ટ સ્ટાર્સ અને સેક્સવર્કર્સને જ અસર નથી થઈ.
લેખક, કવિ અને કળાકાર રશેલ રેબિટ વાઈટનું એકાઉન્ટ પણ ન્યૂયૉર્કના લેસ્લી-લેહમેન મ્યુઝિયમમાં યોજાયેલા એક પ્રદર્શનના ફોટોગ્રાફ્સ શૅર કરવા બદલ ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું.
રશેલ રેબિટ વાઈટ કહે છે, "મેં એક પ્રતિષ્ઠિત ગેલેરીમાં પ્રદર્શિત કરાયેલી મહિલાઓ વચ્ચેના શૃંગારિક સંબંધની ઐતિહાસિક તસવીરો જ પોસ્ટ કરી હતી."
"એ પૈકીની એકેય તસવીરમાં સ્તનનો અગ્રભાગ કે લૈંગિક નગ્નતા ન દેખાય તેની મેં કાળજી રાખી હતી. તેમ છતાં ગણતરીના કલાકોમાં મારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું."
જોકે બાદમાં તેને ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.
પોલ ડાન્સર અને બ્લૉગર 'બ્લૉગરઑનપોલ', ઇન્સ્ટાગ્રામે પોલ ડાન્સિંગ હેશટેગ વિરુદ્ધ આ ઉનાળામાં પગલાં લેવાનું શરૂ કર્યા પછી આરંભાયેલી EveryBODYVisible ઝુંબેશના સ્થાપકો પૈકીના એક છે.
#poledancing અને #femalefitness જેવાં હેશટેગ્ઝની સર્ચનું કોઈ રિઝલ્ટ મળતું ન હતું.
ઇન્સ્ટાગ્રામે બાદમાં માફી માગી હતી અને તેની નીતિમાં ફેરફાર જરૂર કર્યો હતો, પરંતુ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થવાની શંકા હોય તેવી સામગ્રી માટે વપરાતાં હેશટેગ્ઝને ઇન્સ્ટાગ્રામ આજે પણ બ્લૉક કરે છે.
ઝુંબેશકર્તાઓ આ વલણને વધારે પડતી સેન્સરશિપ ગણાવે છે અને જણાવે છે કે તેનાથી સેક્સવર્કર્સ, સેક્સ એજ્યુકેટર્સ અને પોલ ડાન્સિંગ સમુદાયના પારાવાર નુકસાન થાય છે.
બ્લૉગરઑનપોલ કહે છે, "સેલિબ્રિટીઝ તેમના મનફાવે જેવા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી શકે છે, પણ અમે બિકિની પહેરીને કસરત કરતા હોઈએ તેવા વીડિયો પોસ્ટ કરી શકતા નથી."
"તમે તમારા શરીરનો ઉપયોગ એક યા બીજી રીતે લોકોને શિક્ષિત કરવા કે બોડી પૉઝિટિવિટી માટે ભલે કરતા હો પણ સોશિયલ મીડિયાના આજકાલના નિયમોને કારણે હવે તમે એવું કરી શકશો નહીં."
લંડનસ્થિત એક અન્ય પોલ ડાન્સર સિન્ડ્રેલા જ્વેલ્સ જણાવે છે કે તેઓ તેમની કળાયાત્રા પ્રદર્શિત કરવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, પણ તેમના પહેલા એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યું અને તેમની પોસ્ટ્સને સર્ચમાંથી હઠાવી દેવામાં આવી તેની તેમના કામ તથા આત્મવિશ્વાસ પર માઠી અસર થઈ છે.
સિન્ડ્રેલા જ્વેલ્સ કહે છે કે "ઇન્સ્ટાગ્રામનાં પગલાંથી એવું લાગે છે કે તમે નિરાધાર છો અને લોકો તમારા કામનો વિરોધ કરે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો