મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે પાર પાડ્યું 'ઑપરેશન લોટસ'?

    • લેેખક, નામદેવ અંજના
    • પદ, બીબીસી સંવાદદાતા

શનિવારે સવારે 5 વાગીને 47 મિનિટ થઈ હતી. એ વખતે લગભગ આખું મહારાષ્ટ્ર ઊંઘતું હતું. ત્યાંથી એક હજાર કિલોમિટર દૂર ઉત્તર દિશામાં દિલ્હી ખાતે કંઈક મહત્ત્વનું ઘટી રહ્યું હતું. વહેલી સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક મહત્ત્વના કાગળ પર સહી કરી રહ્યા હતા.

શનિવારે સવારે રાષ્ટ્રપતિએ આ કાગળ પર હસ્તાક્ષર કર્યા એ સાથે જ મહારાષ્ટ્રમાં નવી સરકારની સ્થાપના માટેનો માર્ગ મોકળો થઈ ગયો.

દિલ્હીમાં આ ઘટી રહ્યું હતું ત્યારે મુંબઈ રાજભવનમાં શપથવિધિ માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. આ શપથવિધિ ઉદ્ધવ ઠાકરેની નહોતી, તે શપથવિધિ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હતી.

આ ઘટ્યું એના બાર કલાક પહેલાં જ શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસની બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્ય મંત્રી બનશે.

પણ આ 12 કલાકમાં એવું તો શું થયું કે મહારાષ્ટ્રની રાજનીતિ આખી પલટાઈ ગઈ? કર્ણાટકમાં જેમ ભાજપે અન્ય પક્ષના ધારાસભ્યોને ફોડ્યા હતા, શું એવું જ કંઈક મહારાષ્ટ્રમાં ઘટ્યું છે કે શું? કેવી રીતે કરવામાં આવ્યું ઑપરેશન લોટસ?

એ રાત્રે શું થયું?

શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ રાજભવનમાં દાખલ થયા અને તેમણે 173 ધારાસભ્યો સાથે સત્તા સ્થાપવાનો દાવો કર્યો.

તેનો અર્થ એવો હતો કે ભાજપના 105 ધારાસભ્યો, એનસીપીના 54 ધારાસભ્યો અને 14 અપક્ષ ધારાસભ્યો.

ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે એનસીપીના તમામ ધારાસભ્યોનો ભાજપનો ટેકો છે.

જોકે શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે, "એનસીપી અજિત પવારના રાજકીય નિર્ણયને ટેકો આપતી નથી. એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે."

288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર રચવા માટે 145 વિધાનસભ્ચોનો ટેકો જરૂરી હોય છે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. તેથી બહુમતી પૂરવાર કરવા માટે વધુ 40 ધારાસભ્યોને ટેકો મેળવવો જરૂરી છે.

એનસીપીના તમામ ધારાસભ્યો ભાજપને ટેકો આપે છે તેવો ગિરીશ મહાજનનો દાવો સાચો હોય તો સવાલ એ થાય કે ભાજપે તેમનો ટેકો મેળવ્યો કઈ રીતે?

અજિત પવારે 'ઑપરેશન લોટસ'નો સંકેત આપ્યો હતો?

શિવસેના અને એનસીપી શ્રેણીબદ્ધ બેઠકોમાં વ્યસ્ત હતા ત્યારે ભાજપે પડદા પાછળ રહીને તેની વ્યૂહરચના અમલી બનાવી હતી? છેલ્લા કેટલાક દિવસોમાંના અજિત પવારનાં પગલાં ભાજપના 'ઑપરેશન લોટસ'નો સંકેત આપતાં હતાં?

"બેઠક દરમિયાન અજિત પવાર અમારી આંખમાં આંખ મેળવતા નહોતા," એવું નિવેદન કરીને સંજય રાઉતે અજિત પવારના વર્તન વિશે શંકા વ્યક્ત કરી હતી.

સંજય રાઉતે કહ્યું હતું કે "ગઈ કાલે રાતની બેઠકમાં અજિત પવાર અમારી સાથે હતા, પણ તેઓ અમારી આંખમાં આંખ મેળવતા ન હતા. એ શરદ પવાર સાહેબે પણ અનુભવ્યું હતું."

"થોડા સમય પછી અજિત પવાર અચાનક બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. તેમનો ફોન સ્વિચ્ડ ઑફ હતો. એવું કહેવાય છે કે તેઓ તેમના વકીલ સાથે બેઠા હતા."

"શરદ પવારને ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તરફથી નોટિસ મળી એ સમયે અજિત પવારે રાજીનામું આપી દીધું હતું. એ વખતે જ મને સમજાઈ ગયું હતું કે તેઓ દગો દેવાનું વિચારી રહ્યા છે."

"અજિત પવારને એનસીપીમાંથી ખેંચી જવાની ભાજપની ચાલનો જવાબ લોકો જરૂર આપશે."

સંજય રાઉતે ઉમેર્યું હતું કે "અજિત પવારે રાજ્યના લોકોની પીઠમાં ખંજર ભોંક્યું છે. એવું કહેવાતું હતું કે તેમનું સ્થાન આર્થર રોડ જેલમાં હોવું જોઈએ, પરંતુ અજિત પવાર અને એનસીપીના બીજા કેટલાક ધારાસભ્યોને તોડવા માટે ભાજપે દબાણની પ્રયુક્તિ અજમાવી છે."

"અમે મહાયુતિ રચવાનો પ્રયાસ કરતા હતા. તેનાથી દેશમાં રાજકીય પરિદૃશ્ય બદલાવાની શક્યતા હતી."

અજિત પવાર અધવચ્ચે બેઠક છોડીને બારામતી ચાલ્યા ગયા હતા - 13 નવેમ્બરે કૉંગ્રેસ-એનસીપીની સંકલન સમિતિની એક બેઠક મુંબઈમાં યોજવામાં આવી હતી.

એ બેઠક શરૂ થઈ પછી અજિત પવાર તેમાંથી અચાનક ચાલ્યા ગયા હતા. બેઠક રદ્દ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું એ પછી ચર્ચા કરવા માટે એ બેઠક યોજવામાં આવી હતી.

અજિત પવાર મીડિયા સામે આવવાનું ટાળતા રહ્યા હતા - શિવસેનાએ ભાજપથી છેડો ફાડ્યો અને કૉંગ્રેસ-એનસીપી સાથે ચર્ચા શરૂ કરી એ દરમિયાન પૃથ્વીરાજ ચવ્હાણ અને નવાબ મલિક તેમના પક્ષોની બાજુ રજૂ કરવા મીડિયા સમક્ષ સતત ઉપસ્થિત થતા રહ્યા હતા.

અજિત પવાર એનસીપીના સિનિયર નેતા હોવા છતાં તેમના પક્ષનું વલણ સ્પષ્ટ કરવા ક્યારેય આગળ આવ્યા ન હતા. તેઓ તત્કાલીન ઘટનાઓથી ખુશ ન હોવાની ચર્ચા પણ ચાલતી હતી.

વરિષ્ઠ પત્રકાર શ્રીમંત માને કહે છે કે "અજિત પવારને એનસીપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા એ પહેલાંના અને એ પછીનાં નિવેદનોનો સૂર અલગ-અલગ હતો. જયંત પાટીલ સતત શરદ પવારની પડખે ઊભા રહ્યા હતા પણ અજિત પવારનું વલણ સાતત્યસભર ન હતું."

ચૂંટણી પહેલાં ધારાસભ્ય પદેથી અજિત પવારનું રાજીનામું - ઈડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ સંબંધે શરદ પવારને નોટિસ મોકલી હતી. તેના પ્રતિસાદ સ્વરૂપે શરદ પવારે ઈડીની ઑફિસે જવાની અને પૂછપરછનો સામનો કરવાની તૈયારી દેખાડી હતી.

જોકે, ઈડીના અધિકારીઓ અને પોલીસની વિનંતીને પગલે શરદ પવારે એમ કરવાનું ટાળ્યું હતું. બરાબર એ જ દિવસે સાંજે અજિત પવારે ધારાસભ્ય પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું.

એ પછી અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે તેમના કારણે શરદ પવારે સત્તાવાળાઓની સતામણીનો સામનો કરવો પડે છે. એ હકીકતનું દુઃખ હોવાથી તેમણે રાજીનામું આપ્યું હતું.

વાસ્તવમાં ઈડીની નોટિસ સામેના શરદ પવારના વલણથી એનસીપીના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા, પરંતુ ધારાસભ્ય તરીકે અજિત પવારના રાજીનામાથી ચર્ચાથી દિશા બદલાઈ ગઈ હતી.

વરિષ્ઠ પત્રકાર શ્રીકાંત માને કહે છે કે "ઈડીએ શરદ પવારને નોટિસ મોકલી પછી રાજકીય ધમાચકડી શરૂ થઈ હતી અને એ સમયે અજિત પવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. શરદ પવારની તરફેણમાં સર્જાઈ રહેલા સહાનુભૂતિનાં મોજાંને ખતમ કરવાનો એ કદાચ અજિત પવારનો પ્રયાસ હતો."

નેતાગીરી મુદ્દે ઘર્ષણ? - પક્ષની નેતાગીરીના મુદ્દે પવાર પરિવારમાં ચાલતું ઘર્ષણ મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો બની રહ્યું છે.

અગાઉ એવું કહેવાતું હતું કે સુપ્રિયા સુળે અને અજિત પવાર વચ્ચે જોરદાર સ્પર્ધા છે. હવે કર્જત-જામખેડ વિધાનસભા મતવિસ્તારમાં રોહિત પવારના વિજય પછી તેઓ પણ પક્ષમાં નેતાગીરીની રેસમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે.

તેથી દેખીતો સવાલ એ છે કે નેતાગીરીના મુદ્દે વધતી સ્પર્ધાથી અજિત પવાર બેચેન બની ગયા હતા?

ચૂંટણી પહેલાં અને પછી અજિત પવાર તેમની નારાજગી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત વ્યક્ત કરતા રહ્યા છે. એનસીપીમાં આકાર લઈ રહેલી આ ઘટનાની સમાંતરે ભાજપે તેનું 'ઑપરેશન લોટસ' શરૂ કર્યું હતું કે કેમ એ સવાલ રાજકીય વર્તુળોમાં ચર્ચવામાં આવી રહ્યો છે.

બાળાસાહેબની ધરપકડ બાબતે અજિત પવારને ખેદ - વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે "શિવસેનાના સદગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની ધરપકડ એનસીપીની ભૂલ હતી. પક્ષમાંના કેટલાક સિનિયર નેતાઓના આગ્રહને કારણે એ પગલું લેવામાં આવ્યું હતું."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શ્રીમંત માનેએ આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે "બાળાસાહેબ વિરુદ્ધના છગન ભુજબળનાં પગલાંના મુદ્દાનો ઉલ્લેખ અજિત પવારે જાણી જોઈને કર્યો હતો."

"અજિત પવારે છગન ભુજબળનું નામ લીધું ન હતું, પણ એ એનસીપીને મળેલી ગતિને અવરોધવાનો પ્રયાસ હતો."

'પરેશન લોટસ' બાબતે એનસીપીના ધારાસભ્યોના સંકેત

23 નવેમ્બરે સવારની અજિત પવારની ઉપમુખ્ય મંત્રી તરીકેની સોગંદવિધિમાં ગયેલા એનસીપીના કેટલાક ધારાસભ્યો એ દિવસે બપોરે શરદ પવારે યોજેલી પત્રકાર પરિષદમાં મંચ પર હાજર હતા.

એ પૈકીના રાજેન્દ્ર શિંગણે અને સંદીપ ક્ષીરસાગરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સોગંદવિધિ બાબતે તેઓ કશું જાણતા ન હતા.

ધારાસભ્ય રાજેન્દ્ર શિંગણેએ કહ્યું હતું કે "મધરાતે અમને ફોન આવ્યો હતો અને સવારે સાત વાગ્યે ધનંજય મુંડેના બંગલે પહોંચવાનું છે. એ પછી કોઈક સ્થળે જવાનું પણ અમને કહેવામાં આવ્યું હતું."

"અમે રાજભવન પહોંચ્યા ત્યાં સુધી કશું જાણતા ન હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટિલ અને ગિરીશ મહાજન જોવા મળ્યા હતા. થોડા સમય પછી સોગંદવિધિ થઈ હતી. એ બધાથી અમે રાજી ન હતા."

"સોગંદવિધિ પછી અમે તરત જ શરદ પવાર સાહેબ પાસે ગયા હતા. અમે એનસીપીની સાથે છીએ."

તેથી સવાલ એ પણ છે કે ધારાસભ્યોને હેતુ વિશે અંધારામાં રાખીને રાજભવન લઈ જવાનું કામ 'ઑપરેશન લોટસ'ની વ્યૂહરચનાનો એક ભાગ હતું?

ભાજપના 'ઑપરેશન લોટસ' વિશે શ્રીમંત માને કહે છે કે "ભાજપે એનસીપીમાં સફળતાપૂર્વક ભંગાણ પાડ્યું છે. અજિત પવાર શરદ પવારનો અનાદર નહીં કરે એવું હવે કહીને ભાજપ શરદ પવારની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો કરવાનો પ્રયાસ કરશે."

મહારાષ્ટ્રમાં સરકારની રચનાની ભાજપને ખાતરી હતી?

અજિત પવારની માફક ભાજપના કેટલાક નેતાઓ પણ 'ઑપરેશન લોટસ`ના સંકેત આપતા હોય તેવું લાગતું હતું. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુંગંટીવાર અને ભાજપના બીજા નેતાઓ સતત કહેતા રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં આગામી સરકારનું વડપણ ભાજપ જ કરશે.

દેવેન્દ્ર ફડણવીસ : ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક 14 નવેમ્બર, 2019ના રોજ મુંબઈમાં યોજવામાં આવી હતી. તેમાં સંબોધન કરતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ સિવાય કોઈ સરકાર રચી શકશે નહીં.

નીતિન ગડકરી: થોડા દિવસ પહેલાં મુંબઈમાં એક કાર્યક્રમમાં વાત કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રાજકારણ અને ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. ક્યારેક એવું લાગતું હોય કે તમે મૅચ હારી જશો, પણ પરિણામ અચાનક તેનાથી ઊલટું આવતું હોય છે.

ચંદ્રકાંત પાટીલ : મુંબઈમાં 15 નવેમ્બરની રાજ્ય ભાજપની બેઠક પછી પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પત્રકારોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં આગામી સરકારની રચના ભાજપ જ કરશે.

સુધીર મુંગંટીવાર: ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના સિનિયર નેતા સુધીર મુંગંટીવારે કહ્યું હતું કે "ટૂંક સમયમાં સારા સમાચાર આવશે."

મુંગંટીવારનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વ્યાપકપણે ટ્રૅન્ડ પણ થયું હતું.

2014માં ભાજપને એનસીપીનો ટેકો

મહારાષ્ટ્ર વિધાનસભાની 2014ની ચૂંટણી તમામ મોટા પક્ષો એકલપંડે લડ્યા હતા. એ ચૂંટણીમાં ભાજપને 123 બેઠકો, શિવસેનાને 63, કૉંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો મળી હતી.

એ સમયે ભાજપને બહુમતી માટે 22 બેઠકો ખૂટતી હતી. તેથી શરદ પવારે કહ્યું હતું કે "મહારાષ્ટ્રના હિત માટે સ્થિર સરકાર જરૂરી છે." તેમણે ભાજપને બહારથી ટેકો આપ્યો હતો.

તેથી ભાજપ અને એનસીપી આ વખતે પહેલી જ વાર નજીક આવ્યા હોય એવું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો