ઇજિપ્તમાં લાકડાંના 20 પૌરાણિક કૉફિન મળ્યાં, મહત્ત્વની શોધ

ઇજિપ્તના પૌરાણિક શહેર લક્ષર પાસે પુરાતત્ત્વવિદ્દોને 20થી વધુ લાકડાંનાં કૉફિન મળી આવ્યાં છે.

ઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા અનુસાર આ કૉફિન પરના ઘેરા રંગો અને તેમાં ઉપસાવેલી ભાતો આજે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આ કૉફિન નાઇલ નદીના પશ્ચિમ કિનારા પાસે આવેલાં અસાસિફના થેબાન નેક્રોપોલિસ પાસેથી બહાર કાઢવામાં આવ્યાં છે.

જે એક ઉપર બીજા એમ બે સ્તરોમાં મુકાયેલાં હતાં. જેને જમીન અંદરથી ખોદી કાઢવામાં આવ્યાં છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં આને સૌથી મહત્ત્વની અને મોટી શોધ માનવામાં છે.

વૅલી ઑફ ધ કિંગ્ઝ વિસ્તારની નજીક આવેલાં અસાસિફની મોટા ભાગની કબરો પૌરાણિક ઇજિપ્તના ઇ.સ. પૂર્વેનાં વર્ષ 664થી 332 સુધીની છે.

જોકે, ત્યાં એવી પણ કેટલીક કબર છે જે ઈ.સ. પૂર્વે અઢારમા રાજવંશ (1550-1292)ની છે, જે નવા રાજવંશનું પ્રથમ રાજ્ય હતું.

જેમાં આહમોઝ, હેટશેપ્સૂટ, થૂટમોઝ ત્રીજો, એમેનહોટપ ત્રીજો, અખેનાટોન અને તુતેનખામેન જેવા રાજાઓ થઈ ગયા છે.

ગયા અઠવાડિયે પુરાતત્ત્વ વિભાગે જાહેરાત કરી કે લક્ષરની પશ્ચિમ તરફની ખીણમાં પુરાતત્ત્વવિદને એક પૌરાણિક ઔદ્યોગિક વિસ્તાર પણ મળી આવ્યો છે.

આ વિસ્તારમાં અંતિમ ક્રિયા માટેના સામાનનાં સંગ્રહાલયો અને 18મા સામ્રાજ્યનાં કેટલાંક કાચનાં સાધનો પણ મળી આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો