રફાલ ફાઇટર જેટને પણ ટક્કર આપે તેવાં પાંચ યુદ્ધ વિમાનો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય વાયુસેનાને 8 ઑક્ટોબરે એટલે કે 'વાયુસેનાદિવસ' પર જ પ્રથમ રફાલ યુદ્ધવિમાન મળ્યું છે. ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રફાલની ડિલિવરીના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે.

ભારતને કુલ 36 રફાલ વિમાનો મળવાનાં છે અને આ માટે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં સોદો કરવામાં આવ્યો હતો.

રફાલ વિમાનો એ નવી પેઢીનાં શ્રેષ્ઠ યુદ્ધવિમાનો પૈકી એક મનાય છે અને તેનાથી ભારતીય વાયુસેનાનું સામર્થ્ય પણ બેવડાશે.

જોકે, વિશ્વમાં કેટલાંક એવાં વિમાનો પણ છે, જે ફ્રાંસની દાસૉ કંપનીએ બનાવેલા રફાલને ટક્કર આપી શકે એમ છે.

1. યુરોફાઇટર ટાઇફૂન

યુરોફાઇટ ટાઇફૂન એ પોતાના નામ અનુસાર જ યુરોપમાં નિર્માણ પામ્યું છે. યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનના 'ફ્યૂચર યુરોપિયન ફાઇટર ઍરક્રાફ્ટ પ્રોગ્રામ' અંતર્ગત તેનું નિર્માણ થયું છે.

યુરોફાઇટ ટાઇફૂનની વેબસાઇટના દાવા અનુસાર આ યુદ્ધવિમાન યૂકે, જર્મની, ઇટાલી, સ્પેન, ઑસ્ટ્રિયા, સાઉદી અરેબિયા અને ઓમાનની વાયુસેનાની કરોડરજ્જુ છે.

વેબસાઇટ ટાઇફૂનને નાટો રાષ્ટ્રનું 'ટ્રબલશૂટર' માને છે અને સાથે જ વિશ્વનું સૌથી ઍડવાન્સ્ડ ફાઇટર ઍરક્રાફ્ટ પણ ગણાવે છે.

આ વિમાન 2.0 મૅક એટલે કે 2450 કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.

વિમાનની લંબાઈ 15.96 મિટર છે, જ્યારે પાંખો સાથેની તેની પહોળાઈ 10.95 મિટર છે. ટાઇફૂન 55 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે.

હવામાંથી હવામાં માર કરી શકતી SRAAM મિસાઇલ અને 27 એમએમની તોપ આ વિમાનને ખતરનાક બનાવે છે.

તેની 'લેઝર ડૅઝિગ્નેશન સિસ્ટમ' સચોટ નિશાન લઈ શકે છે.

2. F-35 લાઇટનિંગ 2

સ્ટીલ્થ ટૅકનૉલૉજી, ઍડ્વાન્સ સૅન્સર, શસ્ત્રક્ષમતા અને રેન્જના હિસાબે લૉકહીડ માર્ટિન F35 લાઇટનિંગ-2 એ અત્યાર સુધીનું સૌથી ખતરનાક યુદ્ધવિમાન હોવાનું કંપનીની વેબસાઇટ જણાવે છે.

અમેરિકન સૈન્ય ઉપરાંત ઇઝરાયલ, બેલ્જિયમ, ડેનમાર્ક, ઇટાલી, જાપાન, નેધરલૅન્ડ, પોલૅન્ડ, સાઉથ કોરિયા, તુર્કી, નોર્વે જેવા દેશોની વાયુસેના આ વિમાનની સેવા લઈ રહી છે.

લૉકહીડ માર્ટિન અને અમેરિકન સરકાર વચ્ચે થયેલા કરાર અંતર્ગત આ યુદ્ધવિમાન વિકસાવવામાં આવ્યું છે. આ સીરિઝ હેઠળ ત્રણ વિમાનોનું નિર્માણ કરાયું છે. F35A, F35B અને F35C.

વિમાનમાં 25 એમએમની તોપ, હવામાંથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલ, 907 કિલોના ગાઇડેડ બૉમ્બ વહન શકાય છે.

F35 એ 1.6 મૅક એટલે કે 1975.68 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

3. ચેંગડુ J20

ચીનનું J20 સ્ટીલ્થ ફાઇટર જેટ મલ્ટીરોલ ઍરક્રાફ્ટ છે. J20 2.0 મૅકની ઝડપે એટલે કે 2450 કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.

અમેરિકાના F22 રૅપ્ટરનો આ ચાઇનીઝ જવાબ હોવાનું 'સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ' જણાવે છે.

ચેંગડુ ઍરોસ્પેસ કૉર્પોરેશન દ્વારા આ વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હવામાંથી હવામાં પ્રહાર કરી શકતી 6 મિસાઇલો આ યુદ્વવિમાન વહન કરી શકે છે. આ ઉપરાંત ગાઇડેડ બૉમ્બ પણ તેમાં લગાવી શકાય છે.

4. મિગ-35

રશિયામાં નિર્મિત મિગ-35 એ 'ટ્વિન ઍન્જિન મીડિયમ ફાઇટર' યુદ્ધવિમાન છે.

19 હજાર કિલોમિટરની ઊંચાઈ સુધી ઊડી શકતું આ યુદ્ધવિમાન કલાકના 2400 કિલોમિટરની ઝડપે ઉડે છે.

અન્ય વિમાનોની સરખામણીમાં લૉ મૅન્ટન્સ ધરાવતું આ ફાઇટર જેટ 3600 કિલોમિટરની રેન્જ ધરાવે છે.

આ વિમાન વર્ષ 2007માં બેંગલુરુમાં આયોજિત 'ઍરો ઇન્ડિયા ઍર શો' દરમિયાન રશિયાએ રજૂ કર્યું હતું.

મિગ-29ના આધુનિક વર્ઝન તરીકે મિગ-35ને વિકસાવવામાં આવ્યું છે. ભારત પાસે 100 જેટલાં મિગ-29 વિમાનો છે.

શસ્ત્રોની વાત કરીએ તો તેમાં હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર પ્રહાર કરી શકતી મિસાઇલો સજ્જ કરી શકાય છે.

'ગ્લૉબલસિક્યોરિટી.ઓઆરજી' વેબસાઇટ અનુસાર મિગ-35ની 30 એમએમની તોપમાં 1500 રાઉન્ડ ઍમ્યુનિશન ભરી શકાય છે. આ ઉપરાંત 7000 કિલો સુધીના બૉમ્બનું પણ તે વહન કરી શકે છે.

કલાકના 2700 કિલોમિટરની ઝડપે ઊડી શકતું આ આ યુદ્ધવિમાન એક હજાર કિલોમિટરની રેન્જ ધરાવે છે.

5. લૉકહીડ માર્ટિન એફ-22 રૅપ્ટર

ફિફ્થ જનરેશનનું આ અમેરિકન વિમાન તેની વેબસાઇટના જણાવ્યા અનુસાર સ્ટીલ્થ, ગતિ, હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતાને કારણે વિશ્વનું શ્રેષ્ઠ યુદ્ધવિમાન છે.

62 ફૂટની લંબાઈ, 16,67 ફૂટ ઊંચાઈ ધરાવતું આ વિમાન બે એન્જિન ધરાવે છે. ઍડવાન્સ સ્ટીલ્થ ટૅકનૉલૉજી સાથે તે કલાકના 1852 કિલોમિટરની ઝડપે ઊડી શકે છે.

હાલમાં આ વિમાનનો અમેરિકા ઉપયોગ કરી રહ્યું છે.

62 ફૂટની લંબાઈ, 16.67 ફૂટની ઊંચાઈ ધરાવતું આ યુદ્ધવિમાન 27,000 કિલોગ્રામ સાથે ટૅકઑફ કરી શકે છે.

તે 60,000 ફૂટની ઊંચાઈ અને કલાકના 2,222 કિલોમિટરની ઝડપથી તે ઊડી શકે છે.

તેમાં 6 'ઍડવાન્સ્ડ મિડિયમ રેન્જ ઍર ટુ ઍર મિસાઇલ' લગાવી શકાય છે.

આ ઉપરાંત તેમાં હવામાંથી હવામાં વાર કરી શકતી 2 સાઇડવિન્ડર મિસાઇલ અને 9 હજારનો દારૂગોળો પણ લાદી શકાય છે.

રફાલની ખૂબીઓ

રફાલ વિમાન પરમાણુ મિસાઇલ ડિલિવર કરવામાં સક્ષમ છે અને દુનિયાના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે.

રફાલમાં બે પ્રકારની મિસાઇલ છે. એકની રેન્જ દોઢસો કિલોમિટર અને બીજીની રેન્જ લગભગ ત્રણસો કિલોમિટર છે.

પરમાણુ હથિયારો સાથે રફાલ હવાથી હવામાં 150 કિલોમિટર સુધી મિસાઇલ છોડી શકે છે અને હવાથી જમીન સુધી તેની મારકક્ષમતા 300 કિલોમિટર છે.

આ વિમાન ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાઈ રહેલાં મિરાજ-2000નું ઍડવાન્સ વર્ઝન છે. ભારતીય ઍકફૉર્સ પાસે 51 મિરાજ-2000 છે.

દસૉ ઍવિએશનના જણાવ્યા પ્રમાણે રફાલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2020 કિલોમિટર પ્રતિ કલાક ઝડપ.

રફાલ લડાકુ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં લડાઈઓમાં ઉપયોગ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો