...તો પાકિસ્તાનમાંથી સિંધ અલગ દેશ બની શકે છે : બિલાવલ ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે જાણીતા કરાચીમાં આર્ટિકલ 149(4) લાગુ કરવાના કેન્દ્રીય કાયદામંત્રીના નિવેદન બાદ સમગ્ર સિંધ પ્રાંતમાં વિરોધના સૂર ઊઠવા લાગ્યા છે.
વિપક્ષના નેતાઓ, લેખકો, નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓએ આ નિવેદનને પાકિસ્તાનની વિરુદ્ધ એક કાવતરું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય કાયદામંત્રીના રાજીનામાની પણ માગ કરી છે.
અનુચ્છેદ 149(4) જો લાગુ કરવામાં આવે તો કરાચી કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે.
હાલમાં જ તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાયદામંત્રી નસીમે કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં પોતાના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાન કરાચીને સંઘીય સરકારના નિયંત્રણમાં લાવવાની ઘોષણા કરી શકે છે.
કેન્દ્રમાં સત્તામાં રહેલી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઈ) અને સિંધમાં સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.
જેવા જ આ સમાચારો અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આવવા લાગ્યા, લોકો સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ લખવા લાગ્યા.

કાયદામંત્રીએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, FACEBOOK/ FAROGH NASEEM
કેન્દ્રીય કાયદામંત્રી ડૉ. ફરોગ નસીમે ગુરુવારે એક સ્થાનિક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
જેમાં તેમણે કહ્યું, "કરાચીને કેન્દ્ર સરકારને આધીન કરવા માટે આર્ટિકલ 149(4)ને લાગુ કરવાનો સાચો સમય આવી ગયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે તેઓ જલદી જ આ યોજનાને કરાચીની સ્ટ્રેટીજિક કમિટીની સામે રાખશે.
નસીમે કહ્યું, "આ મારો વ્યક્તિગત મત છે અને વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા બનાવવામાં આવેલી કરાચી સ્ટ્રેટીજિક કમિટી સામે આ પ્રસ્તાવ રાખીશ."
"જો મારા વિચાર પર કમિટી સહમત થશે તો આ પ્રસ્તાવ વડા પ્રધાન અને કૅબિનેટની સામે રાખવામાં આવશે. એ બાદ તેમની ઇચ્છા પર નિર્ભર કરશે કે તેઓ કરાચીમાં આર્ટિકલ લાગુ કરે છે કે નહીં."
ડૉ. નસીમે કહ્યું કે કરાચીના લોકો પોતાના શહેરના સાક્ષી છે કે તે એક વિશાળ કચરાના ઢગલામાં બદલી રહ્યું છે. ત્યાં કચરો, વીજકાપ અને માખીઓ સિવાય કશું જ નથી.
જોકે, શુક્રવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ નેશલન ઍસેમ્બલીમાં આ મામલે સફાઈ આપી અને આવી યોજનાનો ઇનકાર કર્યો હતો.
તેમણે આશ્વાસન આપ્યું કે પીપીપીના શાસનવાળા રાજ્યમાં કેન્દ્ર સરકાર આવું કોઈ પગલું નહીં ભરે.

'બાંગ્લાદેશની જેમ સિંધ પણ દેશ બની શકે છે'

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારના રોજ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇમરાન ખાનની સરકાર દ્વારા કરાચી પર કબ્જો કરવાનો આશય રાખવાનો આરોપ લગાવ્યો હતો.
હૈદરાબાદમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે પીપીપી સિંધમાં સત્તા પર છે અને રાજ્યની વિરુદ્ધ કોઈ પણ કાવતરાને તે ચલાવી નહીં લે.
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કરાચીને ઇસ્લામાબાદથી ચલાવવા માગે છે.
બિલાવલ ભુટ્ટોએ ઇમરાન ખાનની સરકાર પર સવાલ કર્યા અને પૂછ્યું કે આર્ટિકલ 149(4)નો ઉપયોગ કરીને સરકાર ભારતની ટીકા કરવાનું નૈતિક સાહસ ગુમાવી દેશે કારણ કે પાડોશી દેશે જમ્મુ-કાશ્મીરમાં એવું જ કર્યું છે.
તેમણે કહ્યું, "એક તરફ તમે કહો છો કે મોદીએ કાશ્મીર પર કબ્જો કરી લીધો છે અને બીજી તરફ તમે ખુદ કરાચી પર કબ્જો કરવાની કોશિશ કરી રહ્યા છો."
"એક તરફ તમે કહો છો કે કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન પર ઇમરાન ખાન દુનિયાના દરેક મંચ પર અવાજ ઉઠાવશે અને બીજી તરફ તમે પોતાના જ દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરો છો."
"એક તરફ કાશ્મીરમાં લોકશાહીની વાત થઈ રહી છે અને બીજી તરફ આપણે ત્યાં લોકશાહીનો જનાજો નીકળી રહ્યો છે."
તેમણે કહ્યું, "કાલે બાંગ્લાદેશ બન્યું હતું અને ફરી તમે જુલમ કરતા રહેશો અને પીપીપી જેવાં સંગઠન ઊભાં નહીં થાય તો ફરી સિંધ દેશ બની શકે છે. એવી જ રીતે પખ્તૂનોનો દેશ બની શકે છે."
"કરાચીનાં સંસાધનોને નિયંત્રિત કરવાની કોશિશ કરવી અજીબ અને તાનાશાહી રીત છે."
ઇમરાન ખાન સરકારની યોજનના ટીકાકારો દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને શાસન-પ્રશાસનની બગડતી હાલતથી ધ્યાન ભટકાવવાના એક પેંતરાના રૂપમાં જોઈ રહ્યા છે.
પત્રકાર અને સામાજિક કાર્યકર્તા આફિયા સલામે પીટીઆઈ સરકારની યોજના પાછળના આશય મામલે સવાલ કર્યા છે.
લેખક અને બુદ્ધિજીવી જામી ચાંદિયોએ પણ સિંધની રાજધાનીને લઈને કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ કર્યો છે.
તેમણે લખ્યું છે કે તથાકથિત કરાચી કમિટીને બિગ નો! કરાચી સિંધ છે અને સિંધ કરાચી.
આ રીતે અન્ય લેખકો અને બુદ્ધિજીવીઓએ પણ આ યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે.
આ વિરોધ દેશની બહાર સિંધી સમુદાય સુધી પહોંચી ગયો છે. અમેરિકા, કેનેડા અને બ્રિટનના સિંધી સમુદાયે પણ આકરી ટીકા કરી છે.

શું છે આર્ટિકલ 149(4)

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના બંધારણમાં આર્ટિકલ 149(4) અનુસાર, દેશનાં આર્થિક હિતો અથવા શાંતિ માટે ઊભા થયેલા કોઈ ગંભીર ખતરા વખતે કેન્દ્ર સરકાર કોઈ પ્રાંતનું શાસન પોતાના હાથમાં લઈ શકે છે.
કાયદામંત્રી ફરોગ નસીમે કહ્યું કે આ બંધારણનો એક સ્વતંત્ર અનુચ્છેદ છે અને તે કેન્દ્ર સરકારને પોતાની કાર્યકારી શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. શાંતિ અને આર્થિક પરિસ્થિતિ માટે ગંભીર ખતરાની સ્થિતિમાં કેન્દ્ર પ્રાંતની સરકારને દિશા-નિર્દેશ જારી કરી શકે છે.
આ અનુચ્છેદ સરકારને કોઈ રાજ્યની રાજધાનીના પ્રશાસન અને અને ત્યાં ચાલી રહેલા કોઈ પણ પ્રોજેક્ટમાં પોતાના નિયંત્રણમાં લાવવાનો અધિકાર આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














