અમેરિકામાં દેવાં નીચે દબાતા નાગરિકો, ગ્રાહકો પરનું દેવું 4 અબજ ડૉલરે પહોંચ્યું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ગ્રાહકો પરનું દેવું વધીને નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું છે. એટલે કે આજ સુધીના અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ 4 અબજ ડૉલરે પહોંચ્યું છે.

સરેરાશ પુખ્ત અમેરિકન પર માત્ર ક્રૅડિટ કાર્ડનું જ 4000 ડૉલર યાને કે લગભગ પોણા 3 લાખ રૂપિયાનું દેવું છે.

દેવાને કારણે ગરીબ પરિવારોને જીવનનિર્વાહ કરવાની મુશ્કેલી પડી રહી છે. તેમની પાસે દેવું ચૂકવવા માટેનાં કોઈ સાધનો નથી.

"આ મોતની ખીણ જેવું છે" એમ સેનાના અધિકારી ડીન લેડબેટર કહે છે.

દેવાને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને પોતે દેવાળિયા થઈ ગયા છે એમ આ સૈન્ય અધિકારીનું કહેવું છે.

તેમણે ક્રૅડિટ કાર્ડ વાપરવાનું શરૂ કર્યું હતું, પણ પછી ખ્યાલ આવ્યો કે તેનું પેમેન્ટ કરી શકે તેમ નથી.

તેથી તેમણે વ્યાજખોરો પાસેથી (તગડા વ્યાજદર સાથેની) વધુ લોન લેવાનું શરૂ કર્યું. મિત્રો પાસેથી ઉછીના પણ લેવા પડ્યા.

લેડબેટર કહે છે, "મેં ગલ્ફ યુદ્ધમાં ભાગ લીધો હતો. મારી પીઠમાં ઈજા થઈ હતી અને મારી દૃષ્ટિ પણ અમુક અંશે જતી રહી હતી."

યુદ્ધમાંથી પરત આવ્યા પછી તેઓ પેન્શન પર ગુજારો કરતા હતા.

લગ્ન પડી ભાંગ્યા પછી તેમણે ઘર છોડીને રસ્તા પર કારમાં જ રહેવું પડ્યું હતું. ખાવાનું પણ બહુ ઓછું મળતું હતું.

તેના કારણે ધીમેધીમે તેમના પર દેવું વધતું ગયું. તેઓ કહે છે કે "મારે કોઈક રીતે જીવવું તો ખરું ને."

line
અમેરિકન લોકો

ઇમેજ સ્રોત, Getty Images

તેમની માથે હવે કુલ 100,000 ડૉલર કરતાંય વધુનું દેવું થઈ ગયું છે.

સામાન્ય પેન્શન પર જીવતી તેમની જેવી વ્યક્તિ માટે આટલું દેવું ચૂકવવું શક્ય નથી.

ડીન લેડબેટર કહે છે, "તમારું જહાજ તૂટી પડ્યું હોય તેના જેવું છે. મારે એ નક્કી કરવાનું હતું કે તરતા રહેવું કે ડૂબી મરવું. કેમ કે વ્યાજ તો વધતું જ જાય છે."

"આ બહુ અપમાનજનક સ્થિતિ છે. હું માનભેર જીવ્યો છું. હું માથેથી દેવું ઉતારી ના શકું તે વાતથી બીમાર પડી ગયો છું."

લેડબેટર જેવા અનેક લોકો છે, જેમની માગ છે કે નાણાં સંસ્થાઓ જે વ્યાજદર લે છે તેના પર કશાક પ્રકારનું નિયંત્રણ હોવું જોઈએ.

અમેરિકાનાં 32 રાજ્યોમાં પરંપરાગત બૅન્કિંગ સિવાય કોઈ પણ પ્રકારની લોનને માન્ય ગણવામાં આવે છે.

સામાન્ય રીતે આવું ધિરાણ લેવું બહુ જ મોંઘું પડતું હોય છે. તેના કારણે જ લોકો વ્યાજના ચક્કરમાં ફસાય છે.

ત્રણ પ્રકારની લોન એવી છે જેમાં મોટા ભાગે લેનાર ફસાઈ જ જાય છે- ગ્રાહક લોન, વાહન લોન અને વિદ્યાર્થી લોન.

line

"આખો વિચાર જ ખોટો છે"

લા બોનાન્ઝા

ઇમેજ સ્રોત, Getty Images

ધિરાણ કરનારી સંસ્થાઓની સંસ્થા લૅન્ડર્સ ઍલાયન્સ ઑનલાઇનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેરી જેક્સન લૉન ડૂબી જવાની શક્યતા હોય તેવા કિસ્સામાં જે શરતો સાથે ધિરાણ આપવામાં આવે છે તેનો બચાવ કરે છે.

"ડિફોલ્ટ (કરજ ચૂકવવામાં ચૂક) થવાનો દર 25% છે. લોકો પોતાનું દેવું ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આ ઉદ્યોગમાં બોજ વધે છે."

આટલા ઊંચા વ્યાજદર કેવી રીતે વાજબી ઠરાવી શકાય?

"બે અઠવાડિયાં માટે લૉન લેવામાં આવે તેના પર 15% વ્યાજ લેવાય છે."

એમ જેક્સન કહે છે, "એક વર્ષ માટે લૉન ન લેવામાં આવી હોય, તેથી ગણતરી કરીને એવું કહો કે 300% વ્યાજ ચૂકવાય છે તે વાત ખોટી છે."

પણ એવીય કંપનીઓ છે જે એક જ ક્લાયન્ટે અગાઉ લૉન લીધી હોય તેના પર બે અઠવાડિયાં માટે પણ 80% ટકા સુધીનું વ્યાજ લે છે.

તેના કારણે દેવાદાર વ્યાજ પરનું વ્યાજ ભરતો થઈ જાય છે.

જેક્સન કહે છે, "કેટલાક કિસ્સામાં તે વાત સાચી હશે, પણ મોટાં ભાગનાં રાજ્યોએ એક લૉન પૂરી કરવા માટે બીજી લૉન લેવા પર પ્રતિબંધ લાદેલો છે."

line

દુનિયાના સૌથી ધનિક અર્થતંત્રમાં ગ્રામીણ ગરીબી

અમેરિકન પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર રાષ્ટ્રની રીતે વિચારીએ તો ઘણા બધા લોકો પોતાનું દેવું ચૂકવી ના શકે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

2008ની મહામંદી વખતે એવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે વખતે ઘણા બધા પરિવારો તેમનું મોર્ગેજ ચૂકવી શક્યા નહોતા.

ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે, "ગ્રાહકો પરનું દેવું એ દેશના અર્થતંત્ર પર જોખમ ઊભું કરે તેમ હાલ લાગતું નથી."

"વ્યાજદરો ઐતિહાસિક રીતે ઘણા નીચા છે ત્યારે તો આવું જોખમ ઓછું જ છે."

પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કેનેથ રોગોફ જેવા કેટલાક નિષ્ણાતો માને છે, "સતત સ્થગિતતા (આર્થિક રીતે વિકાસ અટકે અને ફુગાવો વધે તેના) કારણે ઓછી આવક ધરાવતા લોકો માટે વિકટ સ્થિતિ ઊભી થાય છે."

"મને લાગે છે કે દેશના કેટલાક હિસ્સામાં, ખાસ કરીને શહેરી વિસ્તારોથી દૂર એવી સ્થિતિ છે કે ઓછું કામ મળે છે અને મકાનોની કિંમત ઘટી ગઈ છે."

"કેટલાક પ્રદેશો વધારે સંકટમાં છે અને ત્યાં ગ્રાહક લોન એક સમસ્યા બની છે."

"30થી 40 વર્ષ પહેલાં કરતાં અત્યારે સ્થળાંતર કરવાનું પ્રમાણ ઘટ્યું છે."

line

વિદ્યાર્થીઓ પર દેવાનું સંકટ

બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

કયા સૅક્ટરમાં દેવું સૌથી વધુ ઝડપે વધી રહ્યું છે?

એમ રોગોફ કહે છે, "ગ્રાહક લૉન, વાહન લૉન અને સૌથી વધુ નાટ્યાત્મક રીતે વિદ્યાર્થીઓ દ્વારા લેવાતી અભ્યાસ લૉનથી દેવું વધી રહ્યું છે."

"વિદ્યાર્થીઓ હજી રોજગારી શોધી રહ્યા હોય છે, તેથી તેમના પરનું દેવું સૌથી વધુ અસર કરે છે."

તેઓ સમજાવતાં કહે છે કે 15 વર્ષ પહેલાં કાયદામાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને 'અન્યાયી' સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા છે.

24 વર્ષની મેલિસા હેગેટ્રી કહે છે, "તેની પાસે મિડલ ક્લાસની સારા પગારની નોકરી હોવા છતાં પોતાની અભ્યાસની લૉન ભરી શકી નથી. તેના પર વર્ષે 11% જેટલું વ્યાજ લાગે છે."

"તમારી માથે આવું દેવું હોય ત્યારે ભવિષ્યનું શું થશે તે વિચારવું મુશ્કેલ બની જાય છે."

"મને સમજાતું નથી કે હું લોન ભરપાઈ કરી શકીશ કે કેમ. એક એક મહિનાની ગણતરીથી આગળ વધવાનું મુશ્કેલ બની ગયું છે."

"મારો પગાર સારો છે, પણ બૅન્ક મને હું કમાઉં છું તેના કરતાંય વધુના હપ્તા ભરવાનું કહી રહી છે."

line

કેટલાક કિસ્સામાં તો વ્યાજદર વધીને બહુ વધી જાય છે

અમેરિકન લોકો

ઇમેજ સ્રોત, Getty Images

માર્થા વુન્ડેર્લી યૂટાહમાં દેવાદારોને મદદ કરતી સેવાભાવી સંસ્થા ફેર ક્રૅડિટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ છે.

તેઓ કહે છે, "મકાન પાછળ વ્યક્તિએ સરેરાશ પોતાનો અડધાથી વધારે પગાર વાપરી નાખવો પડે છે. અર્થતંત્ર આગળ વધતું રહે તે પ્રમાણે લોકોના પગારો વધતા નથી."

"એ વાત સાચી કે બેરોજગારીનું પ્રમાણ ઓછું છું, પરંતુ લોકો પોતાના ખર્ચા પૂરી કરી શકે એટલી કમાણી પણ થતી નથી."

વુન્ડર્લી સમજાવે છે કે એક વાર લોકો વ્યાજખોરોના ચક્કરમાં આવી જાય, પછી તેમાંથી બહાર નીકળી શકતા નથી.

* એડ બટલર સંચાલિત રેડિયો શો 'બીબીસી બિઝનેસ ડેઇલી'ના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો