You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીને યૂએઈનું સર્વોચ્ચ સન્માન, પાકિસ્તાનમાં વિરોધના સૂર
- લેેખક, રોનક કોટેચા, ફરન રફી
- પદ, દુબઈ તથા ઇસ્લામાબાદથી, બીબીસી ગુજરાતી માટે
શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજવામાં આવશે.
મોદી બાદશાહો, રાષ્ટ્રપતિઓ તથા વડા પ્રધાનોને આપવામાં આવતાં આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બનશે.
અગાઉ વર્ષ 2007માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનના મહારાણી એલિઝાબેથ (2010), સાઉદી અરેબિયાના શાહ સલમાન બિન અબ્દુલ્લા અઝીઝ અલ સઉદ (2016) તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સન્માન આપવામાં આવ્યું હતું.
યૂએઈએ વર્ષ 1995માં આ સન્માનની શરૂઆત કરી હતી.
મોદીને આ સન્માન આપવાની સામે કેટલાક પાકિસ્તાનીઓએ અવાજ ઉઠાવ્યો છે, જોકે ત્યાંની સરકારે ઔપચારિક રીતે મૌન ધારણ કર્યું છે.
શા માટે મોદીનું સન્માન?
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના કહેવા પ્રમાણે, ''ભારત તથા યૂએઈ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં વડા પ્રધાન મોદીએ મહત્ત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે.''
ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં નાહ્યાને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું : "ભારતની સાથે અમે ઐતિહાસિક તથા વ્યૂહાત્મક સંબંધ ધરાવીએ છીએ, જેમાં મારા પરમ મિત્ર નરેન્દ્ર મોદીનો મોટો ફાળો છે."
"તેમણે આ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. તેમના પ્રયાસોને જોતાં યૂએઈના રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાને તેમને ઝાયેદ સન્માનથી નવાજ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના વિદેશ મંત્રાલયે બહાર પાડેલા નિવેદન પ્રમાણે, ''આ વર્ષ શેખ ઝાયેદનું જન્મ શતાબ્દી વર્ષ છે.''
''એવા સમયે વડા પ્રધાન મોદીને ઝાયેદ સન્માન આપવું એ 'વિશેષ મહત્ત્વપૂર્ણ' બાબત છે.''
નિવેદન મુજબ યૂએઈ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર રાષ્ટ્ર છે.
ચાલુ વર્ષે બંને દેશો વચ્ચેનો વાર્ષિક વેપાર 60 અબજ ડૉલર ઉપર પહોંચવાનો છે.
યૂએઈએ 2019ના વર્ષને 'સહિષ્ણુતા વર્ષ' જાહેર કર્યું છે.
ભારત-યૂએઈ વેપાર
મોદીના કાર્યકાળ દરમિયાન બન્ને રાષ્ટ્ર વચ્ચેની રાજકીય યાત્રાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
શેખ મોહમ્મદ બિન ઝાયેદ ત્રણ વર્ષમાં બે વખત ભારત આવ્યા છે.
પહેલી વખત તેઓ ફેબ્રુઆરી-2016માં ભારત આવ્યા હતા.
બીજી વખત જાન્યુઆરી-2017માં તેમને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં મોદી પ્રથમ વખત યૂએઈ ગયા હતા.
વર્ષ 2018માં યૂએઈ ખાતે આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા.
આ વખતે મોદી ત્રીજી વખત યૂએઈની મુલાકાત લઈ રહ્યા છે.
મોદી યૂએઈની યાત્રા દરમિયાન ત્યાંના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય વેપાર, ક્ષેત્ર તથા આંતરરાષ્ટ્રીય મામલે પરસ્પરનાં હિતો અંગે ચર્ચા થશે.
અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ નરેન્દ્ર મોદીની હાજરીમાં મહાત્મા ગાંધીની 150ની જન્મ જયંતી નિમિતે ટપાલ ટિકિટ બહાર પાડશે.
આ સિવાય મોદી રૂપે કાર્ડની શરૂઆત કરાવશે. માસ્ટર તથા વિઝા કાર્ડની જેમ જ તે ભારતની કાર્ડ આધારિત પોતાની ચુકવણી વ્યવસ્થા છે.
પાકિસ્તાનમાં વિરોધના સૂર
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરવાની જાહેરાત કરી છે.
કાશ્મીરમાં કથિત રીતે માનવાધિકાર ભંગની કથિત ઘટનાઓની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યૂએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થઈ રહ્યું છે, જે પાકિસ્તાન માટે આંચકાથી કમ નથી.
લાહોરમાં પોલિટિકલ સાયન્સના નિષ્ણાત ડૉ. ઉમ્બરીન જાવેદે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "નરેન્દ્ર મોદી એવા દેશની મુલાકાત લઈ રહ્યા છે, જેની સાથે ભારત વ્યાપક રીતે વ્યાપારી સંબંધ ધરાવે છે.''
''છતાં હાલમાં પાકિસ્તાન માટે કાશ્મીરનો મુદ્દો ભાવનાત્મક બની ગયો છે."
"પાકિસ્તાનને એવું લાગે છે કે આગામી સમયમાં કાશ્મીરમાં માનવાધિકાર ભંગની ઘટનાઓ વધી શકે છે અને કાશ્મીરીઓનું જીવન દુષ્કર બની શકે છે."
"આવા સંજોગોમાં પાકિસ્તાનને આશા હતી કે મુસ્લિમ દેશો મોદીને આગ્રહ કરશે કે તેઓ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો તેનો નિર્ણય પાછો ખેંચે.''
"નહીં કે સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરે."
તાજેતરમાં બ્રિટનની લેબર પાર્ટીના સંસદસભ્ય નાજ શાહે યૂએઈના ક્રાઉન પ્રિન્સને એક પત્ર લખીને મોદીને ઝાયેદ મૅડલ આપવા અંગે પુનર્વિચાર કરવા આગ્રહ કર્યો હતો.
આ અંગે પાકિસ્તાને ઔપચારિક રીતે મૌન સાધી લીધું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલના કહેવા પ્રમાણે, ''આ પાકિસ્તાન અને ભારત વચ્ચેની બાબત હોવાથી તેઓ પ્રતિક્રિયા નહીં આપે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો