You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાક LOC : અનુચ્છેદ 370ના તણાવ વચ્ચે લાઇન ઑફ કંટ્રોલ પર ફસાયેલા લોકોનો હાલ - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, ફરહત જાવેદ
- પદ, બીબીસી સંવાદદાતા, તીતરીનોટ, LOC, પાકિસ્તાનથી
ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હઠાવી દેવાયા પછી લાઇન ઑફ કંટ્રોલ (LOC) યાને કે નિયંત્રણ રેખા પર લોકોની હાલત ખરાબ થઈ રહી છે.
બેઉ દેશોની સેનાઓ નિયંત્રણ રેખા પર એકબીજાના સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો કરી ચૂકી છે.
ભારત અને પાકિસ્તાન સામાન્ય નાગરિકોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો આરોપ પણ એકબીજા પર મૂકે છે.
કાશ્મીરને લઈને તણાવ વધ્યા પછી પાકિસ્તાન સરકારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (પાકિસ્તાન ઍડમિનિસ્ટ્રેટિવ કાશ્મીર)માં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હોવાના સમાચારોની પૃષ્ટિ કરી છે.
બેઉ દેશો વચ્ચે સંબંધો વણસેલા છે એ સંજોગોમાં એવા લોકો પણ છે જ સરહદની આરપાર ફસાઈ ગયા છે.
આ સમયે હાલત એવી છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ઓછામાં ઓછા 40 લોકો નિયંત્રણ રેખા પાસે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
બીજી તરફ ભારત પ્રશાસિત કાશ્મીરના 10 લોકો પરત ફરવા માટે તડપી રહ્યા છે.
19 ઑગસ્ટના રોજ જ્યારે નિયંત્રણ રેખા ઉપર તીતરીનોટ ક્રૉસિંગ પૉઇન્ટ ખૂલવાની ખબર આવી ત્યારે ત્યાં મુસાફરો તેમજ તેમને લેવા આવેલા સંબંધીઓ હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, એ બધાને વીલે મોંઢે પાછા ફરવું પડ્યું.
ક્રૉસિંગ પૉઇન્ટ પર પોતાના પરિવારજનોને લેવા માટે આવેલા લોકો મીડિયાથી બચતા જોવા મળ્યા.
એક પરિવારના મોભીએ અમને કહ્યું કે તેઓ સ્વજનની રાહ તો જોઈ રહ્યા છીએ પરંતુ મીડિયા સાથે વાત નહીં કરીએ.
એમને ભય છે કે જો તેઓ મીડિયા સાથે વાત કરશે તો લીધે નિયંત્રણ રેખાની બીજી તરફ એમના સંબંધીઓની મુશ્કેલી વધી શકે છે.
ભારત પ્રશાસિત કાશ્મીરથી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા લોકોમાં પાકિસ્તાનના પલંદરી વિસ્તારના રહેવાસી ઇરફાન રશીદના કાકા અને એમના સગાઓ પણ સામેલ છે.
ઇરફાન રશીદે કહ્યું કે ''એમના કાકા અને સગાઓ 4 ઑગસ્ટે પરત ફરવાના હતા પરંતુ તણાવ એટલો વધી ગયો કે રસ્તો ખોલવામાં જ ન આવ્યો.''
''આજે ખબર પડી કે ખાસ બેઉ તરફ ફસાયેલા પ્રવાસીઓ માટે રસ્તો ખોલવામાં આવશે એટલે સવારથી વાટ જોઈ રહ્યા હતા. જોકે, અનેક કલાકો પછી હવે રસ્તો ખોલવામાં નહીં આવે એવી માહિતી મળી છે. હવે આવતા સોમવારે બોલાવ્યા છે.''
તેઓ કહે છે કે જે ''આ વખતે થઈ રહ્યું છે તેવું અગાઉ ક્યારેય નથી થયું. પહેલીવાર હાલત એવી ખરાબ છે કે તેઓ પાછા ફરી શકશે કે નહીં એની સમજ નથી પડી રહી. કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો.''
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ક્રૉસિંગ પૉઇન્ટની વ્યવસ્થાની દેખરેખ રાખનાર તાતા સત્તામંડળના કહેવા મુજબ ''એકબીજાં ક્ષેત્રમાં પરત ફરનારા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવા માટે સરકાર તેમની કોશિશો પછી સહમત થઈ છે. જોકે, નવા પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ રહેશે.''
પાકિસ્તાન તરફથી જ્યારે અધિકારીઓએ હા પાડી ત્યાં સુધી એટલું મોડું થઈ ચૂક્યું હતું કે નિયંત્રણ રેખાની બીજી બાજુથી કહેવામાં આવ્યું કે પરત ફરવાની રાહ જોઈ રહેલા લોકો પાછા જતા રહ્યા છે અને હવે તેઓ આવતા અઠવાડિયે આવશે.
નિયંત્રણ રેખા પરના ક્રૉસિંગ પૉઇન્ટ્સ
ઑક્ટોબર 2005માં પાકિસ્તાન અને ભારતમાં આવેલા ભૂકંપે એવી તબાહી કરી કે બેઉ દેશોએ મતભેદો ભૂલાવીને પગપાળા અવરજવર કરવા માટે અને રાહત સામગ્રી લાવવા-લઈ જવા માટે કેટલાંક સ્થળોએ રસ્તો ખોલવાનું નક્કી કર્યું.
નિયંત્રણ રેખા પર પહેલીવાર નવેમ્બર 2005માં હાજીપુરનો માર્ગ પગપાળા અવરજવર માટે ખોલવામાં આવ્યો.
ભારત અને પાકિસ્તાને નિયંત્રણ રેખા પર 5 સ્થળોએ ક્રૉસિંગ પૉઇન્ટ્સ ખોલવાનું એલાન કર્યું હતું.
આ તમામ ક્રૉસિંગ પૉઇન્ટ્સ શરૂઆતમાં તો ફક્ત પગપાળા અવરજવર માટે ખોલવામાં આવ્યા હતા પરંતુ પાછળથી એ પાંચમાંથી બે જગ્યાઓએ વેપાર પણ શરૂ થયો.
ક્રૉસિંગ પૉઇન્ટ્સને એક-એક કરીને ખોલવામાં આવ્યા અને સૌપ્રથમ તો લોકોની અવરજવર અટકાવવા માટે એ જગ્યાઓએ જમીનમાં પાથરવામાં આવેલી સુરંગો હઠાવવામાં આવી.
એ પછી અહીં વ્યવસ્થા માળખું વિકસાવવામાં આવ્યું અને કેટલાક સ્થળે પુલ અને રસ્તો પણ બનાવવામાં આવ્યો.
એ યાદ રાખવું જોઈએ કે શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા સિવાય આ પાંચ ક્રૉસિંગ પૉઇન્ટ્સ છે જ્યાંથી મુસાફરો પગપાળા નિયંત્રણ રેખા પાર કરી શકે છે. આ નિર્ણય નિયંત્રણ રેખાની બેઉ તરફ વિખરાયેલા પરિવારનો અહીં મહત્ત્વ અપાય છે.
શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા
સૌપ્રથમ ઈસવીસન 1965માં શરૂ કરાયેલી આ બસ સેવાને ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ ભારતે 2001માં મૂક્યો હતો પરંતુ થીજી ગયેલા સંબંધોમાં તે ઢંકાઈ ગયો.
એ પછી 2003માં એ પ્રસ્તાવ ફરી આવ્યો ત્યારે બેઉ દેશો વચ્ચે અનેક તબક્કામાં મંત્રણાઓ થઈ.
આ અંગે ફેબ્રુઆરી 2005માં સમજૂતી થઈ અને આ વર્ષે એપ્રિલમાં અનેક દશક સુધી બંધ રહેલી આ બસ સેવા ફરી શરૂ કરાઈ હતી.
હાજીપુર-અટારી ક્રૉસિંગ પૉઇન્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર શરૂ કરાયેલો આ પહેલો ક્રૉસિંગ પૉઇન્ટ છે. 2005માં અહીંથી ભૂકંપપીડિતો માટે મદદ અને રાહતસામગ્રીની અવરજવર થઈ હતી.
પરંતુ આ ક્રૉસિંગ પૉઇન્ટથી લોકોની અવરજવર ન થઈ અને તેના પર આગળ કોઈ કાર્યવાહી પણ ન થઈ. આને લીધે આ ક્રૉસિંગ પૉઇન્ટ આજકાલ કોઈ જ કામમા નથી આવતો.
નૌસેરી-તિતવાલ ક્રૉસિંગ પૉઇન્ટ
આ ક્રૉસિંગ પૉઇન્ટને ચિલયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એ વિસ્તાર છે જે તાજેતરમાં સમાચારમાં ચમક્યો હતો.
ભારતે આ વિસ્તારમાં એના નાગરિકો પર કલ્સ્ટર બૉમ્બથી હુમલો કર્યો તેવો આરોપ પાકિસ્તાન લગાવ્યો હતો. ભારતે આ આરોપ નકારી કાઢ્યો હતો.
અહીં ચિલયાનામાં નીલમ નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ પરથી પ્રવાસીઓ કાશ્મીરના એકબીજા હિસ્સામાં આવ-જા કરી શકે છે.
અહીં નીલમનો પટ સાંકડો છે અને બીજી તરફ બનેલા ઘરો પણ જોઈ શકાય છે.
આ ક્રૉસિંગ પૉઇન્ટ ફક્ત મેથી ઑક્ટોબર દરમિયાન ખોલવામાં આવે છે અને હાલમાં તે પણ બંધ છે.
ચખૌટી-ઉડી ક્રૉસિંગ પૉઇન્ટ
આ ક્રૉસિંગ પૉઇન્ટથી સરહદની આરપાર વેપાર પણ થતો હતો પરંતુ ભારત પ્રશાસિત કાશ્મીરમાં પુલનું સમારકામ શરૂ થવાને લીધે વેપારને રોકી દેવામાં આવ્યો.
આ પછી એપ્રિલ મહિનામાં ભારતે આરોપ મૂક્યો કે ચખૌટી-ઉડી અને તીતરીનોટ ક્રૉસિંગ પૉઇન્ટથી હથિયારો અને ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી રહી છે.
પછી અહીંથી વેપાર રોકી દેવામાં આવ્યો. પાકિસ્તાનનું કહેવું છે કે પુલનું સમારકામ એ બહાનુ હતું અને ભારતે જાણીજોઈને આ કામ કર્યું છે.
રાવલકોટ-પૂંછ, તીતરીનોટ-ચકાં દા બાગ ક્રૉસિંગ પૉઇન્ટ
રાવલકોટ અને પૂંછને જોડતો આ ક્રૉસિંગ પૉઇન્ટ્સ વર્તમાન તણાવમાં બંધ થનારો છેલ્લો ક્રૉસિંગ પૉઇન્ટ છે.
અહીં વેપાર તો એપ્રિલ મહિનાથી બંધ છે. આ પૉઇન્ટથી છેલ્લે 5 ઑગસ્ટે લોકોએ નિયંત્રણ રેખા પાર કરી હતી. જોકે, આ રસ્તો પણ હવે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે.
તત્તાપાની-મહીંદર ક્રૉસિંગ પૉઇન્ટ
આ ક્રૉસિંગ પૉઇન્ટને પણ 2005માં ભૂકંપ પછી રાહત સામગ્રીની હેરફેર અને લોકોની પગપાળા અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો. હાજીપુર ક્રૉસિંગ પૉઇન્ટની જેમ આ પણ હાલ કાર્યરત નથી.
ઉલ્લેખનીય છે કે આ વિવિધ ક્રૉસિંગ પૉઇન્ટ ઉપર બસો નથી ચાલતી અને કેટલાક મિટરનું અંતર લોકો પગપાળા જ પાર કરે છે.
રાવલકોટ-પૂંછ બસ સેવા
આ બસ સેવાની શરૂઆત રાવલકોટ અને પૂંછમાં તીતરીનોટ અને ચકાં દા બાગના સ્થાન પર જૂન 2006માં કરવામાં આવી હતી. પછીથી આ જ રસ્તે વેપાર પણ શરૂ થયો. વર્તમાન તણાવમાં આ બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો