You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયાના સૌથી ધનિક ભારતીય ક્રિકેટ બોર્ડની સ્વાયત્તતા છીનવાતા શું ફેર પડશે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ પત્રકાર
ભારતીય ક્રિકેટ બોર્ડ સ્વાયત્ત સંસ્થા છે, તેનું અલગ બંધારણ છે અને 'સરકારના નિયમોને અમે બંધક નથી' એવો બોર્ડના અધિકારીઓ વર્ષોથી દાવો કરતા હતા. સાથે જ વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ સરકારી નિયમોની અવગણના કરતું હતું.
તાજેતરમાં સ્પૉર્ટ્સ સચિવે બીસીસીઆઈને પણ એક જ કાયદો લાગુ પડે છે તેમ કહીને નેશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવરી લીધું.
આમ ભારતીય ક્રિકેટરો પણ હવે 'નાડા' અંતર્ગત આવી ગયા છે.
આ એજન્સી ધારે ત્યારે, ધારે તે સ્થળે જઈને ભારતીય ક્રિકેટરની ડોપિંગ-ટેસ્ટ કરી શકે છે.
આમ જોવા જઈએ તો આ કોઈ ગંભીર બાબત નથી, કેમ કે ક્રિકેટરની ડોપિંગ-ટેસ્ટ તો અગાઉ પણ થતી હતી, પરંતુ તે ટેસ્ટ બીસીસીઆઈ પોતાની રીતે કરાવતી હતી અને તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ રહેતો ન હતો.
હવે સરકારે દરમિયાનગીરી કરી છે અને સરકાર ઇચ્છે તેમ અને ત્યારે આ પ્રકારની ટેસ્ટ થઈ શકશે.
ટૂંકમાં, ભારતીય ક્રિકેટ બોર્ડને હવે દેશનાં અન્ય તમામ સ્પૉર્ટ્સ ફેડરેશનની હરોળમાં મૂકી દેવામાં આવ્યું છે.
તેનો અર્થ એ થયો કે બોર્ડ પાસે હવે કોઈ અલગ ફેડરેશનનો દરજ્જો રહ્યો નથી અને હવે તેને પણ સરકારને જવાબ આપવાનો રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અસર શું થશે?
બીસીસીઆઈનો વર્ષોનો વિરોધ પાંગળો પુરવાર થયો છે. તાજેતરમાં મુંબઈના ક્રિકેટર પૃથ્વી શૉ ડોપિંગમાં સંડોવાયા હતા.
તેમના યુરિન-સૅમ્પલ લેવામાં આવ્યા અને તે ડોપિંગમાં નિષ્ફળ રહ્યા.
પરિણામ એ આવ્યું કે ફેબ્રુઆરીમાં ટેસ્ટ થઈ, પરંતુ સજા છેક જુલાઈમાં થઈ.
શૉએ ભલે કફ-સિરપ લીધું હોય, પરંતુ ડોપિંગ એજન્સીના નિયમ મુજબ તેમણે પ્રતિબંધિત ડ્રગ્સ લીધું હતું અને તેમ છતાં તેઓ એપ્રિલ-મે મહિનામાં આઈપીએલમાં તો રમ્યા જ હતા.
બીસીસીઆઈની આ ભૂલ હતી અને તે ક્રિકેટપ્રેમીઓની નજરમાં ચડી કે નહીં પણ સરકારની નજરમાં ચડી ગઈ.
સ્પૉર્ટ્સ સચિવ રાધેશ્યામ ઝુલણિયાએ આ બાબતની ગંભીર નોંધ લઈને બોર્ડના અધિકારીઓની સાથે બેઠક યોજીને તેમને દેશના કાયદાનું પાલન કરવાનું કહ્યું.
નિયમ એવું કહે છે કે તમામ સ્પૉર્ટ-ફેડરેશન સરકારની નજરે સમાન છે અને તમામ પર સમાન કાયદો લાગુ પડે છે, એટલે ક્રિકેટ બોર્ડ પણ 'નાડા'ની પરિધિમાં આવી જાય છે.
ક્રિકેટ બોર્ડની સ્વાયત્તતા પર તરાપ?
આ તો શરૂઆત જણાય છે અને બીસીસીઆઈની સ્વાયત્તતા પર પહેલી તરાપ છે.
બોર્ડ તેના હજારો-કરોડો રૂપિયાનાં બૅન્ક-બૅલેન્સ અને અલગથી રચાયેલા બંધારણના આધારે મુસ્તાક થઈને ફરતું હતું.
પરંતુ બે વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે રચેલી જસ્ટિસ લોઢા સમિતિએ બોર્ડના તમામ દસ્તાવેજો, તમામ પેપરો ફંફોસી નાખ્યાં.
ત્યારબાદ અનેક ભલામણો રજૂ કરી, જેનું પાલન કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે આ ભલામણોનો અમલ થાય તે માટે અથવા તો કરાવવા માટે એક સમિતિ રચી જે 'કમિટી ઑફ ઍડમિનિસ્ટ્રેશન' (CoA) તરીકે બોર્ડમાં દાખલ થઈ.
વિનોદ રાય અને ડાયના એડલજીએ સમિતિનો કાર્યભાર સંભાળ્યો અને સીઈઓ તરીકે રાહુલ જોહરી આવ્યા.
આ તમામે સરકારી અમલદારોની માફક બોર્ડની કામગીરી સંભાળી.
હવે એ જ સમિતિના આદેશ મુજબ રાહુલ જોહરી અને બીસીસીઆઈના ક્રિકેટ ઑપરેશન્સ જનરલ મૅનેજર સબા કરીમ રમતસચિવ ઝુલણિયાને મળ્યા.
તેમણે કોઈ કરાર કર્યા વિના માત્ર એટલું જ કહ્યું કે તમારે પણ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ અને સરકારનો નિયમ છે કે દેશના કોઈ પણ રમતવીરની ડોપિંગ ટેસ્ટ 'નાડા'એ જ કરવી.
બોર્ડે અગાઉ સ્વિડનની આવી જ એજન્સી સાથે કરાર કર્યા હતા જે હવે કોઈ કામની રહ્યી નથી, કેમ કે તેમને નાડાને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પ્રજા બોર્ડ પાસે જવાબ માગી શકશે
આ તો શરૂઆત છે. દેશનાં તમામ નેશનલ સ્પૉર્ટ્સ ફેડરેશન હાલમાં આરટીઆઈ હેઠળ છે અને એવી જ રીતે ભવિષ્યમાં બીસીસીઆઈ પણ આરટીઆઈ હેઠળ આવી જશે.
આમ થશે તો બોર્ડે તેના તમામ નિર્ણય જાહેર કરવા પડશે અથવા તો તે માટે તેઓ દેશની પ્રજાને જવાબદાર રહેશે.
ટીમની પસંદગી કે સિરીઝની પસંદગી, કયા દેશનો પ્રવાસ કરવો, કોને કૅપ્ટન બનાવવા કે કોને પસંદગીકાર શા માટે બનાવવા તેનો જવાબ પણ બોર્ડે આપવો પડશે.
અગાઉ બોર્ડ પાસે કોઈ આવો જવાબ માગી શકતા ન હતા.
બોર્ડે હવે ક્રિકેટપ્રેમીઓને પણ જવાબ આપવો પડશે. અત્યાર સુધી ઘણી એવી બાબતો હતી જેમાં રમતપ્રેમીઓ લાચાર હતા.
જેમ કે હજારો રૂપિયાની ટિકિટ ખરીદીને સ્ટેડિયમ જવાનું અને ત્યાં પાણી પણ મળે તો મળે.
મોંઘા ભાવના ખાદ્યપદાર્થો ખરીદવાના, આખો દિવસ તડકામાં બેસવાનું અને વરસાદ આવે તો પલળવાનું અને પછી નિરાશ થઈને પરત ફરવાનું.
ટિકિટના રૂપિયા પરત મેળવવાની ગૅરંટી નહીં. એમાંય મૅચમાં એકાદ ઓવર પણ ફેંકાઈ ગઈ હોય તો તો એકેય રૂપિયો પાછો મળે નહીં.
ઘણી વાર તો એકાદ-બે ઓવર રમાયાં બાદ મૅચ રદ થાય તો પ્રેક્ષકોને એ એક ઓવર નિહાળવાનો ખર્ચ હજારોમાં થતો હતો.
હવે એવું થાય નહીં તેની તકેદારી રાખવી પડશે, કેમ કે બની શકે છે કે બોર્ડને જવાબ આપવો પડે. ટૂંકમાં બોર્ડની કથિત આપખુદશાહી નાબૂદ થઈ જશે.
બીજી એક ચિંતાની વાત એ પણ છે કે આખરે બીસીસીઆઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું સદસ્ય છે.
આઈસીસી કહે છે કે કોઈ પણ દેશના ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલગીરી ચલાવી લેવાશે નહીં.
તાજેતરમાં જ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને આવા જ કારણસર આઈસીસીએ સસ્પેન્ડ કરી દીધું છે, જેને કારણે ઝિમ્બાબ્વેના ઘણા ક્રિકેટરની કારકિર્દી રોળાઈ ગઈ છે.
ભારતમાં આમ જ ચાલશે તો બીસીસીઆઈ અંગે પણ આઈસીસી આમ વિચારી શકે છે.
બોર્ડ પર કેવી અસર પડી શકે છે
કેન્દ્ર સરકાર સાથે નેશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)ના નિયમો લાગુ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ સહમત થયું તે સાથે હવે તે 'નેશનલ સ્પૉર્ટ્સ ફેડરેશન' બની ગયું છે.
ભારતમાં તમામ રમતોનાં સંગઠન છે, પરંતુ ક્રિકેટ બોર્ડને બાદ કરતાં તમામ સંગઠનો સરકારના નિયમોને બંધનકર્તા છે.
બીસીસીઆઈ સૌથી ધનાઢ્ય હોવાને કારણે સરકારી ફંડ લેતું ન હતું અને પોતાને 'સ્વાયત્ત સંસ્થા' જ ગણાવતું હતું.
એટલે સુધી કે બોર્ડનો દાવો રહેતો હતો કે 'અમારું પોતાનું બંધારણ છે અને અમે તેને જ આધીન છીએ.'
પરંતુ સરકારે સ્પષ્ટ કહી દીધું હતું કે આખરે ભારતમાં કોઈ પણ સંસ્થાને દેશનો કાયદો તો લાગુ પડે જ છે અને એ અન્વયે બીસીસીઆઈને પણ દેશનો કાનૂન લાગુ પડે છે.
આ સાથે બીસીસીઆઈને અન્ય નેશનલ સ્પૉર્ટ્સ ફેડરેશનનો દરજ્જો મળી ગયો.
અન્ય તમામ ફેડરેશન સરકારી નિયમોને આધીન છે એ રીતે ભવિષ્યમાં સરકાર ક્રિકેટ બોર્ડમાં પણ જરૂર મુજબ દખલગીરી કરી શકશે.
જેમ કે, ટીમની પસંદગી કે ખેલાડીઓને આપવામાં આવતી ફી અથવા તો આર્થિક મદદ, આર્થિક પુરસ્કાર વગેરે બાબતોમાં હવે બોર્ડનો નિયમ કે નિર્ણય નહીં પણ સરકાર કહે તેમ કરવાનું રહેશે.
અત્યારે ઑલિમ્પિક્સમાં કેટલા ખેલાડીને મોકલવા કે કઈ રમત માટે ટીમ સાથે કયા અધિકારીએ જવું તેનો નિર્ણય સરકાર કરે છે તેવી જ રીતે ભવિષ્યમાં ભારતીય ટીમ સાથે મૅનેજર તરીકે સરકારી ઑફિસર પણ જાય તો નવાઈ નહીં.
આ ઉપરાંત બોર્ડની આર્થિક તાકાત પર પણ તરાપ લાગી શકે છે અને તે કોઈ પણ નાણાકીય નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકે નહીં, પરંતુ તે માટે સરકાર કે સરકારે નીમેલી એજન્સીની મંજૂરી જરૂરી બને.
ફી અને ભથ્થાં પણ સરકારી ધોરણે નક્કી થઈ શકે
ભવિષ્યમાં એમ પણ બને કે ખેલાડીને અપાતી ફીનો નિર્ણય પણ સરકાર કરે અથવા તો કમસેકમ બોર્ડ તો ના જ કરી શકે.
આવી જ રીતે ખેલાડીઓને વિવિધ પ્રવાસ દરમિયાન આપવામાં આવતાં ભથ્થાં કે ફાઇવસ્ટાર સવલતો પણ અન્ય રમતના ખેલાડીની સમકક્ષ આપવામાં આવે.
આઈસીસી આ બાબતની ગંભીર નોંધ લેશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)નું એક અલગ બંધારણ છે અને તેની ઉપર કોઈ દેશ કે સરકારની દખલગીરી નથી.
આઈસીસીના નિયમ મુજબ કોઈ પણ દેશના ક્રિકેટ બોર્ડમાં સરકારી હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં.
જો આમ થાય તો તેઓ બોર્ડને બરતરફ કરી શકે છે. તાજેતરમાં વર્લ્ડ કપ બાદ આઇસીસીએ આ જ કારણસર ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું.
હવેથી ઝિમ્બાબ્વેની ટીમ આઈસીસીની કોઈ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં, કેમ કે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડમાં સરકારે રચેલી સ્પૉર્ટ્સ સમિતિ સંચાલન કરી રહી છે.
આ જ ધોરણે આઈસીસી આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો જવાબ માગી શકે છે અને એ સમયે બીસીસીઆઈના અધિકારીઓ તેમને સમજાવવામાં નિષ્ફળ રહે તો ભારતીય ક્રિકેટ બોર્ડનું સદસ્ય પદ રદ થઈ શકે તેવું પણ જોખમ રહેલું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો