Top News : વિરાટ કોહલીની 43મી સદી સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ જીતી

કૅપ્ટન વિરાટ કોહલીની 43મી વન ડે સદી સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં 6 વિકેટે વિજય મેળવી સિરીઝ 2-0થી જીતી લીધી છે.

વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 240 રન કર્યા હતા.

પોતાની છેલ્લી મૅચ રમી રહેલા ક્રિસ ગેઈલે 41 બૉલમાં 72 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

એ સિવાય એવિન લેવિસે 29 બૉલમાં 43 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

ભારત તરફથી મોહમ્મદ શમીએ 2, ખલીલ અહમદે 3 વિકેટ લીધી હતી.

બેટિંગમાં રોહિત શર્મા 10 રને અને શિખર ધવન 36 રને આઉટ થયા પછી વિરાટ કોહલીએ 99 બૉલમાં 114 રન કર્યા હતા. વિરાટ કોહલી અણનમ રહ્યા હતા.

શ્રેયસ ઐયરે 41 બૉલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

ડકવર્થ લુઇસ મુજબ ભારતે 23.3 ઓવરમાં 256 રનનો ટાર્ગેટ ચૅઝ કરી સિરીઝ જીતી લીધી હતી.

મનમોહન સિંહ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાશે

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ઑગસ્ટ 26ના રોજ રાજસ્થાનમાં ખાલી પડેલી રાજ્યસભાની એક બેઠક માટે કૉંગ્રેસે ડૉ. મનમોહન સિંહનું નામ રજૂ કર્યું છે.

રાજસ્થાનમાં વિરોધપક્ષ ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું, "અમારી પાસે ઉમેદવારી માટે પૂરતું સંખ્યાબળ નથી અને અમે ઉમેદવાર નહીં ઉભો રાખીએ."

રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે જે પૈકી 9 બેઠકો હાલ ભાજપ પાસે છે.

10 વર્ષમાં સંઘની શાખાઓ ડબલ થઈ

છેલ્લાં 10 વર્ષમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની શાખાઓની સંખ્યા ડબલ થઈ છે તેમ 'ધ હિન્દુ'નો અહેવાલ જણાવે છે.

અખબાર સંઘના રાષ્ટ્રીય પ્રચાર વડા અરૂણ કુમારને ટાંકીને લખે છે કે સંઘ અત્યારે 50,000 દૈનિક શાખાઓ અને 10,000 અઠવાડિક ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી મિશન ચલાવે છે. પાંચથી છ લાખ લોકો દરરોજ શાખાઓની મુલાકાત લે છે. આ દર્શાવે છે કે સંસ્થા વાર્ષિક 20-25 ટકાને દરે વિકસી રહી છે.

અરૂણ કુમારે કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યો એટલે જ નહીં, છેલ્લાં 10 વર્ષમાં શાખાઓની અને સભ્યપદની સંખ્યા બેવડી થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો