You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Prithvi Shaw: રાજકોટમાં રનનો વરસાદ કરનાર ક્રિકેટર પૃથ્વી શૉ પર આઠ માસનો પ્રતિબંધ
ગત વર્ષે ધમાકેદાર સદી સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરનાર મુંબઈના યુવા ક્રિકેટર પૃથ્વી શૉ પર 8 મહિના માટે પ્રતિંબધ લાદવામાં આવ્યો છે.
બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ પૃથ્વી શૉ ઉપરાંત અન્ય બે ખેલાડીઓ અક્ષય ધુલરવાર અને દિવ્ય ગજરાજ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ ખેલાડીઓ પર ઍન્ટિ ડોપિંગ નિયમોના ઉલ્લઘંન બદલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન સાથે સંકળાયેલા પૃથ્વી શૉના ડોપિંગ ટેસ્ટમાં એક પ્રતિબંધિત પદાર્થ જોવા મળ્યો હતો જે મોટા ભાગે કફ સિરપમાં જોવા મળે છે.
આ ટેસ્ટ 'સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી'ની મૅચ દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવ્યો હતો. પૃથ્વી શૉ પર આ પ્રતિબંધ 16 માર્ચથી લાગુ ગણાશે અને તે 15 નવેમ્બર 2019ના રોજ પૂરો થશે.
સમિતિની તપાસમાં પૃથ્વી શૉએ કફ થયો હોવાને લીધે ડોપિંગ ગણાતું કફ સિરપ લીધું હોવાની સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમનો ઇરાદો નિયમો તોડવાનો નહોતો.
બીસીસીઆઈએ તેમનું સ્પષ્ટીકરણ માન્ય રાખ્યું છે અને નિયમ મુજબ તેમના પર આઠ મહિનાનો પ્રતિબંધિત લાદ્યો છે.
અન્ય બે ખેલાડીઓ પૈકી દિવ્ય ગજરાજને આંખની ઇજાની સારવારમાં પ્રતિબંઘિત પદાર્થના ઉપયોગ બદલ દંડિત કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું સ્પષ્ટીકણ પણ માન્ય રાખી તેમને નિયમ મુજબ છ માસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ઇન્ફૅકશનની દવા લેનાર અક્ષય ધુલરવાર પર આઠ માસનો પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.
ત્રણેય ખેલાડીઓએ મૅચમાં પ્રદર્શન સુધારવા માટે નહીં પરંતુ દાકતરી કારણસર દવા લીધી હતી એ ખુલાસો બીસીસીઆઈએ માન્ય રાખ્યો છે.
કોણ છે પૃથ્વી શો?
ચાર વર્ષની ઉંમરમાં માતા ગુમાવનાર પૃથ્વી શૉ મુંબઈની બહાર આવેલા વિરાર વિસ્તારમાં મોટા થયા છે.
મુંબઈના બેટ્સમૅન પૃથ્વી શૉ અંડર 14 મૅચમાં 546 રન કરીને ચર્ચામાં આવ્યા હતા. આ સ્કોર ક્રિકેટમાં કોઈ પણ ઉંમરમાં કરવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે.
પૃથ્વી મુંબઈની અંડર-16 ટીમના કૅપ્ટન પણ હતા.
આ પછી તેઓએ રણજી ટ્રોફી પ્રવેશ મૅચમાં 2016-17માં સદી ફટકારી હતી અને દુલીપ ટ્રૉફીમાં પણ સદી ફટકારી હતી. આ રીતે તેમણે સચીન તેંડુલકરની બરોબરી કરી હતી.
2018માં એમને કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં અંડર 19 ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા અને તેમની કૅપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલૅન્ડમાં રમાયેલો જૂનિયર વિશ્વ કપ જીત્યો હતો. આ સિરિઝમાં તેમણે 261 રન કર્યા હતા.
2018માં ગુજરાતના રાજકોટ ખાતે રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મૅચમાં એમણે 134 રનની ધમાકેદાર બાજી રમી હતી. ભારતે આ મૅચ ઇનિંગ અને 272 રનથી જીતી લીધી હતી અને તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ સદી સાથે જ પૃથ્વી શૉ સૌથી ઓછી ઉંમરે પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયા હતા.
પૃથ્વીની બૅટિંગમાં સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ, ઑફ ડ્રાઇવ, સ્ક્વેર કટ, લેગ ગ્લાન્સ, કટ, પૂલ, સ્વીટ રિસ્ટ વર્ક, વગેરે જેવા તમામ શૉટ્સ જોવા મળ્યા હતા.
દિલ્હી ડેરડૅવિલ્સે જાન્યુઆરી 2018માં આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) માટે થયેલી હરાજીમાં એક કરોડ 20 લાખમાં પૃથ્વીને પોતાની ટીમમાં લીધા હતા.
કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પહેલી મેચ રમવાની સાથે જ તેઓ આઈપીએલ રમનારા સૌથી ઓછી ઉંમરના ખેલાડી બન્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો