INDvsWI : ક્રિસ ગેઇલના આક્રમણનો મુકાબલો ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓ કેવી રીતે કરશે?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર

વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયા બાદ વિરાટ કોહલીની ભારતીય ક્રિકેટ ટીમ 2019-20ની સિઝનનો પ્રારંભ કરવા જઈ રહી છે અને તેની શરૂઆત આજે રાત્રે રમાનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 ક્રિકેટ મૅચ સાથે થશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ ટી-20 મૅચની સિરીઝની પ્રથમ મૅચ શનિવારે ફ્લૉરિડાના લાઉડરહિલ ખાતે રમાશે.

પ્રથમ બે મૅચ અમેરિકાના ફ્લૉરિડા ખાતે રમાયા બાદ બંને ટીમ વેસ્ટ ઇન્ડીઝ જશે જ્યાં ગુયાનામાં ત્રીજી મૅચ રમાશે અને એ પછી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે.

પ્રવાસ માટે રવાના થતાં અગાઉ વિરાટ કોહલીએ સંકેત આપ્યા હતા કે આ ટી-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની પસંદગી ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરાઈ છે.

કેટલાક ખેલાડી દેશનું ભાવિ છે અને તેમને આ વખતે અજમાવવામાં આવશે એમ પણ કોહલીએ કહ્યું હતું.

અગાઉ એવી અટકળો થતી હતી કે વિરાટ કોહલીને વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ વખતે મજબૂત ટીમ પસંદ કરી છે.

આ મર્યાદિત ઓવરની સિરીઝ જેમને વર્લ્ડ કપમાંથી બાકાત રખાયા હતા તેવા શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડે માટે મહત્ત્વની બની રહેશે.

મનિષ પાંડે છેલ્લે નવેમ્બરમાં અને ઐય્યર ફેબ્રુઆરી 2018માં ભારત માટે રમ્યા હતા.

ભારત અત્યારે તેનું મિડલ ઑર્ડર મજબૂત કરવા માગે છે ત્યારે આ બન્ને ખેલાડીનું ફોર્મ પસંદગીકારો માટે આગામી દિવસોનો સંકેત બની રહેશે.

બન્ને ખેલાડી પાસેથી આ સિરીઝમાં વધુ આશા રાખવાનું કારણ એ પણ છે કે તેમણે તાજેતરમાં જ ભારત-એ ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કર્યો હતો. આમ તેઓ ત્યાંના હવામાન અને વિકેટથી પરિચિત છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મૅચોમાં વોશિંગટન સુંદર, ખલીલ અહેમદ, દીપક ચહર અને નવદીપ સૈની પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ભારતીય ટીમમાં યુવાન અને અનુભવીઓનું મિશ્રણ છે.

એક તરફ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન જેવા ખેલાડી છે તો બીજી તરફ સુંદર, ચહર, સૈની અને ખલીલ જેવા યુવા ખેલાડીઓ પણ છે.

રોહિત શર્મા અને શિખર ધવન ઑપનિંગ કરશે તે સંજોગોમાં લોકેશ રાહુલ ચોથા ક્રમે રમવા આવી શકે છે.

વર્લ્ડ કપમાં રાહુલે મિશ્રિત દેખાવ કર્યો હતો પરંતુ આ પ્રવાસમાં તેમની પાસેથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ત્રણ વર્ષ અગાઉ આ જ મેદાન પર રાહુલે 110 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેન રહ્યા હતા.

તેઓ વર્લ્ડ કપનું ફૉર્મ જાળવી રાખે તેવી અપેક્ષા રખાય છે.

શિખર ધવન ઑસ્ટ્રેલિયા સામેની મૅચ બાદ ઘાયલ થયા હતા અને વર્લ્ડ કપની બાકીની મૅચો ગુમાવી હતી પરંતુ તેમનું ફૉર્મ યથાવત છે.

વેસ્ટ ઇન્ડીઝના બૉલર્સ સામે ધવન અને રોહિત સહેલાઈથી બેટિંગ કરી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ પાસે પણ પ્રતિભાની કમી નથી.

તેમણે ટી-20 માટે કેઇરોન પોલાર્ડ અને સુનીલ નરૈનને ટીમમાં સામેલ કર્યા છે જેઓ આઇપીએલમાં નિયમિત રીતે રમતા રહ્યા છે.

આ ઉપરાંત એવિન લેવિસ જેવા ઓપનર છે જેમણે આ મેદાન પર ભારત સામે ઝંઝાવાતી સદી ફટકારેલી છે.

કાર્લોસ બ્રાથવેટની ટીમમાં હેતમેયર અને નિકોલસ પૂરન જેવા ખેલાડી છે તો કેટલાક નવોદિતો પણ છે.

બાર્બાડોઝમાં ક્રિસ ગેઇલનો ઝંઝાવાત જોવા મળ્યો હતો

2009ના વર્ષમાં ભારતીય ટીમ અત્યંત મજબૂત હતી અને વેસ્ટ ઇન્ડીઝ સામે તે સહેલાઇથી જીતી શકે તેમ હતી પરંતુ અહીં અપસેટ સર્જાયો હતો.

ભારતે એ વખતે ધોનીની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો હતો.

ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ક્રિકેટના આ સૌથી નાના ફૉર્મેટમાં કોઈ ટીમ ચેમ્પિયન કહી શકાય તેવી મજબૂત ન હતી ત્યારે ભારતને ક્રિસ ગેઇલનો પરચો મળ્યો હતો.

બ્રિજટાઉનમાં રમાયેલી એ મૅચમાં ગેઇલે માત્ર 66 બૉલમાં 98 રન ફટકારી દીધા હતા જેમાં સાત તો સિકસર હતી.

આઇપીએલમાં ગેઇલ હજુ એટલા બધા જામ્યા ન હતા એટલે એ વખતે તેમના વિશે ભારતીય બૉલરોને પણ ખાસ આઇડિયા નહતો.

વેસ્ટ ઇન્ડીઝે 169 રનનો સ્કોર ખડકી દીધો અને ભારત પડકાર ઝીલી શક્યું નહીં.

ધોની અને સુરેશ રૈનાએ થોડો ચમકારો દાખવ્યો હતો પરંતુ યુવરાજ અને યુસુફ પઠાણ નિષ્ફળ રહ્યા હતા.

રવીન્દ્ર જાડેજા છેક નવમા ક્રમે રમવા આવ્યા અને તે પણ કાંઈ કરી શક્યા નહોતા. અંતે ભારતનો 14 રનથી પરાજય થયો હતો.

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કોહલીની બેટિંગ એળે ગઈ

ટી- 20માં કોઈ ટીમ ફેવરિટ હોતી નથી. આ ક્રિકેટમાં હોમગ્રાઉન્ડ કે ન્યૂટ્રલ ગ્રાઉન્ડનું પણ મહત્ત્વ હોતું નથી.

ખેલાડી જે તે દિવસે ફૉર્મમાં હોય પરંતુ એકાદ ઓવરમાં પણ તમારી પકડ ઢીલી પડે તો મૅચ હાથમાંથી સરી જાય તેનું નામ ટી- 20 ક્રિકેટ.

આવી જ મૅચ ટી- 20 વર્લ્ડ કપમાં 2016માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મૅચમાં સારો કહી તેવો 192 રનનો સ્કોર કરનારી ભારતીય ટીમનો પરાજય થયો હતો.

31મી માર્ચે રમાયેલી મૅચમાં રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી આ ત્રણ જ બૅટ્સમૅનોએ મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 192 સુધી પહોંચાડી દીધો હતો અને તેમ છતાં ભારત સાત વિકેટે મૅચ હારી ગયું હતું.

એ વખતે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હતા. કોહલીએ માત્ર 47 બોલમાં જ 89 રન ફટકાર્યા હતા.

તેમના આગમન અગાઉ રોહિત શર્માએ 31 બોલમાં 43 રન ફટકાર્યા હતા.

આ પ્રકારની શરૂઆત અને 192 રનનો સ્કોર એટલે ભારતનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત હતો.

જસપ્રિત બુમરાહે ઇનિંગ્સની શરૂઆતમાં જ ક્રિસ ગેઇલને બોલ્ડ કરીને ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી દીધી પરંતુ સાવ નવાસવા પરંતુ ટી- 20ના નિષ્ણાત એવા લેન્ડલ સિમન્સે આવીને બાજી ફેરવી નાખી.

સિમન્સે પાંચ સિક્સર સાથે ઝંઝાવાતી 82 રન ફટકારી દીધા અને ભારતના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો.

આ મૅચમાં આન્દ્રે રસેલે પણ ખતરનાક બેટિંગ હતી. તેમણે તો માત્ર 20 બૉલની ઇનિંગ રમી હતી જેમાં ચાર સિક્સર હતી. વેસ્ટ ઇન્ડીઝે મૅચ જીતી ત્યારે રસેલ 43 રન સાથે રમતમાં હતા.

આન્દ્રે રસેલે 2019ની આઇપીએલમાં ઘણી મૅચમાં આક્રમક બેટિંગ કરી છે પરંતુ વાનખેડે સ્ટેડિયમ પર એ દિવસની તેમની બેટિંગ યાદગાર હતી.

ફ્લૉરિડામાં એવિન લેવિસ ભારે પડી ગયા

ટી- 20 ઇતિહાસમાં ઘણી ઇન્ટરનેશનલ મૅચ રોમાંચક રહી છે.

ત્રણ વર્ષ અગાઉ ફ્લૉરિડામાં રમાયેલી ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ મૅચમાં ચાર્લ્સ અને એવિન લેવિસે પ્રારંભથી જ ભારતને નિરાશ કરી નાખ્યું હતું.

બન્નેએ પહેલી વિકેટ માટે 126 રન ઉમેર્યા એટલું જ નહીં પરંતુ ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહના આક્રમણને સહેલાઇથી સામાન્ય બનાવી દીધું હતું.

એમાં પણ લેવિસે તો 200થી વધારે સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.

તેમણે 49 બૉલમાં 100 રન ફટકાર્યા હતા જેમાં નવ સિક્સરનો સમાવેશ થતો હતો. ચાર્લ્સનો સ્ટ્રાઇક રેટ 239નો હતો. તેમણે 33 બૉલમાં 79 રન ફટકાર્યા હતા.

આમ, વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે 245 રન ખડકી દીધા હતા.

જોકે વાત અહીં પૂરી થતી નથી કેમ કે રોહિત શર્મા અને લોકેશ રાહુલે પણ એવી જ આક્રમક બેટિંગ કરી હતી.

રોહિતે 28 જ બૉલમાં 62 રન ફટકાર્યા હતા તો રાહુલ તેમનાથી જરાય પાછળ રહ્યા ન હતા અને માત્ર 51 બૉલમાં પાંચ સિક્સર સાથે 110 રન ફટકાર્યા હતા.

ભારતની કમનસીબી એ રહી કે ટાર્ગેટની નજીક પહોંચતા સુધીમાં રોહિત અને ધોની બન્ને આઉટ થઈ ગયા અને ભારત 244 રન કરીને એક રનથી મૅચ હારી ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો