World Cup 2019: ઔપચારિકતા અને નીરસતા વચ્ચે શ્રીલંકાનો વિન્ડીઝ સામે વિજય

ઇમેજ સ્રોત, Getty Images
ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયેલી બે ટીમ વચ્ચેની માત્ર ઔપચારિક બની ગયેલી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સોમવારની મૅચમાં અવિષ્કા ફર્નાન્ડોની સદી અને ઓપનર કુશલ પરેરાની અડધી સદીની મદદથી શ્રીલંકાએ જંગી સ્કોર ખડક્યા બાદ વેસ્ટ ઇન્ડીઝને 23 રનથી હરાવ્યું હતું.
કેરેબિયન ટીમ માટે નિકોલસ પૂરને શાનદાર સદી ફટકારવાની સાથે છેક સુધી લડત આપી હતી, પરંતુ તેની સદી વ્યર્થ નીવડી હતી.
વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝનો આ છઠ્ઠો પરાજય હતો, જ્યારે શ્રીલંકાએ આ વિજય સાથે આંક આઠ પૉઇન્ટ સુધી પહોંચાડી દીધો હતો. જોકે, સેમિફાઇનલમાં પ્રવેશવાની તેની કોઈ શક્યતા દેખાતી નથી.
વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી, પરંતુ શ્રીલંકન બૅટ્સમૅને પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવીને 50 ઓવરમાં છ વિકેટે 338 રનનો સ્કોર બનાવી દીધો હતો.
વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં નવ વિકેટે 315 રન કર્યા હતા.
કૅરેબિયન ઇનિંગ્સનો પ્રારંભ થયો ત્યારથી જ બૅટ્સમૅને જાણે પ્રયાસ છોડી દીધો હોય તેવી બેટિંગ કરી હતી.
આક્રમક બૅટ્સમૅન ક્રિસ ગેઇલ પણ આવડા મોટા લક્ષ્યાંક સામે હથિયાર હેઠાં મૂકીને રમતા હોય તે રીતે પ્રારંભ કર્યો હતો.
જોકે, આઉટ થતાં અગાઉ ગેઇલે બે સિક્સર સાથે 48 બૉલમાં 35 રન ફટકાર્યા હતા જે તેની શૈલીની બિલકુલ વિપરીત બેટિંગ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મૅચની નીરસતા

ઇમેજ સ્રોત, Getty Images
ઓપનર સુનીલ એમ્બ્રિસ અને પ્રતિભાશાળી બૅટ્સમૅન શાઈ હોપ પાંચ-પાંચ રન કરી શક્યા હતા.
શિમરોન હેતમેયરે થોડી લડત આપીને 29 રન કર્યા હતા જ્યારે નિકોલસ પૂરને સદી ફટકારીને જોરદાર પ્રતિકાર કર્યો હતો.
પૂરને કારકિર્દીની પ્રથમ સદી નોંધાવતા અફલાતૂન 108 રન ફટકાર્યા હતા અને તે રમતા હતા ત્યાં સુધી શ્રીલંકન કૅમ્પમાં ટૅન્શન રહ્યું હતું. જોકે, 48મી ઓવરમાં પૂરન આઉટ થઈ ગયા હતા.
અગાઉ શ્રીલંકાએ આ વર્લ્ડ કપમાં પહેલી વાર 300નો આંક પાર કર્યો હતો.
કુશલ પરેરાએ ઝડપી બેટિંગ કરીને 51 બૉલમાં 64 રન ફટકાર્યા હતા પરંતુ શ્રીલંકન ઇનિંગ્સનું આકર્ષણ અવિષ્કા ફર્નાન્ડોની સદી રહી હતી.
પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારતા તેમણે 103 બૉલમાં 104 રન કર્યા હતા જેમાં બે સિક્સરનો પણ સમાવેશ થતો હતો. મલિંગાએ ત્રણ વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝના બૉલર્સે શરૂઆતમાં થોડી મહેનત કરી હતી પરંતુ ત્યારબાદ તેમણે પણ ખાસ કોઈ પ્રયાસ કર્યો ન હતો. કૅપ્ટન જેસન હોલ્ડરે બે વિકેટ લીધી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












