એ દેશ જ્યાંના સાંસદોને ભારત જેવી સુવિધા મળતી નથી

    • લેેખક, ક્લૉડિયા વાલીન
    • પદ, બીબીસી બ્રાઝિલ, સ્ટૉકહોમ

ઘણા લોકો એવું માને છે કે રાજકારણમાં કારકિર્દી એ નાણાકીય રીતે ખૂબ ફાયદાકારક છે. લોકોની એવી ધારણા હોય છે કે રાજકારણમાં પડીએ તો આર્થિક ફાયદો તો થવાનો જ છે.

જોકે, સ્વિડન એક એવો દેશ છે કે જ્યાં આ ધારણા ખોટી સાબિત થાય છે.

સ્કેન્ડિનેવિયન દેશોના લોકોનો કરકસર અને સાદાઈનો અભિગમ તેના રાજકારણમાં વ્યક્ત થાય છે અને તે પ્રમાણે જ દેશના રાજકારણીઓએ વર્તવું પડે છે.

મોટા પગાર, ભથ્થાં અને જાતભાતની સુવિધા સ્વિડનના સાંસદોને મળતી નથી.

કરદાતાઓનાં નાણાં વાપરવાની બાબતમાં તેમના પર ચુસ્ત નિયમો લાદવામાં આવેલા છે.

"સાધારણ નાગરિકો"

સોશિયલ-ડેમૉક્રેટિક પાર્ટીના સાંસદ પર-આર્ને હેકેન્સન બીબીસી બ્રાઝિલને જણાવે છે, "અમે સાધારણ નાગરિકો જ છીએ."

"સંસદસભ્યોને વિશેષાધિકારો આપવાની વાત અર્થહીન છે, કેમ કે અમારું કામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરવાનું અને તેઓ જે વાસ્તવિકતા વચ્ચે જીવે છે તેમાં જ રહેવાનું છે."

હેકેન્સન ઉમેરે છે, "અમે એવું કહી શકીએ કે અમારો વિશેષાધિકાર કાર્ય કરવાનો અને દેશને દિશા આપવાનો છે."

સ્વિડિશ સાંસદો મફતમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે છે.

અન્ય દેશોમાં હોય છે તે રીતે તેમને કાર અને ડ્રાઇવર જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી.

દાખલા તરીકે સ્વિડિશ સંસદ પાસે ફક્ત ત્રણ વૉલ્વો S80 કાર છે. આ નાનકડો કાફલો સંસદના પ્રમુખ અને ત્રણ ઉપપ્રમુખના સત્તાવાર કાર્યક્રમો માટે રાખવામાં આવ્યો છે.

પગાર

સંસદના એક અધિકારી રેને પૉટ્કે જણાવે છે, "અમે કંઈ ટૅક્સી સર્વિસ ચલાવતા નથી."

"આ વાહનો કોઈને ઘરેથી લઈ આવવા કે મૂકવા માટે વપરાતા નથી."

સ્વિડનમાં ફક્ત વડા પ્રધાન માટે જ અલગથી કાયમી કાર રાખવામાં આવી છે.

સ્વિડનના સાંસદોને મહિને લગભગ 6,900 ડૉલર મળે. અમેરિકામાં સાંસદને 14,000 ડૉલર જેટલી રકમ મળે છે.

સ્વિડનમાં કર્મચારીઓને સરેરાશ મહિને 2800 ડૉલરનો પગાર મળે છે.

"આર્થિક રીતે આકર્ષક"

સ્ટૉકહોમથી દૂરના વિસ્તારમાં જેમનો મતવિસ્તાર આવેલો હોય તેવા સાંસદોને રોજિંદું ભથ્થું આપવામાં આવે છે. તેઓ રાજધાનીમાં રહીને કામ કરે તેટલા દિવસ માટેનું ભથ્થું મળે છે.

આ ભથ્થું કેટલું હોય છે? રોજના લગભગ 12 ડૉલર મળે છે. આટલા પૈસામાં સ્ટૉકહોમમાં તમને આખું ભાણું પણ મળે નહીં.

1957 સુધી તો સ્વિડનના સાંસદોને બિલકુલ પગાર આપવામાં આવતો નહોતો. પક્ષના કાર્યકરો ફાળો કરીને સાંસદોને મદદરૂપ થતા હતા.

સંસદના દસ્તાવેજો તપાસીએ ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ નાગરિક રાજકારણમાં પ્રવેશવાથી દૂર ના રહે તેવા શુભ ઇરાદાથી જ સાંસદોને પગાર આપવાનું વિચારાયું હતું.

જોકે સ્વિડનના નાગરિકો ઈચ્છતા હતા કે આવો પગાર બહુ મોટો પણ ના હોવો જોઈએ.

દુનિયાના બીજા દેશોમાં છે તે રીતે સ્વિડનના સાંસદોને રાહતદરે મકાન મળી શકે છે ખરું.

પણ સ્ટૉકહોમથી દૂરના વિસ્તારના રહેવાસી હોય તેવા સાંસદોને જ લાભ મળે છે.

નાનકડી પથારી

સાંસદોને અપાતાં મકાનો બહુ સાદાં હોય છે. દાખલા તરીકે પર-આર્ને હેકેન્સન માત્ર 46 ચોરસ મિટરના ઍપાર્ટમેન્ટમાં રહે છે.

સરકારી માલિકાના કેટલાક ફ્લેટ બહુ જ નાના છે, માત્ર 16 ચોરસ મિટરના.

આવા નાનકડા ફ્લેટમાં કોઈ સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. વૉશિંગ મશીન કે ડીશવૉશર એવું કશું મળે નહીં. ફ્લેટમાં એક નાનકડો સિંગલ બેડ હોય છે.

કરદાતાનાં નાણાંનો ઉપયોગ માત્ર વ્યક્તિગત સાંસદ માટે જ થઈ શકે.

તેમનાં જીવનસાથી અને કુટુંબીજનો આ મકાનમાં રહેવા માગતા હોય તો રોજેરોજનું ભાડું આપવાનું રહે છે.

સાંસદના જીવનસાથી તેમની સાથે ફ્લેટમાં રહેવા માગતા હોય તો તેમણે અડધું ભાડું ગણીને સરકારમાં પાછું જમા કરાવી દેવાનું હોય છે.

મર્યાદિત ભાડું

સંસદના એક અધિકારી એન્ના એસ્પરજેન સમજાવે છે, "આ ઍપાર્ટમૅન્ટમાં રહેવા માટે સાંસદો સિવાય બીજા કોઈનો ખર્ચ ઉઠાવવામાં આવતો નથી."

સાંસદો પોતાની રીતે અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરે છે. તેના માટે સાંસદોને મકાનભથ્થું આપવામાં આવે છે.

આવું ભાડું જોકે મર્યાદિત હોય છે - મહિને વધુમાં વધુ 820 ડૉલર. સ્ટૉકહોમના મધ્યમાં આવેલા વિસ્તારોમાં ભાડું આના કરતાં ઘણું વધુ હોય છે.

1990ના દાયકા સુધી તો આનાથી પણ ઓછી સુવિધાઓ અપાતી હતી. તે વખતે સબસિડી સાથેનાં રહેઠાણો હતાં જ નહીં.

સાંસદો પોતાની ઑફિસમાં જ સૂઈ જતા હતા. ઑફિસ પણ નાનકડી 15 ચોરસ મિટરની જ હોય.

સ્વિડનના સાંસદો અંગત મદદનીશ કે સલાહકાર નોકરીએ રાખી શકતા નથી. તેના બદલે પક્ષના બધા જ સાંસદો માટે સામૂહિક રીતે કામ કરી શકે તેવો સ્ટાફ રાખવામાં આવે છે.

આવી રીતે કર્મચારીગણ રાખવા માટે રાજકીય પક્ષોને સંસદ તરફથી ભથ્થું મળે છે.

વગર પગારે કામ

સ્વિડનનું પંચાયતી રાજકારણ આનાથી પણ વધુ કરકસરથી ચાલે છે.

પોતાના મુખ્ય વ્યવસાય સાથે રાજકારણને સમાંતર કાર્ય ગણવામાં આવે છે. સ્થાનિક પંચાયતોમાં ચૂંટાતા સભ્યોમાંથી 94% જેટલા સભ્યો કશું વળતર લીધા વિના જ કામ કરે છે.

ફક્ત કારોબારી સમિતિના સભ્યો બનતા નગરસેવકોને પૂર્ણકાલીન અથવા અર્ધકાલીન કામ કરવા બદલ થોડું વળતર આપવામાં આવે છે.

સ્ટૉકહોમના એક નગરસેવક ક્રિસ્ટિના એલ્ફોર્સ-યોડિન તેની પાછળની ફિલોસોફી સમજાવે છે.

"આ એક સ્વૈચ્છિક સેવા છે, જે ફુરસદના સમયમાં સારી રીતે કરી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો