200થી વધુ લોકોનો ભોગ લેનારા શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ્સને આ માણસ અટકાવી શકતો હતો

તસ્લીમનાં પત્ની પરિવારના અન્ય સભ્ય સાથે

શ્રીલંકાનાં ચર્ચ અને હોટેલમાં ઇસ્ટરના દિવસે થયેલા બૉમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો માર્યા ગયા. આ વિસ્ફોટ પહેલાં ભાગ્યે જ કોઈને અંદાજો પણ હશે કે ઇસ્લામિક ઉગ્રવાદીઓ શ્રીલંકા પર લાગ તાકીને બેઠા છે. મોહમ્મદ રઝાક તસ્લીમ પણ કંઈક આવું જ માનતા હતા.

તેઓ હૉસ્પિટલમાં ઈજા સામે ઝૂઝવી રહ્યા છે. તેમના શરીરનો ડાબો ભાગ એકદમ લકવાગ્રસ્ત થઈ ગયો છે. સદ્ભાગ્યે એમના જમણો હાથ હજુ કામ કરે છે.

તેમના માથાનો એક ભાગ નમી ગયો છે. માર્ચ મહિનામાં તેમને માથા પર ગોળી વાગી હતી. ત્યારથી તેઓ ન તો બોલી શકે છે કે ન તો ચાલી શકે છે.

તેમનાં પત્ની ફાતિમા તેમની સાર-સંભાળ રાખે છે.

પોલીસનું માનવું છે કે શ્રીલંકામાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદી નેટવર્કનો 'પ્રથમ શિકાર' તસ્લીમ બન્યા હતા.

આ જ સંગઠને એપ્રિલ માસમાં ઇસ્ટરના રવિવારે શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં 200થી વધારે લોકો માર્યા ગયા હતા.

અધિકારીઓ અનુસાર આ નેટવર્કના વડા ઝાહરાન હાશિમના આદેશ પર જ તસ્લીમને ગોળી મારવામાં આવી હતી.

વિસ્ફોટના કેટલાય મહિના પહેલાંથી જ શ્રીલંકાના મુસ્લિમ બહુમતી ધરાવતા મવાનેલ્લા વિસ્તારના સ્થાનિક નેતા એવા 37 વર્ષના તસ્લીમ ઉગ્રવાદી નેટવર્કની તપાસના કેન્દ્રમાં હતા.

તસ્લીમની કહાણી એ વાતની સાક્ષી પૂરે છે કે કઈ રીતે શ્રીલંકાનો મુસ્લિમ સમાજ પોતાની વચ્ચે વધી રહેલા ઉગ્રવાદને અટકાવવાના સક્રિય પ્રયાસમાં જોતરાયો હતો અને કઈ રીતે ઇસ્ટરના હુમલા પહેલાં જોખમના મળી રહેલા સંકેતને સરકારે સતત નજરઅંદાજ કર્યા હતા.

line

તોફાન કરાવવાના પ્રયાસ

હૉસ્પિટલમાં મોહમ્મદ રઝાક તસ્લીમ

કોલંબોથી અમુક કલાકના અંતરે મવાનેલ્લા નામનો કસબો આવેલો છે. અહીં મુસલમાન અને બૌદ્ધ સમુદાયની સારી વસતિ છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં અહીં બુદ્ધની કેટલીય પ્રતિમા તોડી નખાઈ હતી. અધિકારીઓનું માનવું છે કે વિસ્તારમાં તણાવ વધારવાનો અને સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો આ પ્રયાસ હતો.

તસ્લીમ મવાનેલ્લાની કાઉન્સિલના સભ્ય હતા અને એક કૅબિનેટ મંત્રીના સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા હતા.

તેમનાં પત્ની ફાતિમાએ જણાવ્યું કે તસ્લીમ અન્ય સમુદાયના લોકોની મદદમાં પણ આગળ રહેતા. ગત વર્ષો દરમિયાન ઘટેલી કુદરતી હોનારતો વખતે સ્થાનિક લોકોને સંગઠિત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એટલે જ જ્યારે પ્રતિમાઓને ક્ષતિગ્રસ્ત કરાઈ તો તસ્લીમે એની તપાસમાં મદદ કરી.

ફાતિમાએ જણાવ્યું, "તેઓ કહેતા હતા કે એ લોકોએ ખોટું કર્યું છે. આપણો ધર્મ આવું કરવાની છૂટ નથી આપતો. આ પાછળ જે કોઈ જવાબદાર હોય એને પકડવાની જરૂર છે."

એ વખતે પોલીસે કેટલીય ધરપકડો કરી પણ જેના પર સૌથી વધુ શંકા હતી એ સાદિક અને અબ્દુલ-હક ન પકડી શકાયા.

હાલ આ બન્ને ભાઈઓ શ્રીલંકામાં મૉસ્ટ વૉન્ટેડ જાહેર કરાયા છે.

અલબત્ત, ઇસ્ટરના હુમલામાં તેમની કોઈ ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી પણ તપાસ કરનારાઓનું માનવું છે કે અબ્દુલ હકે વર્ષ 2014માં સીરિયાનો પ્રવાસ ખેડ્યો હતો. જ્યાં તેમણે ઇસ્લામિક સ્ટેટના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

line

તપાસમાં મદદ કરી રહ્યા હતા તસ્લીમ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મવાનેલ્લામાં આ ભાઈઓની અંગત વ્યક્તિએ દાવો કર્યો છે કે 'તેઓ કહેતા રહેતા કે શ્રીલંકા અલ્લાની ધરતી છે અને અહીં અન્ય કોઈની પૂજા થઈ શકે નહીં. બિનમુસ્લિમોએ કાં તો ધર્મપરિવર્તન કરાવવું પડશે કાં તો તેમણે જજિયો ચૂકવવો પડશે.'

આ બન્ને ભાઈઓ એક ધાર્મિક પરિવારમાંથી આવતા હતા અને તેમના મિત્રોના જણાવ્યા અનુસાર જેહાદ અંગે વાતો કર્યા કરતા.

મુસ્લિમ વિદ્યાર્થી સંગઠનના એક નેતા અને બન્ને ભાઈઓના સંબંધી જણાવે છે કે તેઓ સતત તેમની સાથે એ વાત પર ચર્ચા કરતા હતા કે ઇસ્લામમાં હિંસા અને આક્રમક વ્યવહારની મંજૂરી નથી.

વર્ષ 2015માં બન્ને ભાઈઓને આ વિદ્યાર્થી સંગઠનમાંથી હાકી કાઢવામાં આવ્યા હતા.

સંબંધીઓનું કહેવું છે કે વર્ષ 2018માં કૅન્ડી શહેરમાં થયેલાં તોફોનોની બન્ને ભાઈઓ પર ભારે અસર થઈ હતી. એ તોફોનોમાં બૌદ્ધ લોકોના ટોળાઓએ મુસ્લિમોને નિશાન બનાવ્યા હતા.

સંબંધીનો એવો પણ દાવો છે કે અબ્દુલ હકે કથિત રૂપે કહ્યું હતું, "તેઓ આપણી પાસેથી આપણું જીવન અને સંપત્તિ છીનવી રહ્યા છે. આપણે કંઈક કરવું પડશે."

જ્યારે આ બન્ને ભાઈઓ ફરાર થઈ ગયા ત્યારે તેમને પકડવામાં તસ્લીમે પોલીસની મદદ કરી હતી.

એક વખત તો તેઓ સુરક્ષાકર્મીઓ સાથે એ જંગલની અંદર પણ ગયા હતા કે જ્યાં બન્ને ભાઈઓ છુપાયા હોવાની શંકા હતી.

જાન્યુઆરીમાં તપાસ કરનારાઓએ તેમને જણાવ્યું હતું કે બૌદ્ધ મૂર્તિઓને નુકસાન પહોંચાડનારા કેટલાક શકમંદોની પૂછપરછમાં મહત્ત્વની જાણકારીઓ મળી છે.

એવું પણ જાણવા મળ્યું કે ત્યાંથી 160 કિલોમિટર દૂર ખેતરોમાં વિસ્ફોટક છુપાવાયા હતા.

તસ્લીમ પોલીસની ટીમ સાથે ત્યાં ગયા હતા જ્યાંથી 100 કિલો વિસ્ફોટક, ડિટોનેટર્સ, તંબુ અને એક કૅમેરા મળી આવ્યાં હતાં.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

મુખ્ય શંકાસ્પદનું વલણ

તપાસમાં મળેલા વિસ્ફોટકો
ઇમેજ કૅપ્શન, તપાસમાં મળેલા વિસ્ફોટકો

તસ્લીમનાં પત્ની કહે છે કે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા તો બહુ દુઃખી હતા. "તેમણે આશંકા વ્યક્ત કરી કે ત્યાં બીજા વધારે વિસ્ફોટકો પણ હોવા જોઈએ. આપણે એક સમાજ તરીકે એક સાથે રહેવું પડશે અને જવાબદાર લોકોને શોધવા પડશે."

આટલા મોટા પ્રમાણમાં મળેલા વિસ્ફોટોથી જ અધિકારીઓને જેહાદી હુમલાના જોખમ અંગે સાવચેત થઈ જવું જોઈતું હતું.

જોકે, ચાર લોકોની ધરપકડ બાદ પણ પોલીસે આ ઇસ્લામિક ઉગ્રવાદી હિંસાની આશંકાને નજરઅંદાજ કરી દીધી.

હવે જાણવા મળ્યું છે કે જે વિસ્ફોટકો મળ્યા છે એનો સંબંધ આત્મઘાતી હુમલાને અંજામ આપનારાઓ સાથે સીધો જ જોડાયેલો હતો અને માસ્ટરમાઇન્ડ ઝાહરાન હાશિમનું નામ પણ એમાં શામેલ હતું.

હાશિમ શ્રીલંકાના પૂર્વ વિસ્તારમાં એક મૌલવી હતા. હુમલાના ઘણા સમય પહેલાં જ એમની ઓળખ એક ઉગ્રવાદીના રૂપે કરી લેવાઈ હતી.

કેટલાંય વર્ષોથી મુખ્યધારાના મુસ્લિમ સંગઠનો સાથે તેમની સતત ચર્ચા થતી, ઘરમાં પણ બહાર પણ. તેમણે મવાનેલ્લા પાસેના એક ગામની મુલાકાત પણ લીધી હતી.

તેઓ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરવા માટે કુખ્યાત હતા. તેમની એક પોસ્ટમાં 9/11ના હુમલાની તસવીર પણ જોવા મળે છે.

શ્રીલંકા મુસ્લિમ કાઉન્સિલના ઉપપ્રમુખ હિલ્મી અહમદ જણાવે છે કે સોશિયલ મીડિયામાં તેમના નફરતવાળાં ભાષણોથી કાઉન્સિલના સભ્યો પણ આશ્ચર્યમાં હતા. તેમણે આ અંગે ગુપ્તચર સંસ્થાઓને જાણ પણ કરી હતી.

line

હાશિમના આદેશ પર તસ્લીમને ગોળી મારવામાં આવી

ઝાહરાન હાશિમનો વીડિયો
ઇમેજ કૅપ્શન, ઝાહરાન હાશિમનો વીડિયો

જોકે, પ્રશાસન હાશિમને પકડવા અને કેસ ચલાવવામાં નિષ્ફળ રહ્યું. અહમદે સ્વીકાર્યું કે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હાશિમ એક દિવસ આખા દેશ માટે જોખમ બની જશે.

જોકે, હવે જાણવા મળ્યું છે કે હાશિમના મગજમાં શ્રીલંકામાં હુમલો કરવાનું ષડયંત્ર પહેલાંથી જ રચાઈ રહ્યું હતું અને વિસ્ફોટકો મેળવી લેવાયા બાદ તેને લાગ્યું કે તસ્લીમ તેના રસ્તામાં અવરોધ ઊભો કરી શકે છે.

શ્રીલંકાની પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાશિમના એક અંગત સહયોગીએ સ્વીકાર્યું છે કે હાશિમે તસ્લીમને મારવાનો આદેશ આપ્યો હતો.

ઇસ્ટરના હુમલાના એક મહિના પહેલાં માર્ચમાં એક બંદુકધારી વહેલી સવારે તસ્લીમના ઘરે ઘૂસી ગયો. તસ્લીમ પોતાનાં પત્ની અને પુત્ર સાથે ઊંઘી રહ્યા હતા. બંદુકધારીએ તેમના માથા પર ગોળી મારી દીધી.

તસ્લીમનાં પત્નીના જણાવ્યા અનુસાર, "પહેલાં મને લાગ્યું કે ફોનનું ચાર્જર ફાટ્યું છે. મેં જ્યારે તેમની તરફ જોયું તો તેઓ ઠીક લાગતા હતા પણ જ્યારે મેં એમને જગાવવા પ્રયાસ કર્યો તો મને દારૂની ગંધ અનુભવાઈ. તેઓ બેશુદ્ધ પડ્યા હતા."

તસ્લીમને હૉસ્પિટલ લઈ જવાયા. આ હુમલામાં તેઓ બચી તો ગયા પણ સંપૂર્ણ રીતે ઠીક થશે કે કેમ એ અંગે કંઈ કહી શકાય એમ નથી.

શ્રીલંકાના સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનાનાયકે ઇસ્ટર વિસ્ફોટની તપાસની આગેવાની કરી રહ્યા છે.

line

વિસ્ફોટોની પહેલાંથી જ હતી આશંકા

ફાતિમાને પતિના બદિલાન પર ગર્વ છે

તેમણે જણાવ્યું કે તસ્લીમને ગોળી મારવી, વિસ્ફોટકો મળી આવવા અને બુદ્ધની પ્રતિમા ખંડિત કરવી, આ તમામ પાછળ એક નેટવર્ક કામ કરી રહ્યું હતું.

તેમણે સ્વીકાર્યું કે પહેલાંથી જ આ ઘટનાઓને લઈને તંત્રએ સચેત થઈ જવું જોઈતું હતું.

ત્યાં સુધી કે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેતવણી મળવા છતાં પણ આ અંગે ધ્યાન નહોતું અપાયું.

તેઓ આ પાછળ અલગઅલગ વિભાગો વચ્ચે ગુપ્ત જાણકારીઓને વહેંચવાના સંકલનની સમસ્યાને જવાબદગાર ગણે છે.

તસ્લીમનો પરિવાર કહે છે કે ઘાયલ થવા છતાં તેઓ સાંભળી શકે છે. સમજી શકે છે અને ક્યારેક-ક્યારેક પ્રતિક્રિયા પણ વ્યક્ત કરે છે.

ફાતિમા જણાવે છે, "જ્યારે તેમને ઇસ્ટરના હુમલા અંગે જાણવા મળ્યું તો તેમણે લખીને કહ્યું, 'મેં તમને જણાવ્યું હતું કે આવું કંઈક થઈ શકે છે...' અને રડવા લાગ્યા."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.