'અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આવા દિવસો ફરી આવશે'

ઇમેજ સ્રોત, Reuters
ઇસ્ટર સન્ડેના રોજ જ્યારે લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા એકઠા થયા તે સમયે જ આ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજધાની કોલંબોમાં આવેલાં ત્રણ ચર્ચ અને હોટલોને આ બ્લાસ્ટમાં ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં.
આ બૉમ્બ વિસ્ફોટોને નજરે જોનારા કેટલાક લોકોએ બીબીસી સાથે વાત કરી હતી અને તે સમયની સ્થિતિનું વર્ણન કર્યું હતું. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આઠ વિસ્ફોટોમાં મૃત્યુઆંક 290 પર પહોંચી ગયો છે અને 400થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.

જુલિયાન એમેન્યુએલ

ઇમેજ સ્રોત, AFP
48 વર્ષના ડૉ. એમેન્યુએલ ફિઝિશિયન છે. તેમનો જન્મ શ્રીલંકામાં થયો હતો અને હવે તેઓ પત્ની અને બાળકો સાથે યૂકેમાં રહે છે.
તેઓ આ અઠવાડિયે કોલંબોમાં તેમના કેટલાક સંબંધીઓને મળવા ગયા હતા.
જ્યારે એક બ્લાસ્ટ થયો ત્યારે તેઓ કોલંબોની સિનેમન ગ્રાન્ડ હોટલના રૂમમાં ઊંઘતા હતા.
ડૉ.એમન્યુએલ કહે છે, "અમે અમારા બેડરૂમમાં હતાં ત્યારે અમને જોરદાર ધડાકો સંભળાયો, કદાચ સવારના 8.30 વાગ્યા હતા."
"અમે દોડીને હોટલના લાઉન્જમાં પહોંચ્યા, અમને પાછલા રસ્તેથી બહાર જવા માટે કહેવામાં આવ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે જોયું કે ઇજાગ્રસ્તોને દવાખાને લઈ જવાતા હતા અને હોટલને નુકસાન પણ થયું હતું."
એક કર્મચારીએ કહ્યું કે તેઓએ વિસ્ફોટના સ્થળે મૃતદેહ જોયો હતો. તેમના મિત્રએ તેમને ચર્ચમાં થયેલા વિસ્ફોટની તસવીર મોકલી.
હોટલમાં પણ મોટાપાયે નુકસાન થયું હતું, હોટલનું એક રેસ્ટોરન્ટ આગની ઝપેટમાં આવી ગયું હતું.
તેમણે કહ્યું, "અમે આજે મારાં મમ્મી અને ભત્રીજા સાથે ચર્ચમાં જવાનાં હતાં પણ તમામ ચર્ચ બંધ કરી દેવામાં આવ્યાં હતાં."
"મેં મારા જીવનનાં 18 વર્ષ શ્રીલંકામાં વિતાવ્યાં અને મેં દેશના ઘણા આંતરિક સંઘર્ષો જોયા છે."
શ્રીલંકામાં દાયકાઓ સુધી સિંહલા અને તામિલ લોકો વચ્ચે સંઘર્ષ ચાલ્યો, અગાઉની તુલનામાં 2009 બાદ શાંતિપૂર્ણ સ્થિતિ જોવા મળી છે.
ડૉ. એમન્યુએલ કહે છે, "મારાં બાળકો 8 અને 11 વર્ષનાં છે અને તેમને કે મારાં પત્નીએ ક્યારેય યુદ્ધ જેવી સ્થિતિ જોઈ નથી. તેમના માટે આ મુશ્કેલ સ્થિતિ છે."
તેમણે ઉમેર્યું, "આ ખરેખર દુઃખની વાત છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવા દિવસો ફરી આવશે પણ જોઈને દુઃખ થાય છે કે ફરી હિંસા શરૂ થઈ ગઈ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ઉસ્માન અલી

ઇમેજ સ્રોત, USMAN ALI
અલી કોલંબોમાં રહે છે. રોમન કૅથલિક ચર્ચમાંથી જ્યારે ડરેલા લોકો બહાર આવી રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કંઈક ઘટના બની છે.
શહેરના મુખ્ય દવાખાના તરફ જતો માર્ગ ઍમ્બુલન્સથી જાણે કે ભરાઈ ગયો.
તેમણે સોશિયલ મીડિયા પર #LKA - Lanka સર્ચ કર્યું ત્યારે આખો ઘટનાક્રમ સમજાયો.
ભયાનક તસવીરો અને ફૂટેજ વચ્ચે દેશના લોકોને બ્લડબૅન્કમાં રક્તદાન કરવાની અપીલ કરાઈ રહી હતી.
અલી પણ નેશનલ બ્લડ સેન્ટરમાં પહોંચ્યા અને જોયું કે લોકો મોટી સંખ્યામાં લોહી આપવા માટે પહોંચ્યા હતા.
તેઓ કહે છે, "રસ્તા પર લોકનાં ટોળાં હતાં અને લોકોએ બ્લડબૅન્કમાં પ્રવેશવા માટે રસ્તા પર જ વાહનો પાર્ક કરી દીધાં હતાં."
તેમણે એવું પણ કહ્યું, "હમણાં તેઓ રક્તદાન કરવા માગતા લોકોનાં માત્ર નામ, બ્લડગ્રૂપ અને સંપર્ક જ નોંધી રહ્યા છે. તેઓ લોકોને સૂચના આપી રહ્યા છે કે નેશનલ બ્લડ સેન્ટરમાંથી ફોન આવે તો જ રક્તદાન માટે આવવું."
તેમના કહેવા પ્રમાણે લોકોમાં અલગ જ જોશ હતો.
અલી કહે છે, "મદદ કરવાનો એકમાત્ર ઉદ્દેશ લોકોમાં દેખાતો હતો, એ વખતે લોકો માટે પીડિતની જ્ઞાતિ, ધર્મ કે વંશ મહત્ત્વનાં નહોતાં. લોકો એકબીજાને ફૉર્મ ભરવામાં મદદ કરી રહ્યા હતા."
"હું વિચારતો હતો કે ક્યાંથી આવો હુમલો થઈ ગયો, ભગવાન અમને બચાવો."

કિએરન અરસરત્નમ

ઇમેજ સ્રોત, KIERAN ARASARATNAM
કિએરન અરસરત્નમ ઇમ્પિરિયલ કૉલેજ લંડન બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર છે, તેઓ શાગરી-લા હોટલમાં રહેતા હતા, આ હોટલનું રેસ્ટોરન્ટ વિસ્ફોટની ઝપેટમાં આવી ગયું હતું.
મૂળ શ્રીલંકાના અરસરત્નમ 30 વર્ષ પહેલાં રૅફ્યૂજી તરીકે યૂકેમાં સ્થાયી થઈ ગયા હતા, હાલ તેઓ શ્રીલંકા આવ્યા હતા.
જ્યારે તેમને વીજળી જેવો અવાજ સંભળાયો ત્યારે તેમના રૂમમાં હતા.
તેમણે બીબીસીને જણાવ્યું કે તેમણે જીવ બચાવવા 18માં માળેથી નીચે ઊતરવા દોટ મૂકી.
તેમણે કહ્યું, "ચારેતરફ અંધાધૂંધી હતી, મેં જમણી તરફ રૂમમાં જોયું તો બધે જ લોહી જ દેખાતું હતું."
"લોકો દોડી રહ્યા હતા પણ તેમને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. લોકોનાં કપડાં પર લોહીના ડાઘ હતા."
"એક વ્યક્તિ પોતાની દીકરીને ઊંચકીને ઍમ્બુલન્સમાં લઈ જતી હતી. દીવાલો અને ભોંયતળિયા પર લોહી જ લોહી હતું."
અરસરત્નમ કહે છે કે જો તેઓ નાસ્તો કરવા માટે થોડા મોડા ન પડ્યા હોત તો તેઓ પણ વિસ્ફોટમાં ભોગ બની ગયા હોત.
તેઓ કહે છે કે તેઓ સવારે 8.45 વાગ્યે પોતાના રૂમમાંથી નીકળ્યા, જ્યારે વિવિધ હોટલ અને ચર્ચમાં વિસ્ફોટની વિગતો આવી રહી હતી.
તેમણે કહ્યું, "હું ડેબિટ કાર્ડ લેવા માટે મારા રૂમમાં પાછો ગયો, બારીનો પડદો ખોલ્યો અને ડૂ નોટ ડિસ્ટર્બ સાઇન બંધ કર્યું... એટલામાં જ બહાર જોરદાર વિસ્ફોટ થયો."
અરસરત્નમ જણાવે છે કે તેઓ હમણાં ઇમર્જન્સી શેલ્ટરમાં છે. ત્યાં તેમને લોહીની ગંધ આવી રહી છે. કેટલાક ઇજાગ્રસ્તોને સારવારની જરૂર છે અને કેટલાક લોકો પોતાના સ્નેહીજનોને શોધવામાં લાગ્યા છે.
"હું 30 વર્ષ પહેલાં રૅફ્યૂજી તરીકે શ્રીલંકા છોડી ચૂક્યો હતો અને ક્યારેય વિચાર્યું નહોતું કે આવું દૃશ્ય ફરી જોવાનો વારો આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












