You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનો રૂપિયો નેપાળ ચલણથી પણ નબળો પડ્યો, અવમૂલ્યન નિશ્ચિત
આર્થિક બાબતો માટેના પૉર્ટલ બ્લૂમબર્ગે પાકિસ્તાની રૂપિયાને 'એશિયાનું સૌથી ખરાબ ચલણ' ગણાવ્યું છે.
ગત વર્ષે પાકિસ્તાની રૂપિયામાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને એશિયાનાં 13 નોંધપાત્ર ચલણમાં તે 'સૌથી નબળું ચલણ' બન્યું છે.
પાકિસ્તાની અખબાર 'જંગ'ના રિપોર્ટ મુજબ, એકલા મે મહિનામાં પાકિસ્તાની રૂપિયો લગભગ 29 ટકા જેટલો ધોવાયો હતો.
બીજી બાજુ, ડૉલરની સરખામણીએ, ભારતનું ચલણ રૂ. 70, અફઘાનિસ્તાન (79 અફઘાની), બાંગ્લાદેશ (84 ટકા) તથા નેપાળ (નેપાળી રૂપિયા 112) ની કરન્સીમાં સ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે પાકિસ્તાની રૂપિયો ડૉલર દીઠ 149ની આજુબાજુ છે.
ગુરૂવારે પાકિસ્તાનના શૅરબજારમાં ઊથલપાથલ જોવા મળી હતી. પાકિસ્તાની રૂપિયામાં નરમાશને કારણે શુક્રવારે પાકિસ્તાનનું શૅરબજાર લગભગ 800 પૉઇન્ટ ગગડી ગયું હતું. જે લગભગ 15 વર્ષનો સૌથી મોટો કડાકો છે.
ઍક્સચેન્જ કંપનીઝ ઍસોસિયેશન ઑફ પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, બજારમાં ડૉલરની સરખામણીએ પાકિસ્તાની ચલણ એક તબક્કે લગભગ 151 (પાકિસ્તાની રૂપિયા)ની સપાટીને સ્પર્શી ગયું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
2008નું ફ્લૅશબૅક
બે દિવસમાં પાકિસ્તાનની કરન્સીમાં લગભગ પાંચ ટકાનો કડાકો બોલી જવાથી વ્યાપારજગતમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શૅરબજારમાં ગત અઠવાડિયું છેલ્લાં લગભગ 17 વર્ષનું સૌથી ખરાબ અઠવાડિયું સાબિત થયું હતું.
પાકિસ્તાની અખબાર ડૉનના રિપોર્ટ મુજબ, બજારની ઊથલપાથલ વચ્ચે વડા પ્રધાન ઇમરાન ખાનના આર્થિક બાબતોના સલાહકાર ડૉ. હાફિઝ શેખે શૅરબજારના ટ્રેડર્સ સાથે કરાચીમાં મુલાકાત કરી હતી.
બજારની ઊથલપાથલને નિયંત્રિત કરવા માટે 'માર્કેટ સપોર્ટ ફંડ' ઊભું કરવાની અપીલ ડૉ. શેખ સમક્ષ કરી હતી.
બજારની અસ્થિરતાએ ફરી એક વખત વર્ષ 2008ની યાદો તાજી કરાવી દીધી હતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ વેપારીઓને ટાંકતા જણાવે છે કે ડૉ. શેખે નેશનલ ઇન્વૅસ્ટમેન્ટ ટ્રસ્ટને 20 અબજ (પાકિસ્તાની) રૂપિયા આપવાની વાત કહી હતી.
બાદમાં બહાર આવ્યું હતું કે એ અહેવાલો માત્ર અટકળો હતી. સરકાર દ્વારા ફંડ ઊભું કરવાની માંગ ઉપર વિચાર કરવાની ખાતરી આપવામાં આવી છે.
ત્યારબાદ ડૉ. શેખ અને શૅરમાર્કેટ ટ્રેડર્સે સ્ટેટ બૅન્કના નવા ગવર્નર ડૉ. રજા બકીર સાથે મુલાકાત કરી હતી.
પાકિસ્તાની અખબપાર ડૉનના રિપોર્ટ મુજબ આ બેઠકમાં સપોર્ટ ફંડ, વિનિમય દર તથા વ્યાજના દર અંગે ચર્ચા થઈ હતી.
બેલઆઉટ પૅકેજ પહેલાં અવમૂલ્યન
પાકિસ્તાનની સ્ટેટ બૅન્ક દ્વારા સોમવારે નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવશે.
બજારની સામે વ્યાજના દરોમાં સંભવિત વધારા તથા રૂપિયામાં સતત ઘટાડો એમ બેવડા આંચકાને પહોંચી વળવાનો પડકાર છે.
આમ તો મે મહિનાના અંતભાગમાં પાકિસ્તાનની આર્થિક નીતિ જાહેર થવાની હતી, પરંતુ તેને દસ દિવસ વહેલી જાહેર કરવામાં આવી રહી છે.
જોકે, આવું શા માટે કરવામાં આવી રહ્યું છે, તે અંગે કોઈ કારણ આપવામાં નથી આવ્યું.
જ્યારથી ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ તથા પાકિસ્તાનની સરકાર વચ્ચે બૅલઆઉટ પૅકેજ અંગે ચર્ચા ચાલુ થઈ છે, ત્યારથી પાકિસ્તાની રૂપિયો સતત ગગડી રહ્યો છે.
કરન્સી ઍક્સ્પર્ટસ્ તથા વેપારીઓનું માનવું છે કે પાકિસ્તાની સરકાર અને આઈએમએફ વચ્ચે છ અબજ ડૉલરના પૅકેજ માટે સહમતિ સધાઈ છે, તેની શરતોમાં પાકિસ્તાની મુદ્રાનું અવમૂલ્યન કરવાની શરત પણ સામેલ છે.
આરિફ હબીબ રિસર્ચના ડાયરેક્ટર સૈમુલ્લાહ તારીકના કહેવા પ્રમાણે, "દરરોજ અવમૂલ્યન તથા અવમૂલ્યનના અહેવાલોને કારણે બજારમાંથી ભરોસો ઊઠી ગયો છે અને ભારે નુકસાન થયું છે. હવે આ ક્રમ અટકવો જોઈએ."
હજી વધશે મોંઘવારી
તારીકના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના ઑટો, સિમેન્ટ તથા ફાર્મા ઉદ્યોગોનો કાચો માલ વિદેશથી આયાત થાય છે.
પાકિસ્તાનની કરન્સીનું અવમૂલ્યન થશે તો આયાતખર્ચ વધી જશે અને વપરાશકર્તાઓને ફટકો પડશે. આ સિવાય અર્થતંત્ર ઉપર પણ તેનો બોજો પડશે.
જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે જો અવમૂલ્યન કરવાનું હોય તો એકસાથે જ કરી દેવું જોઈએ, ક્રમવાર નહીં.
ડૉને એક વરિષ્ઠ બૅન્કરને ટાંકતા જણાવ્યું કે લગભગ એક મહિના સુધી પાકિસ્તાની રૂપિયો ડૉલરની સામે 141ની સપાટી ઉપર રહ્યો હતો. જે સ્થિરતાનો સંકેત આપે છે.
ગત બે સેશન (ગુરૂવાર તથા શુક્રવાર) દરમિયાન આયાતકારોનો વિશ્વાસ ડગી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો