એ ચૂંટણીમાં જેમાં 500થી વધારે કર્મચારીઓનાં કેમ મોત થયાં?

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ઇન્ડોનેશિયામાં ગયા મહિને રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવી હતી. વિશ્વમાં એક જ દિવસમાં થયેલું આ સૌથી મોટું મતદાન હતું.

ઇન્ડોનેશિયાની આ ચૂંટણી માટે શું મોટી કિંમત ચૂકવવી પડી? એક જ દિવસમાં ચૂંટણી યોજવાની આ વિશાળ વ્યવસ્થામાં ચૂંટણીના કામમાં લાગેલાં 500થી વધુ લોકોનાં મોત થયાં છે.

આમાંના કેટલાક ચૂંટણી અધિકારીઓનાં મોત મતદાનના દિવસે તો કેટલાકનાં મોત બાદના દિવસોમાં થયાં.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 70 લાખ કર્મચારીઓ ચૂંટણીના આયોજન અને મતગણતરીમાં કામે લાગ્યા હતા. કામના થાક અને દબાણને કારણે તેમાંના કેટલાક મોતને ભેટ્યાં હતાં.

જો ઇન્ડોનેશિયામાં ચૂંટણી ના થઈ હોત તો શું આટલાં લોકોનાં મોત થયાં હોત?

કેટલા અધિકારીઓનાં મોત થયાં?

ઇન્ડોનેશિયા નાના-મોટા 18,000 ટાપુઓનો બનેલો દેશ છે અને તે 20 લાખ સ્ક્વેર કિલોમિટરમાં ફેલાયેલો છે. 19 કરોડ મતદાતા ધરાવતા આ દેશમાં 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી.

ઇન્ડોનેશિયાના ચૂંટણીપંચે બીબીસીને જણાવ્યું કે આ ચૂંટણીમાં કુલ 73,85,500 કર્મચારીઓ જોડાયા હતા. જેમાં 56,72,303 જેટલા નાગરિકો હતા.

આ સિવાયના સુરક્ષાદળોના કર્મચારીઓ હતા, જેઓ મતદાનમથકોની સુરક્ષા માટે જોડાયેલા હતા.

તમામ મતોની ગણતરી હાથથી કરવામાં આવી હતી અને રિપોર્ટ પ્રમાણે મતગણતરી દિવસે પૂર્ણ ન થતાં તેને આખી રાત અને બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.

28 એપ્રિલના રોજ ચૂંટણીપંચે કહ્યું હતું કે કામના બોજના કારણે તેમના 270 કર્મચારીઓનાં મોત થયાં છે.

ચૂંટણીપંચે એ દિવસે આપેલી માહિતી પ્રમાણે 1,878 કર્મચારીઓ કામના તણાવને લીધે બીમાર પડ્યા હતા.

થોડા દિવસો પછી આ મૃત્યુઆંક વધીને 550 થયો હતો.

મૃત્યુઆંક ધારણા કરતાં વધારે હતો?

આ ચૂંટણીમાં 70 લાખ કરતાં વધારે લોકો સામેલ હતા. રાષ્ટ્રીય મૃત્યુદરની સરખામણીએ વધારે મૃત્યુ થવાની ધારણા હતી.

સવાલ એ છે કે શું ચૂંટણીની વ્યવસ્થાની દૃષ્ટિએ આ મૃત્યુઆંક વધારે છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 2017ની માહિતી પ્રમાણે ઇન્ડોનેશિયામાં મૃત્યુદર 1,000 લોકોએ 7.16નો છે.

હવે આ મૃત્યુદરને 70 લાખ લોકો સાથે સરખાવતા જાણવા મળે છે કે દરરોજ 137 લોકોનાં મોત થવાની શક્યતા હતી.

હવે ધારી લો કે દરેક ચૂંટણી અધિકારી ચૂંટણીના કામમાં ચાર દિવસ સુધી જોતરાયેલા હતા. જેમાં ચૂંટણીની તૈયારી, મતદાન અને તે બાદની મતગણતરીનો પણ સમાવેશ થઈ જાય છે.

હવે ઇન્ડોનેશિયાના મૃત્યુદરને આધાર ગણતા આ સમય દરમિયાન મોતનો આંકડો 548 પર પહોંચે છે.

આ આંકડો ઇન્ડોનેશિયાના ચૂંટણીપંચે આપેલા આંકડા જેટલો જ થાય છે.

ક્યા ગ્રૂપ પર વધારે અસર થઈ છે?

આ અંદાજે ગણતરી છે, જેમાં ઉંમર, સ્વાસ્થ્ય કે જાતિ જેવાં પાસાંઓને ધ્યાને લેવામાં આવ્યાં નથી.

ઇન્ડોનેશિયાના અધિકારીઓના કહેવા પ્રમાણે જે અધિકારીઓનાં મોત થયાં છે તેઓ 50થી વધારે ઉંમરના હતા.

જે સ્થિતિમાં ચૂંટણી અધિકારીઓને કામ કરવાનું હતું તેને લઈને હાલ અહીં ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. તેમ છતાં એવા કોઈ પુરાવાઓ નથી કે આ સમયગાળા દરમિયાન ધારણા કરતાં વધારે લોકોનાં મોત થયાં છે.

ઇન્ડોનેશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે મૃત્યુ પર બહાર પાડેલા રિપોર્ટમાં અધિકારીઓનાં મોતનાં કારણો દર્શાવ્યાં હતાં. જેમાં હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, શ્વાસને લગતી સમસ્યાઓ, મગજ અને કરોડરજ્જુને લગતી સમસ્યા તથા સેપ્સિસનો સમાવેશ થાય છે.

જેમાં એવી કોઈ જાણકારી મળતી નથી કે મૃત્યુ પામેલાં કર્મચારીઓમાં પહેલાંથી જ કોને સ્વાસ્થ્યની કઈ સમસ્યા હતી.

હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે 24 કલાક અને તેનાથી પણ વધારે સમય સતત કરવામાં આવેલી મતગણતરીને કારણે તેમને થાક અને સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલાં આ કર્મચારીઓએ ચૂંટણીની તૈયારીઓમાં પણ દિવસો સુધી મહેનત કરી હશે. ઉપરાંત ઇન્ડોનેશિયામાં એપ્રિલ મહિનામાં ગરમી પણ હતી.

ઑકલૅન્ડની ગ્રેમેન યુનિવર્સિટીના જેસે હેસનના કહેવા મુજબ 2014ની ચૂંટણીની સરખામણીએ આ મૃત્યુનો આંકડો અસામાન્ય છે. 2014માં ચૂંટણી દરમિયાન કુલ 144 કર્મચારીઓનાં મોત થયાં હતાં.