You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની દરિયાઈ સીમા ક્યાં સુધી વિસ્તરેલી છે?
- લેેખક, અમ્માદ ખાલિક
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, ઈસ્લામાબાદથી
પાકિસ્તાની નૌકાદળે દાવો કર્યો કે એમણે ભારતીય સબમરીનને તેની દરિયાઈ સરહદમાં પ્રવેશતાં અટકાવી અને પાછી ધકેલી દીધી.
પાકિસ્તાની નૌકાદળ પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની જળસીમાની અંદર ભારતની સબમરીનની હાજરીના પુરાવા મળ્યા હતા અને તેને પાકિસ્તાનની જળક્ષેત્રમાં પ્રવેશતી અટકાવવામાં આવી હતી.
પોતે વિસ્તારમાં શાંતિ ઇચ્છે છે એટલા માટે જાણી જોઈને ભારતીય સબમરીન પર હુમલો ના કર્યો હોવાની વાત પણ પાકિસ્તાને કરી છે.
પાકિસ્તાનના આ દાવાને ભારતીય નૌકાદળે પ્રૉપેગૅન્ડા ગણાવ્યો અને નકારી કાઢ્યો છે.
ભારતીય નૌસેનાએ કહ્યું કે, "અમારી હાજરી રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે હોય છે. કેટલાક દિવસોથી પાકિસ્તાન ખોટા સમાચારો ફેલાવી રહ્યું. અમે આ પ્રકારના કોઈ પ્રૉપેગૅન્ડા પર ધ્યાન નથી આપતા. અમારી સૈન્ય હાજરી જળવાઈ રહેશે"
પણ આ સમગ્ર ચર્ચાએ ફરી એક સવાલ ઊભો કર્યો છે કે કોઈ દેશની દરીયાઈ સીમા કઈ રીતે નક્કી થાય છે અને પાકિસ્તાનની દરીયાઈ સરહદ ક્યાં સુધી લંબાય છે?
શું છે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા?
આ વિશે પાકિસ્તાનની નૌકાદળના પૂર્વ ઍડમિરલ ઇફ્તેખાર રાવે બીબીસીને કહ્યું કે 'કોઈ પણ દેશની દરિયાઈ સીમાને અલગઅલગ ઝોનમાં વહેંચવામાં આવે છે.'
દેશના દરિયાની સપાટી પર એક બૅઝલાઇન બનાવવામાં આવે છે. એ બૅઝલાઇનથી 12 નૉટિકલ માઈલ દરિયા તરફના પાણીને ટૅરિટોરિયલ યાને કે આધિપત્ય ક્ષેત્ર ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તાર એ દેશની રક્ષાત્મક દરિયાઈ હદ ગણાય છે. (12 નૉટિકલ માઇલ એટલે 22.224 કિલોમિટર થાય)
આ બિલકુલ જમીનની હદ જેવું જ છે, ફરક ફક્ત પાણીનો હોય છે. આની સરહદો દરિયામાં હોય છે.
આ 12 નૉટિકલ માઈલ પછીના બીજા 12 નૉટિકલ માઈલને કન્ટિગ્યૂઅસ ઝોન યાને કે સાથે જોડાયેલા વિસ્તારના પાણી તરીકે ગણવામાં આવે છે.
આમ, પરંપરાગત રીતે 24 નૉટિકલ માઈલનો વિસ્તાર બને છે. (કુલ 24 નૉટિકલ માઈલ એટલે 44.448 કિલોમીટર થાય)
આ વિસ્તારમાં જે-તે દેશના કસ્ટમ અને વેપારને લગતા કાયદા લાગુ પડે છે.
પૂર્વ ઍડમિરલ ઇફ્તેખાર રાવ મુજબ એક ત્રીજો ઝોન પણ હોય છે જેને વિશેષ આર્થિક ઝોન કહેવામાં આવે છે.
તેની સીમા જે તે દેશની બેઝલાઈનથી 200 નૉટિકલ માઈલ આગળ સુધી હોય છે.
(200 નૉટિકલ માઈલ એટલે 370.400 કિલોમિટર થાય)
આ વિસ્તારમાં જે તે દેશ ફક્ત આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે છે. જેમ કે, તેલ-ગેસની શોધ, માછીમારી વગેરે.
આ વિસ્તાર પછી ઍક્સટેન્સન ઑફ કૉન્ટિનેન્ટલ શૅલ્ફની સીમા શરૂ થાય છે. આમાં પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રમાણે જે-તે દેશને દરિયા ઉપર કેટલોક અધિકાર મળે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પાકિસ્તાનની દરિયાઈ સરહદ ક્યાં સુધી છે?
ઇફ્તેખાર રાવ કહે છે કે અન્ય દેશો મુજબ પાકિસ્તાનની દરિયાઈ સરહદ પણ આ જ રીતે નક્કી થાય છે.
મતલબ, બેઝલાઇનથી એક્સટેન્સન ઑફ કૉન્ટિનેન્ટલ શૅલ્ફ (200 નૉટિકલ માઇલ) સુધી પાકિસ્તાનની દરિયાઈ સીમા છે.
પાકિસ્તાને એક્સટેન્સન ઑફ કૉન્ટિનેન્ટલ શૅલ્ફ માટે સંયુક્ત રાષ્ટ્રમાં અરજી આપી હતી જે મંજૂર થઈ હતી.
આંતરરાષ્ટ્રીય સંયુક્ત પાણી કે સીમા શું છે?
કોઈ પણ દેશના ટૅરિટોરિયલ પાણી એટલે કે સુરક્ષાત્મક સીમા (12 નૉટિકલ માઈલ) અને કન્ટિગ્યૂઅસ ઝોન એટલે કે સાથે જોડાયેલા વિસ્તાર (12 નૉટિકલ માઈલ)માં અન્ય દેશનાં યુદ્ધ જહાજો અને સબમરીનને દાખલ થવાની પરવાનગી હોતી નથી.
જોકે, અન્ય દેશોના માલવાહક જહાજોને આ સીમામાંથી પસાર થવાની અનુમતિ આપવામાં આવી શકે છે.
ઍડમિરલ રાવનું કહેવું છે કે દરિયો તો ખૂબ મોટો હોય છે. ખાસ આર્થિક ઝોન એટલે કે 200 નૉટિકલ માઇલથી આગળના દરિયાને કૉમન હેરિટેજ ઑફ મૅનકાઇન્ડ (માનવજાતિનો સંયુક્ત વારસો) ગણવામાં આવે છે.
આ દરિયો દરેક દેશ માટે ઉપલબ્ધ ગણાય છે અને તેમાં કોઈ પણ દેશના કોઈ પણ જહાજ જઈ શકે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
રાવ કહે છે કે ખાસ આર્થિક વિસ્તાર એ જગ્યા છે જ્યાં બીજો કોઈ દેશ આર્થિક પ્રવૃત્તિઓ કરી શકતો નથી.
જોકે, તેના પાણીમાં અન્ય યુદ્ધ જહાજ અને માલવાહક જહાજ પસાર થઈ શકે છે.
પરંતુ, અહીં કોઈ સબમરીનને પસાર થવાની પરવાનગી હોતી નથી. જો સબમરીને પસાર થવું હોય તો એણે પાણીની ઉપરથી પસાર થવું પડે.
રાવ કહે છે કે આને ઇન્સટન્ટ પૅસેજ કહેવામાં આવે છે જે સંયુક્ત રાષ્ટ્રના દરિયાઈ નિયમ મુજબ છે.
શાંતિ કે તણાવ : દુશ્મનના યુદ્ધજહાજ રોકવાની રીત શું હોય છે?
ઍડમિરલ રાવ કહે છે, "જો આપણે ભારતીય સબમરીનના પાકિસ્તાનના પાણીમાં પ્રવેશવાની વાત કરીએ તો તે સબમરીન પાકિસ્તાનની સુરક્ષાત્મક દરિયાઈ સીમામાં નહોતી પરંતુ પાકિસ્તાનના વિશેષ આર્થિક ઝોનમાં હતી."
"જે પ્રકારનો તણાવ હાલ જોવા મળી રહ્યો છે એ જોતાં જો પાકિસ્તાને એ સબમરીનને નિશાન બનાવી હોત તો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ન ગણાત. કેમ કે સબમરીનની ભાળ મેળવવી અને તેના પર નજર રાખવી એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે."
આ વિશે પાકિસ્તાનના નૌકાદળના પૂર્વ ઍડમિરલ અહમદ તસનીમનું કહેવું છે કે આ પ્રક્રિયા ઘરેલૂ સ્થિતિ અને સરકારની નીતિ પર આધાર રાખે છે.
એમનું કહેવું છે, "યુદ્ધજહાજ અને સબમરીનમાં તફાવત હોય છે. યુદ્ધજહાજ દરિયાની સપાટી પર દેખાય છે અને તેને શાંતિના દિવસોમાં ચેતવણી આપવામાં આવે છે."
"પરંતુ સબમરીનનો હેતુ જ જાસૂસી કરવાનો અને ગુપ્ત માહિતી મેળવવાનો હોય છે અને તેને લીધે પ્રક્રિયા અલગ હોય છે. ક્યારેક એનો પીછો કરવામાં આવે છે અને ક્યારેક ચેતવણી આપવામાં આવે છે."
ઍડમિરલ રાવ કહે છે, "પાકિસ્તાને ફકત ભારતની સબમરીનની ભાળ મેળવી એટલું જ નહીં પરંતુ તેના પર નજર પણ રાખી અને તેને સપાટી પર આવવા માટે મજબૂર કરી."
"આવું કરીને એ સંદેશો આપ્યો કે તે યુદ્ધના ઉન્માદના માહોલમાં પણ અમે શાંતિ ઇચ્છીએ છીએ."
તેઓ કહે છે આ જ કારણે પાકિસ્તાન નૌસેનાએ ભારતની સબમરીને ભારતની સીમામાં પાછી ધકેલી દીધી.
પાકિસ્તાને ભારતની સબમરીનની દરિયાઈ સરહદમાં ક્યાં મળી એ વિશે પાકિસ્તાની નૌકાદળે કોઈ જાણકારી આપી નથી.
પરંતુ, ઍડમિરલ રાવ અને એડમિરલ અહમદ તસનીમ એ વાત પર સહમત છે કે ભારતની સબમરીનને પાકિસ્તાનના વિશેષ આર્થિક ઝોનમાં આશરે 100 નૉટિકલ માઈલની અંદર જોવામાં આવી હતી.
ભારતની સબમરીનના પાકિસ્તાનના દરિયાઈ ક્ષેત્રમાં પ્રવેશની આ ઘટના બેઉ દેશો વચ્ચે તણાવના સમયમાં જોવા મળી.
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી ઉગ્રવાદી હુમલા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના બાલાકોટમાં ભારતની વાયુસેનાના હુમલા પછી બેઉ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું.
જોકે, હાલ સ્થિતિ સુધરી રહી છે અને તણાવ ઘટી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો