સેક્સની એ અંધારી દુનિયામાં ફસાયેલી યુવતીઓની દર્દનાક કહાણી

ઇમેજ સ્રોત, CHUN KIWON
- લેેખક, સુ-મિન હ્વાંગ
- પદ, બીબીસી કોરિયા, એડિટર
ઉત્તર કોરિયા છોડીને બીજા દેશમાં ભાગી આવેલી બે યુવતીઓને કપટથી સેક્સ ઇન્ડસ્ટ્રીની ચુંગલમાં ફસાવવામાં આવી. વર્ષો સુધી બંધક રહ્યા પછી આખરે તેમને ભાગી છૂટવાનો મોકો મળ્યો.
ચીનના યેન્જી શહેરમાં એક રહેણાંક ટાવરના ત્રીજા માળે બે યુવતીઓ બારીમાંથી તેમની પથારીની ચાદર ફંગોળીને કંઈક સંકેત આપે છે. ચાદર સાથે મજબૂત રીતે બાંધેલા દોરડા દ્વારા તે બારીમાંથી નીચે ઊતરે છે.
"જલ્દી કરો, તમારી પાસે વધારે સમય નથી." સામે છેડેથી તેમને બચાવનાર વ્યક્તિ ઉતાવળો થઈને કહે છે.
યુવતીઓ નીચે ઊતરે છે અને તેમના માટે રાહ જોઈ રહેલી ગાડીમાં બેસી જાય છે. જોકે, તેમના પરનું જોખમ હજી ટળ્યું નથી.
મીરા અને જિયુન, બંને ઉત્તર કોરિયા છોડીને ભાગી આવેલી યુવતીઓ છે. થોડાં વર્ષો પહેલાં માનવ તસ્કરી કરતા શખ્સોએ તેમને ફસાવી હતી.

ઇમેજ સ્રોત, CHUN KIWON
કેટલાક શખ્શોએ તેમને ઉત્તર કોરિયાની બૉર્ડર ક્રોસ કરાવીને ચીન પહોંચાડવામાં મદદ કરી.
આ લોકો સ્મગલિંગની દુનિયા સાથે જોડાયેલા બ્રોકર હતા. ચીન પહોંચતા જ તેમણે આ યુવતીઓને સેક્સકૅમ ના ધંધા સાથે જોડાયેલા લોકોને વેચી દીધી.
સરકારની મંજૂરી વિના ઉત્તર કોરિયા છોડવું ગેરકાયદેસર છે. છતાં ઘણા લોકો આમ કરીને તેમનો જીવ મુશ્કેલીમાં મૂકવા પણ તૈયાર થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાંથી દક્ષિણ કોરિયા પહોંચવામાં વધુ સલામતી છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે બૉર્ડર પર મિલિટરીનો સખ્ત પહેરો છે. જેના લીધે અહીંથી ભાગી છૂટવું લગભગ અશક્ય છે.
આથી, ઘણા લોકો આના બદલે ચીન પહોંચવાનું પસંદ કરે છે.
ઉત્તર કોરિયાથી ભાગી આવેલા આવા લોકોને ચીનમાં ગેરકાયદે ઘૂસેલા ઇમિગ્રન્ટ ગણવામાં આવે છે.
તેઓ જો પકડાઈ જાય તો તેમને પાછા મોકલવામાં આવે છે.
આવા લોકો ઉત્તર કોરિયા પાછા ફરે તો તેમણે માતૃભૂમિ વિરુધ્ધ રાજદ્રોહ કર્યો છે એમ ગણીને ટોર્ચર કરવામાં આવે છે.

'મને ચાઇનીઝ ફિલ્મો પસંદ હતી'

ઇમેજ સ્રોત, CHUN KIWON
1990ના દાયકામાં ઉત્તર કોરિયામાં સખત દુકાળ પડ્યો અને દસ લાખ લોકોનાં મૃત્યુ થયાં ત્યારે અનેક લોકોએ આ રીતે દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પણ 2011 માં જ્યારથી કિમ જોંગ ઉને શાસન સંભાળ્યુ ત્યારથી આ રીતે દેશ છોડનારા લોકોની સંખ્યા દર વર્ષે પહેલાથી અડધી થઈ રહી છે.
સરહદ પર લાદવામાં આવેલાં સખ્ત નિયંત્રણો અને બ્રોકરોએ કરેલા મોટા ભાવ વધારાના લીધે આ ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
મીરા ભાગી નીકળ્યાં ત્યારે તેઓ 22 વર્ષનાં હતાં. તેમનો જન્મ થયો ત્યારે દુકાળ તેના અંતકાળમાં હતો.
મીરા નવી પેઢીનાં હતાં. ઉત્તર કોરિયામાં 'જન્ગમદેન્ગ' તરીકે ઓળખાતા ભૂગર્ભ બજારો ખૂબ ફૂલીફાલી રહ્યાં હતાં.
આ બજારોમાં ડીવીડી પ્લેયર્સ, કૉસ્મેટિક્સ, બનાવટી ડિઝાઇનર કપડાં, ગેરકાયદે વિદેશી ફિલ્મોથી ભરેલી યૂએસબી સ્ટીક્સ સહેલાઈથી ઉપલબ્ધ હતી.
વિદેશી સામગ્રીનો આ ભારે પ્રવાહ અને ચીનથી ચોરીછૂપી આવતી ફિલ્મો ઉત્તર કોરિયાના યુવાનોને બહારની દુનિયા કેવી છે તેની ઝલક આપતી.
પરિણામે ઘણા લોકો ઉત્તર કોરિયા છોડવા માટે લલચાતા હતા. મીરા પણ આમાંનાં એક હતાં.
"મને ચીનની ફિલ્મો બહુ ગમતી. મને લાગતું કે ચીનના બધા પુરુષો આવા જ હશે."
"હું કોઈ ચાઇનીઝ માણસને પરણવા માંગતી હતી અને એટલે થોડાં વર્ષોથી ઉત્તર કોરિયા છોડવા અંગે વિચારી રહી હતી."
તેમના પિતા એક પૂર્વ સૈનિક હતા અને સરકારી હોદ્દા પર હતા. તે બહુ કડક હતા અને ઘર અત્યંત શિસ્તબદ્ધ રીતે ચાલે તેમ ઇચ્છતા હતા. તેઓ ઘણીવાર મીરાને મારતા પણ હતા.
"મારા પિતા પાર્ટી મેમ્બર હતા. તેમની વર્તણૂંક બહુ ગૂંગળાવી દે તેવી હતી."
"તે મને વિદેશી ફિલ્મો જોવા દેતા નહોતા. મારે નિશ્ચિત સમયે જ ઊંઘવું અને જાગવું પડતું. મારી પોતાની તો કોઈ લાઇફ જ નહોતી."
મીરા એક એવા બ્રોકરના તલાશમાં હતાં જે તેને તુમેન નદી પાર કરાવીને સીમા પરના કડક જાપ્તાને ઓળંગી બીજા દેશમાં પહોંચાડી શકે.
તેમનો પરિવાર સરકાર સાથે જોડાયેલો હોવાથી મોટાભાગના સ્મગલર્સ ખચકાતા હતા કે કદાચ તે સરકારને પોતાનું નામ આપી ન દે.

ઇમેજ સ્રોત, DURIHANA
આખરે ચાર વર્ષના પ્રયાસ બાદ મીરાને કોઈ માણસ મળી ગયો જે તેને મદદ કરવા તૈયાર હતો.
આ રીતે ભાગનારા મોટાભાગના લોકોની જેમ મીરા પાસે પણ બ્રોકરને ચૂકવવા માટે પૂરતાં નાણાં નહોતાં.
આથી, આ પૈસાના બદલામાં તે વેચાઈ જવા માટે સહમત થયાં. મીરાને લાગ્યું કે કદાચ તેમણે કોઈ રેસ્ટોરામાં કામ કરવાનું હશે.
જોકે, તેમને ફસાવામાં આવ્યાં હતાં. મીરા એક એવી ટોળકીનો ભોગ બની ચૂકી હતી જે ઉત્તર કોરિયાથી ભાગી આવેલા લોકોને સેક્સ ઇન્ડસ્ટ્રીમાં ઘુસાડતી હતી.
તુમેન નદી પાર કરીને ચીન આવ્યા બાદ મીરાને સીધા યેન્જી શહેરમાં લઈ જવામાં આવ્યાં અને એક કોરિયન-ચાઇનીઝ માણસને સોંપવામાં આવ્યાં.
મીરાને પછી ખ્યાલ આવ્યો કે આ માણસ કોઈ ડાયરેક્ટર હતો.
યેન્જી શહેર ચીનના યેન્બિઅન રિજિયનનું મુખ્ય કેન્દ્ર છે.
મૂળ કોરિયાના લોકોની અહીં મોટી વસ્તી છે. આ શહેર ઉત્તર કોરિયા સાથેના વેપારનું હબ છે. ઉત્તર કોરિયાથી ભાગીને આવેલા અને છુપાઈને રહેનારા લોકોની વસતી ધરાવતાં ચીનનાં શહેરો પૈકીનું તે એક છે.
ભાગીને આવેલા લોકોમાં મહિલાઓનું મોટું પ્રમાણ છે. ચીને તેમને કોઈ કાયદેસરનો દરજ્જો આપ્યો નથી, આથી તેમનું શોષણ થવાની ઘણી સંભાવના રહે છે.
ઘણી મહિલાઓને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, 'પત્ની' તરીકે વેચી દેવામાં આવે છે.
કેટલીક મહિલાઓને વેશ્યાવૃત્તિમાં તો કેટલીકને મીરાની જેમ સેક્સકૅમ ના કામમાં ધકેલવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સેક્સકૅમના ધંધામાં ફસાયાં

ઇમેજ સ્રોત, Getty Images
ઍપાર્ટમૅન્ટમાં આવ્યા બાદ આખરે ડિયરેક્ટરે મીરાને જણાવ્યું કે તેમણે શું કામ કરવાનું છે.
તેમણે મીરાની મુલાકાત અન્ય એક યુવતી સાથે કરાવી, જે તેની 'મેન્ટર' હતી અને તેની સાથે રૂમ શૅર કરવાની હતી.
મીરાએ તેનું કામ જોઈને પ્રેક્ટિસ કરવાની હતી અને કામ શીખવાનું હતું.
"મને માનવામાં આવતું નથી. અન્ય લોકોની સામે પોતાનાં કપડાં ઉતારવાં... એક મહિલા તરીકે આ કામ ખૂબ અપમાનજનક હતું."
"હું ચોધાર આંસુએ રડી પડી, ત્યારે તેમણે મને પૂછ્યું કે શું મને ઘરની યાદ આવે છે?"
સેક્સકૅમ વેબસાઇટ અને તેના મોટાભાગના યૂઝર્સ દક્ષિણ કોરિયાના હતા.
તેઓ મિનિટના આધાર પર પેમેન્ટ કરતા હતા. આથી યુવતીઓ માટે એ જરૂરી હતું કે તે શક્ય એટલા વધારે સમય સુધી પુરુષોનું ધ્યાન ખેંચેલું રાખે.
જ્યારે પણ મીરાને બીજા વિચારો આવે કે તે ભયની લાગણી વ્યક્ત કરે ત્યારે ડિરેક્ટર તેને પાછા ઉત્તર કોરિયા મોકલી દેવાની ધમકી આપતો.
"મારા પરિવારના બધા સભ્યો સરકારમાં કામ કરતા હતા. જો હું પાછી ફરું તો પરિવાર માટે શરમની વાત હતી."
"એના કરતાં તો સારું હતું કે હું ધુમાડાની જેમ અલોપ થઈ જઉં અને મરી જઉં."
જિયુન 2010 માં જ્યારે ઉત્તર કોરિયાથી ભાગ્યાં ત્યારે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં.
તે બે વર્ષનાં હતી ત્યારે તેમનાં માતાપિતાએ છૂટાછેડા લીધા હતા.
તેનો પરિવાર ગરીબીમાં સપડાયો. તે કામ કરીને પૈસા કમાઈ શકે તે માટે 11 વર્ષની ઉંમરે તેમણે સ્કૂલ છોડી દીધી.
છેવટે તેમણે એકાદ વર્ષ માટે ચીન જઈને ઘર માટે થોડા પૈસા કમાવાનું નક્કી કર્યું.
જોકે, મીરાની જેમ, તેમની સાથે પણ બ્રોકરે કપટ કર્યું અને સેક્સકૅમ ના ધંધામાં ફસાવી દીધાં.
તેઓ જ્યારે યેન્જી શહેરમાં આવ્યાં ત્યારે ડાયરેક્ટરે તેમને ઉત્તર કોરિયા પરત મોકલી દેવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે જિયુન બહુ કાળી અને બદસૂરત હતી.
આવી સ્થિતિ છતાં પણ જિયુન હવે પાછી જવા માંગતી નહોતી.
"આ એક એવું કામ હતું જેને હું સૌથી વધુ ધિક્કારતી હતી."
"પણ હું જીવના જોખમે ચાઈના આવી હતી અને હવે ખાલી હાથે પાછી ફરી શકું એમ નહોતી."
"મારી ઇચ્છા હતી કે મારા દાદીદાદી આ દુનિયા છોડે તે પહેલાં હું તેમને થોડું સારું ખાવાનું ખવડાવું."
"બસ આ કારણે જ હું બધું સહન કરતી ગઈ. હું મારા પરિવારને પૈસા મોકલવા માંગતી હતી."


'ડાયરેક્ટર યુવતીઓ માટે ખાવાનું લાવતો'

ઇમેજ સ્રોત, CHUN KIWON
જિયુને ખૂબ મહેનત કરી. તેમને એમ હતું કે ડિરેક્ટર સારા કામ માટે તેને સારું એવું મહેનતાણું આપશે.
ડિરેક્ટરે વાયદો કર્યો હતો કે તેઓ બહુ જલ્દીથી તેમના પરિવારનો સંપર્ક કરી શકશે.
તેઓ પોતાના પરિવારને પૈસા મોકલી શકશે અને અન્ય યુવતીઓ કરતાં વધારે પૈસા કમાઈ શકશે.
"હું ઇચ્છતી હતી કે ડિરેક્ટર મારી મહેનતને બિરદાવે. હું મારા પરિવારનો સંપર્ક કરવા માંગતી હતી."
"હું માનતી હતી કે જો હું શ્રેષ્ઠ રીતે કામ કરું તો અન્ય યુવતીઓ કરતાં સૌથી પહેલાં મને આ કામથી અને આ જગ્યાથી મુક્તિ મળશે."
ક્યારેક તો તેઓ માત્ર ચાર કલાકની ઊંઘ લેતાં કે જેથી પોતાનો રોજનો 177 ડૉલરનો ટાર્ગેટ પૂરો કરી શકે.
પોતાના પરિવારને પૈસા મોકલવા માટે તેઓ ખૂબ બેબાકળી બન્યાં હતાં.
ક્યારેક તો જિયુન મીરાને પણ સમજાવતી કે ડિરેક્ટરની વિરુદ્ધ જવાથી નહી પણ તેમની સાથે વાતચીત કરીને સમજાવવાથી ઉકેલ આવશે.
તેઓ મીરાને કહેતાં, "પહેલાં ખૂબ મહેનત કર અને પછી જો ડિરેક્ટર તને ઘરે ન મોકલે તો તું એની સાથે દલીલ કરી શકીશ.
જિયુન કહે છે કે જે વર્ષો દરમ્યાન તે અન્ય યુવતીઓથી વધારે કમાતી હતી ત્યારે ડિરેક્ટર તેની ઘણી તરફદારી કરતો હતો.
"મને લાગતું કે તે ખરેખર મારી દરકાર કરે છે. જ્યારે મારી કમાણી ઘટવા લાગી ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા."
"તે મને આડુતેડું સંભાળવતો અને કહેતો કે ડ્રામા જોવા જેવી ફાલતુ ચીજો કરવાના બદલે વધારે મહેનત કર."
ડિરેક્ટરનો પરિવાર ઍપાર્ટમૅન્ટનો સખ્ત પહેરો રાખતો. તેનાં માતાપિતા આગલા રૂમમાં સૂઈ જતા અને ઘરના પ્રવેશનો દરવાજો લોક રાખતા.
ડિરેક્ટર યુવતીઓ માટે ખાવાનું લાવતો અને નજીકમાં રહેતો તેનો ભાઈ સવારે તેના ઘરનો કચરો ઠાલવવા માટે આવતો."

'અમે પાણીની બૉટલ પણ ખરીદી શકતા નહીં'

જિયુન કહે છે, "આ એક ભયંકર નજરકેદ હતી. તે જેલ કરતાં પણ ખરાબ હતી."
યુવતીઓને જો તેમની કમાણી વધારે હોય તો મહિને એકવાર અને નહી તો છ મહિને એકવાર બહાર નીકળવાની પરવાનગી અપાતી.
આ દુલર્ભ અવસર હતો, જે દરમિયાન તેઓ શોપિંગ કરતી અથવા તો સલૂનમાં જતી.
જોકે, ત્યારે પણ તેમને એકબીજા સાથે વાત કરવાની મંજૂરી અપાતી નહીં.
મીરા કહે છે, "ડિરેક્ટર અમારી ખૂબ નજીક ચાલતો, જાણે કે અમારો પ્રેમી હોય. કેમ કે તેને ડર હતો કે અમે ક્યાંક ભાગી ન જઈએ."
"મને મારી રીતે ફરવા જવાની ઇચ્છા થતી પણ હું તેમ કરી શકતી નહીં."
"અમને કોઈની સાથે વાત કરવાની મંજૂરી નહોતી. અમે પાણીની બૉટલ પણ ખરીદી શકતા નહી. મને લાગતું કે હું મૂરખ છું."
ડિરેક્ટરે ઍપાર્ટમૅન્ટમાં ઉત્તર કોરિયાની એક મહિલાને મેનેજર તરીકે રાખી હતી.
જ્યારે ડિરેક્ટર બહાર હોય ત્યારે તે અમારા બધા પર નજર રાખતી.
ડિરેક્ટરે મીરાને પ્રૉમિસ કર્યું હતું કે જો તે વધારે મહેનત કરશે તો એ તેનાં લગ્ન કોઈ સારા માણસ સાથે કરાવશે.
તેણે જિયુનને તેના પરિવારનો સંપર્ક કરાવવાનો વાયદો કર્યો હતો.
જ્યારે જિયુને પોતાને મુક્ત કરવાની વાત કરી ત્યારે તેણે કહ્યું કે પહેલાં તારે તને અહીંયા લાવવા માટે થયેલો ખર્ચ ભરપાઈ કરવો પડશે અને આ માટે 53,200 ડૉલર કમાવા પડશે.
પછી એકવાર તેણે કહ્યું કે તેને કોઈ બ્રોકર મળતો નથી, એટલે તે તેમને મુક્ત કરી શકે એમ નથી.
મીરા અને જિયુનને સેક્સકૅમ પ્રવૃત્તિમાં તેમણે કરેલા કામના પૈસા ક્યારેય મળ્યા નહીં.
ડિરેક્ટરે શરૂઆતમાં નફાના 30% આપવાની તૈયારી બતાવી હતી.
જ્યારે તેમને મુક્ત કરવામાં આવે ત્યારે તેમને આ પૈસા મળવાના હતા.
જોકે, મીરા અને જિયુનની બેચેની હવે વધી ગઈ હતી. તેમને લાગતું હતું કે તેઓ ક્યારેય મુક્ત થઈ શકશે નહીં.
જિયુન કહે છે, "આમ તો હું એવી છોકરી નહોતી કે પોતાની જાતને મારી નાંખવાનો વિચાર કરું પણ અહીં મે ડ્રગનો ઑવરડોઝ લઈને અને બારીમાંથી કૂદકો મારીને મરવાનો પ્રયાસ કર્યો."
વર્ષો પસાર થઈ ગયાં. મીરાને પાંચ વર્ષ અને જિયુનને આઠ વર્ષ.
પછી મીરાનાં ત્રણ વર્ષ જૂના એક સેક્સકૅમ ગ્રાહકને તેની ઉપર દયા આવી.
તેમણે મીરાને ચુન કી-વોન નામના એક ધર્મગુરુનો સંપર્ક કરાવી આપ્યો, જે છેલ્લાં 20 વર્ષથી ઉત્તર કોરિયાથી ભાગી આવેલા લોકોને મદદ કરતા હતા.


પીડાદાયક કિસ્સો

ગ્રાહકે મીરાના કમ્યુટરમાં રિમોટલી એક મૅસેજિંગ ઍપ્લિકેશન પણ ઇન્સ્ટૉલ કરી આપી કે જેથી તે ધર્મગુરુ સાથે વાતચીત કરી શકે.
ઉત્તર કોરિયાથી ભાગી આવેલા લોકોમાં ધર્મગુરુ ચુન કી-વોન ઘણા જાણીતા છે.
ઉત્તર કોરિયા સરકારનું ટેલિવિઝન જોકે ઘણીવાર તેમની ટીકા કરે છે અને તેમને એક કીડનેપર અને કપટબાજ માણસ ગણાવે છે.
તેમણે 1999 માં એક ખ્રિસ્તી સેવાભાવી સંસ્થા 'દુરીહાના' ની સ્થાપના કરી છે.
તેમના અંદાજ મુજબ તેમણે અત્યાર સુધીમાં ભાગીને આવેલા 1200 જેટલા લોકોને સલામત જીવનમાં પાછા ફરવામાં મદદ કરી છે.
આમ તો તેમને દર મહિને મદદ માટે બે-ત્રણ રિક્વેસ્ટ મળતી હોય છે, પણ આ બધામાં તેમને ખાસ કરીને મીરા અને જિયુનનો કિસ્સો ઘણો આઘાતજનક લાગ્યો.
"યુવતીઓને ત્રણેક વર્ષ સુધી બંધક બનાવી રાખવામાં આવી હોય તે મેં જોયું છે."
"જોકે, આટલા લાંબા સમય સુધી બંધક બનાવાઈ હોય તેવું મેં અત્યાર સુધી ક્યારેય જોયું નથી. તેમનો કિસ્સો જાણીને મને ઘણી પીડા થાય છે."

ઇમેજ સ્રોત, DURIHANA
ચીનનો દાવો છે કે ઉત્તર કોરિયાથી ભાગેલી મહિલાઓની તસ્કરીનું કામ હવે ઘણું સુનિયોજિત રીતે કરવામાં આવે છે, અને બૉર્ડર પરના સૈનિકો પણ તેમાં સામેલ છે.
ચીનના સરહદી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો મહિલાઓની આ તસ્કરીના ધંધાને 'કોરિયન પીગ ટ્રેડ' તરીકે ઓળખે છે. સેંકડોથી હજારો ડૉલરમાં મહિલાઓનો ભાવ બોલાય છે.
જોકે, આ અંગેના કોઈ સત્તાવાર આંકડા મેળવવા મુશ્કેલ છે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉત્તર કોરિયાની મહિલાઓની તસ્કરીના મોટા પ્રમાણ અંગે ચિંતા જતાવી છે.
અમેરિકન સરકારના માનવ તસ્કરી અંગેના વાર્ષિક રિપોર્ટમાં ઉત્તર કોરિયાને માનવ તસ્કરી બાબતે અત્યંત ખરાબ દેશો પૈકીનો એક ગણાવાઈ રહ્યો છે.
ચુન એક મહિનાથી પણ વધુ સમય સુધી સેક્સકૅમ વેબસાઈટ પર ગ્રાહકના સ્વાંગમાં મીરા અને જિયુન સાથે સંપર્કમાં રહ્યા.
યુવતીઓ એવો ડોળ કરતી કે તે પોતાના ગ્રાહક સાથે વાત કરી છે, જ્યારે હકીકતે તે પોતાની મુક્તિનું પ્લાનિંગ કરી રહી હતી.
તેમણે કહ્યું, "સામાન્ય રીતે બંધક યુવતીઓને પોતાના લોકેશન અંગેની માહિતી હોતી નથી, કારણ કે તેમને ઍપાર્ટમૅન્ટ સુધી આંખે પટ્ટી બાંધીને કે રાતના સમયે લઈ જવામાં આવે છે."
"સદભાગ્યે મીરા અને જિયુનને ખ્યાલ હતો કે તેઓ યેન્જી શહેરમાં હતી. તેઓ બહાર એક હોટલનું બોર્ડ જોઈ શકતી હતી."
ચુને ગૂગલ મેપ્સ દ્વારા યુવતીઓનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું. યુવતીઓને મુક્ત કરતાં પહેલાં તેમણે પોતાની સંસ્થા દુરીહાનાની એક વ્યક્તિને ઍપાર્ટમૅન્ટ પર નજર નાંખી આવવા માટે પણ મોકલી હતી.
ભાગીને આવેલી કોઈ પણ વ્યક્તિ માટે ચીનની બહાર નીકળવું ઘણું જોખમી છે.
મોટાભાગના લોકો ઉત્તર કોરિયા નહીં પણ કોઈ ત્રીજા જ દેશમાં જવા માંગતા હોય છે.
ખાસ કરીને પહેલા તેઓ દક્ષિણ કોરિયાના રાજદૂતાવાસમાં જવા માંગતા હોય છે.
કારણ કે ત્યાંથી તેમને દક્ષિણ કોરિયામાં આશ્રય લેવાની મંજૂરી મળી જતી હોય છે.
પણ ઓળખકાર્ડ વિના ચીનમાં ટ્રાવેલ કરવામાં ઘણું જોખમ રહેલું છે.
ચુન કહે છે, "પહેલાના સમયમાં ભાગીને આવેલા લોકો નકલી ઓળખકાર્ડથી છટકી શકતા હતા."
"હવે અધિકારીઓ એક ઇલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે રાખે છે, જેના દ્વારા તેમને ઓળખકાર્ડ સાચું છે કે નકલી તેનો ખ્યાલ આવી જાય છે."


આશાનું કિરણ

ઇમેજ સ્રોત, CHUN KIWON
ઍપાર્ટમૅન્ટમાંથી છુટકારો મેળવ્યા બાદ જિયુન અને મીરાએ દુરીહાનાના વૉલન્ટિયર્સની મદદથી ચીન પાર કરવાની લાંબી મુસાફરી શરૂ કરી.
તેમની પાસે ઓળખકાર્ડ હતું નહીં એટલે કોઈ હોટલ કે હૉસ્ટેલમાં ઉતારો કરવાનું જોખમ લઈ શકાય એમ નહોતું.
આથી તેમને ટ્રેનમાં સૂઈ જવું પડતું કે ઘણી રાતો ઊંઘ લીધા વિના જ કોઈ રેસ્ટોરામાં પસાર કરવી પડતી.
ચીનમાં તેમના છેલ્લા દિવસે તેમણે એક પર્વત પર પાંચ કલાક સુધી ચઢાણ કર્યું અને આખરે સરહદ પાર કરીને પાડોશી દેશમાં પ્રવેશ કર્યો.
તેઓ કયા રસ્તે કયા દેશમાં ગયા તે કહી શકાય એમ નથી.
ઍપાર્ટમૅન્ટમાંથી છુટ્યા બાદ 12 દિવસ પછી મીરા અને જિયુન પહેલીવાર ચુન ને મળ્યા.
જિયુન કહે છે, "મને એકદમ સલામત ત્યારે જ લાગશે જ્યારે મને દક્ષિણ કોરિયાનું નાગરિકત્વ મળે."
"ધર્મગુરુ ચુન ને મળવા માત્રથી પણ મને સુરક્ષાની લાગણી થાય છે. હું મુક્ત થઈ ગઈ છું એ વિચારથી જ મને રડવું આવી જાય છે."
કારમાં બીજા 27 કલાક સુધીની મુસાફરી કરીને તેઓ દક્ષિણ કોરિયાના નજીકના રાજદૂતાવાસ સુધી પહોંચ્યા.
ચુન કહે છે કે ઉત્તર કોરિયાના કેટલાક લોકોને તેમની મુસાફરીનો છેલ્લો તબક્કો ઘણો મુશ્કેલ લાગતો હોય છે, કારણ કે તેઓ કારમાં આટલું બધું ટ્રાવેલ કરવા ટેવાયા હોતા નથી.
"લોકો ઘણીવાર કારમાં માંદગીનો અનુભવ કરે છે અને ક્યારેક ઉલ્ટી કરીને બેહોશ થઈ જતાં હોય છે. સ્વર્ગમાં જવા માંગતા લોકો જાણે કે નરકના રસ્તેથી પસાર થઈ રહ્યા હોય એવું લાગે છે."

ઍમ્બેસીમાં પ્રવેશતા પહેલા મીરાએ નર્વસ થઈને એક સ્મિત કર્યું અને કહ્યું કે તેને રડવાનું મન થાય છે.
જિયુન કહે છે, "મને લાગે છે કે હું નરકમાંથી બહાર આવી છું. અનેક લાગણીઓ ઊભરાઈ રહી છે."
"હું જો દક્ષિણ કોરિયા જઈશ તો કદાચ મારા પરિવારને ક્યારેય નહી મળી શકું. મને અપરાધનો ભાવ થાય છે. મેં આ કારણથી ઘર અને દેશ છોડ્યા નહોતા."
ધર્મગુરુ ચુન અને બંને યુવતીઓ રાજદૂતાવાસમાં પ્રવેશ કરે છે. થોડી ક્ષણો પછી ચુન બહાર આવે છે. તેમનું કામ પૂરું થયું છે.
મીરા અને જિયુન પ્લેનથી સીધાં દક્ષિણ કોરિયા જશે, જ્યાં નેશનલ ઇન્ટેલીજન્સ સર્વિસ તેમનું આકરું સ્ક્રીનિંગ કરશે અને સુનિશ્ચિત કરશે કે આ યુવતીઓ જાસૂસ તો નથી ને!
યુવતીઓએ ઉત્તર કોરિયાથી ભાગી આવેલા લોકો માટેના 'હેનાવોન રિસેટલમેન્ટ સેન્ટર'માં ત્રણ મહિના પસાર કરવાના રહેશે, જ્યાં તેમને દક્ષિણ કોરિયામાં નવું જીવન કેવી રીતે શરૂ કરવું તે અંગે પ્રેક્ટિકલ બાબતો શીખવવામાં આવશે.
અહીં તેમને કરિયાણાની ખરીદી અને સ્માર્ટફોનના ઉપયોગ વિશે તાલીમ અપાશે.
તેમને મુક્ત બજારના અર્થતંત્રની કામગીરી વિશે શીખવાડાશે અને જોબ ટ્રેનિંગ પણ અપાશે.
તેઓ અહીં કાઉન્સેલિંગ પણ મેળવી શકશે. અને ત્યારબાદ તેઓ દક્ષિણ કોરિયાના સત્તાવાર નાગરિક બની શકશે.
દક્ષિણ કોરિયામાં તમારું સપનું શું છે એમ પૂછવામાં આવતા મીરા કહે છે, "હું ઇંગ્લીશ અથવા ચાઇનીઝ શીખવા માગું છું, કે જેથી હું એક ટુર ગાઇડ બની શકું."
જિયુન કહે છે,"હું કોઈ કાફેમાં જઈને કૉફી પીતાં-પીતાં મિત્રો સાથે વાતચીત કરી શકું એવું સામાન્ય જીવન જીવવા માગું છું."
કોઈએ એકવાર મને કહ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે વરસાદ થમી જશે પણ મારા માટે તો વર્ષાઋતુ એટલી લાંબી ચાલી કે હું ભૂલી જ ગઈ કે- સૂરજનું પણ કોઈ અસ્તિત્વ હોય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












