વર્જિનિટી વિવાદ : શું થાય છે જ્યારે બંધ બૉટલ ખૂલે છે? - બ્લૉગ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
એક પ્રતિષ્ઠિત વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર 'વર્જિનિટી' વિશે યુવાનોની અજ્ઞાનતા અને અવગણનાથી ખૂબ ચિંતિત છે.
ફેસબુક પર યુવા વર્ગને સંસ્કારો અને મૂલ્યો વિશે સલાહ આપવાના ઉદ્દેશથી તેમણે લખ્યું કે યુવાનોએ યુવતીઓના 'વર્જિન' હોવા અંગે જાણકારી રાખવી જોઈએ.
કેમ કે "વર્જિન યુવતી સીલબંધ બૉટલ જેવી હોય છે, શું કૉલ્ડડ્રિંક્સ કે બિસ્કિટ ખરીદતા સમયે તમે તૂટેલી સીલ વાળી વસ્તુ પસંદ કરશો?"
હવે તેના પર આશ્ચર્ય શું કરવું. છોકરીઓને ચીજ વસ્તુઓ સાથે જોડવી, તેમને માણવાની વસ્તુ ગણાવવાનું ચલણ તો ખૂબ જૂનું છે અને તેની જેટલી ટીકા કરવામાં આવે એટલી ઓછી છે.
વિજ્ઞાપનોમાં પણ ઘણી વખત મોટરબાઇક અને કાર માટે લલચાતો છોકરો તેની બનાવટને છોકરીના શરીર સાથે જોડે છે તો ક્યારેક બીયરની બૉટલના આકારને છોકરી જેવો બતાવવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Kingfisher/ Heineken
વાત આ વખતે મજા માણવાની આસપાસ જ છે. ભાર કૉલ્ડ ડ્રિન્ક અને બિસ્કિટના આકાર પર નથી પણ તેમના સીલબંધ અને શુદ્ધ હોવા પર છે.
છોકરી 'વર્જિન' હોય એટલે કે જેણે ક્યારેય શારીરિક સંબંધ ન બનાવ્યા હોય, તો તે શુદ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર સાહેબના આધારે તો છોકરી જન્મથી જ સીલબંધ હોય છે અને 'વર્જિન' પત્ની તો ફિરસ્તા જેવી હોય છે.
છોકરીની શરમ અને મજા માણવાની ઇચ્છા બૉટલમાં બંધ રહે તો ઠીક છે. ખુલી જાય તો કોણ જાણે બૉટલમાંથી કયો જિન નીકળી આવે.

'વર્જિનિટી ટેસ્ટ'

ઇમેજ સ્રોત, AFP
ડરો નહીં, હું લગ્ન પહેલાં સેક્સની વકીલાત કરી રહી નથી. એ તો દરેક છોકરા-છોકરીની પોતાની પસંદ-નાપસંદ પર નિર્ભર છે.
હું માત્ર એ વાત તરફ ઇશારો કરી રહી છું કે સંસ્કારો અને મૂલ્યો અંગે સલાહ આપવી તો માત્ર બહાનું છે.
છોકરીઓ ક્યાંય સ્વતંત્રતાથી પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરે અને પૂરી ન કરવા લાગે, એ ડરથી સંસ્કારોની સલાહ હેઠળ બનાવવામાં આવતું બહાનું.
છોકરાઓની 'વર્જિનિટી' અંગે તપાસ કરવાની કોઈ રીત નથી અને તેમના પર સંસ્કાર નિભાવવા માટે કોઈ દબાણ નથી.
તેમને પોતાનું સીલ તોડવાની પૂર્ણ સ્વતંત્રતા છે, તે ભલે લગ્ન પહેલાં તોડે કે લગ્ન પછી.
તેમના માટે પ્રોફેસર સાહેબ પાસે કોઈ ઉપદેશ નથી પણ છોકરીઓ તો ક્યાંક સેક્સની ઇચ્છા વ્યક્ત ન કરવા લાગે, પોતાનાં મનને મચલવાની પરવાનગી ન આપી દે.
તેમનાં શરીર પર હક જમાવવા માટે આખો સમાજ એટલે બેચેન છે કે મહારાષ્ટ્રના આદિવાસી સમાજ કંજરભાટમાં લગ્નની પહેલી રાત બાદ ચાદરની તપાસ કરી 'વર્જિનિટી ટેસ્ટ' કરવામાં આવે છે.
હવે તેની વિરુદ્ધ યુવાનોએ અભિયાન છેડી દીધું છે. તેઓ ઇચ્છતા નથી કે છોકરીઓ પર આ પ્રકારની સાર્વજનિક તપાસનું કોઈ દબાણ હોય કે લગ્ન પહેલાં સેક્સ કરવાના કારણોસર તેમને 'અશુદ્ધ' સમજવામાં આવે.


સીલ બંધ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર સાહેબ લખે છે કે પ્રેમ સંબંધ કે લગ્નની વાતચીત સમયે છોકરીઓએ પોતાના વર્જિન હોવા અંગે જણાવી દેવું જોઈએ. આશિક અને પતિ તેમને આ વાત માટે ચોક્કસ માન આપશે.
જે સીલના તૂટવા પર આટલો હોબાળો થયો છે, તેને બંધ કરાવવાની રીત પણ છે. 'હાઇમનોપ્લાસ્ટી'ની મદદથી વજાઇનાની બહારના પારદર્શક પડને ફરી સિવી શકાય છે.
તેનો ઉદ્દેશ તો શારીરિક હિંસા દરમિયાન વજાઇનાને પહોંચેલી ઇજાને ઠીક કરવાનો છે પણ ઘણા પશ્ચિમી દેશોમાં તેનો ઉપયોગ 'વર્જિનિટી' પરત લાવવા માટે કૉસ્મેટિક રીતે થવા લાગ્યો છે.
જો શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા છે તો ખોવાયેલી વર્જિનિટી પરત તો આવી શકતી નથી પણ 'હાઇમનોપ્લાસ્ટી'ના ઑપરેશનની મદદથી વજાઇનનાને એવું રૂપ આપી શકાય છે કે જેનાથી એવું લાગે કે તે મહિલાએ ક્યારેય શારીરિક સંબંધ બનાવ્યા નથી.
સમાજમાં 'વર્જિનિટી'ને વધારે મહત્ત્વ આપવાના કારણોસર ઘણી મહિલાઓ લગ્ન પહેલાં આ ઑપરેશન કરાવવાની હદ સુધી જઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિચારવાની વાત એ છે કે જો છોકરીઓ લગ્ન પહેલાં સેક્સ કરે છે તો કોઈ છોકરો સાથે હોતો જ હશે, બન્ને સીલ તોડતાં હશે અને બૉટલમાં બંધ પરપોટા એક સાથે સ્વતંત્ર થતા હશે.
એટલે સવાલ છોકરીઓને જ નહીં, છોકરાઓને પણ કરવો જોઈએ. પણ આટલા સવાલ જ શા માટે?
વયસ્ક યુવક- યુવતીઓની સ્વતંત્રતાથી કેમ ડરે છે? તેમની બૉટલના જિન્ન સામે તેમને જ લડવા દો.
શરમ અને સંસ્કારનું દબાણ ન હોય અને શુદ્ધતા વર્જિન હોવાથી નહીં, પ્રેમ અને લગ્નના સંબંધમાં સત્યતાથી આવે.
બૉટલમાં બંધ નહીં પણ સ્વતંત્રતાથી વહેવા દેવામાં આવે તો પાણી કદાચ વધારે ઠંડુ રહે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












