દુનિયાની સૌથી મોટી પૉર્ન વેબસાઇટ પૉર્નહબના જણાવ્યા અનુસાર ભારતમાં તેનું માર્કેટ બહુ ઝડપથી વધી રહ્યું છે.
પૉર્નહબ પર વીડિયો જોનારા લોકોની સંખ્યાની બાબતમાં અમેરિકા અને બ્રિટન પછી ભારતનો ત્રીજો નંબર આવે છે.
તેમાંથી મોટાભાગના લોકો મોબાઇલ ફોન પર અશ્લિલ વીડિયો જુએ છે.
ભારતમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ બંને સસ્તાં થયાં છે,તેના કારણે અશ્લિલ પૉર્ન વીડિયો જોવાનું આસાન થઈ ગયું છે.
મોટી સંખ્યામાં નવયુવાનો સેક્સ વિશેની પ્રથમ માહિતી હવે પૉર્ન વીડિયોથી મેળવતા થયા છે.
કદાચ તેનાથી થોડી જાણકારી મળતી હશે, પણ તેનાથી નુકસાન વધારે છે, કેમ કે પૉર્ન વીડિયોમાં બાળકો સાથે સેક્સ અથવા સહમતી વિના ગર્લફ્રેન્ડ સાથે સેક્સ અને બળાત્કારના વીડિયો પણ મોટી સંખ્યામાં હોય છે. આવા વીડિયો મોટી મુશ્કેલી નોતરી શકે છે.
બળાત્કારનો એક વીડિયો મારી પાસે પણ પહોંચી ગયો હતો. પત્રકારો અને ઍક્ટિવિસ્ટ્સના ગ્રૂપમાં જાગૃતિ ફેલાવવાના બહાને આ વીડિયો મુકાઈ ગયો હતો.
આ વીડિયોમાં એક ડઝન જેટલા છોકરાઓ 16 વર્ષની એક યુવતીનાં કપડાં ફાડીને તેનો વીડિયો ઉતારી રહ્યા હતા.
બીબીસીએ નક્કી કર્યું કે આ વધી રહેલા ટ્રૅન્ડની તપાસ કરવી અને એ જાણવું કે નવયુવાનોમાં પૉર્ન અને બળાત્કારના વીડિયો જોવાના વધી રહેલા ચલણની કેવી અસર થઈ રહી છે.
બિહારના જહાનાબાદમાં આ વીડિયો બનાવાયો હતો. આ વીડિયો એટલો બધો ફરતો થયો હતો કે પોલીસને તપાસ કરવાની ફરજ પડી.
તેમાં સંડોવાયેલા છોકરાઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ધરપકડ કરી તે પછી ગામમાં ગભરાટ ફેલાયો હતો. ઇન્ટરનેટનો ફેલાવો બહુ વધી ગયો છે તેના કારણે ગામના વડીલો પણ બહુ ચિંતામાં પડી ગયા છે.
ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા સુજય પ્રસાદ પાસે પણ આ વીડિયો પહોંચ્યો હતો.
સુજય પ્રસાદના જણાવ્યા અનુસાર ગામમાં છેલ્લાં બે વર્ષથી જ સ્માર્ટફોન આવ્યા છે.
મોટાભાગના યુવાનોને એ ખબર નથી પડતી કે તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકાય.
સુજય કહે છે, "મારો પુત્ર પરીક્ષાની તારીખો જોવા કે અન્ય બાબતો માટે તેનો ઉપયોગ કરે છે પણ 90 ટકા યુવાનો ફોનનો ઉપયોગ આ પ્રકારના વીડિયો જોવા માટે કરે છે."
ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 25 કરોડથી વધુ લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ થયો કે વૉટ્સઍપ માટે ભારત સૌથી મોટું માર્કેટ બની ગયું છે.
ભારતમાં વ્યક્તિગત રીતે પૉર્ન જોવું ગેરકાયદે નથી પરંતુ પૉર્ન ફિલ્મ બનાવવી અને તેને શેર કરવી, વેચવી કે વહેંચવી ગેરકાયદે અને ગુનાહિત કૃત્ય છે.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં ક્રાંતિ આવી તે પહેલાં પૉર્ન ફિલ્મો જોવા માટે નાની નાની દુકાનો પર આધાર રાખવો પડતો હતો.
આવી દુકાનોમાં 10થી 15 રૂપિયામાં વીડિયો જોવા મળી જતા હતા.
જોકે, હવે ઘણા દુકાનદારોએ અમને જણાવ્યું કે તેમનો ધંધો ઠપ થઈ ગયો છે. આસપાસનાં ગામોના 15થી 16 વર્ષના ઘણા કિશોરોએ પણ કહ્યું કે હવે દુકાનોમાં તેઓ વીડિયો જોવા જતા નથી.
આ કિશોરોને હું એક કોચિંગ સેન્ટરમાં મળી હતી. મને આઘાત લાગ્યો કે છેડતી અને બળાત્કારના વીડિયો પોતે ઘણીવાર જુએ છે એવી કબૂલાત તેમાંના ઘણા કિશોરોએ કરી.
11માં ધોરણમાં ભણતા એક છોકરાએ કહ્યું કે તેણે આવા 25-20 વીડિયો જોયા છે. તેનું કહેવું છે કે આવો નવો વીડિયો આવે એટલે દોસ્તો એકબીજાને આપતા હોય છે.
બીજા કિશોરે કહ્યું, "ક્લાસમાં મોટાભાગના છોકરાઓ સાથે મળીને આવા વીડિયો જુએ છે. ક્યારેય એકલા એકલા પણ જુએ. સારું લાગે છે. બધા લોકો જોતા હોય છે."
જહાનાબાદનો વીડિયો ફરતો થયો તે રીતે સેંકડો વીડિયો ફરી રહ્યા છે, તે એક વાસ્તવિકતા છે.
આ ચલણથી બિહારના મહિલા સાંસદ રંજીત રંજન પણ પરેશાન છે. યૂપીના 80 સાંસદોથી માત્ર ત્રણ મહિલાઓ છે, તેમાંના એક રંજીતરંજન છે.
તેમની પાસે પણ આ વીડિયો પહોંચ્યો હતો. આવા એક નહીં, છ સાત વીડિયો તેમના સુધી પહોંચ્યા હતા.
રંજીત રંજન કહે છે, "હવે તો વીડિયો બનાવવાની જાણે હોડ લાગી છે. કોઈને કશી પડી નથી. લોકોએ જો યુવતી વિશે થોડી પણ પરવા કરી હોત તો વીડિયો એકબીજાને વહેંચવાના બદલે પોલીસ પાસે ગયા હોત."
રંજીત રંજનના જણાવ્યા અનુસાર જાતીય હિંસાના આવા વીડિયો જૂનવાણી માન્યતાઓને જ દૃઢ કરે છે. જૂની માન્યતાઓ પ્રમાણે સ્ત્રીની પોતાની કોઈ ઇચ્છા હોતી નથી એવી માન્યતાને જ દૃઢ કરે છે.
આવા મુદ્દાઓ પર ચર્ચા પણ થતી નથી. તેના કારણે આવા વીડિયોમાં ભોગ બનેલી પીડિતા માટે મદદ મેળવવાનો માર્ગ પણ મર્યાદિત બની જાય છે.
મોટાભાગે સંકોચ અને ભયના કારણે યુવતી ચૂપ રહી જાય છે. આવું મૌન જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ગીતાના કિસ્સામાં એવું જ થયું હતું.
40 વર્ષની ગીતા ઉત્તર પ્રદેશના એક ગામમાં આશા વર્કર તરીકે કામ કરતી હતી.
ગીતા પર બળાત્કારનો વીડિયો ફરતો થયો તે પછી પોલીસ, ગામના સરપંચ અને આગેવાન લોકોએ ઉલટાની તેને જ દોષી માની. તેના કારણે ગીતાએ આત્મહત્યા કરી લેવી પડી હતી.
આ માત્ર ગ્રામીણ સમસ્યા નથી. શહેરોમાં પણ આનું પ્રમાણ વધી રહ્યું છે. કિશોરો બળાત્કારના વીડિયો એકબીજાને શેર કરતા થઈ ગયા છે.
હૈદરાબાદમાં જાતીય હિંસા અને અપહરણ જેવા મુદ્દા પર કામ કરતી પ્રજ્વલા સંસ્થાના સુનીતા કૃષ્ણનના ગ્રૂપમાં 2015ના વર્ષમાં એક વીડિયો કોઈએ શેર કર્યો હતો.
બળાત્કારના મામલામાં જાગૃત્તિ ફેલાવવાના કથિત ઉદ્દેશથી બળાત્કારના બે વીડિયો મૂકવામા આવ્યા હતા.
એક વીડિયોમાં આઠ લોકો 12 વર્ષની કિશોરી પર બળાત્કાર કરી રહ્યા હતા. બીજામાં એક યુવતીનો બળાત્કાર થઈ રહ્યો હતો.
કદાચ તે યુવતીના બૉયફ્રેન્ડ એવા એક યુવકની તેમાં મારપીટ પણ થઈ રહી હતી. કોઈ ત્રીજી વ્યક્તિ વીડિયો બનાવી રહી હતી.
સુનીતા પોતે બળાત્કારનો ભોગ બની ચૂકી છે. તેમણે 24 કલાકમાંજ 'શેમ ધ રેપિસ્ટ,' બળાત્કારીને ધુત્કારી કાઢો એવા મૅસેજ સાથે ઝુંબેશ ઉપાડી હતી.
પીડિતાના ચહેરાને ઝાંખો કરીને આ વીડિયો તેમણે શેર કરવાનું શરૂ કર્યું હતું, જેથી બળાત્કારીઓ પકડાઈ જાય.
જોકે, નારીવાદી કાર્યકરોએ તેમની આ ઝુંબેશની ટીકા કરી હતી. તેમને લાગ્યું કે આ રીતે વીડિયો ફરતો કરવાથી પીડિતાને જ નુકસાન થશે.
સુનીતાએ તેના કારણે પોતાની ઝુંબેશ અટકાવી પરંતુ તે પછી લોકો તેને વીડિયો મોકલતા જ રહ્યા હતા.
સુનીતાએ સુપ્રીમ કોર્ટમાં આ કિસ્સાની તપાસની માગણી કરી હતી.
તેઓ કહે છે, "તપાસ આગળ વધતી ગઈ તેમ ખ્યાલ આવ્યો કે બળાત્કાર અને સામૂહિક બળાત્કારના વીડિયોનું બહુ મોટું બજાર છે."
"આવા વીડિયો અપલોડ કરનારા એક વ્યક્તિ પકડાઈ પણ હતી. તેની પાસેથી આવા 498 વીડિયો મળ્યા હતા, જેનાથી અંદાજ આવી શકે છે કે આ સમસ્યા કેટલી વિકરાળ બની છે."
કેટલાક કિસ્સામાં આવા વીડિયો ઇન્ટરનેટ પરથી દૂર કરવામાં સુનીતાને સફળતા પણ મળી છે.
જોકે, તેઓ પણ જાણે છે કે એકવાર ઇન્ટરનેટ પર કોઈ વસ્તુ અપલોડ થઈ જાય, તે પછી તેને હટાવવી લગભગ અશક્ય છે.
આ મુદ્દા પર મેં જેટલા પણ લોકો સાથે વાતચીત કરી, તેમાંના મોટાભાગના લોકોનું માનવું છે કે સહેલાઇથી વીડિયો શેર થઈ શકે છે તે એક સમસ્યા છે જ.
જોકે, તેનાથી મોટી સમસ્યા છે આવા વીડિયો જોવાની લોકોની વૃત્તિ.
પૉર્ન જોવાની ઇચ્છા અને તેના કારણે થતી અસરો વિશે લાંબો અભ્યાસ કરીને આદિત્ય ગૌતમે એક પુસ્તક લખ્યું છે.
ભારતને ભરડો લઈ રહેલી પૉર્નની સમસ્યાથી કેવી રીતે બચી શકાય તેવા વિષય સાથે તેમણે ‘પૉર્નિસ્તાનઃ હાઉ ટુ સર્વાઇવ ધ પૉર્ન એપિડેમિક ઇન ઇન્ડિયા’ એવા નામે પુસ્તક લખ્યું છે.
પોતાના અનુભવોને આદિત્યે નિખાલસતાથી વ્યક્ત કર્યા છે.
આદિત્ય પોતે મોટા પ્રમાણમાં પૉર્ન જોતા હતા. પહેલાં સામાન્ય પૉર્નના વીડિયો જોતા હતા પરંતુ ધીમે ધીમે હિંસા સાથેના બળાત્કારના વીડિયો જોવાની લત લાગી.
આવી લતમાંથી છુટવું તેમના માટે મુશ્કેલ થઈ પડ્યું હતું.
પોતાના અંગત સંબંધોમાં પણ તેવું કરવાની ઇચ્છા તેમને થવા લાગી હતી.
આગળ જતા એવો સમય આવ્યો કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે પણ તેને એ અનુભવ નહોતો થતો, જે તેમને પૉર્ન જોઈને થતો હતો.
આવી સ્થિતિ પછી તેમને ભાન થયું કે કશીક મોટી ગરબડ થઈ રહી છે. તે પછી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું.
જોકે, આદિત્ય કહે છે કે આ સમસ્યા બહુ વ્યાપક બની ગઈ છે.

આદિત્ય કહે છે, "યુવતીની સહમતી વિના અંતરંગ સંબંધોનો વીડિયો બનાવવો, પ્રૉફેશનલ મૉડલ્સનો ઉપયોગ કરીને હિંસક વીડિયો બનાવવા અને એટલું જ નહીં પણ ખરેખર બળાત્કાર કરીને વીડિયો ઉતારવાની વાત ભારતમાં બહુ ફેલાઈ રહી છે."
આદિત્યની સાથે હું દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને મળી હતી. તેમને પૂછ્યું હતું કે પહેલીવાર પૉર્ન ક્યારેય જોયું હતું અને તમને કેવા પ્રકારનું પૉર્ન પસંદ પડે છે?
"હું 12 વર્ષનો હતો ત્યારે પહેલીવાર મોબાઇલ પર ફિલ્મ જોઈ હતી. હાર્ડ-કોર અને ઇન્ટેન્સ પૉર્ન જોઉં છું."
"હું 11 વર્ષનો હતો, મોબાઇલ પર જોયું હતું. હાર્ડ-કોર અને થ્રીસમ વધારે પસંદ કરું છું."
"હું 12 વર્ષનો હતો ત્યારે દોસ્તના મોબાઇલમાં પહેલીવાર જોયું હતું. રફ સેક્સ અને ઇન્ટેન્સ પૉર્ન જોવાનું મને સારું લાગે છે."
આ વિદ્યાર્થીઓ લગભગ સમગ્ર ભારતના કિશોરોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય તેમ લાગે છે.
મારા મનમાં એ વાત પણ બેસી ગઈ છે આ બધાની પસંદ 'હાર્ડકોર' પૉર્ન જ હતી.
જોકે, આદિત્યને આ વાતની કોઈ નવાઈ લાગી નહોતી, "મારા સંશોધનમાં મેં જોયું હતું કે હિંસા સાથેના પૉર્ન વધારે જોવામાં આવે છે."
"વેબકૅમથી સહમતી વિના બનેલા વીડિયો અને એમએમએસ બહુ જોવાય છે."
"મોબાઇલની દુનિયામાં ખાનગીમાં દરેક પ્રકારના વીડિયો જોઈ શકાય છે. બેરોકટોક અને સજા થવાના કોઈ ભય વિના જોઈ શકાય છે."
એક કિશોરે એવું પણ કહ્યું કે તેમને આવા પૉર્ન જોવામાં કોઈ સંકોચ થતો નથી, કેમ કે તેમના માટે પુખ્ત થવાની પ્રક્રિયાનો જ આ એક હિસ્સો છે.
બીજા યુવાને કહ્યું કે તેમાં મજા પણ આવે છે અને સાથે 'સેક્સ ઍજ્યુકેશન' પણ મળે છે.
પૂણેના ફૅશન ડિઝાઇનર અને લેખક એન્ડી બર્વે કહે છે કે તેમને સેક્સની પહેલી જાણકારી પૉર્નમાંથી જ મળી હતી પરંતુ ધીમે ધીમે પૉર્ન જોવાનું વ્યસન થઈ ગયું હતું.
તેઓ પૉર્નથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે પોતાના જીવનમાં પણ તેઓ પૉર્ન સ્ટાર જેવા બનવાની કોશિશમાં લાગી ગયા હતા.
એન્ડી કહે છે, "એ ફિલ્મોમાં જેવું દેખાડતા હતા તેવાં આપણાં શરીર હોતાં નથી. એવી ક્ષમતા પણ હોતી નથી."
"એ વાત સમજાય તે પહેલાં હું એવું ઘણું બધું કરી ચૂક્યો હતો કે મારા શરીરને બહુ મોટું નુકસાન થયું હતું."
એન્ડી બીમાર પડી ગયા હતા. તેને હેપિટાઇટિસ-એનો ચેપ લાગી ગયો હતો. લાંબો સમય બહુ પૈસા ખર્ચીને સારવાર કર્યા બાદ એન્ડી તેમાંથી બહાર આવી શક્યા હતા.
દિલ્હીના સેક્સૉલૉજિસ્ટ અને ન્યૂરોસાઇકાઇટ્રિસ્ટ ડૉક્ટર શ્વેતાંક બંસલ કહે છે તે પ્રમાણે પૉર્ન જોઈને સેક્સની સમજ કેળવવી એ 'ફાસ્ટએન્ડ ફ્યુરિયસ' જોઈને ડ્રાઇવિંગ શીખવા જેવું છે.
યૌન સંબંધો વિશેની જાણકારીના અભાવે કિશોરો પૉર્ન જુએ છે અને તેના કારણે અયોગ્ય પ્રકારની અપેક્ષાઓ તેનામાં જાગે છે.
ડૉ. બંસલ કહે છે કે તેની પાસે આઠથી નવ વર્ષના કિશોરોના કેસ પણ આવે છે.
તેઓ કહે છે, "કિશોરના માતાપિતા ચિંતામાં પડી જાય છે, જ્યારે તેમને ખબર પડે કે બાળકો પૉર્ન જોવાના કારણે મુંઝાવા લાગતાં હોય છે."
ભારતમાં ‘સેક્સ ઍજ્યુકેશન’ના કાર્યક્રમો ચાલે છે પણ તેનો ફાયદો મર્યાદિત વર્ગ સુધી જ પહોંચે છે.
માનવ સંસાધન મંત્રાલયે 2007માં પ્રથમવાર 'એડોલેસન્ટઍજ્યુકેશન પ્રોગ્રામ' શરૂ કર્યો હતો.
જોકે, ઘણા વાલીઓએ તેને અશ્લિલ ગણાવ્યો તેથી તેને બંધ કરી દેવો પડ્યો હતો.
બે વર્ષ બાદ 2009માં સંયુક્ત રાષ્ટ્રસંઘ પૉપ્યુલેશન ફંડ એટલે કે યૂએનએફપી સાથે મળીને તે કાર્યક્રમ ફરી શરૂ કરાયો હતો.
તેમાં કિશારાવસ્થા દરમિયાન આવતા શારીરિક ફેરફારો, જેન્ડર અને જાતીયતા વિશેની ખોટી માન્યતાઓ, રૂઢિવાદી વિચારો, શરીર કેવું હોવું જોઈએ તેના મુદ્દા,જાતીય હિંસા, એચઆઈવીનો ચેપ, ડ્રગ્ઝનો ઉપયોગ વગેરે વિષયોને આવરી લેવાયા છે.
જોકે, આ કાર્યક્રમને બધી જગ્યાએ લાગુ કરી શકાયો નથી. દાખલા તરીકે જહાનાબાદની સ્કૂલમાં જઈને મેં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે શાળાના આચાર્યને આવા કોઈ પ્રોગ્રામ વિશે જાણ જ નથી.
પ્રૉજેક્ટ કન્યા બાલિકા વિદ્યાલય માત્ર કન્યાઓ માટેની શાળા છે. તેના પ્રિન્સિપાલ રવીન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર નજીકમાં જ સંયુક્ત શિક્ષણ માટેની શાળા હોવા છતાં વાલીઓ પોતાની દીકરીઓને કન્યાશાળામાં જ મોકલવાનું પસંદ કરેછે.
નાનાં શહેરો, કસબા અને ગામડાંમાં આજેય છોકરા-છોકરીઓ વચ્ચે છૂટથી વાતચીત થઈ શકતી નથી. તેના કારણે કિશોરાવસ્થામાં કુતૂહલ વધારે હોય છે.
જહાનાબાદના જે કોચિંગ ક્લાસની મેં મુલાકાત લીધી ત્યાં 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. તેમાં એક તરફ છોકરાઓ બેઠા હતા, જ્યારે બીજી બાજુ છોકરીઓ.
રવીન્દ્ર કુમાર માને છે કે સેક્સ ઍજ્યુકેશન આપવાની જરૂર છે,"આ વાતોની જાણકારી શાળામાં આપવી જોઈએ. પિતાનું કામ નથી આવી માહિતી આપવાનું અને માતા ઘરમાં જ રહેતી હોય છે."
"તેથી તેની પાસે અપ-ટુ-ડેટ માહિતી હોતી નથી. અમને સરકાર જણાવશે તો ચોક્કસ આવો કાર્યક્રમ લાગુ કરીશું."
બિહારના સાસંદ રંજીત રંજન કહે છે કે સેક્સ ઍજ્યુકેશનનો આશય માત્ર શરીર અને શારીરિક સંબંધોની જાણકારી આપવાનો નથી.
તેમાં વધુ ઊંડાણપૂર્વકના મુદ્દાઓનો પણ સમાવેશ છે અને સ્ત્રી પ્રતિ પુરુષોના વલણની બાબત પર તેની અસર થઈ શકે છે.
તેઓ કહે છે, "તમે ગમે કેટલી પ્રગતિ કરી લો,પણ જ્યાં સુધી આવું ઍજ્યુકેશન નહીં મળે અને આવા વીડિયો ફરતા રહેશે. ત્યાં સુધી છોકરીઓ ઉપભોગની વસ્તુ છે તેવી માનસિકતા જ ફેલાતી રહેશે."
"તેમને જોઈને મજા લો અને તેમને નિર્ણય કરવાની સ્વતંત્રતા ના આપો તેવી જ માનસિકતા રહેશે."
તો શું પૉર્ન પર પ્રતિબંધ એ ઉપાય છે ખરો?
હાલમાં જ ઉત્તરાખંડની હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કે હિંસક વીડિયો રાખતી પૉર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
દહેરાદૂનની એક શાળાની હૉસ્ટેલમાં કેટલાક છોકરાઓએ આવો પૉર્ન વીડિયો જોયો હતો.
વીડિયો જોયા બાદ એક યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે કિશોરોની ધરપકડ થઈ હતી અને તેમની સામેનો કેસ ચાલી રહ્યો છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને જ સરકારને કહ્યું હતું કે હિંસક પૉર્નને કારણે સ્ત્રીઓ સામે હિંસાના બનાવોને ઉત્તેજન મળે છે,તેથી તેના પર પ્રતિબંધ જરૂરી છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે પણ સુનીતા કૃષ્ણનન અને એક વકીલની અરજીના આધારે 2015માં સરકારને આવા જ પ્રતિબંધ માટેની ભલામણ કરી હતી.
તે વખતે ટેક્નિ્કલ બાબતોના નિષ્ણાત સુરેશ શુક્લાએ 857 પૉર્ન વેબસાઇટ્સની યાદી બનાવીને કોર્ટને આપી હતી. આ યાદીના આધારે સરકારે પ્રતિબંધની કાર્યવાહી કરી હતી.
જોકે, લોકોના વિરોધના કારણે થોડા જ દિવસોમાં પ્રતિબંધ હટી ગયો. તેનું કારણ એ હતું કે પ્રતિબંધ માટે તૈયાર કરાયેલી યાદી કેવી રીતે તૈયાર થઈ હતી તે જાહેર કરવામાં આવ્યું નહોતું.
આ જ સવાલ મેં સુરેશ શુક્લાને પૂછ્યો ત્યારે તેઓ પણ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
તેઓ કહે છે, "અમે એવી વેબસાઇટ્સની યાદી તૈયાર કરી હતી, જેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો હતો. પરંતુ કેટલીક વેબસાઇટ્સ એવી પણ હતી જે વિદેશમાં પણ બહુ જોવાતી હતી. એક રીતે તે બહુ વૈજ્ઞાનિક નથી, પણ તે બધી છે તો પૉર્નોગ્રાફી જ."
યાદી બનાવવા માટે જે પણ બાબતોનો આધાર લેવાયો હોય પણ યાદીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ પ્રતિબંધ મૂકવાની વાત આવી ત્યારે આ જ યાદી આધારરૂપ બની હતી.
આજે લગભગ 830 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મુકાયેલો છે. જોકે, ઇન્ટરનેટપર પ્રૉક્સી વેબસાઇટ્સ બનાવવી મુશ્કેલ નથી.
તેના કારણે વ્યવહારમાં આવા પ્રતિબંધની કેટલી અસર તે સવાલ ઊભો જ રહે છે.
બીજી સમસ્યા એ છે કે ઘણા બધા હિંસક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે.
પૉર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ છે, પણ સોશિયલ મીડિયાતે પ્રતિબંધમાંથી મુક્ત છે.
રાજેશ છારિયા 'ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ ઑફ ઇન્ડિયા'ના પ્રમુખ છે.
સરકારે મૂકેલા પ્રતિબંધનો અમલ કરવાની જવાબદારી સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓની હોય છે.
રાજેશ છારિયાના જણાવ્યા અનુસાર પ્રતિબંધથી ભાગ્યે જ કોઈફાયદો થશે.
તેઓ કહે છે, "આજકાલ પૉર્ન, બાળકો સાથેની હિંસા, યૌન હિંસા આ બધું કૉમ્પ્યુટર પર નહીં મોબાઇલ પર જોવામાં આવી રહ્યું છે."
"અમારું કહેવું છે કે આ બધું રોકવું હોય તો વૉટ્સઍપ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ આટલી લોકપ્રિય ઍપને બંધ કરવી મુશ્કેલ છે."
વૉટ્સઍપની લોકપ્રિયતા અને તેના પર ફેલાતી સામગ્રીની સમસ્યાનો નકાર થઈ શકે તેમ નથી.
અમે તેમને પૂછ્યું હતું કે તો પછી આવા વીડિયોને ફેલાતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
વૉટ્સઍપે અમને લેખિત જવાબમાં જણાવ્યું, "બળાત્કારના વીડિયો કે ચાઇલ્ડ પૉર્નોગ્રાફી માટે અમારા પ્લેટફૉર્મ પર કોઈ સ્થાન નથી."
"વૉટ્સઍપ કરોડો લોકો માટે વ્યક્તિગત વાતચીત માટેનું ભરોસાપાત્ર માધ્યમ છે પરંતુ અમારા માટે તે દુ:ખદ બાબત છે કે અમારી સેવાનો ઉપયોગ હાનિકારક સામગ્રીના પ્રચાર માટે થાય છે."
"આથી અમે આવા પ્રકારની સમસ્યાની ફરિયાદ કરવાની રીતને આસાન બનાવી છે."
"એકાઉન્ટ બેન કરવા સહિતની કાર્યવાહી અમે કરી શકીએ તે માટે આ પગલાં લેવાયાં છે."
"કાયદાપાલનની ભારતીય એજન્સીઓ દ્વારા અમને ગુનાની તપાસ માટે સૂચના આપવામાં આવે છે, ત્યારે તે કાયદાકીય અને વ્યાજબી હોય ત્યારે અમે તે સૂચનાનું પાલન પણ કરીએ છીએ."
વૉટ્સઍપ, ફેસબુક અને યૂટ્યુબ પર પ્રાઇવસી ભંગના નિયમોનો આધાર લઈનેઆવા વીડિયોને હટાવી શકાય છે.
કિસલય ચૌધરી પોતાને 'એથિકલ હેકર' એટલે કે નૈતિક બાબતો ખાતર કૉમ્પ્યૂટર હેક કરનારા ગણાવે છે.
બિહારમાં ઉછરેલા કિસયલ 'ઇન્ડિયન સાઇબરઆર્મી'ના સ્થાપક છે.
તેમણે એક હેલ્પલાઇન શરૂ કરી છે. તેઓ યૂઝર્સને ટેક્નિકલ મદદકરે છે અને દિલ્હી પોલીસ સહિત ઘણી એજન્સીઓને સાઇબર ક્રાઇમની તપાસમાં મદદ પણ કરેછે.
કિસલયના જણાવ્યા અનુસાર કોઈ વીડિયો પીડિતાની સહમતી વિનાઅપલોડ કરવામાં આવ્યો હોય અને ખાનગીપણાનો ભંગ થતો હોય તો તેને હટાવી શકાય છે.
જોકે, વીડિયો હટાવી દેવાથી સમસ્યાનો અંત આવી જતો નથી.
કિસલય કહે છે કે સાઇબર ક્રાઇમમાં પીડિતાને પૂર્ણ રીતે રાહતમળે તેવું શક્ય બનતું નથી.
તેઓ કહે છે, "વીડિયો બનાવનારો તેને ફરીથી અપલોડ કરી દેતો હોય છે. જેમણે વીડિયો જોયો અને ડાઉનલોડ કરી લીધો, તે પણ પોતાની રીતે ફરી તેને અપલોડ કરી શકે છે."
"સાઇબર ક્રાઇમમાં કામ કરતા પોલીસ અધિકારીઓને પૂરતા પ્રમાણમાં તાલીમ આપવામાં આવી નથી."
"તેના કારણે તેઓ પુરાવા એકઠા કરી શકતા નથી અને ઘરપકડો પણ કરી શકતી નથી."
બીજી સમસ્યા એ છે કે એકવાર ઇન્ટરનેટ પર કોઈ વસ્તુ ચડી ગઈ હોય, તે પછી તેને સંપૂર્ણપણે હટાવી દેવી લગભગ અશક્ય છે.
ખાસ કરીનેતેને જોનારા લોકોની મોટી સંખ્યા હોય ત્યારે આ સમસ્યા ઉકેલવી મુશ્કેલ છે.
સેક્સ અંગે મુક્ત ચર્ચા માટે પ્રયાસો કરનારા પારોમિતા વોહરાના જણાવ્યા અનુસાર પૉર્ન જોવાની ઇચ્છાને નકારવી એ જ આપણી સૌથી મોટી ભૂલ છે.
તેઓ 'એજન્ટ્સ ઑફ ઇશ્ક' નામની વેબસાઇટ ચલાવે છે, જેની ટૅગલાઇન છે, 'અમે આપીએ છીએ સેક્સને એક સારું નામ.'
પારોમિતા દેશભરમાં અલગ-અલગ આર્થિક પરિસ્થિતિમાંથી આવનારા, અલગ-અલગ જાતીયતા ધરાવતા લોકોના અનુભવોને એકત્ર કરવાનું કામ કરે છે.
તેનાં ગીતો, વીડિયો અને પૉડકાસ્ટ પણ પોતાની વેબસાઇટ પર મૂકે છે.
તેમના જણાવ્યા અનુસાર સેક્સને હિંસક રીતે જોવામાં આવે છે, ત્યારે માણસને એમ લાગે છે કે હિંસામાં જ સૌથી વધુ મજા છે.
જેના કારણે તે સંવેદનહિન થવા લાગે છે. તેના મનમાં સ્ત્રીની ઇચ્છાની કોઈ કદર રહેતી નથી.
તેથી પારોમિતા મરજી માટે એટલે કે 'કન્સેન્ટ' માટેના વીડિયો બનાવે છે, કેમ કે મરજી વિરુદ્ધ થતું હોય ત્યારે જ સેક્સ હિંસક બને છે.
પારોમિતા કહે છે, "મરજીની વાતને સમજવી એટલી આસાન નથી અને હા એટલે હા અને ના એટલે ના છે તેટલી વાત સહેલી નથી."
"અસલ જિંદગીમાં કોઈને રાજી કરવાની વાત ઘણી લાંબી પ્રક્રિયાનો ભાગ હોય છે. 'ખબર નથી'નો અર્થ આગળ જતા હા પણ થઈ શકે છે અને ના પણ થઈ શકે છે."
આવી વાતચીતમાં સમય લાગતો હોય છે અને ડૉક્ટર બંસલે જણાવ્યું તે પ્રમાણે નાની ઉંમરથી સમસ્યા હોય છે.
તેમની પાસે આઠ-નવ વર્ષના બાળકોના કિસ્સા પણ આવે છે, તે ધ્યાનમાં લેતા નાની ઉંમરેથી વાતચીત શરૂ કરવી પડશે.
'એજન્ટ્સ ઑફ ઇશ્ક' ઑનલાઇનના બદલે વાસ્તવિક જગતમાં અને નિમ્ન મધ્યમવર્ગના વિસ્તારોમાં જઈને આખું વર્ષ ચાલતા વર્કશૉપ્સનું આયોજન કરે છે.
પૂણેમાં 'ઈક્વલ કમ્યૂનિટી ફાઉન્ડેશન'ના માધ્યમથી આપ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.
આ વર્કશૉપ્સમાં પૉર્ન ઉપરાંત ઉંમર વધવા સાથે કેવી સમસ્યાઓ ઊભી થાય છે તેની પણ ચર્ચા થાય છે.
ખાસ કરીને રોજબરોજની બાબતોની માહિતી, ઘરનું કામ કેવી રીતે કરવું, લગ્ન અંગેના નિર્ણયો છોકરીઓને પોતાની રીતે લેવા દેવા જોઈએ, યુવતીઓ સાથે કેવો યોગ્ય વ્યવહાર કરવો જોઈએ, પોતાની સાથે થતી જાતીય હિંસા માટેપોતે જવાબદાર નથી તેવી જાગૃત્તિ યુવતીઓને આપવી, વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
આવા વર્કશૉપ્સમાં એક વર્ષથી આવી રહેલા બે છોકરાઓ સાથે મેં વાતચીત કરી હતી. એકે જણાવ્યું કે તેની માન્યતા હતી કે ઘરનું કામ માત્ર છોકરીઓએ જ કરવું જોઈએ. પણ હવે તે પોતાનું કામ જાતે કરતો થયો છે. પોતે પણ વાસણ અને કપડાં ધોવાનું કામ કરે છે, જેથી બહેન બહાર જઈને રમી શકે.
બીજા કિશોરે કહ્યું કે તે પોતાના દોસ્તોની ચઢવણીથી એવું માનતો હતો કે છોકરીઓ સાથે મારપીટ કરવી યોગ્ય છે. પણ હવે તેને સમજાયું છે કે ખરાબ વાતો કરવી કે છેડતી કરવી તે પણ એક પ્રકારની હિંસા છે. યુવતીને ના પસંદ હોય તેવું વર્તન ના કરવું જોઈએ. તે અસહમતી જ છે.
એક વિશાળ સમસ્યાના ઉકેલ માટે આવા નાના નાના પ્રયાસો પરિવર્તન માટેની એક શરૂઆત સાબિત થઈ શકે છે.
મોબાઇલ ફોન પર યૌન હિંસાના વીડિયો ફેલાતા રોકવા માટે આપણી પાસે ત્રણ પ્રકારના ઉપાયો છે - ટેક્નિકલ, સેક્સ ઍજ્યુકેશન અને મુક્તપણે ચર્ચા.આ ત્રણેય ઉપાયોને એકસાથે અજમાવવા પડશે.
આવા ઉપાયો કરાશે તો જ સ્ત્રીઓ તરફના મૂળભૂત વલણોમાં ફેરફાર આવશે. તેની શરૂઆત ઘરમાં કામકાજમાં ફાળો આપવાથી શરૂ કરીને હિંસાની વ્યાખ્યાને યોગ્યરીતે સમજી લેવાથી પણ થઈ શકે છે.
લેખક- દિવ્યા આર્ય
ઇલસ્ટ્રેશન્સ- પુનિત બરનાલા
તસવીરો- કાશિફ સિદ્દીકી
શોર્ટહેન્ડ- શાદાબ નાઝમી








