આ રીતે ટી-20 વર્લ્ડકપમાં વિરાટસેના માટે છે કપરાં ચઢાણ

તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2020માં ઑસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમની વિગતો જાહેર કરી હતી.

વળી બીજી તરફ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ન્યૂ ઝિલેન્ડ સામે ટી-20 ટુર્નામેન્ટ રમી રહી છે.

ઉપરાંત પહેલી વખત મહિલા અને પુરુષ ટી-20 વર્લ્ડ કપ એક જ વષે એક જ દેશમાં યોજાશે અને બેઉની ફાઇનલ મૅચ ઐતિહાસિક મૅલબર્ન ગ્રાઉન્ડ પર યોજાશે.

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2020માં વિશ્વની ટોચની દસ ટીમો ભાગ લશે. જેમની વચ્ચે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2020 સુધીમાં 23 મૅચ રમાશે.

પુરુષ ટી-20 વર્લ્ડ કપની મૅચ ઓક્ટોબર 18થી 15 નવેમ્બર દરમિયાન રમાશે. ભારતની પ્રથમ મેચ ઓક્ટોબર 24 દક્ષિણ આફ્રિકા સામે પર્થમાં રમાશે.

આ ટી-20 વર્લ્ડ કપમાં ટોચની આઠ ટીમને સીધો પ્રવેશ મળેલો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ નવ અને દસ સ્થાને છે. બાકીની 6 ટીમને ક્વોલિફાય થવા માટે માટેની મૅચ 2019માં રમાશે. ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીમાં આમ કુલ આખરની 12 ટીમો રહેશે.

ટીમ ઇન્ડિયા માટે 'વિરાટ' કસોટી

ઑસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં ભારતના ગ્રૂપમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન હાલ નિશ્ચિત છે. આમ આ ગ્રૂપમાં હાલ ટોચની પાંચ પૈકી ભારત સહિત ચાર ટીમો છે.

જેને નબળી કહેવામાં આવે છે તે અફનિસ્તાન આઇસીસી રૅન્કિંગમાં આઠમા ક્રમે છે. જોકે, જે રીતે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેને પછાડીને સીધું ક્વોલિફાય થયેલું છે, એ જોતાં એને નબળી ટીમ ગણાવાની ભૂલ કોઈ ન કરી શકે.

જે રીતે અફઘાન ટીમે પ્રગતિ કરી છે તે જોતાં અનેક રીતે તેને નબળી નહીં પણ 'ડાર્ક હોર્સ' માનવામાં આવે છે. અફઘાનિસ્તાન પાસે કોઈ પણ મૅચનું પાસું પલટી શકે એવા ઑલ રાઉન્ડર મોહમ્મદ નબી છે, જે આખી દુનિયામાં રૅન્કિંગમાં ત્રીજા ક્રમે છે. આ સિવાય સમિમુલ્લાહ પણ છે. બૅટિંગમાં મોહમ્મદ શાહઝાદ જેવા ધરખમ વિકેટકીપર બૅટ્સમૅન પણ છે.

ટૂંકમાં ભારતના ગ્રૂપમાં દુનિયાની ટોચની પાંચેપાંચ ટીમો રમી રહી છે એમ કહી શકાય.

આ આ ટીમોમાં એવા ખેલાડીઓ છે જે કોઇપણ મૅચનું પાસું પલટી શકે એમ છે.

આમ, આ ગ્રૂપમાં બૅટિંગ રૅન્કિંગ મુજબ અહીં ટોચના દસ ગણાતા ન્યૂ ઝિલૅન્ડના કોલિન મુનરો, ભારતના લોકેશ રાહુલ, ઇંગ્લૅન્ડના એલેક્સ હેક્સ છે.

બૉલિંગમાં જોઈએ તો કુલદીપ યાદવ, ઇશ સોઢી અને આદિલ રશીદ અને ઇમરાન તાહિર આ ગ્રૂપમાં છે.

વળી, આ સ્થિતિ હજુ ક્વોલિફાય થનારી પાંચમી ટીમના આગમન પૂર્વેની છે.

આમ વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીના સ્ટાર ખેલાડીઓ ધરાવતી ભારતની ટીમ માટે રસ્તો સહેલો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

પુરષ ટી-20 વર્લ્ડ કપ ભારતની મૅચની વિગતો

  • પ્રથમ મૅચ દક્ષિણ આફ્રિકા સામે પર્થમાં 24 ઓક્ટોબર, શનિવારના રોજ રમાશે
  • બીજી મૅચ ગ્રૂપ-એની બીજા નંબરની ક્વોલિફાય ટીમ સામે મૅલબર્નમાં 29 ઓક્ટોબર, ગુરુવારના રોજ
  • ત્રીજી મૅચ ઇંગ્લૅન્ડ સામે મૅલબર્નમાં 01 નવેમ્બર, રવિવારનાના રોજ
  • ચોથી મૅચ ગ્રૂપ-બીની પહેલા નંબરની ક્વોલિફાય ટીમ સામે મૅલબર્નમાં 5 નવેમ્બર, ગુરુવારના રોજ
  • પાંચમી મૅચ અફઘાનિસ્તાન સામે 08 નવેમ્બરે, રવિવારનાના રોજ રમાશે.
  • પ્રથમ સેમી ફાઇનલ 11 નવેમ્બર, બુધવારે સિડનીમાં રમાશે
  • બીજી સેમી ફાઇનલ 12 નવેમ્બર, ગુરુવારે ઍડિલેડમાં રમાશે
  • ફાઇનલ 15 નવેમ્બર, રવિવારે મૅલબર્નમાં રમાશે.

મહિલા ટી-20 વર્લ્ડ કપ ભારતની મૅચની વિગતો

  • પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા સામે, 21 ફ્રેબ્રુઆરી, શુક્રવારે સિડનીમાં રમાશે.
  • બીજી મૅચ ક્વોલિફાયર-1 સામે, 24 ફ્રેબ્રુઆરી, સોમવારે પર્થમાં રમાશે.
  • ત્રીજી મૅચ ન્યૂ ઝિલૅન્ડ સામે, 27 ફ્રેબ્રુઆરી, શુક્રવારે મૅલબર્નમાં રમાશે.
  • ચોથી મૅચ ઑસ્ટ્રેલિયા સામે, 29 ફ્રેબ્રુઆરી, શનિવારે મૅલબર્નમાં રમાશે.
  • પ્રથમ સેમી ફાઇનલ 5 માર્ચે, ગુરુવારે સિડનીમાં રમાશે
  • બીજી સેમી ફાઇનલ 5 માર્ચે, ગુરુવારે સિડનીમાં રમાશે
  • ફાઇનલ 8 માર્ચે શનિવારે મૅલબર્નમાં રમાશે.

ચાર વાર ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે મહિલા ટીમની આકરી કસોટી

મહિલા ટીમની વાત કરીએ તો હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના, મિતાલી રાજ જેવા સ્ટાર ખેલાડી ધરાવતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દેખાવ મહત્ત્વપૂર્ણ રહેશે.

ઉલ્લેખનીય છે કે મહિલા ટીમ આઇસીસીના 2018ના રૅન્કિંગમાં ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝિલૅન્ડ, વેસ્ટ ઇંડિઝ પછી ભારત ચોથા સ્થાને છે.

ભારતનો પ્રથમ મુકાબલો મહિલા ક્રિકેટની ચૅમ્પિયન ગણાતી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે એમની જ ધરતી પર થવાનો છે. ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 10 વર્ષમાં ચાર વાર આ ચૅમ્પિયનશિપ જીતી ચૂકી છે. ભારતની ટીમ મજબૂત તો ગણાય છે પણ આ ચાર વખત વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો અને ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇંડિઝનો તે કેવી રીતે મુકાબલો કરશે તે રસપ્રદ રહેશે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો