રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા ઉપર રાજકીય ખેંચતાણ

    • લેેખક, નારાયણ બારેઠ
    • પદ, જયપુરથી, બીબીસી હિન્દી માટે

રાજસ્થાનમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ અલ્પસંખ્યકોના પુનર્વસનની માંગ એ ચૂંટણીનો મુદ્દો બન્યો છે.

ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેમના કલ્યાણનો વાયદો કર્યો છે, પરંતુ પાકિસ્તાનથી ભારતમાં નાગરિકતાની ઉમેદ સાથે આવેલા આ હિંદુઓનું કહેવું છે કે ભાજપે તેમને નિરાશ કર્યા છે.

ભાજપ કહે છે કે કોંગ્રેસ તો બાંગ્લાદેશી અને બર્માના ઘૂસણખોરો માટે અવાજ ઉઠાવતો આવ્યો છે અને તેને ક્યારથી હિંદુઓની ચિંતા થવા માંડી?

આ હિંદુઓ માટે અવાજ બુલંદ કરતા રહેતા છેવાડાના લોકોના સંગઠન મુજબ, પાકિસ્તાનથી આવેલા આવા સાત હજાર લોકો છે જેઓ ભારતની નાગરિકતા ઇચ્છે છે.

કેન્દ્રે નાગરિકતા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી પાંચસો લોકોને જ ભારતની નાગરિકતા મળી શકી છે.

નાગરિકતાના વાયદા

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિકતાનો વાયદો કર્યો છે, પરંતુ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વિસ્થાપિતોને 'સર્વાંગી વિકાસ'નું વચન આપ્યું છે.

કોંગ્રેસે આ પાકિસ્તાની હિંદુઓ માટે એક કમિશનની રચના કરવાનો વાયદો કર્યો છે.

રાજસ્થાનમાં આ પહેલાં વર્ષ 2004-5માં 13 હજાર પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

આ પહેલાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ મોટી સંખ્યામાં હિંદુ અલ્પસંખ્યકો આશરાની આશાએ સરહદ પાર કરીને આ તરફ આવી ગયાં હતાં.

આ રીતે રણવિસ્તાર ધરાવતાં જિલ્લાઓમાં તેમની ખાસ્સી એવી સંખ્યા છે.

શું કહે છે આ લોકો ?

પાકિસ્તાનમાં પંજાબના રહીમયાર ખાન જિલ્લામાંથી આવેલા ગોવિંદ ભીલ હવે ભારતના નાગરિક છે.

તેમને લગભગ દોઢ દશકા પહેલા ભારતની નાગરિકતા મળી ગઈ હતી, પરંતુ હજુ તેમના ઘણાં સ્વજનો ભારતમાં આશ્રય લીધો હોવા છતાં નાગરિકતા માટે વિનવણી કરી રહ્યાં છે.

ગોવિંદ ભીલે બીબીસીને કહ્યું, "ભાજપ પાસે ઘણી આશા હતી, પરંતુ ભાજપે આશાઓ ઉપર પાણી ફેરવી દીધું.''

''આની વિરુદ્ધ કોંગ્રેસના ઢંઢેરામાં અમારી સમસ્યાઓ ઉપર વધારે કંઈક કરવાનો વાયદો કર્યો છે. ભાજપે અમારા પુનર્વસન ઉપર કોઈ ખાસ કામ નથી કર્યું."

ભીલ કહે છે, "દેખીતું છે અમારા લોકો કોંગ્રેસ તરફી વલણ રાખશે."

સીમાંત લોકોના સંગઠનના અધ્યક્ષ હિંદુ સિંહ સોઢા એક સમયે પોતે પણ પાકિસ્તાનથી ભારત આવીને વસ્યા હતા.

સોઢા કહે છે, "કોંગ્રેસે અમારા તમામ મુદ્દાઓ ઉપર યોગ્ય રીતે પોતાની પ્રતિબદ્ધતા સ્વીકારી છે, પરંતુ ભાજપે આ હિંદુ વિસ્થાપિતોની ઉપેક્ષા કરી છે.''

''આનાથી અમારા લોકો નિરાશ થયા છે, કારણ કે તેમને ભાજપથી વધારે આશાઓ હતી."

સોઢા કહે છે કે કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા એક આદેશ પ્રકાશિત કરીને આ સમુદાયના પુનર્વાસનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે એના અમલીકરણની ઝડપ અત્યંત ધીમી રહી.

ભારતીય બંધારણ મુજબ, ભારતમાં સાત વર્ષના વસવાટ પછી જ કોઈ પાકિસ્તાની હિંદુ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

ઘણાં લોકોને પરત મોકલવામાં આવ્યા હતા

કેન્દ્ર સરકારે આ હિંદુઓ માટે લાંબી અવધિના વિઝા આપવાની માંગ સ્વીકારી લીધી હતી.

આ અંતર્ગત તેમને નાગરિકતા ના મળવા છતાં ભારતમાં નોકરી-વ્યવસાય કરવાની છૂટ મળી ગઈ હતી.

આ હિંદુઓમાં મોટેભાગના દલિતો છે અથવા પછી ભીલ આદિવાસી સમુદાયમાંથી છે. આમાંથી દરેક પાકિસ્તાનમાં ધાર્મિક શોષણ અને ભેદભાવની વાત કહે છે.

ગત વર્ષે પોલીસે જોધપુરમાં એક ભીલ પરિવારના નવ સભ્યોને જબરદસ્તી પાકિસ્તાન પાછા મોકલી દીધાં હતાં.

આ મુદ્દે ઘણો હોબાળો પણ થયો હતો અને સંગઠનના લોકો આ બાબતને રાજસ્થાન હાઈકોર્ટ સુધી ગયાં હતાં.

હાઈકોર્ટે ચંદુ ભીલ અને તેમના સ્વજનોને પાકિસ્તાન મોકલવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ આદેશ ઉપર અમલ થતાં પહેલા જ અધિકારીઓએ ચંદુ ભીલ અને પરિવારને થાર એક્સપ્રેસથી રવાના કરી દીધાં હતાં.

પછીથી હાઈકોર્ટે જાતે જ આ વિસ્થાપિતોની લાચારીને ધ્યાને લીધી અને સરકારને જરૂરી આદેશો આપ્યા.

આ હિંદુઓમાંથી એક ગોવિંદ ભીલ કહે છે, "ચંદુ અને તેમનો પરિવાર વિનવણીઓ કરતો રહ્યો, પરંતુ કોઈનું હૃદય પીગળ્યું નહીં.''

''આવું પહેલી વાર બન્યું હતું કે આશરાની આશાએ આવેલાં કોઈ હિંદુને જબરદસ્તી પેલી તરફ મોકલી દેવામાં આવ્યા હોય."

શું કહે છે રાજકીય પક્ષો?

રાજ્ય કોંગ્રેસના સચિવ સુશીલ આસોપા કહે છે, "કોંગ્રેસને ખબર છે કે આ લોકો નબળા વર્ગોમાંથી આવે છે અને આમની આર્થિક હાલત પણ સારી નથી.''

''આથી એક કમિશનની રચના કરીને આમના સંપૂર્ણ પુનર્વાસની વાત કરવામાં આવી છે."

તેઓ કહે છે કે ભાજપે આ વિસ્થાપિતો માટે કંઈ નથી કર્યું. આ બાબતે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ ઉપર વળતો હુમલો કર્યો છે.

ત્રિવેદીએ બીબીસીને જણાવ્યું, "કોંગ્રેસે પાકિસ્તાનથી આવેલા હિંદુ અને શીખ સમુદાયના લોકોના કામમાં અવરોધ ઊભા કર્યાં હતાં, કારણ કે અમારી રાજ્યસભામાં બહુમતી નથી''

''એટલે નાગરિકતા કાનૂનમાં ફેરફાર ના થઈ શક્યો, છતાં પણ સરકારે વિઝાના નિયમોમાં ફેરફાર કરીને આ વિસ્થાપિતો માટે લાંબા ગાળાના વિઝા આપ્યાં.''

''હવે તેઓ પેન કાર્ડ લઈ શકે છે, નોકરી કરી શકે છે, જમીન-મિલકત ખરીદી શકે છે, એટલે કે મતદાન સિવાય તેમને તમામ સગવડો આપવામાં આવી છે."

સુધાંશુ ત્રિવેદી કહે છે કે 'ભાજપ આ મુદ્દા ઉપર સંપૂર્ણપણે સંવેદનશીલ છે અને જે પણ જરૂરી હશે, એ કરવામાં આવશે."

ભાજપ પ્રવક્તા ત્રિવેદી કોંગ્રેસ ઉપર નિશાન તાકતા કહે છે, "હું પૂછવા માંગુ છું એ લોકોને, જેમનું હૃદય બાંગ્લાદેશી ઘૂસણખોરો અને બર્માના રોહિંગ્યા મુસલમાનો માટે ધબકે છે, પરંતુ પાકિસ્તાનથી આવેલાં હિંદુ અને શીખો માટે તેઓએ કેમ કંઈ કશું ના કર્યું?"

આ પાકિસ્તાની હિંદુઓનો વસવાટ રાજસ્થાનના જોધપુરમાં છે, જ્યાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યાં છે.

ધરતી બંને તરફ એક સરખી છે, પરંતુ એક કાંટાળી વાડ રણવિસ્તાર ઉપર બંને દેશોની સીમા રેખા બનાવે છે.

એ તરફ પણ સૂરજનો ઉજાસ છે અને હવા ફરકે છે, પરંતુ આ હિંદુ વિસ્થાપિતો કહે છે કે કંઇક તો મજબૂરી હશે, કોઈ કારણ વગર પોતાના ઘર-ઠેકાણાં નથી છોડતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો