BBC EXCLUSIVE: માલદીવના સેનાપ્રમુખે કહ્યું, 'અમે ભારતની વિરુદ્ધ નથી'

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા પાડોશી દેશ માલદીવમાં શનિવારે મોટી રાજકીય ઊથલપાથલ થઈ હતી.

માલદીવમાં સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પછી વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને ચૂંટણીમાં હરાવ્યા હતા.

માલદીવમાં ચીનની દખલગીરી વઘી ગઈ છે. અગાઉ ભારત માલદીવનો સૌથી નજીકનો દેશ હતો.

શું વડા પ્રધાન મોદીની માલદીવ મુલાકાત બન્ને દેશો વચ્ચેનું અંતર ઘટાડી શકશે?

આ તમામ મુદ્દાઓ અંગે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે માલદીવના સેના પ્રમુખ મેજર જનરલ અહમદ શિયામ સાથે વાત કરી.

હિંદ મહાસાગરમાં ચીનનો પ્રભાવ

ચીન ખૂબ જ શક્તિશાળી, ઉદ્યોગીકરણ તરફે ઝુકાવ ધરાવનાર વિશાળ દેશ છે.

ચીન વેપારને પ્રોત્સાહન આપવા સુરક્ષા ક્ષેત્રે નવા માર્ગની શોધમાં છે.

માલદીવ હિંદ મહાસાગરની વચોવચ છે, અહીંયાથી હજારો જહાજ પસાર થાય છે.

અહીંયા સ્વતંત્રતા જરૂરી છે, અહીંયા માનવતાના ઉદેશ્ય સાથે થઈ રહેલા કામોમાં અવરોધ ન સર્જાવો જોઈએ.

કોનો અવરોધ?

આપણે પોતાના વિસ્તાર અને પાણીમાં જંગલી કાયદાઓ લાદવા ન જોઈએ.

આપણે બીજાની સંવેદનશીલતાની તકેદારી રાખવી જોઈએ.

ચીન, ભારત, યુરોપના દેશો અને અમેરિકા જેવા દેશોએ અન્ય દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ યોગદાનો ફાયદો આ દેશોને પણ મળશે.

તમે આ વાંચ્યું કે નહીં?

હિંદ મહાસાગારમાં ટકરાવનું કારણ માલદીવ?

ઑગસ્ટ મહિનામાં માલદીવ અંગે ભારતે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી હતી.

એવી ચર્ચા હતી કે માલદીવમાં ઇમર્જન્સી લાગુ થઈ ત્યારે અથડામણની શક્યતા હતી.

માલદીવ હિંદ મહાસાગરમાં અન્ય રાષ્ટ્રો માટે ટકરાવનું કારણ બની શકે કે નહીં?

આ પ્રશ્નના જવાબમા મેજર જનરલ શિયામે કહ્યું કે માલદીવમાં જે કઈ પણ થયું તે સ્થાનિક સમસ્યા હતી.

કેટલીક બાબતો જેવી રીતે દર્શાવવામાં આવે, તેનાથી હકીકત વિપરીત હોઈ શકે છે.

લોકો પોતાના ફાયદા માટે નિવેદનો કરતા હોય છે, મારા મતે ભારત અને માલદીવના સંબંધો ખૂબ જ સારા છે.

'ભારતે હંમેશા મદદ કરી'

મારા મતે સેનાના દૃષ્ટિકોણથી જો કોઈ દેશ માલદીવની મદદ કરી શકે, તો તે દેશ ભારત છે. ભારતે હંમેશાં માલદીવની મદદ કરી છે.

આર્થિક અને શૈક્ષણિક રીતે પણ ભારતે માલદીવની મદદ કરી છે.

ચીનનો દૃષ્ટિકોણ ફક્ત વેપાર, આર્થિક વિકાસ અને મૂળભૂત યોજનાઓ પૂરતો છે.

માલદીવના વિકાસની દૃષ્ટિએ ચીન અને ભારતની સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ. જોકે, સૈન્ય ભાગીદારીની પસંદગીમાં અમારે સાવચેત રહેવાની જરૂર છે.

ચીનની સૈન્ય ભૂમિકા

માલદીવમાં ચીનની સેના અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે માલદીવમાં ચીનની વધુ પડતી સેના અંગે મીડિયામાં ખોટી બાબતો દર્શાવાઈ છે.

'માલદીવે પોતાના બે દ્વીપ ચીનને વેચી નાખ્યા.' આ પ્રકારના સમાચારો હું કાયમ જોઉં છું. જોકે, આ સમાચારો સત્યથી વેગળા છે.

અમે વિદેશી શક્તિઓને પોતાની જમીન નહીં સોંપીએ.

માલદીવમાં 'એક દ્વીપ, એક હોટલ' અમારી નીતિ છે, કારણ કે અમારા કેટલાક દ્વીપ ફૂટબૉલ મેદાનથી નાના છે.

પર્યટન વિભાગની યોજના મુજબ, આ દ્વીપને કેટલાક સમય માટે લિઝ પર લઈ શકાય છે.

આ યોજના ચીન, ભારત, યુરોપ માટે જુદીજુદી નથી. તમામ દેશ માટે અમારી નીતિ સરખી છે.

આમાં ભાડા પટ્ટા જેવું છે, તેની સાથે સેનાને કઈ લેવાદેવા નથી.

માલદીવ ભારતીયો વિરુદ્ધ નથી

ભારતના નાગરિકો અને ભારતે આપેલો સામાન પરત મોકલવાની ઘટના વિશે મેજર જનરલ શિયામે વધુમાં જણાવ્યું હતું કે અમે શ્રેષ્ઠ વિકલ્પ તરફ જવા માગતા હતા.

કોઈ પણ દેશ સ્વાભાવિકપણે આવું ઇચ્છશે. અમારા દ્વીપમાં નાની-નાની હવાઈ પટ્ટીઓ તૈયાર થઈ છે, જેથી અમારી એવી ઈચ્છા હતી કે, હેલિકૉપ્ટરોના સ્થાને વિમાનનો ઉપયોગ થાય.

ભારતના વિરોધી નથી?

બિલકુલ નથી. અમે કેટલીક બાબતો જાતે કરવા માગીએ છીએ.

વારંવાર કોઈને પૂછવા કરતાં અમારે ખૂબ જ જલ્દી પગભર થવું પડશે.

પ્રક્રિયા સમાપ્ત થઈ ?

વિમાની સેવા વિશે તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા ચાલુ છે.

ગત વર્ષે અમને ડૉર્નિયર વિમાનની દરખાસ્ત અપાઈ, ત્યારે અમે પાઇલટને ટ્રેનિંગ અપાવી હતી.

વિમાન આવશે ત્યારે પાઇલટ પણ તૈયાર હશે.

અમારે તમામ પડકારોને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે. મિત્રોની મદદથી આત્મનિર્ભર બનવાનું આ ઉત્તમ ઉદાહરણ છે.

હું એવી માન્યતા નથી ધરાવતો કે અમે અમારી જવાબદારીઓ અંગે કોઈને વારંવાર પૂછીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો