You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પાઇડરમૅન, ઍક્સમૅનના જનક સ્ટેન લીનું 95 વર્ષની વયે નિધન
અમેરિકન પ્રસિદ્ધ લેખક અને માર્વેલ કૉમિક્સના પ્રૅસિડેન્ટ સ્ટેન લીનું 95 વર્ષની વયે અવસાન થયું છે.
સ્ટેન લીએ માર્વેલ કૉમિક માટે 'ધ ફૅન્ટાસ્ટિક ફોર,' 'સ્પાઇડર મેન,' 'ધ ઍવેન્જર્સ,' અને 'ઍક્સમેન' નામનાં જાણીતાં પાત્રોનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
આ સુપ્રસિદ્ધ કૉમિક બુક્સના લેખકનું નિધન લૉસ ઍન્જલસમાં આવેલા સિડર સિનાઇ મેડિકલ સેન્ટરમાં થયું હતું.
સ્ટેન લીનાં પત્નીનું 2017માં 95 વર્ષની વયે જ નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમનાં પુત્રી જેસી લી છે.
યૂએસ મેડિકલ રિપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી લી વારંવાર બીમાર રહેતા હતા, તેમને ન્યૂમોનિયાની બીમારી હતી.
સ્ટેન લી માર્વેલની દરેક ફિલ્મમાં નાના રૉલ કરવા માટે પણ પ્રસિદ્ધ હતા.
જોકે, તેમણે માર્વેલ કંપની 1972માં જ છોડી દીધી હતી પરંતુ તેઓ કંપનીના માનદ ચૅરમૅન પદે હતા.
કોણ હતા સ્ટેન લી?
રોમાનિયાથી અમેરિકા આવેલા એક યહૂદી પરિવારમાં 1922માં સ્ટેન લીનો જન્મ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટાઇમ્લી પબ્લીકેશનના કૉમિક્સ સેક્શનમાં સૌપ્રથમ નોકરીની શરૂઆત કરી હતી.
બાદમાં આ જ કંપની માર્વેલ કૉમિક્સમાં પરિવર્તિત થઈ હતી. લી માત્ર 18 વર્ષની ઉંમરે જ કૉમિક્સ એડિટર બન્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, તેમણે વર્ષો સુધી ક્રાઇમ, હૉરર અને પશ્ચિમના યુવકો અને કિશોરોને આકર્ષે તેવી ચિત્રવાર્તાઓ લખી હતી.
40 વર્ષની ઉંમરે લીએ આ કૉમિક્સ છોડી દેવાનું મન બનાવી લીધું હતું.
જોકે, તેમનાં પત્ની જ્હૉને તેમને પોતે હંમેશાં ઇચ્છતા હતા, એવાં પાત્રોનું સર્જન કરવા માટે કહ્યું હતું. જે બાદ તેમણે આ કામ ચાલુ રાખ્યું.
વર્ષ 1961માં સ્ટેન લી અને આર્ટિસ્ટ જૅક કિર્બીએ 'ધ ફૅન્ટાસ્ટિક ફોર,'નું સર્જન કર્યું.
જ્યારે ટાઇમ્લી પબ્લીકેશનનો સુર્વણકાળ શરૂ થયો, ત્યારે જ તેનું નામ બદલીને માર્વેલ કૉમિક્સ કરી દેવામાં આવ્યું.
આ સમયગાળામાં માર્વેલ કૉમિક્સમાં અનેક પ્રખ્યાત કૉમિક પાત્રોનું સર્જન થયું.
ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકામાં પ્રથમ વખત બ્લૅક પૅન્થર નામના સુપરહીરોનું સર્જન થયું. જે અમેરિકાનો પહેલો બ્લૅક સુપરહીરો હતો.
તેમના સુર્વણકાળમાં માર્વેલે એક વર્ષમાં 5 કરોડ કૉપીઓ વેંચતી હતી.
1971માં સ્ટેન લી ઍડિટર તરીકે નિવૃત્ત થયા તે પહેલાં તેમણે માર્વેલના કવર માટેની તમામ કૉપીઓ લખી હતી.
તેમની ગણના કૉમિક્સની દુનિયાના સૌથી મહાન વ્યક્તિ તરીકે થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો