#ThugsOfhindostan : 'પાયરટ્સ ઑફ કૅરેબિયનની પરફેક્ટલી વાટ લગાડી દીધી'

દિવાળીના મુરતમાં બહુચર્ચિત 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન' રજુ થઈ છે. એના પહેલા શો બાદ દર્શકોના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

આમીર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ જેવી ભારેખમ સ્ટારકાસ્ટ, વિઝ્યુલ ઇફેક્ટસ (વીએફએક્સ) માટે 300 કરોડનું તોતિંગ બજેટ હોવા છતાં ફિલ્મ એની ખાસ ચાલી નથી.

આ ફિલ્મ માટે પહેલીવાર આમીરખાન અને અમિતાભ બચ્ચન એક થયા હતા.

જેથી બોલિવૂડનાં મિસ્ટર પરફેક્સનિસ્ટ અને બોલિવૂડના મહાનાયક જે ફિલ્મ માટે એક થયા હોય એ ફિલ્મ પર પ્રેક્ષકોને ભરપૂર આશા હોય એ સ્વાભાવિક છે ,પણ પ્રેક્ષકોના ભાગે નિરાશા જ આવી છે.

ફિલ્મના બિઝનેસ વિશ્લેષક અને સમીક્ષક તરૂણ આદર્શ 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન'ને ફકત બે જ સ્ટાર આપે છે.

'દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી' આ શબ્દો સાથે તેમણે ફિલ્મનું વર્ણન કર્યું છે. કથાનક અને દિગ્દર્શનમાં ફિલ્મ સાવ પડીભાંગી છે એવું તેમણે ટ્વિટર પર કહ્યું હતું.

હસન ઓરિદ્રોએ કહ્યું કે, જો ધૂમ-3 ઓલટાઈમ વધુ કમાણી કરનાર બની શકતી હોય તો 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન' 300 કરોડ પાર કરશે તો મને આશ્ચર્ય નહીં થાય.

રોહિત કરકરેએ કહ્યું કે, આ ફિલ્મ છોડી દેવાનો ઋતિક રોશનનો નિર્ણય કાબિલેતારીફ ગણાશે, એણે પોતાની કરિયર બચાવી લીધી છે.

રોહિતની વાત પર પ્રતિક્રિયા આપતા જશન રંધાવા કહે છેકે, કાશ કે તેમણે જેટલું ધ્યાન જહાજો બાંધવામાં, સિસોટીઓમાં અને ઘંટમાં આપ્યું છે, એટલું વાર્તા પર પણ આપ્યું હોત. મોટા બજેટથી આપોઆપ ફિલમ સારી નથી બની જતી.

આમીર ખાન બોલિવૂડના મિસ્ટર પરફેક્સનિસ્ટ છે એ બાબતે કોઈ જ શંકા નથી કેમકે એમણે પરફેકટલી 'પાયરટ્સ ઑફ કેરેબિયન'ની વાટ લગાડી દીધી છે, એવું ડૉકટર ગિલ એમના ટ્વિટર અકાઉન્ટ પર લખે છે.

દરમિયાન આમીર ખાને ગઈકાલે રાત્રે ફેસબુક પર લાંબો મૅસેજ મૂકયો હતો, જેમાં તેમણે ખૂબ મહેનતથી અને પ્રેમથી ફિલ્મ બનાવી હોવાની વાત કરીને લોકો તેનો આનંદ માણશે એવી આશા વ્યકત કરી હતી.

તેમણે લખ્યું હતું કે આ ફિલ્મનો સંપૂર્ણ પ્રવાસ મારા માટે અવિસ્મરણીય છે. તમે બધાએ સરસ કામ કર્યું અને મને એ વાતની ખૂબ ખુશી છે કે હું ફિલ્મનો એક ભાગ બન્યો છું.

સોશિયલ મીડિયામાં આ ફિલ્મ બાબતે નકારાત્મક પ્રતિભાવ દેખાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો