આમિર ખાન 'સિક્રેટ સુપરસ્ટાર'માં સ્ટાર કેમ ન બન્યા ?

આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' એક કિશોરીના સપનાની કહાણી છે.

ફિલ્મમાં ઇનસિયા નામની 15 વર્ષની એક કિશોરી છે જેનું સપનું એક મોટી ગાયિકા બનવાનું છે.

ઇનસિયાના આ સપનાને હકીકતમાં બદલવા તેની મમ્મી અને ફ્લૉપ થઈ ચૂકેલા સંગીતકાર શક્તિકુમારને મદદ કરે છે.

ઇનસિયાની ભૂમિકામાં દંગલ ગર્લ ઝાયરા વસીમ છે. તો આમિર ખાન ફ્લૉપ સંગીતકાર શક્તિકુમારનું પાત્ર નિભાવી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

આમિર આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મને દિવાળીના સમયે રિલીઝ કરવામાં આવી છે.

આમિરે ઝાયરાને કેમ આગળ કરી?

આ જ સવાલ અમે ફિલ્મ સમીક્ષક અર્નબ બેનર્જીને પૂછ્યો.

તેમણે કહ્યું, "જે અભિનેતા સારા હોય છે તેમને 'જોખમ' એ જોખમ જેવું નથી લાગતું."

વધુમાં તેમણે ઉમેર્યું, "આમિર ખાન જાણે છે કે તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં 15 વર્ષની એક કિશોરી છે જે આમિર ખાનના માધ્યમથી સ્ટાર બને છે."

"રોલ નાનો હોવા છતાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જ છે."

અર્નબ બેનર્જી કહે છે કે આમિર ખાન સ્ટાર એક્ટર છે. સ્ટાર કલાકારને પોતાની ભૂમિકાથી મતલબ હોય છે.

તેમનો રોલ કેટલો મોટો છે, તેઓ સ્ક્રીન પર કેટલી વખત જોવા મળશે તેનાથી કોઈ ફેર નથી પડતો.

ફિલ્મની સ્ટોરી એક કિશોરી પર કેન્દ્રીત છે. પરંતુ આમિરની ભૂમિકાને પણ ઓછી આંકી શકાતી નથી.

દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવાનો ખતરો

એવું માનવામાં આવે છે કે દિવાળીના અવસર પર ફિલ્મ રિલીઝ કરવાથી ફાયદો મળતો નથી. તો પછી આમિરે આટલું મોટું જોખમ શા માટે ઉઠાવ્યું?

દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવી કેટલું મોટું જોખમ હતું? જેના જવાબમાં અર્નબ કહે છે કે આ એક ખૂબ જ મોટું જોખમ હતું.

તેઓ ઉમેરે છે "આમિર ખાનને કદાચ આત્મવિશ્વાસ હતો કે દિવાળી હોય કે તેના એક દિવસ પહેલા હોય આમિર ખાનના નામ પર લોકો આવશે જ."

"આ જોખમ ખૂબ મોટું હતું પણ આમિર સફળ સાબિત થયો."

ઝાયરાના સમર્થનમાં આમિર

આમિર ખાન ફિલ્મ પ્રમોશનના ફંડામાં માહેર છે.

ફિલ્મને કેવી રીતે વેચવી છે એ તેમને ખૂબ સારી રીતે આવડે છે.

ફિલ્મ માટે આમિર અલગ અલગ રણનીતિ બનાવે છે, જે એકદમ નવી અને સાથે સાથે પ્રભાવશાળી પણ હોય છે.

ફિલ્મ 'દંગલ'ના પ્રમોશન માટે આમિરે ફેટ ટૂ ફીટ આમિર નામથી એક વીડિયો રિલીઝ કર્યો હતો જે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

તો ફિલ્મ 'PK'ના પ્રમોશન માટે આમિરે ભોજપુરીનો સહારો લીધો હતો.

ફિલ્મના ફર્સ્ટ લુકની સાથે જ જાહેર કરાયેલા મોશન પોસ્ટરમાં આમિર ભોજપુરી બોલતા નજરે પડ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો