You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં 20 કરોડથી વધુ લોકોને ‘ટ્રમ્પ ઍલર્ટ’નો મૅસેજ આવ્યો
અમેરિકામાં 20 કરોડથી વધુ મોબાઇલ ધારકોને 'પ્રૅસિડેન્ટ ઍલર્ટ'ના નામે એક ટેસ્ટ મૅસેજ આવ્યો હતો.
અમેરિકામાં ઇમર્જન્સી દરમ્યાન લોકો સુધી સરકારનો સંદેશો પહોચાડવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. જોકે, આ સિસ્ટમનો ઉપયોગ કયારેય થયો ન હતો.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરવા માટે લોકોને આ મૅસેજ કરવામાં આવ્યા હતા.
આ મૅસેજ 'ટ્રમ્પ ઍલર્ટ'ના નામે આવ્યો હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિને આ ટ્રાયલ સાથે કઈ પણ લેવાદેવા નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ ટ્રાયલની સમગ્ર પ્રક્રિયા અમેરિકાની દેશ વ્યાપી સંસ્થા 'ફેડરલ ઇર્મજન્સી મૅનેજમૅન્ટ એજન્સી' દ્વારા કરવામાં આવી હતી.
જો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપાતકાલીન સમયમાં કોઈ પણ પ્રકારના ઍલર્ટનો સંદેશો આપે તો લોકો સુધી આ સંદેશો પહોચાડવાની જવાબદારી આ સંસ્થાની જ છે.
અમેરિકામાં આ ઍલર્ટ સેવાનો ઉપયોગ નીચે પૈકીની કોઈ પણ આફતોના સમયે કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
•મિસાઇલ હુમલો
•ઉગ્રવાદી હુમલો
•કુદરતી હોનારત
અહેવાલો અનુસાર આશરે 30 મિનિટ સુધી લોકોના મોબાઇલ ફોનમાં માત્ર આ એક જ મૅસેજ દેખાયો હતો.
લોકોના મોબાઇલ ફોનમાં ઍલર્ટની સાથે એક નોટિફિકેશન આવ્યું હતું જેમાં લખાયેલું હતું કે "આ મૅસેજ નેશનલ વાયરલેસ ઇર્મજન્સી ઍલર્ટ સિસ્ટમનો ટેસ્ટ મૅસેજ છે ગભરાવાની જરૂર નથી."
અમેરિકામાં વર્ષ 2015માં ઘડાયેલા કાયદા મુજબ આ પ્રકારનો પ્રયોગ પ્રતિ ત્રણ વર્ષે એક વાર કરવો ફરજિયાત છે.
સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જ આ પ્રકારના મૅસેજ મોકલવાનું આયોજન હતું પરંતુ 'ફ્લૉરેન્સ વાવાઝોડા'ના લીધે ઇમર્જન્સી ટેસ્ટનો આ મૅસેજ ઑક્ટોબરમાં મોકલવામાં આવ્યો હતો.
આ મૅસેજ આવતાંની સાથે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.
અમુક લોકોએ આ મૅસેજની રમૂજ કરી તો અમુક લોકો તેમને આ મૅસેજ મળ્યો ન હોવાના કારણે સરકારી સિસ્ટમ પર સવાલો કર્યા હતા.
કાયદાકીય પડકાર
આ પ્રકારના મૅસેજ ક્યારે થઈ શકે તેની મર્યાદા કૉંગ્રેસે નક્કી કરી હતી.
કૉંગ્રેસ દ્વારા નક્કી કરાયેલી મર્યાદાઓ મુજબ દેશમાં કુદરતી કે માનવીય આફત સર્જાઈ હોય ત્યારે જ રાષ્ટ્રપતિ આ પ્રકારનો ટેસ્ટ મૅસેજ કરી શકે છે.
અમેરિકામાં એક પત્રકાર, વકીલ અને ફિટનેસ ઇન્સ્ટ્રક્ટરે સાથે મળીને આ ઇર્મજન્સી સેવાને પડકારવાનું નક્કી કર્યું હતું.
તેમના મતે આ પ્રકારના ટેસ્ટ મૅસેજથી તેમના હક્કોનું રક્ષણ નથી થતું અને આ પ્રવૃતિ કાયદાનો ભંગ છે.
આ જૂથે કાયદાકીય પડકાર ફેંકતા કહ્યું છે કે આ પ્રકારના ટેસ્ટથી બાળકોનાં માનસ પર ગંભીર અસર થઈ શકે છે.
જોકે, બુધવારે ન્યૂ યોર્કની અદાલતના જજે આ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અમુક લોકોએ સોશિયલ મીડિયામાં આ ટ્રાયલ અંગે નારાજગી દર્શાવતી ફરિયાદો કરી હતી તો અમુક લોકોએ એવું પણ કહ્યું કે તેઓ આ મુદ્દે રાષ્ટ્રપતિનું મંતવ્ય જાણવા માગે છે.
સોશિયલ મીડિયા પર આ વિષયને લઈ ખૂબ જ દલીલો થઈ હતી જેમાં અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે આ સિસ્ટમનો પ્રારંભ રાષ્ટ્રપતિ બુશના અને ઓબામાના સમયમાં થયો હતો.
અગાઉ મિસાઇલ હુમલાની ખોટી ચેતવણી અને સેનેટર જ્હૉન મૅક્કેઇનનાં મૃત્યુ વિશે ખોટો સંદેશો વહેતો થયો હતો.
ત્યાર બાદ એવી દલીલોએ જોર પકડ્યું હતું કે આફતના સમયે જો આ જ સેવા પર નિર્ભર રહેવાનું હોય તો તેની સાથે જોડાયેલી ટેકનૉલૉજીનું નિયમિતપણે મૂલ્યાંકન થતું રહેવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો