You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સસ્તાં ચાર્જરથી મોબાઇલને કેટલું નુકસાન?
તમારો મોબાઇલ ફોન હવે પછી ચાર્જર સાથે લગાવો ત્યારે ખુદને સવાલ કરજો કે એ ચાર્જર સારી ક્વોલિટીનું છે કે નહીં?
મુદ્દો ચાર્જર કેટલો સમય કામ આપશે તેનો નથી. મુદ્દો એ છે કે સસ્તાં ચાર્જર તમારા મોબાઇલ ફોનને પારાવાર નુકસાન કરી શકે છે.
ઘણી વખત એવું બનતું હોય છે કે મોબાઇલની બૅટરીમાં થોડોક પાવર જ બચ્યો હોય અને કૉલ કરવા માટે ઇમરજન્સીમાં ચાર્જ કરવો જરૂરી હોય. એવી પરિસ્થિતિમાં પહેલું નજરે પડે તે ચાર્જરનો ઉપયોગ કરી શકાય.
ઘણીવાર એવું બનતું હોય છે કે ઑફિસ કે બીજી જગ્યાએ રાખવા માટે યુઝર્સ ઑરિજિનલ કરતાં સસ્તા ભાવે એકસ્ટ્રા ચાર્જર ખરીદતા હોય છે. આ સંબંધે ગંભીર વિચાર કરવો જરૂરી છે.
ખરાબ કે હલકી ક્વૉલિટીના ચાર્જરના ઉપયોગથી મોબાઇલ ફોનમાં કેવી-કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે તેની માહિતી બીબીસી ન્યૂઝે એકઠી કરી છે.
• મોબાઇલ ફોન બળી જાય
મોબાઇલ ફોન ચાર્જર એક કરન્ટ ટ્રાન્સફૉર્મર તરીકે કામ કરતું હોય છે. એ ડિવાઇસ માટે જરૂરી ઇલેક્ટ્રિકલ વૉલ્ટેજને કન્વર્ટ કરતું હોય છે.
એ કામ એક બ્લ્યુ ચીપને લીધે થતું હોય છે. E75 અને U2 તરીકે ઓળખાતી આ ચીપને આઇફોનમાં ટ્રાઇસ્ટાર કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોબાઇલ ફોન બોર્ડ્ઝ કેટલા પ્રમાણમાં પાવર મેળવી શકે તેનું નિયમન એ ચીપ કરે છે.
આઇપેડ રિહેબ બ્લોગના જેસા જોન્સના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક કરન્ટ પસાર થવાનું શરૂ થાય તે પહેલાં મોબાઇલ ફોનમાંની દરેક ચીજને E75 ચિપ સ્કેન કરે છે અને એ યોગ્ય રીતે કામ કરતી હોય તે સુનિશ્ચિત કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જો ચાર્જરમાં એ ચિપ ન હોય તો મોબાઇલ ફોન તમને એ જણાવશે કે એક્સેસરી કોમ્પેટિબલ નથી.
સવાલ એ થાય કે આપણે સસ્તા કેબલનો ઉપયોગ કરીએ ત્યારે આવો કોઈ મૅસેજ મોબાઇલમાં કેમ દેખાતો નથી?
તેનું કારણ એ છે કે ઘણી કંપનીઓ E75 ચિપમાં કપટપૂર્વક ફેરફાર કરે છે. પરિણામે ડિવાઇસને અયોગ્ય કરન્ટ મળે છે.
તમે પાવર સોર્સ કે હાઈ વૉલ્ટેજ આઉટલેટમાં ભરાવેલું ચાર્જર મોબાઇલ ફોન સાથે જોડો તે તમારો ફોન ઑવરલોડ થાય કે બળી જાય તેવું બની શકે.
• ધીમું ચાર્જિંગ
મોબાઇલ ફોન સર્કિટમાંથી પસાર થનારા વૉલ્ટેજનું નિયમન ન કરતા હોય તો ચાર્જરના ઉપયોગને કારણે લોડિંગનો સમય લાંબો થઈ શકે છે.
પાવરની અનિયમિત ફ્રિકવન્સીને લીધે ચાર્જિંગમાં, સર્ટિફાઈડ પ્રોડક્ટની સરખામણીએ લાંબો સમય લાગી શકે.
• સલામતીની સમસ્યા
કિંમત ઓછી રાખી શકાય એટલા માટે ઉત્પાદકો સસ્તા ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરતા હોય છે.
તેથી અનિયંત્રિત ઇલેક્ટ્રિસિટીના હજ્જારો વૉલ્ટ્સને કારણે ચાર્જર અને એ જેમાં ભરાવવામાં આવ્યું હોય એ આઉટલેટ પણ પીગળી જાય છે.
પાવર ઓવરલોડ થાય ત્યારે સામાન્ય રીતે ઘરની ઇલેક્ટ્રિસિટી પૅનલ્સ આપોઆપ બંધ થઈ જતી હોય છે.
તેથી ઉપરોક્ત પરિસ્થિતિમાં મોંઘો મોબાઇલ ફોન બગડવા સિવાયનું કોઈ મોટું નુકસાન થતું નથી.
• સારું ચાર્જર કેવું હોય?
મોબાઇલ ફોન ઉત્પાદકે નક્કી કરેલી કિંમત સામાન્ય રીતે અત્યંત વધારે હોય છે. એટલી જ કિંમત ચૂકવવી હંમેશાં જરૂરી હોતી નથી.
અમે એવી ભલામણ કરીએ છીએ કે તમે જે ચાર્જર ખરીદો છે એ તમારા મોબાઇલ ફોનના મૉડેલને અનુકૂળ છે તેની ખાતરી તમારે જરૂર કરવી જોઈએ.
આઇફોનની વાત કરીએ તો તેની ઘણી એક્સેસરી એપલ કંપની બનાવતી નથી.
આઇફોન માટે હેડફોન્સ અને ચાર્જર્સ જેવી એક્સેસરી અન્ય કંપનીઓ બનાવે છે, પણ તેના પર MFi લખેલું સ્ટિકર મારેલું હોય છે, જેનો અર્થ છે મેઇડ ફોર આઇફોન.
તમે જે ચાર્જરનો ઉપયોગ કરો છો એ યોગ્ય છે કે નહીં તે કઈ રીતે જાણશો? આ સવાલનો જવાબ ટેક્નૉલૉજી એક્સપર્ટ મેથ્યુ ઝિમિન્સ્કી આપે છે.
- જો પાવર લોડ ન થતો હોય તો એ ચાર્જર તમારા મોબાઇલ માટે યોગ્ય નથી.
- મોબાઇલ ફોનમાંનો બૅટરીનો આઇકોન આગળ વધે પણ ઇન્ડેક્સ ઝીરોની નજીક ન પહોંચતો હોય તો એ ચાર્જર તમારા મોબાઇલ માટે યોગ્ય નથી.
- બૅટરી ઝડપથી ખાલી થઈ જતી હોય તો એ ચાર્જર તમારા મોબાઇલ માટે યોગ્ય નથી.
- ક્યારેક મોબાઇલ ઝડપથી ચાર્જ થઈ જાય અને ક્યારેક બહુ લાંબો સમય લાગતો હોય તો એ ચાર્જર તમારા મોબાઇલ માટે યોગ્ય નથી.
- બૅટરી આઇકોન ચોક્કસ સ્તરે પહોંચે પછી ફોન બંધ થઈ જતો હોય તો એ ચાર્જર તમારા મોબાઇલ માટે યોગ્ય નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો