આ રીતે મેળવો મોબાઇલ ગેમ એડિક્શનથી છૂટકારો

ચાર વર્ષની સનાયા (બદલાવેલું નામ) સવારે બ્રશ કરવાથી લઈને નાસ્તો અને પ્લે સ્કૂલથી લઈને દરેક કામ મોબાઇલમાં કાર્ટૂન જોતાં જોતાં જ કરે છે.

જ્યારે હાથમાં બ્રશ અથવા કોળિયો ના હોય, ત્યારે સનાયા ફોનમાં 'એન્ગ્રી બર્ડ' ગેમ રમવા લાગે છે.

ફોનની સ્ક્રીન પર ગેમનું શોર્ટ કટ નથી, પરંતુ યૂટ્યૂબ પર વોઇસ સર્ચમાં એન્ગ્રી બર્ડ શોધવી ખૂબ જ સરળ છે.

ફોનમાં તેની નાની આંગળીઓ એટલી તેજ દોડે છે કે જોઈને નવાઈ લાગે. તેનાં માતાપિતા તેની આ ઝડપ જોઈને પહેલાં તો હેરાન થઈ ગયાં હતાં, પરંતુ હવે તેઓ અફસોસ કરી રહ્યાં છે.

સનાયાના માતાપિતા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. સામાન્ય રીતે તેઓ ઓફિસનું કામ ઘરે કરતી વખતે સનાયાને ફોન પકડાવી દેતા હતા જેથી સનાયા તેમને કામમાં ખલેલ ના પહોંચાડે.

પરંતુ તેમની આ આદત સનાયા માટે મુશ્કેલી બની જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું.

હવે સનાયાને ફોનની એવી આદત પડી ચૂકી છે કે તેના હાથમાંથી ફોન છીનવતા જ તે જમીન પર આળોટવા લાગે છે અને માતાપિતાનું કહેવું નથી માનતી. જિદ એવી કે અંતે માતાપિતાએ જ હાર માનવી પડે છે.

સનાયા મોબાઇલ પર એટલી નિર્ભર થઈ ચૂકી છે કે પ્લે સ્કૂલમાં ના તો કોઈ તેના મિત્રો બન્યા ના તો તેનો રમવામાં જીવ લાગતો. તે આખો દિવસ બંધ રૂમમાં મોબાઇલ પર ચોંટી રહે છે.

જોકે, સનાયાની પ્લે થેરપીથી સારવાર ચાલી રહી છે. છેલ્લા બે મહિનાથી તેની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે.

ગેમિંગ એડિક્શન એક બીમારી?

દેશ અને દુનિયામાં મોબાઇલ અને ગેમ પર લોકોની વધતી નિર્ભરતા જોઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગેમિંગ એડિક્શનને ડિસઑર્ડર જાહેર કરી માનસિક બીમારીની શ્રેણીમાં રાખ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ (ICD - 11)એ 27 વર્ષ બાદ પોતાનું મેન્યુઅલ અપડેટ કર્યું છે.

પરંતુ એવું નથી કે ગેમ રમવાની આદત માત્ર બાળકોને હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સનાયાની સારવાર કરતા ડૉક્ટર જયંતી દત્તા મુજબ વયસ્કોમાં પણ આ બીમારી જોવા મળે છે.

તેમનું કહેવું છે કે ઘણી ઓફિસોમાં પણ એન્ગ્રી બર્ડ, ટૅમ્પલ રન, કૅન્ડી ક્રશ, કોન્ટ્રા જેવી ગેમના ચાહકો જોવા મળશે.

ડૉક્ટર જયંતી દત્તા એક મનોવિજ્ઞાનિક છે. તેમના અનુસાર લોકો સમય વિતાવવા માટે ગેમ રમવા લાગે છે. પરંતુ એ આદત ક્યારે બની જાય એની જાણ રહેતી નથી.

ગેમિંગ ડિસઑર્ડર શું છે?

WHOની યાદી અંતર્ગત આ આદત ડિજિટલ અને વીડિયો ગેમ બંને હોઈ શકે છે.

WHO મુજબ આ બીમારીના શિકાર લોકો તેમના અંગત જીવન કરતાં ગેમને વધુ મહત્ત્વ આપે છે. આના કારણે કામ પર પણ અસર પડે છે.

પરંતુ કોઈપણ વ્યક્તિને આ આદત હોય તો તેમને બીમારી ના કહી શકાય.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ કોઈ વ્યક્તિ બીમાર છે કે નહીં તે જાણવા તેમની વર્ષભરના ગેમિંગ પેટર્નને જોવાની જરૂર પડે છે.

જો ગેમ રમવાથી તેમના અંગત પારિવારિક અથવા સામાજિક જીવનમાં, અભ્યાસમાં, નોકરી પર ખરાબ અસર પડે તો તેમને બીમાર માનવામાં આવે છે.

દિલ્હીના એમ્સમાં બિહેવિયરલ એડિક્શન સેન્ટર છે. વર્ષ 2016માં તેની શરૂઆત થઈ હતી. સેન્ટરના ડૉક્ટર યતનપાલ સિંહ બલહારા મુજબ બે વર્ષમાં દેશમાં દર્દીઓની સંખ્યા વધી છે.

ડૉક્ટર બલહારા મનોચિકિત્સક છે. તેમના મુજબ દર સપ્તાહે ગેમિંગ એડિક્શનના પાંચ થી સાત દર્દીઓ તેમની પાસે આવે છે અને મહિનામાં આ સંખ્યા 30 જેટલી રહે છે.

દરેક ગેમ રમનાર બીમાર છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ મુજબ મોબાઇલ અથવા ગેમ રમનાર બહુ ઓછા લોકોમાં આ આદત બીમારીનું રૂપ ધારણ કરે છે. જો તમે તમારા બધા કામ પતાવીને ગેમ રમો છો તો તે બીમારી નથી.

આ સવાલના જવાબમાં ડૉક્ટર બલહારા કહે છે કે એવી કોઈ ફોર્મ્યૂલા નથી. દિવસમાં ચાર-પાંચ કલાક ગેમ રમનાર પણ બીમાર હોઈ શકે છે અને દિવસમાં 12 કલાક ગેમ રમનાર સ્વસ્થ પણ હોઈ શકે છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમની પાસે એક કેસ છે જેમાં બાળક દિવસમાં માત્ર 4 કલાક ગેમ રમે છે, પરંતુ તે બીમાર છે.

ડૉક્ટર સિંહ કહે છે, "24 કલાકમાંથી 4 કલાક ગેમ રમવી વધુ ના કહેવાય, પરંતુ તે બાળક એટલા માટે બીમાર હતું કારણ કે તે સ્કૂલ અને ટ્યૂશનમાં જતું હતું. ત્યાંથી પરત આવ્યા બાદ તે બાળક ના તો માતાપિતા સાથે વાત કરતું ના તો અભ્યાસ. તેણે જમવાનું અને સૂવાનું પણ છોડી દીધું હતું."

ડૉક્ટર સિંહ ઉમેરે છે, "એક વ્યક્તિ ગેમ બનાવે છે અને ટેસ્ટિંગ કરે છે, પરંતુ તેને બીમાર ના કહી શકાય. કારણ કે એ તેમનું કામ છે અને તેની પર તેમનું નિયંત્રણ પણ હોય છે."

ગેમિંગની બીમારીનો ઉપાય

આ એક એવી બીમારી છે જેમાં મનોવિજ્ઞાનિક અને મનોચિકિત્સક બંનેની મદદ લેવી પડે છે. ઘણાં જાણકારો માને છે કે બંને એક સમયે કામ કરે તો દર્દીમાં જલદી અસર જોવા મળે છે.

પરંતુ મનોવિજ્ઞાનિક ડૉક્ટર જયંતી આ વાતને સમર્થન નથી આપતા. તેમના મુજબ ઘણા કિસ્સામાં સાઇકો થેરપી કારગર સાબિત થાય છે. ઘણાં કિસ્સામાં કૉગ્નીટિવ થેરપીનો ઉપયોગ કરવામાં આવે છે.

બાળકોમાં પ્લે થેરપીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું દર્દીની બીમારીના સ્તર પર નક્કી કરવામાં આવે છે.

ડૉક્ટર બલહારા મુજબ હાલના દિવસોમાં ત્રણ પ્રકારનાં એડિક્શન વધુ પ્રચલિત છે. ગેમિંગ, ઇન્ટરનેટ અને ગેમ્બલિંગ.

દિલ્હીના એમ્સમાં ત્રણ પ્રકારના એડિક્શનનો ઇલાજ થાય છે. આ ક્લિનિક દરરોજ સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ચાલે છે. ડૉક્ટર દરરોજ પાંચથી સાત દર્દીઓને જુએ છે.

દર્દીઓમાં મોટાભાગે યુવકો અથવા પુરુષો હોય છે. પરંતુ એવું નથી કે યુવતીઓમાં આ એડિક્શન નથી. આજકાલ યુવતીઓ અને મહિલાઓમાં પણ આ એડિક્શન જોવા મળે છે.

તેમના મુજબ, "ક્યારેક થેરપીથી કામ ચાલી જાય છે તો ક્યારેક દવા. ક્યારેક બંને કરવા પડે છે."

સામાન્ય રીતે થેરપી માટે મનોવિજ્ઞાનિક પાસે જવું પડે છે અને દવાઓ માટે મનોચિકિત્સક પાસે.

WHOના આંકડા મુજબ લગભગ 10માંથી એક દર્દીને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે.

સામાન્ય રીતે 6-8 અઠવાડિયાઓમાં ગેમિંગ એડિક્શન છૂટી જાય છે.

તો હવે બાળકોને હાથમાં મોબાઇલ આપતી વખતે અથવા તો ગેમ રમતા પહેલાં એક વખત વિચાર જરૂર કરજો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો